તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એક્સક્લૂઝિવ:ડો.તેજસ પટેલે કહ્યું-ગુજરાત કોરોના ટ્રાન્સમિશનથી આગળ નીકળી હર્ડ ઇમ્યુનિટી તરફ, એક ઘર છોડીને એક ઘરે કોરોના ઊભો છે

જિજ્ઞેશ કોટેચા, ચેતન પુરોહિત, દેવેન ચિત્તે2 મહિનો પહેલા
  • દેશની 70 ટકા વસતિને કા તો કોવિડની અસર થઈ હોય અથવા તો વેક્સિનેશન થઈ જાય એટલે હર્ડ ઈમ્યુનિટી આવી જાયઃ ડો.તેજસ પટેલ
  • કોરોનાની નવી લહેર ખૂબ જ તીવ્ર અને ઝડપથી અસર કરે છે
  • નવો સ્ટ્રેન આવતાં એક સંક્રમિત વ્યક્તિ 10થી 15 લોકોને સંક્રમિત કરી શકે છે
  • હાલ કોરોના દર્દીઓની બોડીના દરેક ભાગને અસર કરે છે

રાજ્યમાં કોરોના હવે કાબૂમાં રહ્યો નથી અને દિવસે ને દિવસે પરિસ્થિતિ વધુ ગંભીર બની રહી છે. હાલ દરરોજ 7000થી વધુ કેસ અને 70 વધુ લોકોનાં મોત થવા લાગ્યાં છે તેમજ કુલ કેસો 3,75,000ની નજીક પહોંચી ગયા છે, જેને પગલે હાઈકોર્ટ પણ સરકારની કામગીરીથી નારાજ છે. માર્ચથી શરૂ થયેલી બીજી લહેરે રાજ્યના આરોગ્ય સેવાની પોલ ખોલી દીધી છે. હાલ ઓક્સિજનથી લઈ રેમડેસિવિર ઈન્જેક્શન અને બેડ વિના લોકો તડપીને મોતને ભેટી રહ્યા છે. ગુજરાતની આ સ્થિતિ પાછળ કોમ્યુનિટી ટ્રાન્સમિશન જવાબદાર છે કે બીજું કંઈ? એ અંગે જાણવા DivyaBhaskarએ ડો.તેજસ પટેલ સહિતના નિષ્ણાતો સાથે વાતચીત કરી હતી.

કોમ્યુનિટી ટ્રાન્સમિશન અંગે DivyaBhaskar સાથેની એક્સક્લૂઝિવ વાતચીતમાં ગુજરાત સરકારની કોવિડ ટાસ્કફોર્સના સભ્ય અને વિખ્યાત કાર્ડિયોલોજિસ્ટ ડો.તેજસ પટેલે જણાવ્યું હતું કે આપણે હવે કોમ્યુનિટી ટ્રાન્સમિશનથી આગળ જતા રહ્યા છીએ. હાલ તો એક ઘર છોડીને એક ઘરના દરવાજે કોવિડ ઊભો છે. હવે આપણે હર્ડ ઈમ્યુનિટી તરફ જઈ રહ્યા છીએ એવું લાગી રહ્યું છે. આ ખરાબ એપિસોડ પતે એટલે અમુક સમયગાળામાં દેશની 70 ટકા વસતિને કાં તો કોવિડની અસર થઈ હોય અથવા તો વેક્સિનેશન થઈ જાય, એટલે હર્ડ ઈમ્યુનિટી આવી જાય. આ વાયરસ અંગે કોઈનાં અનુમાનો સાચાં પડ્યાં નથી, વાયરોલોજીના તમામ સિદ્ધાંતો ઘોળીને પી ગયો છે. વાયરસ ક્યારે પૂરો થશે એ કહી શકાય નહીં, પણ હું ઈચ્છું કે નવા વેવ ન આવે અને આ જ ફાઈનલ વેવ હોય.

કોરોના વકર્યો એટલે કોમ્યુનિટી ટ્રાન્સમિશન થઈ રહ્યું છેઃ ડો.હેતલ ક્યાડા
આ અંગે રાજકોટમાં કોરોના બોડીની એટોપ્સી કરનાર ડો.હેતલ ક્યાડાએ DivyaBhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે કોમ્યુનિટી ટ્રાન્સમિશનને કારણે કોરોના વકર્યો છે એવું નથી, પરંતુ કોરોના વકર્યો એટલે કોમ્યુનિટી ટ્રાન્સમિશન થઈ રહ્યું છે. હવે આટલા બધા કેસમાં કોન્ટેક્ટ ટ્રેસિંગ અશક્ય છે. પહેલા કોરોના આવતો ત્યારે ટ્રેસ કરી કોન્ટેક્ટ ખબર પડી જતા હતા. પ્રથમ લહેરમાં લોકોની આખી ટ્રાવેલ હિસ્ટ્રી પણ ચકાસવામાં આવતી. હવે આટલા બધા કેસમાં આ શક્ય જ નથી, માટે લોકો સ્વેચ્છાએ જાગ્રત બને અને પોઝિટિવ આવે તો સામેથી જ સંપર્કમાં આવેલા લોકોને કહી દે કે તમે મારા સંપર્કમાં આવ્યા હોય તો ટેસ્ટ કરાવી લેજો.

‘કોમ્યુનિટી ટ્રાન્સમિશન ચિંતાનો વિષય’
ડો. હેતલ ક્યાડાએ આગળ કહ્યું હતું કે કોમ્યુનિટી ટ્રાન્સમિશનને કારણે કોરોના વધુ ને વધુ ફેલાય છે એવું ન કહી શકાય. કોરોનાની નવી લહેર ખૂબ જ તીવ્ર છે અને ઝડપથી અસર કરે છે, જેને કારણે કોમ્યુનિટી ટ્રાન્સમિશન થાય છે, જે ચિંતાનો વિષય છે. કોમ્યુનિટી ટ્રાન્સમિશન એક પ્રકાર છે. એ વધવાનું કારણ નથી. કોમ્યુનિટી ટ્રાન્સમિશન એટલે સામુદાયિક સંક્રમણ, જેમાં તમે તેની કોન્ટેક્ટ હિસ્ટ્રી ન શોધી શકો, એટલે કે ક્યાંથી ચેપ લાગ્યો એ જાણી ન શકો એ કોમ્યુનિટી ટ્રાન્સમિશન.

એક સમયે ટ્રાવેલ હિસ્ટ્રી શોધીને ટેસ્ટિંગ થતું
બીજી લહેરમાં તંત્રએ કોન્ટેક્ટ ટ્રેસિંગ સાવ બંધ જ કરી દીધું છે. પહેલાં કોઇ એકને પોઝિટિવ રિપોર્ટ આવતો હતો ત્યારે આરોગ્ય વિભાગ તેની આખી ટ્રાવેલ હિસ્ટ્રી જાણી તમામ લોકોને શોધી ટેસ્ટ કરાવતું હતું, આથી સંક્રમણ અટકતું હતું. એક સમયે રાજકોટ પોલીસ મોબાઇલ લોકેશનના આધારે પોઝિટિવ દર્દી અને તેના સંપર્કમાં આવેલા લોકોનું ટ્રેસ કરવાનું કામ કરતી હતી, પરંતુ આ લહેરમાં કેસની સંખ્યા જ એટલી વધુ છે કે આવી કામગીરી માટે જે-તે શહેરના પોલીસ કમિશનર કે મનપા કમિશનર કે કલેક્ટરનું આખું તંત્ર ટૂંકું પડે. પહેલા કન્ટેન્મેન્ટ ઝોનમાં આડશો મારવી, બંગલો, ફ્લેટ અને ઘર પર કે ગલીઓમાં સ્ટિકર મારવા સહિતની કામગીરી થતી હતી. જોકે હવે જાગ્યા ત્યારથી સવારની માફક રાજકોટમાં આ રીતની કામગીરી ધીમી ગતિએ શરૂ કરવામાં આવી છે.

કોમ્યુનિટી ટ્રાન્સમિશનથી કોરોના વધુ સ્પ્રેડ થઈ ગયોઃ ડો.સુનીતા સોની
યુકેનો સ્ટ્રેન એકસાથે 10-15 લોકોને સંક્રમિત કરવા લાગ્યો છે અને ગંભીર દર્દીઓની સંખ્યામાં પણ તોતિંગ ઉછાળો આવ્યો છે, જેને પગલે હોસ્પિટલોમાં સૌથી વધુ ક્રિટિકલ દર્દીઓનો ભરાવો થઈ રહ્યો છે, જેની પાછળ કોરોનાએ રૂપ બદલ્યું છે એવું તારણ બહાર આવી રહ્યું છે. આ અંગે અમદાવાદસ્થિત બી.જે.મેડિકલના વાયરોલોજી વિભાગના નિષ્ણાત ડો. સુનીતા સોનીએ DivyaBhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે હાલ કોરોના કોમ્યુનિટી ટ્રાન્સમિશનથી ઘણો વધારે સ્પ્રેડ થઈ ગયો છે, જેમાં ગત સ્ટ્રેનની સરખામણીમાં વધારે વ્યાપ જોવા મળી રહ્યો છે.

ડો. સુનીતા સોની આગળ કહે છે, અગાઉના કોરોના કરતાં હાલનો સ્ટ્રેન અલગ છે, કારણ કે વાયરસ મ્યૂટેશન બદલતો હોય છે અને એને કારણે એની તીવ્રતામાં વધઘટ થાય છે અને હાલ એ જ દેખાઈ રહ્યું છે. એનું કોમ્યુનિટી ટ્રાન્સમિશન ખૂબ વધારે પ્રમાણમાં છે. નવો સ્ટ્રેન યુવાનો અને બાળકોને સૌથી વધુ સંક્રમિત કરી રહ્યો છે. હાલ કોરોના દર્દીઓની બોડીના દરેક ભાગને અસર કરે છે. આ બધાની વચ્ચે અમે રેન્ડમ કોરોનાના ટેસ્ટ કરીએ છીએ, જેને પુણેની લેબ સાથે શેર કરીએ છીએ.

તેમજ આ અંગે બી.જે. મેડિકલ કોલેજનાં ટ્યૂટર દીપા કિનારીવાલાએ જણાવ્યું હતું કે વાયરસે રૂપ બદલ્યું હોવાને કારણે હવે વાયરસ નાનાં બાળકોની રેસ્પિરેટરી સિસ્ટમને અસર કરે છે, જે અગાઉના સ્ટ્રેનમાં જોવા મળ્યો ન હતો.

નવો સ્ટ્રેન ખૂબ જ ઝડપથી ફેલાઈ શકે છેઃ ડો. પ્રતીક સાવજ
જ્યારે સુરતના ડોક્ટર પ્રતીક સાવજે કોમ્યુનિટી ટ્રાન્સમિશન અંગે જણાવ્યું હતું કે નવો સ્ટ્રેન ખૂબ જ ઝડપથી ફેલાઈ શકે છે. પહેલાં એક સંક્રમિત વ્યક્તિ અન્ય 2 વ્યક્તિને સંક્રમિત કરી શકતી હતી, આજે સ્થિતિ સંપૂર્ણ રીતે બદલાઈ ગઈ છે. આજે એક વ્યક્તિ અન્ય 10થી 15 વ્યક્તિને સંક્રમિત કરી શકે છે, જેના પરથી અંદાજ લગાવી શકાય કે આ સંક્રમણનો પ્રભાવ કેટલો વ્યાપક અને જોખમી છે. હાલના સિમ્ટોમ્સમાં કમરમાં દુખાવો, આંખમાં બળતરા અને અશક્તિ જેવાં નવાં લક્ષણો દેખાઈ આવ્યાં છે.

ડોક્ટર પ્રતીક સાવજે વધુમાં જણાવ્યું હતું કે કોમ્યુનિટી ટ્રાન્સમિશન રોકવા માટે લોકડાઉન ખૂબ જ જરૂરી છે, જે સેલ્ફ લોકડાઉન હોય શકે અથવા સિસ્ટમ દ્વારા લોકડાઉન કરવામાં આવ્યું હોય શકે. કોરોના સંક્રમણની ચેન તોડવા માટે લોકડાઉન કરવું ખૂબ જરૂરી છે. સમયસર લોકડાઉન નહીં કરીએ તો સંક્રમણનો વ્યાપ વધતો અટકાવવો એ આપણા સૌના માટે પડકારરૂપ બની જશે. અત્યારે આપણી હેલ્થકેર સિસ્ટમ ભાંગી પડવાના આરે આવીને ઊભી છે, જે આપણા માટે સૌથી મોટો ચિંતાનો વિષય છે.

અન્ય સમાચારો પણ છે...