CMOમાં ઊથલપાથલ:મુખ્યમંત્રી કાર્યાલયમાં ધરખમ ફેરફાર, એમ.કે.દાસ તેમજ અશ્વિની કુમાર સહિતના તમામ IAS રવાના કરાયા

અમદાવાદએક મહિનો પહેલા
IAS પંકજ જોશી અને અવંતિકા સિંઘ.
  • એમ. કે. દાસની જગ્યાએ પંકજ જોશી તેમજ અશ્વિની કુમારની જગ્યાએ અવંતિકા સિંઘની નિમણૂક કરાઈ

ગુજરાતમાં મુખ્યમંત્રી બદલાતાં જ મુખ્યમંત્રી કાર્યાલય (CMO)માં ધરખમ ફેરફારો કરી રૂપાણી સમયના CMOના તમામ આઇએએસને રવાના કરી નવા અધિકારીઓની નિમણૂક તાત્કાલિક અસરથી કરવામાં આવી છે, જેમાં એમ. કે. દાસની જગ્યાએ પંકજ જોશીની CMOના નવા ACS(એડિશનલ ચીફ સેક્રેટરી), જ્યારે અશ્વિની કુમારની જગ્યાએ અવંતિકા સિંઘની CMOના નવા સચિવ તરીકે નિમણૂક કરવામાં આવી છે. ઉપરાંત ભરૂચના કલેક્ટર ડો.એમ.ડી મોડિયાની CMOમાં OSD તરીકે નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત અમદાવાદ AMCના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર એનએન દવેની પણ તાત્કાલિક અસરથી બદલી કરી CMOમાં OSD તરીકે નિમણૂક કરવામાં આવી છે.

રૂપાણી અને મંત્રીમંડળનાં રાજીનામાં બાદ સ્વર્ણિમ સંકુલમાં ભારે ઊથલપાથલ જોવા મળી રહી છે. સીએમ ઓફિસમાં નિયુક્ત તેમજ મંત્રીઓના અંગત સચિવ તરીકે કાર્યરત 36 જેટલા સચિવાલય કેડર, ગેસ કેડર તેમજ અન્ય કેડરના અધિકારીઓને મૂળ વિભાગમાં પરત મોકલવામાં આવ્યા છે.

IAS એમ. કે. દાસ અને અશ્વિની કુમાર.
IAS એમ. કે. દાસ અને અશ્વિની કુમાર.

16મીએ મંત્રીમંડળના નવા સભ્યોની શપથવિધિ યોજાવાની હોવાથી નવા મંત્રીઓ પોતાના અંગત સ્ટાફની નિમણૂક ન કરે ત્યાં સુધી તેમની રોજિંદી સરકારી કામગીરીમાં મદદરૂપ થવા માટે જીએડી દ્વારા 35 સેક્શન ઓફિસર અને 35 ડેપ્યુટી સેક્શન ઓફિસરોની યાદી તૈયાર કરવામાં આવી છે. મંત્રીઓ સ્ટાફની નિમણૂક ન કરે ત્યાં સુધી આ અધિકારીઓ પીએ અને પીએસ તરીકે મંત્રીઓ સાથે ફરજ બજાવશે.

પંકજ જોશીની CMOના નવા ACS તરીકે નિમણૂક કરવામાં આવી.
પંકજ જોશીની CMOના નવા ACS તરીકે નિમણૂક કરવામાં આવી.

જાણો IAS પંકજ જોષી વિશે
વરિષ્ઠ IAS અધિકારી પંકજ જોશીને મુખ્યમંત્રી કાર્યાલયના એડિશનલ ચીફ સેક્રેટરી તરીકે નિમણૂક આપવામાં આવી છે. પંકજ જોશીએ સિવિલ એન્જિનિયરિંગમાં બી.ટેક.ની પદવી મેળવી છે. આઇઆઇટી, નવી દિલ્હીમાં એમ.ટેક. અને સંરક્ષણ તથા વ્યૂહાત્મક અભ્યાસમાં એમ.ફિલ સાથે ઉત્તીર્ણ થયા. બાદમાં ગુજરાત સરકારના વરિષ્ઠ આઇએએસ અધિકારી તરીકે કાર્યરત થયા. 1989માં ભારતીય વહીવટી સેવામાં જોડાયા પછી તેમણે લગભગ 20 વર્ષ સુધી જમીન મહેસૂલ, કર્મચારી અને સામાન્ય વહીવટ, શહેરી વિકાસ અને શિક્ષણ વિભાગમાં વિવિધ વિભાગોમાં ગુજરાત સરકારમાં વિવિધ મહત્ત્વપૂર્ણ હોદ્દાઓ સંભાળ્યા છે. તેમણે કેન્દ્ર સરકાર સાથે શહેરી વિકાસ, સામાજિક ન્યાય અને અધિકારીતા, જાહેર પરિવહન વગેરે જેવા વિવિધ વિભાગોમાં લગભગ 6 વર્ષ સુધી કામ કર્યું છે. તેમને વિવિધ ક્ષેત્રોમાં જાહેર વહીવટ અને નીતિમાં બહોળો અનુભવ છે. તેઓ સરકારના ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના પ્રિન્સિપલ સચિવ હતા. ગુજરાતના તેઓ ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડ, ગુજરાત આલ્કલીઝ એન્ડ કેમિકલ્સ લિમિટેડ, ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ, સરદાર સરોવર નિગમ, ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટી લિમિટેડ, ગુજરાત સ્ટેટ પેટ્રોનેટ લિમિટેડ, ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનના બોર્ડમાં ડિરેક્ટર પણ છે. તેઓ ગુજરાત સ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડના ચેરમેન હતા. હાલમાં તેઓ ગુજરાત સરકારના નાણાં વિભાગના અધિક મુખ્ય સચિવ છે.

અવંતિકા સિંઘની CMOના નવા સચિવ તરીકે નિમણૂક કરવામાં આવી.
અવંતિકા સિંઘની CMOના નવા સચિવ તરીકે નિમણૂક કરવામાં આવી.

જાણો IAS અવંતિકા સિંઘ વિશે
2003 બેચનાં IAS અધિકારી શ્રીમતી અવંતિકા સિંઘની મુખ્યમંત્રીના સેક્રેટરી તરીકે નિમણૂક કરવામાં આવી છે. તેઓ ગુજરાત મેરીટાઇમ બોર્ડનાં વાઇસ-ચેરમેન અને મુખ્ય કાર્યકારી અધિકારી તરીકે ફરજ બજાવતાં હતાં. તેઓ જાહેર વહીવટમાં લગભગ 17 વર્ષનો બહોળો અનુભવ ધરાવે છે. તેમણે હાર્વર્ડ કેનેડી સ્કૂલમાં અભ્યાસ બાદ ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ કંટ્રોલમાં બેચલર ઓફ એન્જિનિયરિંગની ડીગ્રી મેળવી છે. IAS શ્રીમતી અવંતિકા સિંઘે આસામમાં સબ ડિવિઝનલ ઓફિસર તરીકે સિવિલ સર્વિસીઝમાં પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. તેમણે કમિશનર, ટેક્નિકલ શિક્ષણ અને કલેક્ટર-અમદાવાદ તરીકે સેવા આપી છે. તેમણે આણંદ, ભરૂચ અને વડોદરામાં કલેક્ટર તરીકે, ગાંધીનગર અને આણંદમાં જિલ્લા વિકાસ અધિકારી તરીકે અને ગુજરાત સરકારના ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના ઉપસચિવ તરીકે પણ કામ કર્યું છે. જિલ્લા ચૂંટણી અધિકારી તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન અનુક્રમે વર્ષ 2012 અને 2017 માં ભરૂચ અને અમદાવાદમાં શ્રેષ્ઠ ચૂંટણીપ્રથાઓ અમલમાં મૂકીને તેમના ઉત્કૃષ્ટ યોગદાન બદલ ભારતના ચૂંટણીપંચ દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. શ્રીમતી અવંતિકા સિંઘ, આઈએએસ, ગુજરાત મેરીટાઈમ બોર્ડમાં એવા સમયે જોડાયાં હતાં જ્યારે ગુજરાતમાં મેરીટાઈમ સેક્ટર મોટા પરિવર્તનમાંથી પસાર થઈ રહ્યું હતું. હવે તેમને મુખ્યમંત્રીનાં સેક્રેટરી તરીકે નિયુક્ત કરવામાં આવ્યાં છે અને મહત્ત્વની જવાબદારી સોંપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...