દારૂના રેકેટનો પર્દાફાશ:અમદાવાદમાં નડિયાદથી દેશી દારૂ લાવવામાં આવતો, પોલીસ કમિશ્નરની સ્ક્વોર્ડના 6 જાહેર સ્ટેન્ડ પર દરોડા

અમદાવાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અગાઉ PI સસ્પેન્ડ થયા છતાં નવા અધિકારીઓને જરા પણ ડર ન રહ્યો હોવાની ચર્ચા
  • પોલીસે દારૂ સાથે 2 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો

અમદાવાદ શહેરમાં દારૂની રેલમછેલ હોવાનું નકારી શકાય તેમ નથી. શહેરના નારોલ વિસ્તારમાં અગાઉ SMCએ રેડ કરી હતી અને સ્થાનિક PI અને PSI સસ્પેન્ડ થયા હતા. તેમ છતાં દારૂ બેફામ રીતે વેચાતો હોવાની અનેક ફરિયાદો PCBને મળતા રેડ કરીને દારૂ સહિત 2 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. દારૂ પકડ્યા બાદ બુટલેગરે નારોલ પોલીસ સ્ટેશનમાં આવી પોલીસ સ્ટેશનના મણસોને ધમકાવ્યા અને કહ્યું રૂપિયા લો છો તો રેડ કેમ કરો છો?

પોલીસ કમિશનરની સ્કવોર્ડે રેડ કરવાની ફરજ પડી
આ સમગ્ર મામલો સામે આવી રહ્યો છે. ત્યારે આ વિસ્તારમાં કે કંપનીમાં બદલી કરાયેલા એક વિવાદાસ્પદ પોલીસકર્મી રેતી ચોરીનું આખું રેકેટ અહીંયાંથી જ ચલાવતો હોવાની વિગતો પણ જાણવા મળી રહી છે. આ પોલીસકર્મીની ખુદ પોલીસ કમિશ્નરે બદલી કરી છે. તેની હિંમત એવી છે કે SOGના એક અધિકારી તેમના કહેવા પ્રમાણે કરે છે. જેની જાણ પણ પોલીસ કમિશ્નરને થઈ છે. નારોલ વિસ્તારમાં મોટા પાયે સાતથી વધુ જગ્યાઓ પર દેશી દારૂના જાહેર સ્ટેન્ડ ચાલી રહ્યા હતા. તે અંગે વારંવાર ફરિયાદો થઇ હતી. પરંતુ સ્થાનિકથી લઇ ઉચ્ચ અધિકારીઓ વહિવટદારના ઇશારે કોઇ કાર્યવાહી ન કરતા આ અંગેની ફરિયાદ પોલીસ કમિશનરને થઇ હતી. જેના કારણે પોલીસ કમિશનરની સ્કવોર્ડે રેડ કરવાની ફરજ પડી હતી.

શહેરના આ વિસ્તારમાં દેશી દારૂના સ્ટેન્ડ
PCBએ રેડ કરતા આરીફ ઉર્ફે લાલો મહેબુબ હુસેન શેખ અને અબ્દુલરાશીદ રહીમ અંસારીની ધરપકડ કરી હતી. તેમની પાસેથી 502 લીટર દેશી દારુ પકડી પાડ્યો હતો.પોલીસે વાહનો અને દારૂનો જથ્થો મળી કુલ 2 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ વિસ્તારમાં દારૂ પહોંચાડવા માટે ઇલિયાસ પોતાની ગાડીમાં નડીયાદથી દેશી દારૂ લાવતો હતો. બબલુ સૈયદ આસપાસના તમામ વિસ્તાર એટલે કે, 10 પોલીસ સ્ટેશનથી વધુ વિસ્તારમાં હોલસેલમાં દેશી દારૂ સપ્લાય કરે છે.તખુબેન સુદામાં એસ્ટેટ નજીક દારુનુ સ્ટેન્ડ ચલાવે છે. ધમી નારોલ ગામમાં દારુનુ સ્ટેન્ડ ચલાવે છે. ગીત ઉર્ફે જુલાવાળી ગીતા રંગોલીનગર ખાતે, વારાવાળી ડોશી નારોલ ગામમાં અને રોબીન રાણીપુર ગામ ખાતે દેશી દારુના જાહેર સ્ટેન્ડ ચલાવતો હોવાનું PCBની તપાસમાં ખુલ્યું છે.

PIએ કહ્યું આવું કશું મારા ધ્યાને આવ્યું નથી
નારોલ વિસ્તારમાં અનેક બુટલેગરોના ત્યા રેડ થતાં તેઓ પોલીસ સ્ટેશન દોડી આવ્યા હતા અને કેમ રેડ કરી માલ પાછો આપી દો, પૈસા તો લઇ જાવ છો. કહીને હોબાળો કર્યો હતો. આખરે PCBએ રેડ કરી હોવાનુ ધ્યાને આવતા બુટલેગરો ભાગી ગયા હતા.

SMC પણ અમદાવાદમાં રેડ કરતા ખચકાય છે
SMC પણ અમદાવાદમાં રેડ કરતા ખચકાય છે. રાજ્યના પોલીસ વડા હવે બદલાવાના છે તેના કારણે સિનિયર અધિકારીઓના વિસ્તારમાં SMC રેડ કરતા ખચકાતી હોવાની ચર્ચા છે. SMC લાંબા સમયથી અમદાવાદમાં રેડ કરતી નથી. તે કયા અધિકારી કે કોના ઇશારે રોકાઇ ગઇ છે તે ચર્ચાનો વિષય બન્યો છે. નારોલ PI સસ્પેન્ડ થયા બાદ SMCએ અમદાવાદ તરફ રેડ કરવાની સ્પીડ ઓછી કરી હોવાની પોલીસ બેડામાં ચર્ચા ચાલી રહી છે.