ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બીજા તબક્કા ના મતદાન માટે આજે ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો ત્યારે અમદાવાદમાં જે પણ ઉમેદવાર ચૂંટણી લડવા માંગતા હોય તેઓએ પોતાના ફોર્મ ભર્યા હતા. આજે ભાજપમાં એક માત્ર બાકી રહેલા સાબરમતી વિધાનસભાના ઉમેદવાર ડો. હર્ષદ પટેલે પોતાની ઉમેદવારી નોંધાવી હતી. જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સામે કોંગ્રેસમાંથી ઉમેદવાર જાહેર કરાયેલા અમીબેન યાજ્ઞિકે પણ પોતાનું ફોર્મ ભર્યું હતું. જ્યારે અમદાવાદમાં સૌથી ચર્ચામાં રહેલા દાણીલીમડા વિધાનસભાના ધારાસભ્ય શૈલેશ પરમાર પર કાળા જાદુનો કથિત ઓડિયો જેનો વાયરલ થયો હતો તેવા કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કરાયેલા જમનાબેન વેગડા એ પણ શૈલેષ પરમારની સામે જ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે
ભાજપમાંથી સાબરમતી બેઠકના ઉમેદવારે ફોર્મ ભર્યુ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બીજા તબક્કાના મતદાન માટે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે. ત્યારે આજે સાબરમતી વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર ડો. હર્ષદ પટેલે આજે સવારે કેસરિયા મહારેલી કાઢી રાણીપથી આરટીઓ સર્કલ આશ્રમરોડ નેહરુબ્રિજથી ખાનપુર પહોંચ્યા હતા. જે રેલીમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ જોડાયા હતા. ત્યાંથી તેઓ જિલ્લા પંચાયત ખાતે ફોર્મ ભરવા માટે પહોંચ્યા હતા. ડો. હર્ષદ પટેલે ધારાસભ્ય અરવિંદ પટેલની હાજરીમાં ફોર્મ ભર્યું હતું.
ડો. યાજ્ઞિક મુખ્યમંત્રી સામે ઘાટલોડિયાથી ઉમેદવાર
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઘાટલોડિયા વિધાનસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર છે. જેની સામે કોંગ્રેસના ઉમેદવાર તરીકે રાજ્યસભાના સાંસદ ડો. અમીબેન યાજ્ઞિક છે. આજે બપોરે ડો. અમીબેન યાજ્ઞિકે કોંગ્રેસના કાર્યકર્તાઓને નેતાઓ સાથે પોતાની ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. થલતેજ બાગબાન પાર્ટી પ્લોટ પાસેથી તેઓ પોતાના કોંગ્રેસના કાર્યકર્તાઓ અને નેતાઓ સાથે ફોર્મ ભરવા માટે ગોતા બ્રિજ પાસે આવેલી મામલતદાર ઓફિસ ખાતે પહોંચ્યા હતા.
કોંગ્રેસમાંથી સસ્પેન્ડેડ જમના વેગડાએ અપક્ષ ફોર્મ ભર્યુ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં દાણીલીમડા વોર્ડમાંથી કોંગ્રેસ પક્ષમાંથી ચૂંટાયેલા કોર્પોરેટર અને હાલમાં કોંગ્રેસ પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવેલા જમના વેગડાએ અપક્ષ ઉમેદવાર તરીકે દાણીલીમડા વિધાનસભામાં પોતાની ઉમેદવારી આજે નોંધાવી છે. દાણીલીમડાના ધારાસભ્ય શૈલેષ પરમારને વિપક્ષના નેતા શહેઝાદખાન પઠાણ પર કાળા જાદુ કરવા માટેની જમના વેગડાની કથિત ઓડિયો ક્લિપ વાઈરલ થઈ હતી. જે બાદ કોંગ્રેસ પક્ષ દ્વારા તેઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ધારાસભ્ય અને વિપક્ષના નેતા પર કાળા જાદુ કરવાની કથિત ઓડિયો ક્લિપથી ચર્ચામાં આવેલા જમના વેગડા હવે ફરી એકવાર દાણીલીમડા વિધાનસભામાં જ જ્યારે કોંગ્રેસ પક્ષમાંથી શૈલેષ પરમાર ચૂંટણી લડી રહ્યા છે. ત્યારે તેઓની સામે જમના વેગડાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. જમના વેગડા હાલમાં કોર્પોરેશનમાં કોર્પોરેટર છે અને હવે તેઓએ અપક્ષ ઉમેદવાર તરીકે દાણીલીમડા વિધાનસભામાંથી દાવેદારી કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.