મુન્દ્રા પોર્ટ પર સપ્ટેમ્બર 2021માં પકડાયેલા 2988.210 કિલોગ્રામ હેરોઇનના કેસમાં નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ)એ સોમવારે બીજી પૂરક ચાર્જશીટ ફાઇલ કરી હતી. ચાર્જશીટમાં જણાવવામાં આવ્યું છે કે હેરોઇનનો આ જથ્થો અફઘાનિસ્તાનથી વાયા ઈરાનના અબ્બાસ બંદર થઈ ગુજરાતમાં ઘુસાડાયો હતો. શરૂઆતમાં ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆરઆઈ)ની ગાંધીધામ ટીમે આ મામલે કેસ નોંધ્યા બાદ 6 ઓક્ટોબર 2021ના રોજ એનઆઈએએ ફરી કેસ દાખલ કર્યો હતો.
14 માર્ચ 2022ના રોજ એનઆઈએએ 16 આરોપી સામે ચાર્જશીટ દાખલ કર્યા બાદ ગત 29 ઓગસ્ટે 9 આરોપી સામે પૂરક ચાર્જશીટ દાખલ કરી હતી. એનઆઈએએ સોમવારે અમદાવાદમાં એક સ્પેશિયલ કોર્ટમાં પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર સ્થિત ઓપરેટિવ મોહમ્મદ ઇકબાલ અવાન, દુબઈના વિત્યેશ કોસર ઉર્ફે રાજુ દુબઈ અને દિલ્હીના હરપ્રીતસિંહ સહિત 22 આરોપી અને કંપનીઓ વિરુદ્ધ પોતાની બીજી પૂરક ચાર્જશીટ દાખલ કરી હતી.
એનઆઈએએ ચાર્જશીટમાં કહ્યું છે કે અફઘાનિસ્તાથી ભારતમાં આંતરરાષ્ટ્રીય વેપાર માર્ગના માધ્યમથી ગેરકાયદે હેરોઇનના જથ્થાની તસ્કરી એ એક સંગઠિત ગુનાઇત કાવતરું હોવાનું વધુ તપાસમાં જાણવા મળ્યું છે. તપાસમાં એવું પણ જાણવા મળ્યું છે કે હેરોઇનના વેચાણથી મળનારા રૂપિયા લશ્કર-એ-તૈયબાના ઓપરેટિવ્સને ભારતમાં આતંકવાદી પ્રવૃત્તિઓ કરવા માટે આપવામાં આવે છે.
એનઆઈએએ કહ્યું હતું કે દિલ્હીની નાઇટ ક્લબોનો માલિક અને મુખ્ય આરોપી હરપ્રીત સિંહ ઉર્ફે કબીર તલવાર ભારતમાં હેરોઇનની તસ્કરી માટે કોમર્શિયલ ટ્રેડ રૂટનો ઉપયોગ કરવા માટે દુબઈ ગયો હતો. તે દિલ્હીમાં ક્લબ્સ, રિટેલ શોરૂમ અને ઇમ્પોર્ટ ફર્મ્સ જેવા ઘણા વેપાર-ધંધા કરે છે. તેણે આ કંપનીઓ તેના કર્મચારીઓ, સંબંધીઓ અને મિત્રોના નામે ખોલી છે, જેનું સંચાલન તે એકલો કરે છે. આ કંપનીઓનો ઉપયોગ તે નશીલા પદાર્થો, પ્રતિબંધિત વસ્તુઓની તસ્કરી માટે કરે છે. તેની આવી ડઝનો કંપનીઓની ઓળખ કરી તપાસ કરવામાં આવી છે, જેમાંની એક મેસર્સ મેગન્ટ ઇન્ડિયા છે, જેનું નામ ચાર્જશીટમાં છે. આ કંપની દ્વારા તે અફઘાનિસ્તાનથી સેમી પ્રોસેસ્ડ ટેલ્ક સ્ટોન ભારત આયાત કરવાની આડમાં હેરોઇન ઘુસાડતો હતો.
દિલ્હીના વેરહાઉસમાં સંગ્રહ
મુન્દ્રા અને કોલકાતા બંદર પર હેરોઈનના કન્સાઈન્મેન્ટની આયાત અને દિલ્હીના વિવિધ વેરહાઉસમાં એના સંગ્રહ માટે વિદેશસ્થિત નાર્કો માફિયા દ્વારા એક નેટવર્ક ચાલે છે. આ હેરોઈનના વેચાણથી મળેલું ભંડોળ ભારતમાં આતંકવાદી પ્રવૃત્તિઓને આગળ વધારવા માટે લશ્કર એ તોઇબાના ઓપરેટિવ્સને પૂરું પાડવામાં આવતું હતું.
શૅલ કંપનીઓ દ્વારા આયાતના નામે હેરાફેરી
આરોપીઓ દ્વારા અફઘાનિસ્તાનથી ભારતમાં આંતરરાષ્ટ્રીય વેપાર માર્ગો દ્વારા હેરોઈનના ગેરકાયદે કન્સાઇન્મેન્ટની દાણચોરી કરવાનું સંગઠિત ગુનાહિત કાવતરું ઘડવામાં આવ્યું હતું. આ પ્રકરણમાં દાણચોરીનાં જોડાણોની તપાસ કરતી વખતે ડ્રગ ભરેલા કન્સાઇન્મેન્ટની આયાત, સુવિધા અને પરિવહનમાં સામેલ ઓપરેટિવ્સનું સારી રીતે નેટવર્ક બહાર આવ્યું છે. એવું પણ બહાર આવ્યું છે કે ભારતમાં ઊભી કરાયેલી અનેક નકલી/શેલ ઈમ્પોર્ટ પ્રોપ્રાઈટરશિપ કંપનીઓ દ્વારા કન્સાઈન્મેન્ટ્સની આયાત કરવામાં આવી હતી. 2021ની 13 સપ્ટેમ્બરે મુન્દ્રામાં ડ્રગ્સ પકડાયું હતું.
અફઘાનિસ્તાનથી નીકળેલું ડ્રગ્સ ગુજરાત કેવી રીતે પહોંચે છે?
અફઘાનિસ્તાનથી ડ્રગ્સ સપ્લાય થાય
ગુજરાતમાં ઘુસાડાતું તમામ ડ્રગ્ઝ અફઘાનિસ્તાનથી આવે છે, કારણ કે એકલા અફઘાનિસ્તાનમાં દુનિયાના 80 ટકાથી વધુ હેરોઈનનું ઉત્પાદન થાય છે. અહીંના 34 પૈકી 22 પ્રાંતમાં અફીણની ખેતી થાય છે. અહીં અફીણમાંથી હેરોઈન બનાવવાનાં કારખાનાં ધમધમે છે. આ કારખાનાંમાં ટેલ્કમ પાઉડર બનાવવાના પથ્થરના ટુકડા રૂપે હેરોઈન સપ્લાય થાય છે. આ કારખાનાઓમાં તૈયાર થતું ડ્રગ્સ રોડ માર્ગે પાકિસ્તાન અને ઈરાન મોકલવામાં આવે છે.
વાયા પાકિસ્તાન અને ઈરાનથી ગુજરાત પહોંચે
આ ડ્રગ્સ પાકિસ્તાનના કરાચી અને ગ્વાદર તથા ઈરાનના ચાબહાર પોર્ટ સુધી પહોંચે છે. આ દરેક પોર્ટ ડ્રગ્સની હેરાફેરી માટે કુખ્યાત છે. ડ્રગ્સ-પેડલર માટે અહીંથી ગુજરાતનો સી કોરિડોર સોફ્ટ સ્મગ્લિંગ રૂટ સાબિત થાય છે. કન્સાઈન્મેન્ટ રૂપે આ ડ્રગ્સ શિપમાં ટ્રાન્સપોર્ટ થાય છે. અહીંથી શિપ મારફત પેડલર આ ડ્રગ્સ સાથે રવાના થાય છે. આ શિપ ગુજરાતના દરિયાકાંઠાથી અંદાજે 250 કિમી દૂર ઊભા રહી જાય છે. આ ડ્રગ્સને રિસીવ કરવા માટે લોકલ પેડલર આ શિપ સુધી પહોંચે છે. આ ડ્રગ્સ શિપમાંથી નાની બોટમાં ટ્રાન્સફર કરવામાં આવે છે. અને આ જ રીતે આ ડ્રગ્સ નાની બોટ મારફત કચ્છના મુંદ્રા, જખૌ ને માંડવી અથવા તો દ્વારકાના સલાયા તથા ઓખા બંદર સુધી પહોંચે છે. બંદર પર પહોંચ્યા બાદ આ ડ્રગ્સ ટ્રક કે અન્ય કોઈ વાહન મારફત જુદી જુદી જગ્યાએ સપ્લાય થવાનું શરૂ થાય છે. ગુજરાતમાંથી આ ડ્રગ્સ છેક પંજાબ અને દિલ્હી સહિતના ઉત્તર ભારતનાં રાજ્યોમાં પણ પહોંચાડાય છે.
ગત વર્ષે ઓક્ટોબરમાં પાકિસ્તાનના મધદરિયેથી ડિલિવરી લઈ દ્વારકામાં છુપાવ્યું
આરોપીઓ બોટ લઈ સરહદેથી ડિલિવરી લે છે. પાકિસ્તાનથી દરિયાઈ માર્ગે હેરોઇન ડ્રગ્સ ગત વર્ષે ઓક્ટોબર મહિનાના છેલ્લા અઠવાડિયામાં પાકિસ્તાનના મધદરિયેથી ડિલિવરી લઈ દ્વારકામાં છુપાવ્યું હતું. એ બાદ મોરબી ઝીંઝુડા ગામના એક મકાનમાં છુપાવ્યું હતું. 120 કિલો હેરોઇન પકડાયું હતું, જેની આંતરરાષ્ટ્રીય કિંમત રૂ. 600 કરોડની કિંમત થાય છે. દેશમાં ડ્રગ્સ ઘુસાડવા માટે પાકિસ્તાની ડ્રગ્સ માફિયાઓએ ગુજરાતની દરિયાઈ સીમાનો ઉપયોગ શરૂ કર્યો છે. જોકે એજન્સીઓ સતર્ક હોવાથી ડ્રગ્સ ઝડપાઈ જાય છે.
ગુજરાત ડ્રગ્સનો સિલ્ક રૂટ કેવી રીતે બન્યું?
સામાન્ય રીતે ગુજરાત એટલે શાંતિપ્રિય, ગુનારહિત લોકોનું સ્થળ ગણાય છે, પરંતુ આજે આ ગુજરાત માત્ર ભારત જ નહીં, પરંતુ પૂર્વ અને ઉત્તર એશિયાના દેશોમાં ડ્રગ્સના કાળા કારોબારનો સિલ્કરૂટ બની ગયું છે. વર્ષ 2019માં શ્રીલંકામાં ડ્રગ્સ ગુનામાં ચાર આરોપીને ફાંસીની સજા આપવામાં આવી. શ્રીલંકામાં 43 વર્ષ બાદ ડ્રગ્સના તસ્કરોને ફાંસી મળતાં આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ કાર્ટેલ હચમચી ગઈ અને તેણે અલગ રૂટ તરફ નજર દોડાવી. આમાં તેની નજર ગુજરાત પર પડી... અને ત્યારથી અફઘાનિસ્તાન અને પાકિસ્તાનથી આવતા ડ્રગ્સના મધ્ય, ઉત્તર તથા પૂર્વ એશિયાના દેશોમાં જમીન માર્ગે હેરફેર માટે ગુજરાત એપી સેન્ટર બની ગયું.
ગુજરાતમાં ડ્રગ્સ લેનારાની સંખ્યા ઓછી, પણ કારોબારીઓ વધી ગયા
વિદેશોમાંથી હેરોઇન અને ઇન્ટરનેશનલ ડ્રગ્સ ગુજરાતમાં મોટા પાયે આવી રહ્યાં છે. જોકે, આમાંનો બહુ ઓછો જથ્થો ગુજરાત માટે આવે છે, કારણ કે રાજ્યમાં હજી ડ્રગ્સ લેનારા લોકોની સંખ્યા ઓછી છે. જેથી તપાસમાં એજન્સીઓને જાણવા મળ્યું કે ગુજરાત ડ્રગ્સનું બફર સ્ટેટ બન્યું છે. અહીંથી ડ્રગ્સના મોટા કન્સાઈન્મેન્ટને 1 કિલો કે નાના જથ્થાના પેકેટમાં વિભાજિત (એક પ્રકારે કટિંગ) કરાય છે. ત્યાર બાદ એ બાય રોડ અન્ય રાજ્યમાં મોકલાય છે અને સહેલાઈથી બોર્ડર પાર કરી એને બર્મા, લાઓસ, ઉઝબેકિસ્તાન તેમજ યુરોપ અને ઓસ્ટ્રેલિયા સુધી આગળ મોકલાય છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.