તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેદરકાર તંત્ર:અમદાવાદમાં કોરોના ટેસ્ટ માટે ડોમ ઉભા કરવામાં આવ્યા પણ કોર્પોરેશનની ટીમો જ સમયસર હાજર નથી રહેતી

અમદાવાદ4 મહિનો પહેલા
ડોમમાં કોર્પોરેશનની ટીમ સમયસર હાજર નહીં હોવાથી લોકોને ધક્કા ખાવાનો વારો આવ્યો
  • કોરોના ટેસ્ટના ડોમ પર ટાઈમ સવારે 9.30થી 12.30 અને બપોરે 2થી 4 વાગ્યા સુધીનો છે છતાં કોઈ ના આવ્યું

ગુજરાતમાં કોરોના રોકેટ ગતીએ વધી રહ્યો છે. ખાસ કરીને અમદાવાદમાં કોરોના બેકાબુ બન્યો છે. ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ટેસ્ટિંગની પ્રક્રિયા વધારવામાં આવી છે. જેના માટે અલગ અલગ ડોમ ઉભા કરવામાં આવ્યા છે. પરંતુ આ ડોમમાં ટેસ્ટ માટે રાખવામાં આવેલી કોર્પોરેશનની ટીમો જ સમયસર હાજર ન રહેતી હોવાથી લોકોને રાહ જોવાનો વારો આવે છે. ગોતા વિસ્તારમાં વંદેમાતરમ ચાર રસ્તા પાસે કોરોના ટેસ્ટના ડોમમાં ટેસ્ટિંગ માટે અનેક લોકો એક કલાકથી આવીને ઊભા છે છતાં મેડિકલ ટીમ ત્યાં આવી ન હતી.

ટેસ્ટિંગ માટેની ટીમ જ હાજર નથી હોતી
કોરોના ટેસ્ટના ડોમ પર ટાઈમ સવારે 9.30થી 12.30 અને બપોરે 2થી 4 વાગ્યા સુધીનો છે છતાં કોઈ આવ્યું ન હતું. કેટલાય લોકો આવીને ડોમ ખાલી જોઈ પરત જતાં રહ્યાં હતાં. સંગીતાબેન નામના મહિલાએ Divyabhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ગોતા વંદેમાતરમ ચાર રસ્તા પાસે આવેલા ડોમમાં હું સવારે 9 વાગ્યાથી આવી છું ટેસ્ટના ડોમમાં 9.30નો ટાઈમ છે છતાં ડોમમાં કોઇ આવ્યું ન હતું. સમય હોવા છતાં સમયસર તેઓ આવ્યા ન હતા. બે દિવસ પહેલા તો અહીંયા બંધ છે એવું કહ્યું હતું. અનેક લોકો પૂછીને જતાં રહે છે.

ટેસ્ટના ડોમમાં 9.30નો ટાઈમ છે છતાં ડોમમાં કોઇ આવ્યું ન હતું
ટેસ્ટના ડોમમાં 9.30નો ટાઈમ છે છતાં ડોમમાં કોઇ આવ્યું ન હતું

શહેરમાં 10 દિવસમાં નવા 639 દર્દી વધ્યા
છેલ્લા 10 દિવસમાં સિવિલની 1200 બેડ હોસ્પિટલ અને આહના સાથે સંકળાયેલી ખાનગી હોસ્પિટલોમાં નવા 639 દર્દી દાખલ થયા છે. જ્યારે સોલા સિવિલમાં હાલ 47 દર્દી છે. 1200 બેડ સિવિલમાં 13 માર્ચથી 22 માર્ચ દરમિયાન દાખલ દર્દીનો આંકડો 76થી વધીને 189 થયો છે. જ્યારે ખાનગી હોસ્પિટલોમાં દર્દીનો આંકડો 377થી વધી 903 થયો છે. સિવિલ હોસ્પિટલના સુપરિટેન્ડેન્ટ ડો. જયપ્રકાશ મોદી જણાવે છે કે, હાલમાં હોસ્પિટલમાં 189 દર્દી છે, જેમાંથી 1 દર્દી વેન્ટિલેટર અને 25 દર્દી બાયપેપ પર સારવાર લઇ રહ્યાં છે. જો કે, ગત વર્ષ કરતાં હાલમાં સારવાર માટે દાખલ થતાં દર્દી કોરોનાના હળવાથી મધ્યમ લક્ષણો જોવા મળી રહ્યા છે.

ટેસ્ટ માટેના ડોમ ખાલી જોતા જ લોકો પરત ફરી જાય છે
ટેસ્ટ માટેના ડોમ ખાલી જોતા જ લોકો પરત ફરી જાય છે

છેલ્લા 24 કલાકમાં શહેર અને જિલ્લામાં 481 નવા કેસ
અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં શહેર અને જિલ્લામાં 481 નવા કેસ અને 356 દર્દી સાજા થયા છે. જ્યારે અમદાવાદ શહેરમાં 2 દર્દીના મોત સાથે મૃત્યુઆંક 2,336 પર પહોંચ્યો છે. નવા વર્ષમાં સતત ત્રીજા દિવસે શહેર અને જિલ્લામાં કોરોનાનો નવા કેસનો આંકડો 400ને પાર થયો છે. અગાઉ 16 મેના રોજ અમદાવાદમાં હાઈએસ્ટ 973 કેસ નોંધાયા હતા. 23 નવેમ્બરે સેકન્ડ હાઈએસ્ટ 344 કેસ નોંધાયા હતા.

અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં શહેર અને જિલ્લામાં 481 નવા કેસ 356 દર્દી સાજા થયા
અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં શહેર અને જિલ્લામાં 481 નવા કેસ 356 દર્દી સાજા થયા

અમદાવાદમાં 175 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન
મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી પૂર્ણ થતાં અમદાવાદ શહેરમાં કોરોનાના કેસમાં ઉછાળો આવ્યો છે. શહેરમાં 159 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન અમલી હતાં. ત્યારે વધુ 19 નવા માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન વિસ્તાર ઉમેરાયા છે અને 3 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન દૂર કરાયા છે. ત્યારે 175 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન અમલી બન્યાં છે. નવા માઈક્રો કેન્ટેનમેન્ટ વિસ્તારોમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા આજથી સઘન અને ઘનિષ્ઠ ડોર ટુ ડોર સર્વેલન્સ અને સ્કિનિંગની કામગીરી હાથ ધરાશે. સર્વે દરમિયાન ધ્યાને આવેલા કોરોનાના લક્ષણ ધરાવતા શંકાસ્પદ વ્યક્તિઓના સેમ્પલ લેવાશે.