કોંગ્રેસનો આક્ષેપ:ગુજરાતમાં ઓક્સિજનની અછત માટે ડ્રગ્સ એન્ડ ફૂડ વિભાગ જવાબદાર, DCGIએ ચેતવણી આપી હતી પરંતુ કોઈ કાર્યવાહી ન થઈ

અમદાવાદ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
કોંગ્રેસ પ્રવક્તા મનિષ દોશી ( ફાઈલ ફોટો) - Divya Bhaskar
કોંગ્રેસ પ્રવક્તા મનિષ દોશી ( ફાઈલ ફોટો)
  • DCGIએ પત્ર લખીને રાજ્યો ને ઇન્ડસ્ટ્રીયલ ઓક્સિજનની જેમ દર્દીઓ માટે ઓક્સિજનની તમામ વ્યવસ્થા કરવા જણાવ્યું હતું.

ગુજરાતમાં કોરોનાના સંક્રમણના હવે ગંભીર પરીણામો સામે આવી રહ્યાં છે. દર્દીઓને હોસ્પિટલમાં સારવાર માટે બેડ, વેન્ટિલેટર અને રેમડેસિવિર ઈન્જેક્શન પણ મળતાં નથી. તેની સાથે હવે ઓક્સિજનની પણ અછત સર્જાઈ છે. ત્યારે કોંગ્રેસે રાજ્યમાં ઓક્સિજન અને આરોગ્યની સ્થિતિ અંગે આક્ષેપ કર્યો છે. કોંગ્રેસે આક્ષેપ કરતાં કહ્યું હતું કે એક વર્ષ પહેલા ડ્રગ કન્ટ્રોલર ઓફ ઇન્ડિયાના ડ્રગ કન્ટ્રોલર ડૉ.વી.જી.સોમાણીએ પત્ર લખ્યો હતો. જેમાં તમામ રાજ્યોને ઇન્ડસ્ટ્રીયલ ઓક્સિજનની જેમ દર્દીઓ માટે ઓક્સિજનની વ્યવસ્થા કરવા માટે કહ્યું હતું.

3 દિવસમાં ઓક્સિજનના અભાવે 66 લોકોના મોત
કોંગ્રેસના પ્રવક્તા ડો. મનિષ દોશીએ કહ્યું હતું કે ઓક્સિજનના પ્લાન્ટ માટે નવા લાઈસન્સની મંજુરી આપવા માટે પણ કહ્યું હતું. ડ્રગ કન્ટ્રોલર ઓફ ઇન્ડિયાએ મહામારીમાં ચેતવણી આપી હતી પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. ઓક્સિજનના અભાવે અનેક લોકોના જીવ ગયાં તેના માટે હવે જવાબદાર કોણ? રાજ્યમાં ઓક્સિજનની અછત માટે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ જ જવાબદાર છે. રાજ્યમાં છેલ્લા 3 દિવસમાં ઓક્સિજનના અભાવે 66 લોકોના મોત થયાં છે.

ઓક્સિજનના અભાવે લોકોના મોત થઈ રહ્યાં છે
ઓક્સિજનના અભાવે લોકોના મોત થઈ રહ્યાં છે

ઓક્સિજનની અછત સરકારની ગંભીર બેદરકારી
2020ની પાર્લામેન્ટની સ્ટેન્ડિંગ કમિટીએ દેશની રાજ્ય સરકારોને ઓક્સિજન અંગે ધ્યાન દોર્યું હતું. હવે પરિસ્થિતિ એવી સર્જાઈ છે કે દર્દીઓને ભગવાન ભરોસે હોસ્પિટલમાં બેડ મળી પણ જાય તો હોસ્પિટલમાં તેમની સારવાર માટે ઓક્સિજન નથી. કમિટીએ ઔદ્યોગિક એકમો સિવાય મેડિકલ ઓક્સિજનનો જથ્થો રિઝર્વ રાખવા માટે કહ્યું હતું. પરંતુ ઔદ્યોગિક એકમ માટે ઓક્સિજન તૈયાર કરનારને સરકારે મંજુરી પણ નહોતી આપી. સરકારની પોલીસીને કારણે આજે હોસ્પિટલોમાં દર્દીઓને ઓક્સિજન નથી મળી રહ્યો.

ઔદ્યોગિક ગેસ એકમોના 10 જેટલા પ્લાન્ટ
મનિષ દોશીએ કહ્યું હતું કે ગુજરાતમાં ઔદ્યોગિક ગેસ એકમોના 10 જેટલા પ્લાન્ટ છે છતાંય ઓક્સિજનની અછત સર્જાઈ છે. ઓક્સિજનની અછત ઉભી થઈ તેમાં સરકારની ગંભીર બેદરકારી છે. આજની પરિસ્થિતિમાં રાજ્યમાં 4 લાખથી વધુ કેસો ધરાવતા રાજ્યોમાં ગુજરાત દેશમાં ત્રીજા નંબરનું રાજ્ય છે. રાજ્યમાં શહેરી અને ગ્રામ્ય બંને વિસ્તારોમાં કફોડી સ્થિતિનું નિર્માણ થયું છે.

દર્દીઓને હોસ્પિટલમાં બેડ મળી જાય પણ ઓક્સિજન નથી મળતો
દર્દીઓને હોસ્પિટલમાં બેડ મળી જાય પણ ઓક્સિજન નથી મળતો

56 દિવસમાં રિકવરી રેટ 22.11 ટકા ઘટ્યો
ગુજરાતમાં કોરોનાના કેસ દિન-પ્રતિદિન વધી રહ્યા છે, એની સામે રિકવરી રેટ પણ ઘટી રહ્યો છે. 31 માર્ચના રોજ ગુજરાતમાં રિકવરી રેટ 94.43 ટકા સુધી પહોંચી ગયો હતો. સમગ્ર માર્ચ મહિનામાં પણ રિકવરી રેટ વધ્યો હતો, પરંતુ 28 ફેબ્રુઆરીના રોજ તો ગુજરાતમાં કોરોનાનો રિકવરી રેટ છેક 97.49 ટકા સુધી પહોંચી ગયો હતો, ત્યાર બાદ માર્ચના 31 દિવસ અને એપ્રિલના 25 દિવસ મળી 56 દિવસમાં આ રિકવરી રેટ ઘટીને 76.38 ટકા સુધી આવી ગયો છે, એટલે કે 56 દિવસમાં કોરોનાના દર્દી સાજા થવાનો રેટ 22.11 ટકા ઘટી ગયો છે.

અન્ય સમાચારો પણ છે...