10 હજાર ડોક્ટરો ફરી હડતાળ પર જશે:બઢતી અને ખાલી જગ્યા ભરવા માટે અનેક રજૂઆત છતાં માંગ ન પુરી થતા હવે ડોક્ટરોની ફરી હડતાળની ચીમકી

અમદાવાદ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
ડો.રજનીશ પટેલ પ્રમુખ ,ગુજરાત મેડીકલ ટીચર્સ એસોસિએશન - Divya Bhaskar
ડો.રજનીશ પટેલ પ્રમુખ ,ગુજરાત મેડીકલ ટીચર્સ એસોસિએશન
  • 29 નવેમ્બરે ડોક્ટરોએ હડતાળ પર જવાની ચીમકી ઉચ્ચારી

ગુજરાતમાં સરકારી ડોક્ટર ફરી હડતાળ પર જઇ શકે છે. ડોક્ટરની પડતર માંગણી અને તેમની ખાલી જગ્યા ભરવા માટે સરકારી ડોક્ટર ફરી 29મીથી હડતાળ પર જઈ શકે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. આગમી દિવસોમાં જો કોરોનાનો ગ્રાફ વધે અને તે સમયે જો ડોક્ટર હડતાળ પર જાય તો ભારે મુશ્કેલી સર્જાઈ શકે છે. કોરોના કાળમાં સતત ખડે પગે સેવા આપનાર તબીબો હવે પોતાની માંગણીને લઈને આક્રમક મૂડમાં દેખાઈ રહ્યા છે. આ હડતાળમાં અંદાજે રાજ્યના દસ હજાર જેટલા ડોક્ટર સામેલ થશે તેવી વિગતો પ્રાપ્ત થઇ રહી છે.

ડોક્ટરો અગાઉ પોતાની માંગ માટે રજૂઆત કરી ચુક્યાં છે
રાજ્યમાં સરકારી કર્મચારીઓ જાણે કે અલગ અલગ મુદ્દાને લઈને પરેશાન હોય તેવું ચિત્ર સપાટી પર આવી રહ્યું છે. ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી રાજ્યના ડોક્ટરો પોતાની માંગ પૂર્ણ કરવા માટે રજૂઆત કરી રહ્યા છે. આ ડોક્ટરો અગાઉ પોતાની માંગ માટે રજૂઆત પણ કરી ચુક્યા છે. તેમ છતાં સરકારે માંગ નહીં સ્વીકારતા હવે ડોક્ટરોએ વધુ એક વખત આગામી 29 તારીખથી હડતાળ પર જાવા માટે ચીમકી ઉચ્ચારી છે. રાજ્યના ગુજરાત મેડિકલ ટીચર્સ એસોસિયેશન, Gmers (Gujarat Medical Education & Research Society) ફેકલ્ટી એસોસિયેશન,ગુજરાત ઈન સર્વિસ ડોક્ટર એસોસિયેશન, અને ગુજરાત મેડિકલ ઓફિસર એસોસિયેશન આ હડતાળમાં જોડાશે. આ અંગે ડોક્ટરો પણ કહી રહ્યા છે કે, સરકારે બાંહેધરી આપી હતી તો પણ સરકારે એ માંગ પૂર્ણ કરી નથી.

શું છે ડોક્ટરોની માંગ?
* ડોક્ટરોની અલગ અલગ માંગણી એડહોકસેવાઓ સળંગ કરવામાં આવે.
* છેલ્લા 12 વર્ષથી બઢતી કરવામાં નથી આવી તે બઢતી તાત્કાલિક આપવામાં આવે
.* રાજ્યની સરકારી મેડિકલ કોલેજમાં 400 પોસ્ટ ખાલી છે તેની સામે 800 મેડિકલ પ્રોફેસર છે જેમને બઢતી આપી ખાલી 400 પોસ્ટ ભરવામાં આવે.
* 16 મેના સરકારના ઠરાવ પ્રમાણે નવું એન.પી.એ.એટલે નોન પ્રેક્ટિસિંગ અલાઉન્સ,પગારની મહત્તમ મર્યાદા અને પર્સનલ પે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા આપવામાં આવેલો તે તમામ 22 નવેમ્બરના ઠરાવથી રદ કરવામાં આવે છે તે પરિપત્ર રદ કરવામાં આવે.
* રિટાયર્ડ થયેલા તબીબી શિક્ષકોને તાત્કાલિક પેન્શન આપવામાં આવે.
* તબીબોની કોન્ટ્રાક ભરતી બંધ કરી કાયમી ભરતી કરવામાં આવે.
* થોડા સમય પહેલાં સરકારે આપેલી બાહેધરીઓ તાત્કાલિક પૂર્ણ કરવામાં આવે.

29 નવેમ્બર પહેના નિવેડો નહીં આવે તો ડોક્ટરો હડતાળ પર જશે
ડોક્ટરોએ સરકારને આ અંગે રજુઆત કરી છે અને આ પ્રકારની માંગ પણ કરી છે. ત્યારે સરકાર જો 29 તારીખ પહેલા કોઈ નિવેડો નહીં લાવે તો રાજ્યના ડોક્ટરો હડતાળ પર જશે અને આરોગ્ય સેવાઓ ખોરવાઈ જશે. અત્યાર સુધી રાજ્યના અલગ અલગ એસોસિએશનના ડોક્ટર હડતાળ પર જતાં હતાં. પરંતુ હવે રાજ્યના તમામ ડોક્ટરો એકસાથે હડતાળ પર જઇ શકે છે તેવું સિનિયર ડોક્ટર જણાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...