તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાંકી:અમદાવાદમાં પડેલા વરસાદથી હાથીજણ સર્કલ નજીક અંડરપાસમાં ભરાયેલા પાણી નહીં ઓસરતા વાહનચાલકો ફસાયા

અમદાવાદ3 મહિનો પહેલા
આજે અંડરપાસમાં ફસાયેલા વાહનને ધક્કા મારીને બહાર કાઢવામાં આવ્યું હતું
  • ગ્રાન્ટના કરોડો રૂપિયાનો કોન્ટ્રાક્ટરો અને ભાજપના નેતાઓ વચ્ચે વહિવટ થયોઃ કોંગ્રેસનો આક્ષેપ.
  • મોઢવાડિયાએ વીડિયો શેર કરીને તંત્ર દ્વારા થયેલી કામગીરીમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ કર્યો.

સમગ્ર રાજ્યમાં ચોમાસાની જમાવટ થઈ ગઈ છે. અમદાવાદમાં છેલ્લા બે દિવસથી વરસાદે વિરામ લીધો છે. પરંતુ થોડા દિવસ પહેલા શહેરમાં થયેલા ભારે વરસાદને કારણે સોસાયટીથી સડકો સુધી પાણી ભરાઈ ગયાં હતાં. શહેરના ગરનાળા પણ વરસાદી પાણીથી ભરાઈ ગયાં હતાં. આ સમયે હાથીજણ સર્કલનો એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં શ્રમિકો ભરેલી પીક અપ વાન અંડરબ્રિજમાં ભરાયેલા પાણીમાં ફસાઈ ગઈ હતી. જેને આખરે ટ્રેક્ટરની મદદથી બહાર કાઢવી પડી હતી. આ ઘટનાનો વીડિયો કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ ટ્વિટ કરીને AMCના મોન્સૂન પ્લાનની ટીકાઓ કરી હતી.

આ ઘટનાને આજે 10 દિવસથી વધારે સમય થઈ ગયો છે. અમદાવાદમાં વરસાદ પણ બંધ રહ્યો છે. ત્યારે હજીય આ અંડરબ્રિજમાંથી પાણી ઓસર્યાં નથી. જેને કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. કોંગ્રેસના નેતા અર્જૂન મોઢવાડિયાએ પોતાના ટ્વીટર એકાઉન્ટ પર ફરી આ જગ્યાનો વીડિયો શેર કરી સવાલો ઉઠાવ્યા છે.મોઢવાડિયાએ આ મામલે જણાવ્યું કે, 10 દિવસ પહેલા મેં આપની સાથે અમદાવાદના એસ.પી. રીંગ રોડ ઉપર હાથીજણ સર્કલ નજીકનો એક વીડિયો શેર કર્યો હતો. આ વીડિયો એ જ અંડરબ્રીજનો છે.

10 દિવસ પહેલાં અર્જુન મોઢવાડિયાએ કરેલી ટ્વિટ

સત્તાધીશોને શહેરીજનોની હાલાકી દેખાતી જ નથી
મોઢવાડિયાએ કહ્યું હતું કે, છેલ્લા 4 દિવસથી તો અમદાવાદમાં વરસાદ પણ પડ્યો નથી. છતાં ભાજપના ભ્રષ્ટાચારના પાણી એવા ભરાયા છે કે ઓસરવાનું નામ નથી લઈ રહ્યા. અંડરબ્રીજમાંથી પસાર થતા દરરોજ અનેક વાહન ચાલકો પાણીમાં ફસાય છે અને હાલાકીનો ભોગ બને છે. માત્ર ભ્રષ્ટાચારના વહિવટમાં વ્યસ્ત અમદાવાદ મહાનગર પાલીકાના ભાજપના સત્તાધીશોને શહેરીજનોની હાલાકી દેખાતી જ નથી.

અર્જુન મોઢવાડિયાએ ભ્રષ્ટાચારનો આક્ષેપ કર્યો
અર્જૂન મોઢવાડિયાએ જણાવ્યું કે, સ્માર્ટ સિટીના દાવાઓ અને સ્માર્ટ સિટીની મનઘડંત રેન્કીંગની વરવી વાસ્તવિક્તા આ છે. શહેરમાં જે નવા વિસ્તારોનો વિકાસ થયો છે તેનું કોઈ સુદ્રઢ આયોજન કરવામાં આવ્યુ જ નથી. માત્ર લોટ, પાણી અને લાકડા જેવા કામો થયા છે. ગ્રાન્ટના કરોડો રૂપિયાનો કોન્ટ્રાક્ટરો અને ભાજપના નેતાઓ વચ્ચે વહિવટ થઈ ગયો છે. શહેરીજનોને ભાગે માત્ર સ્માર્ટ સિટીના દિવા સ્વપ્નો અને હાલાકી જ આવે છે.

આજે અર્જુન મોઢવાડિયાએ કરેલી ટ્વિટ

AMCનો પ્રિ- મોન્સુન પ્લાન
શહેરમાં ચોમાસાની પૂર્વ તૈયારીના ભાગરૂપે મહાનગર પાલિકાએ તેનો પ્રિ- મોન્સુન પ્લાન અમલમાં મૂકી દીધો છે. જેના ભાગરૂપે અમદાવાદ મહાનગર પાલિકાએ પાલડી ખાતે મુખ્ય કંટ્રોલ રૂમ શરૂ કરી દીધો છે. મહાનગરપાલિકાએ આ ઉપરાંત શહેરમાં ઝોન વાઇસ કંટ્રોલરુમ શરૂ કરવાની તૈયારીઓ આરંભી દીધી છે. શહેરમાં ચોમાસાની સિઝનના પાણી ભરાવવાની સમસ્યા સામાન્ય બની છે. તેવા સમયે મહાનગર પાલિકાએ આ વર્ષે શહેરના મોટાભાગના વિસ્તારમાં લગાવેલા 1500 થી વધુ સીસીટીવી કેમેરાની મદદથી સતત મોનીટરીંગ કરવાનું આયોજન કર્યું છે. આ સિટી કંટ્રોલ રૂમ 24 કલાક ચાલુ રહેશે. તેમજ તેમાં 30થી વધારે કર્મચારી કાર્યરત રહેશે.

31 સ્ટોર્મ વોટર પંપીંગ સ્ટેશનમાં 70 પંપ મુકાવામાં આવ્યા
શહેરમાં લોકોને પાણી ભરાવવાની સમસ્યાથી ઝડપી છૂટકારો મળે તે માટે શહેરમાં 31 સ્ટોર્મ વોટર પંપીંગ સ્ટેશનમાં 70 પંપ મુકાવામાં આવ્યા છે. આ ઉપરાંત શહેરમાં ચોમાસા દરમ્યાન ઉભી થનારી કોઇપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે મોન્સૂન કંટ્રોલ રૂમ સાથે 7 ઝોનના ફાયર બ્રિગેડ, બગીચા ખાતું અને એસટીપી વિભાગ સંપર્કમાં રહેશે. ચોમાસા દરમ્યાન વરસાદ દરમ્યાન અને બાદ પાણી ભરાવવા. ઝાડ પડવા. છત પડવી ભુવા પડવા અને રસ્તા બેસવા જેવી સમસ્યામાં કન્ટ્રોલ રૂમ મદદ રૂપ બનશે. તેમજ સીસીટીવી મારફતે શહેરના અંડર પાસ પર નજર રાખીને શહેરીજનોને સમયસર એલર્ટ કરવામાં આવશે. તેમજ લોકોની માહિતી માટે બે વધારાના હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...