MD ડ્રગ્સ ઝડપાયું:અમદાવાદમાં ડ્રગ્સનો કારોબાર, વોટ્સએપ કોલ મારફતે MD ડ્રગ્સ મંગાવનાર બે શખ્સની ધરપકડ

અમદાવાદ6 મહિનો પહેલા
ડ્રગ્સ સાથે પકડાયેલા આરોપીઓની તસવીર
  • અમદાવાદમાં વિશાલા સર્કલ પાસેથી MD ડ્રગ્સ સાથે જતા બે શખ્સને ક્રાઈમ બ્રાન્ચે ઝડપ્યા.

શહેરમાં MD ડ્રગ્સનું વેચાણ ફરી શરૂ થયું છે. જુહાપુરા વિસ્તારમાં રહેતો શખ્સ તેના મિત્ર સાથે મળી MD ડ્રગ્સનું વેચાણ કરતા હોવાની બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચે વિશાલા સર્કલ પાસેથી બંનેને ઝડપી 54 ગ્રામ જેટલું MD ડ્રગ્સ કબ્જે કર્યું છે. ફતેહવાડીના અતિક મંડલી નામના શખ્સ પાસેથી બંને ડ્રગ્સ ખરીદતા હતા. વોટ્સએપ કોલ કરી અતિક પાસેથી તેઓએ ડ્રગ્સ મંગાવ્યું હતું, જે લઈને આવતા ઝડપાયા હતા. ક્રાઈમ બ્રાન્ચે બંનેની ધરપકડ કરી વધુ પૂછપરછ શરૂ કરી છે.

આરોપીઓ પાસેથી જપ્ત કરાયેલ મુદ્દામાલની તસવીર
આરોપીઓ પાસેથી જપ્ત કરાયેલ મુદ્દામાલની તસવીર

વોટ્સએપ કોલથી ડ્રગ્સ મગાવ્યું હતું
ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે, જુહાપુરામ રહેતો મહંમદ સુલતાન શેખ અને કાલુપુરનો મુસ્તકિમ શેખ ભાગીદારીમાં ડ્રગ્સનો ધંધો કરે છે. ફતેહવાડીના અતિક મંડલી નામના શખ્સ પાસેથી તેઓ ડ્રગ્સ ખરીદે છે. બંને જુહાપુરાથી વિશાલા સર્કલ પાસે ડ્રગ્સ સાથે આવવાના છે જેથી ટીમે ત્યાં વોચ ગોઠવી હતી. સ્કૂટર પર બંને આરોપીઓ આવતા પોલીસે તેમને રોકી અને તપાસ કરતા ખિસ્સામાં રહેલી થેલીમાંથી સફેદ કલરનો પાવડર મળી આવ્યો હતો. FSL અધિકારીને બોલાવી અને તપાસ કરતા MD ડ્રગ્સ હોવાની પુષ્ટી થઈ હતી. જેથી બંનેની પૂછપરછ કરતા તેઓને વેચવા માટે ડ્રગ્સ જોઈતું હોવાથી અતિકને વોટ્સએપ પર કોલ કરી અને ડ્રગ્સ મંગાવ્યું હતું. સોનુ નામનો માણસ ડ્રગ્સ આપી ગયો હતો. પોલીસે તેઓની વધુ પૂછપરછ શરૂ કરી છે.

ક્રાઈમ બ્રાન્ચ ઓફિસની ફાઈલ તસવીર
ક્રાઈમ બ્રાન્ચ ઓફિસની ફાઈલ તસવીર

NCBએ 2.99 લાખનું ડ્રગ્સ પકડ્યું હતું
નોંધનીય છે કે, અમદાવાદ NCBએ એપ્રિલ મહિનામાં જ કરજણ ટોલનાકા પર વોચ ગોઠવીને મુંબઇ તરફથી આવતી કારમાંથી 2.99 લાખની કિંમતના 99 ગ્રામ MD ડ્રગ્સ સાથે એક શખસની ધરપકડ કરી હતી. અમદાવાદ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો(NCB)ને બાતમી મળી હતી કે, મુંબઇથી એક શખસ ડ્રગ્સના જથ્થા સાથે વડોદરા તરફ આવી રહ્યો છે. જેને આધારે એનસીબીની ટીમે ગુરૂવારે રાત્રે કરજણ ટોલનાકા ઉપર વોચ ગોઠવી હતી. આ સમયે મુંબઈ તરફથી આવી રહેલી એક ઇનોવા કારને એનસીબીના અધિકારીઓએ રોકી હતી અને કારમાં સવાર અમદાવાદના ખાડીયા વિસ્તારમાં રહેતા અસલમ અખ્તરખાન પઠાણના સામાનની તલાશી લેતા તેની પાસેથી 99 ગ્રામ MD ડ્રગ્સની પડીકીઓ મળી આવી હતી. જેની કિંમત 2.99 લાખ રૂપિયા થાય છે.

ગુજરાત ATSએ ત્રણ મહિના પહેલા 16.30 લાખનું MD ડ્રગ્સ ઝડપ્યું હતું
બે મહિના પહેલા ગુજરાત ATS અને વડોદરા SOGના સંયુક્ત ઓપરેશનમાં વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારમાંથી 16.30 લાખ રૂપિયાની કિંમતનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું અને ડ્રગ્સ સાથે બે આરોપીની ધરપકડ કરી હતી. જેમાં અમાન મોહમદહનિફ શેખ(ઉ.20), (રહે, 19, આઝાદનગર, વોટર પંપ પાસે, ઇન્દોર, મધ્યપ્રદેશ) અને મોહમદરીઝવાન મોહમદરસીદ ખાન(ઉ.19), (રહે, 3, આઝાદનગર, વોટર પંપ પાસે, ઇન્દોર, મધ્યપ્રદેશ) મળી આવ્યા હતા. પોલીસે બંને પાસેથી 16.30 લાખ રૂપિયાની કિંમતનું 163 ગ્રામ MD/મેફેડ્રોન ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું અને એનડીપીએસનો ગુનો નોંધીને બંને આરોપીની ધરપકડ કરી હતી.