પ્રસાર માધ્યમોમાં પ્રસારિત થતી ભ્રામક જાહેરાતો બાબતે કેન્દ્ર સરકાર નીતિ લાવશે. આ બાબતની માહિતી કેન્દ્ર સરકારે ગુજરાત હાઇકોર્ટ સમક્ષ આપી છે. ગ્રાહકોને અલગ-અલગ પ્રકારની લોભામણી અને ભ્રામક જાહેરાતો થકી લોકો ગેરમાર્ગે દોરાતા હોય છે, જેની સામે જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી હતી. આ મામલે કેન્દ્ર સરકારે કોર્ટ સમક્ષ મહત્વપૂર્ણ જાણકારી આપી છે. આ મામલે આગામી જુલાઈએ વધુ સુનાવણી હાથ ધરાશે.
ભ્રામક જાહેરાત સામે સુનાવણી હાથ ધરાઈ
વિવિધ પ્રોડક્ટોની લોભામણી અને ભ્રામક પ્રકારની જાહેરાતો સામે પગલાં લેવાની માગ કરી જાહેર હિતની અરજી મામલે ગુજરાત હાઇકોર્ટે આ સુનાવણી હાથ ધરવામાં આવી છે. કેન્દ્ર સરકાર દ્વારા મહત્વપૂર્ણ જાણકારી કોર્ટ સમક્ષ મૂકવામાં આવી છે. કેન્દ્ર સરકારે નિવેદન કર્યું છે કે, ડ્રાફ્ટ પોલિસી તૈયાર છે. જેથી હવે આગામી ટૂંક સમયમાં જ ભ્રામક જાહેરાતો સામેની કાર્યવાહી અંગેની પોલિસી બેથી ત્રણ અઠવાડિયામાં અમલમાં મૂકવામાં આવશે.
પ્રસાર માધ્યમો માટેની માર્ગદર્શિકાની માગ કરાઈ છે
હાલ મુખ્ય અને અસરકારક એવા માધ્યમો જેમ કે, ટીવી અખબારો, રેડિયો વગેરે પર અસંખ્ય જાહેરાતો આવતી હોય છે. જેમાં વિવિધ કંપની અને જે તે પ્રોડક્ટના ઉત્પાદકો દ્વારા પોતાની પ્રોડક્ટને ઉચ્ચ કોટીની બતાવવા માટે અવનવા હઠકંડા અપનાવી લોભામણી જાહેરાત કરતા હોય છે. જેનાથી લોકો પ્રેરાઈને કે અંજાઈ જઈ તે વસ્તુની ખરીદી કરતા હોય છે. પરંતુ કેટલાક કિસ્સાઓમાં ગ્રાહકોને કડવા અનુભવ થતાં હોય છે. જેની સામે વર્ષ 2015માં પ્રસાર માધ્યમોમાં ભ્રામક જાહેરાતોથી પ્રજાને ગેરમાર્ગે દોરનારાઓ સામે કાર્યવાહી તેમજ પ્રસાર માધ્યમો માટેની માર્ગદર્શિકાની માગ સાથે હાઇકોર્ટમાં અરજી કરાઈ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.