અમદાવાદના પાથરણાવાળાએ એમ.ડી. ડ્રગ્સ વેચવાનો કારોબાર શરૂ કર્યો તેની પાછળ શહેરના મોટા ડીલરોનાં નામ ખૂલવા લાગ્યાં છે. શહેરના સેટેલાઇટ, વસ્ત્રાપુર અને એસપી રિંગ રોડ પાસે રહેતા ધનાઢ્ય પરિવારના નબીરાઓ પેડલર પાસે ડ્રગ્સ લેવા લાઈન લગાવતા હોવાનું ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં ખુલ્યું છે. પટવા વિસ્તારના ડ્રગ્સ પેડલર અલ્તાફ શેખ પાસે સેટેલાઈટ-નેહરુનગરથી યુવક-યુવતીઓ ડ્રગ્સ લેવા લક્ઝરી કારમાં આવતા હતા. અલ્તાફના મોબાઈલ ફોનમાંથી ડ્રગ્સનું સેવન કરતા યુવક-યુવતીઓના નંબર મેળવીને તેમના પરિવારનો પોલીસ સંપર્ક કરશે.
ડ્રગ્સ લેતા નબીરાઓની યાદી તૈયાર કરવામાં આવી
તપાસ દરમિયાન પટવા શેરીના તૌસીફ નામના ડ્રગ્સ-ડીલરનું નામ પણ ક્રાઈમ બ્રાન્ચે ખોલી નાખ્યું છે. હવે આ ધનાઢ્ય પરિવારના બાળકોએ ડ્રગ્સ લીધું હતું તેની જાણ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ફોન કરીને તમને જણાવશે અને તેમના બગડેલ અને વન્ઠેલ બાળકોની કરમકુંડળી જણાવશે. આ અંગે ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ પી.બી. દેસાઈએ દિવ્યભાસ્કરને જણાવ્યું હતું કે અમે રિસિવરની યાદી તૈયાર કરી અને તેમના પરિવારને બાળકો ડ્રગ લેતા હતા તે અંગેની જાણ કરીશું.
23.240 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે અલતાફ પકડાયો
ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે કારંજ જીપીઓ રોડ ઉપર સ્પેક્ટ્રમ કોમ્પલેક્સ સામે અલ્તાફ ઈકબાલભાઈ શેખ (ઉં.વ. 30, રહે. મૌદીનની ચાલી, પટવા શેરી, કારંજ)ને 23.240 ગ્રામ મેફેડ્રોન એટલે કે એમ.ડી. ડ્રગ્સ સાથે પકડી પાડ્યો હતો. 2.32 લાખની કિંમતના ડ્રગ્સ ઉપરાંત પ્લાસ્ટિકની 7 ઝીપર થેલી, ડીજીટલ પોકેટ વજનકાંટો અને એક ટૂ વ્હીલર મળી 2.95 લાખનો મુદ્દામાલ કબજે કરાયો છે.
ડ્રગ્સની એક ગ્રામની પડીકી 2000થી 2200 રૂપિયામાં વેચતો
અલ્તાફે પોલીસને એવી કેફીયત આપી છે કે, પાલિકા બજાર પાસે બૂટ-ચપ્પલનો પથારો રાખી વેપાર કરતો હતો. છ મહિનાથી બૂટ-ચપ્પલનો પથારો બંધ થઈ ગયો હોવાથી અલ્તાફે ચોરી છૂપીથી એમ.ડી. ડ્રગ્સનો વેપાર શરૂ કર્યો છે. ત્રણેક મહિનાથી દરિયાપુર ચારવાડ, માઢના મહોલ્લામાં રહેતા તૌસીફ શેખ પાસેથી ડ્રગ્સનો જથ્થો મેળવી કમિશનથી વેચતો હતો. તૌસીફ પાસેથી 1600થી 1800 રૂપિયામાં મળતી મેફેડ્રોન એટલે કે એમ.ડી. ડ્રગ્સની એક ગ્રામની પડીકી 2000થી 2200 રૂપિયામાં અલ્તાફ વેચતો હતો.
ડ્રગ્સ લઈ જવા માટે આશ્રમ રોડ કે કારંજ વિસ્તારની ગલીઓમાં બોલાવતો
સેટેલાઈટ અને નહેરૂનગર વિસ્તારમાંથી 15-20 યુવકો અલ્તાફના ગ્રાહકો હતાં. નિશ્ચિત ગ્રાહકો ફોન કરે તો જ અલ્તાફ તેમને ડ્રગ્સ લઈ જવા માટે આશ્રમ રોડ કે કારંજ વિસ્તારની ગલીઓમાં બોલાવતો હતો. પોલીસને એવી વિગતો મળી છે કે, અમુક બાંધેલા ગ્રાહકો થકી અન્ય લોકોને પણ ડ્રગ્સ વેચવામાં આવતું હતું. અલ્તાફને ડ્રગ્સ વેચનાર તૌસીફ શેખને ઝડપી લેવા ક્રાઈમ બ્રાન્ચે ચક્રો ગતિમાન કર્યાં છે.
સાદા પાનમસાલામાં મિશ્રણ કરીને ખાવાનો ટ્રેન્ડ
ફોનથી ગ્રાહકો સંપર્ક કરતાં નેહરૂનગર આસપાસના વિસ્તારમાંથી આવતા 15-20 ગ્રાહકો એમ ડી ડ્રગ્સનું કેવી રીતે સેવન કરતાં તેની વિગતો પણ પોલીસે મેળવી છે. સાદા પાનમસાલામાં મિશ્રણ કરીને ખાવાનો ટ્રેન્ડ અમદાવાદના યુવકાનોમાં જોવા મળ્યો છે. સેટેલાઈટ અને નેહરુનગર વિસ્તારમાંથી 15-20 યુવકો અલ્તાફના ગ્રાહકો હતાં. હવે, અલ્તાફના મોબાઈલ ફોનમાંથી ડ્રગ્સનું સેવન કરતા યુવકોના નંબર મેળવીને તેમના પરિવારનો સંપર્ક પોલીસ કરશે. આ યુવકોને ડ્રગ્સની ચૂંગાલમાંથી મુક્ત કરાવવા માટે આવશ્યક કેનવાસિંગ કરવા તેમના પરિવારજનોને જાણ કરવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.