કાર્યવાહી:ફ્લાઈટમાંથી બિનવારસી બેગ મળતાં એરપોર્ટ પર દોડધામ, સ્પાઈસ જેટની ફ્લાઈટ પટનાથી અમદાવાદ આવી હતી

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ એરપોર્ટ - ફાઇલ તસવીર - Divya Bhaskar
અમદાવાદ એરપોર્ટ - ફાઇલ તસવીર
  • ફ્લાઈટને અલગ એરિયામાં લઈ જઈ તપાસ કરાઈ, અંતે કોઈ પેસેન્જર જ બેગ ભૂલી ગયો હોવાની જાણ થતાં સુરક્ષા એજન્સીઓને હાશકારો થયો

પટનાથી અમદાવાદ આવેલી સ્પાઈસ જેટની ફ્લાઈટમાંથી બિનવારસી બેગ મળતા એરપોર્ટ પર સુરક્ષા એજન્સીમાં દોડધામ મચી ગઈ હતી. એરલાઈન્સના કર્મચારીઓએ કરેલી ત્વરિત જાણ બાદ ફ્લાઈટને આઈસોલેશન એરિયામાં લઈ જઈ તપાસ કરતાં કોઈ વાંધાજનક વસ્તુ મળી ન હતી. ફ્લાઈટનો પેસેન્જર આ ભૂલી ગયો હોવાની જાણ થતાં હાશકારો થયો હતો.

પટનાથી લગભગ 100 જેટલા પેસેન્જરો સાથે સ્પાઈસ જેટની ફ્લાઈટ રવિવારે રાતે અમદાવાદ પહોંચી હતી. તમામ પેસેન્જરો ફ્લાઈટમાંથી ઉતરી ટર્મિનલ બહાર નીકળી ગયા હતા. ત્યારબાદ એરલાઈન્સના કર્મચારીઓએ એરક્રાફ્ટની રેગ્યુલર તપાસ હાથ ધરી હતી. જેમાં તેમને એરક્રાફ્ટની અંદર એક બિનવારસી બેગ જોવા મળી હતી. જેના પગલે એરલાઈન્સના કર્મચારીઓ તત્કાલ એરક્રાફ્ટમાંથી બહારનીકળી ગયા હતા અને એરલાઈન્સના તેમજ એરપોર્ટના ઉચ્ચ અધિકારીઓને ઘટનાની જાણ કરી હતી.

ફ્લાઈટમાં બિનવારસી બેગ હોવાની જાણ થતા તત્કાલ સુરક્ષા એજન્સીની સૂચના બાદ આ ફ્લાઈટને એરપોર્ટના આઈસોલેશન એરિયામાં લઈ જવાઈ હતી. જ્યાં એરપોર્ટ સુરક્ષા એજન્સી ઉપરાંત શહેર પોલીસ, ડોગ સ્ક્વોડ, બોમ્બ ડિસ્પોઝલ ટીમ સહિત અન્ય સુરક્ષા એજન્સીઓ આવી પહોંચી હતી.

આ સુરક્ષા એજન્સીઓએ સંપૂર્ણ એરક્રાફ્ટની સાથે બિનવારસી બેગની તપાસ હાથ ધરી હતી. જેમાં બેગમાં કોઈ પેસેન્જરના કપડા અને અન્ય સામાન હોવાનું જણાયું હતું. વધુમાં ફલાઈટમાં અન્ય કોઈ વાંધાજનક વસ્તુ મળી ન હતી.

અન્ય સમાચારો પણ છે...