ગ્રાઉન્ડ રિપોર્ટ:આજથી રાજ્યભરમાં કોરોના વેક્સિન માટે મતદારયાદીના આધારે ડોર ટુ ડોર સરવે શરૂ, 50 વર્ષથી વધુ વયનાને બીજા રાઉન્ડમાં વેક્સિન અપાશે

અમદાવાદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • રાજ્યમાં કોરોના વેક્સિન માટે 10 (આજથી)થી13 ડિસેમ્બર દરમિયાન ડોર ટુ ડોર સરવે
  • મતદાન મથક પ્રમાણે, ડેટા તૈયાર કરવામાં આવી રહ્યો છે

અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં કોરોનાની વેક્સિનની ટ્રાયલ ચાલી રહી છે, ત્યારે રાજ્યના તમામ જિલ્લા કલેક્ટર તથા જિલ્લા વિકાસ અધિકારી મારફત 10 ડિસેમ્બર (આજથી)થી 13 ડિસેમ્બર દરમિયાન સરવે કરવામાં આવશે. આ સરવે અંગે રાજ્યના મુખ્ય ચાર શહેર અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં ચાલી રહેલી સરવેની કામગીરીનો DivyaBhaskarએ ગ્રાઉન્ડ રિપોર્ટ તૈયાર કર્યો છે. આ કામગીરી માટે ચૂંટણી દરમિયાન જે રીતે મતદાન મથકદીઠ ટીમની રચના થાય છે એ રીતે સરવે ટીમ બનાવીને કામગીરી કરવા જણાવવામાં આવ્યું છે. સૌથી પહેલા આરોગ્ય વિભાગને વેક્સિન આપવામાં આવશે. રસી આપવા માટે તાલુકા નક્કી કરાયા છે.

વડોદરાઃ 1310 ટીમ દ્વારા સરવેની કામગીરી, 14 ડિસેમ્બરે યાદી મોકલશે
કોરોનાની રસીકરણની પૂર્વતૈયારીઓને લઈને વડોદરામાં આજથી ડોર ટુ ડોર સરવે શરૂ કરાયો છે. વડોદરા જિલ્લામાં 1310 ટીમ દ્વારા સરવેની કામગીરી શરૂ કરવામાં આવી છે. વડોદરા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં 1 જાન્યુઆરી-2021 રોજ જેમની ઉંમર 50 વર્ષથી વધુ છે અને 50 વર્ષથી ઓછી ઉંમરના, પરંતુ, બીમાર એટલે કે કોમોર્બિડિટી ધરાવતા નાગરિકોનાં નામ, સરનામાં અને મોબાઈલ નંબરનો ડેટા બેઝ તૈયાર કરાશે અને 13 ડિસેમ્બર સુધીમાં સરવે પૂર્ણ કરીને 14 ડિસેમ્બરે ડેટા એન્ટ્રી સાથે યાદી સરકારને મોકલી દેવામાં આવશે.

રાજકોટઃ મોબાઇલ અને આધારકાર્ડ નંબર સાથે ડેટા તૈયાર થઈ રહ્યો છે
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજથી ડોર ટુ ડોર સરવે હાથ ધરવામાં આવી રહ્યો છે. શહેરનાં 958 જેટલાં મતદાન બૂથ પ્રમાણે, 1 હજારથી વધારે ટીમ દ્વારા 50 વર્ષથી ઉપરની વ્યક્તિ અને 18 વર્ષથી 50 વર્ષ સુધીની ઉંમરના કેન્સર, હૃદયરોગ, કિડની જેવી ગંભીર બીમારી ધરાવતી વ્યક્તિઓની યાદી તૈયાર કરવામાં આવશે અને જ્યારે વેક્સિન આવશે ત્યારે આ યાદીના આધારે તેમને વેક્સિન આપવાનું આયોજન ગોઠવવામાં આવશે. મહાનગરપાલિકાની ટીમ દ્વારા જે વિસ્તારમાં સરવે હાથ ધરવામાં આવે છે તેમાં આવી વ્યક્તિઓના મોબાઇલ નંબર, આધારકાર્ડ નંબર સાથેનો ડેટા તૈયાર કરવામાં આવે છે. આજથી શરૂ થયેલી કામગીરી ચાર દિવસ સુધી ચાલશે અને ડેટા તૈયાર કરીને યાદી રાજ્ય સરકારને મોકલવામાં આવશે

સુરતઃ 50 વર્ષથી વધુ ઉંમરના 11.70 લાખ લોકોને આવરી લેવાશે​​​​​​​
સુરત મનપા દ્રારા કોરોના વેક્સિન માટે આજથી ડોર ટૂ ડોર સરવે હાથ ધરવામાં આવી રહ્યો છે. શહેરમાં 2800થી વધારે ટીમ દ્વારા 50 વર્ષથી વધુ ઉંમરના 11.70 લાખ લોકોને આવરી લેવાશે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે કોર્મોબિડિટી ધરાવતી વ્યક્તિની માહિતી સચોટ મળી રહે તે માટે મનપા અને ગ્રામ્ય વિસ્તારમાં ડેટા બેઈઝ તૈયાર કરવા જણાવ્યું છે. આજથી શરૂ થયેલી કામગીરી ચાર દિવસ સુધી ચાલશે અને ડેટા તૈયાર કરીને યાદી રાજ્ય સરકારને મોકલવામાં આવશે.

અમદાવાદઃ 2000 જેટલી ટીમો દ્વારા સર્વેની કામગીરી શરૂ
કોરોનાની વેક્સીનની પૂર્વ તૈયારીઓને લઈને અમદાવાદ જિલ્લા અને કોર્પોરેશન વિસ્તારમાં આજથી ડોર ટુ ડોર સર્વે શરૂ કરાયો છે. અમદાવાદ જિલ્લા અને શહેરમાં 2000 જેટલી ટીમો દ્વારા સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે. ગ્રામ્ય અને શહેરી વિસ્તારો 76 અર્બન હેલ્થ સેન્ટર વિસ્તારમાં ઉંમર 50 વર્ષથી વધુ છે અને 50 વર્ષથી ઓછી ઉંમરના, પરંતુ, બિમાર એટલે કે કોમોર્બિડિટી ધરાવતા નાગરિકોના નામ, સરનામા અને મોબાઈલ નંબરનો ડેટા બેઝ તૈયાર કરાશે અને 13 ડિસેમ્બર સુધીમાં સર્વે પૂર્ણ કરીને 17 ડિસેમ્બરે ડેટા એન્ટ્રી સાથે યાદી સરકારને મોકલી દેવામાં આવશે.

મતદાન મથકની જેમ સરવે માટે ટીમોની રચના કરાશે
દરેક મ્યુનિસિપલ કોર્પોરેશનને તથા જિલ્લા તંત્રને આ સરવે માટે મતદાન મથક પ્રમાણે તાત્કાલિક મંગળવારે જ ટીમોની રચના કરી દેવાનું તેમજ દરેક ટીમને ઓરિયેન્ટેશન આપવાનું જણાવાયું છે. સરવે ટીમોએ કોમોર્બિડિટીમાં કેન્સર, અવયવ ટ્રાન્સપ્લાન્ટ, કિડનીના રોગો, હૃદયના રોગો, થેલિસિમિયા, સિકલસેલ એનિમિયા, એઈડ્સ, માનસિક રોગો સહિત અસાધ્ય રોગોની માહિતી ધ્યાને લેવા જણાવાયું છે. આ સમગ્ર બાબતો અંગે રાજ્યના આરોગ્ય કમિશનરે પરિપત્ર બહાર પાડી તમામ જિલ્લા કલેક્ટરો, જિલ્લા વિકાસ અધિકારીઓ તેમજ મ્યુનિસિપલ કમિશનરોને મોકલાવ્યો છે.

33 જિલ્લા અને 248 તાલુકા અને કોર્પોરેશન કક્ષાએ ટાસ્ફફોર્સની રચના
વેક્સિનેશન માટે રાજ્યના તમામ 33 જિલ્લા અને 248 તાલુકા અને કોર્પોરેશન કક્ષાએ ટાસ્ફફોર્સની રચના કરવામાં આવી છે. આ આદેશને પગલે રાજ્યના તમામ જિલ્લા કલેક્ટરો, મહાનગરપાલિકાના કમિશનરો અને આરોગ્ય અધિકારીઓએ તૈયારીઓ આરંભી દીધી છે. આ તમામ અધિકારીઓને હેલ્થ વર્કર્સ, કોરોના વોરિયર્સ, વૃદ્ધો અને કો-મોર્બિડિટી ધરાવતા લોકોની યાદી તૈયાર કરવામાં આવી રહી છે. ગુજરાતના અધિકારીઓ કેન્દ્રની ટીમ સાથે કો-ઓર્ડિનેશન કરીને સાથે મળીને કામ કરવામાં લાગી ગયા છે.

યાદીમાં 50 વર્ષથી વધુની ઉંમરના 2.59 લાખ લોકો સામેલ
50 વર્ષથી વધુની ઉંમરના લોકોની યાદી પણ તૈયાર કરાઈ છે. 50 વર્ષથી વધુની ઉંમરના 2.59 લાખ લોકોની યાદી તૈયાર કરાઈ છે. ઉપરાંત 50 વર્ષથી ઓછા પણ જે કો-મોર્બિડ લોકો છે તેની યાદી તૈયાર કરવામાં આવી છે. વેક્સિન આવી ગયા બાદ વેક્સિનને રાખવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે, કોલ્ડ સ્ટોરેજનું ઓડિટ કરવામાં આવ્યું છે. કોલસ્ટોરેજની કેપેસિટી વધારવાનું કામ ચાલી રહ્યું છે તેમજ વેક્સિન આવી ગયા બાદ લોકોને આપવામાં માટેની પણ વ્યવસ્થા કરી દેવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...