અમદાવાદ સહિત કેટલાક શહેરોમાં RTOમાં ટેસ્ટ આપવા માટે લોકોએ વેટિંગમાં રહેવું પડતું હતું જેને લઈને દોઢ વર્ષ અગાઉ RTOમાં આપવામાં આવતી ટેસ્ટના સમયમાં વધારો કરવામાં આવ્યો હતો. પરંતુ હવે સ્લોટ ખાલી રહેતા સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. સવારે 9:30થી સાંજના 7 વાગ્યા સુધી ડ્રાઇવિંગ ટેસ્ટ આપી શકાશે.
ડ્રાઇવિંગ ટેસ્ટના સ્લોટમાં ઘટાડો
અમદાવાદ શહેરના સુભાસબ્રિજ અને વસ્ત્રાલ RTO તંત્ર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. RTOના નવા નિયમ મુજબ ડ્રાઇવિંગ લાયસન્સ માટે હવે સવારના 9:30 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી જ ડ્રાઇવિંગ ટેસ્ટ આપી શકાશે. અગાઉ સવારના 6:30થી રાતના 10 સુધી ડ્રાઇવિંગ ટેસ્ટ આપી શકાતી હતી. ડ્રાઇવિંગ ટેસ્ટના સ્લોટ 15થી ઘટાડીને 9 કરાયા છે. હવે રશ ઘટતા સમય મર્યાદા અને સ્લોટ પણ ઘટાડવામાં આવ્યા છે. અડધો કલાકના સ્લોટમાં ડ્રાઇવિંગ ટેસ્ટ માટે એપોઇન્ટમેન્ટની સંખ્યા વધારી દેવાઈ છે. જેમાં ટુ વહીલરની 30 અને ફોર વહીલરની 20 એપોઇન્ટમેન્ટ કરાઈ છે.
ડ્રાઇવિંગ ટેસ્ટ માટે લોકોને વેટિંગ કરવું પડતું
RTO આર.એસ.દેસાઈએ જણાવ્યું હતું કે, દોઢ વર્ષ અગાઉ ડ્રાઇવિંગ ટેસ્ટ આપવા લોકોએ વેટિંગમાં રહેવું પડતું હતું જેને લઈને લોકો માટે સમયમાં વધારો કરવામાં આવ્યો હતો. પરંતુ વહેલી સવારના તથા રાતના સમયે ટેસ્ટ આપવા આવનાર લોકોની સંખ્યા ઓછી અથવા નહિવત જેવી હતી જેથી સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.