ડર નહીં સતર્કતા જરૂરી:ઓમિક્રોન સંક્રમણ વચ્ચે તબીબો કહે છે- શાળા બંધ કરવાની જરૂર નથી, બાળકોમાં ઝડપથી વેક્સિનેશન શરૂ કરવાની જરૂર

5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઓમિક્રોન વેરિયન્ટની ઘાતકતા મોટી વયના લોકોમાં પણ જોવા મળી નથી એટલે ડરવાની જરૂર નથી
  • રાષ્ટ્રીય સ્તરે અને આંતરરાષ્ટ્રીય સ્તરે જે ગાઇડલાઈન્સ આવે તેને અનુસરવું જોઈએ
  • શિક્ષકો અને વિદ્યાર્થીઓએ કોવિડની પરિસ્થિતિમાં જીવતા શીખવું પડશે

એક તરફ રાજ્યમાં ઓમિક્રોનના 7 કેસ નોંધાઈ ચૂક્યા છે. જો કે, જામનગરના 3 દર્દીએ ઓમિક્રોનને માત આપી છે. ત્યારે હવે રાજ્યની કેટલીક શાળાઓમાં વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થયા છે. પહેલા વડોદરા, સુરત અને હવે અમદાવાદની શાળામાં વિદ્યાર્થીઓને કોરોના સંક્રમણ લાગ્યું છે. આ સ્થિતિમાં દિવ્યભાસ્કરે અમદાવાદ, રાજકોટ, સુરત અને જામનગરના નામાંકિત પલ્મોનોજિસ્ટ તબીબો સાથે વાત કરી હતી. તેમનું કહેવું છે કે, હાલ ફરીથી શાળા બંધ કરવાની કે નિયંત્રણ લાદવાની હાલ જરૂર જણાઇ રહી નથી. સાથે જ બાળકોમાં કોરોના વેક્સિનેશનની કામગીરીને અમલમાં લાવવાની જરૂરિયાત ગણાવી હતી.

હાલના તબક્કે શાળાઓ બંધ કરવાની જરૂરિયાત નથી
કોવિડ ટાક્સ ફોર્સના સભ્ય અને પલ્મોનોજિસ્ટ ડો. તુષાર પટેલે જણાવ્યું હતું કે, બાળકો માટેનો વેક્સિનેશન કાર્યક્રમ અમલમાં લાવી ઝડપી બનાવવું જોઈએ. કારણ કે, વિશ્વના કેટલાક દેશોમાં બાળકોને રસીની શરૂઆત થઇ ચૂકી છે. ભારતમાં બે વેક્સિન ઉત્પાદક કંપનીઓને મંજૂરી આપી દેવામાં આવી છે. એટલે તેનું અમલીકરણ પણ ઝડપથી થાય તે જરૂરી છે. સાથે જ હાલ કેટલીક શાળાઓમાં કોરોનાના કેસ મળી આવ્યા છે, તેવામાં શાળાના શિક્ષકો સહિત તમામ સ્ટાફનું વેક્સિનેશન થવું જરૂરી છે. હાલના તબક્કે શાળાઓ બંધ કરવાની જરૂરિયાત નથી જણાઈ રહી. કારણ કે, ઓમિક્રોન વેરિયન્ટની ઘાતકતા મોટી વયના લોકોમાં પણ જોવા નથી મળી, એટલે કે, ડરવાની જરૂર નથી. પરંતુ તકેદારી ચોક્કસ રાખવાની જરૂર છે. કેમ કે, અગાઉ ડેલ્ટા વેરિયન્ટ કે જે ખૂબ ઘાતક હતો. તેમ છતાં પણ બાળકો પણ તેની વધારે અસર જોવા મળી ન હતી.

તહેવારો કે પ્રસંગોની ઉજવણી સામે વાંધો નહીં પરંતુ તકેદારી રાખવી જોઈએ
જામનગરની જી.જી હોસ્પિટલના સિનિયર પલ્મોનોજિસ્ટ ડો. ફિરોઝ ઘાંચીએ જણાવ્યું હતું કે, હાલની પરિસ્થિતિમાં ડરવાની જરૂર નથી, સાથે જ તેને અવગણવાની જરૂર પણ નથી. કોવિડની ગાઈડલાઈન્સ સાથે રૂટિન કામગીરી ચાલવી જોઈએ, તેને બંધ કરવાની જરૂર નથી. રાષ્ટ્રીય સ્તરે અને આંતરરાષ્ટ્રીય સ્તરે જે ગાઇડલાઈન્સ આવે તેને અનુસરવું જોઈએ. આપણે પોતાની રીતે કોઈ અલગથી નિર્ણય લેવાની જરૂર નથી. જેથી કરીને ડરનું વાતાવરણ ઊભું ન થાય. હાલના સમયમાં જે તહેવારો-પ્રસંગોની ઉજવણી થાય છે, તેની સામે વાંધો ન હોઈ શકે. પરંતુ તેમાં તકેદારી અવશ્ય રાખવી જોઈએ. બાળકોની વેક્સિન ઝડપથી આવે તો તે પણ મહત્વનું પાસું બની રહેશે.

હજુ ગાઇડલાઈન્સના પાલન અને વેક્સિન લેવામાં ચૂક
રાજકોટની ખાનગી હોસ્પિટલના ડો. જયેશ ડોબરિયાએ જણાવ્યું કે, કોરોના વાયરસને 2 વર્ષ થવા આવ્યા છે. તેમ છતાં હજુ ગાઇડલાઈન્સના પાલનમાં અને વેક્સિન લેવામાં ચૂક થાય છે. હવે આ સ્થિતિને જ નોર્મલ માનવી પડશે અને કાળજી સાથે રહેતા શીખવું પડશે. ટૂંકા સમયમાં ભારતના વૈજ્ઞાનિકોએ કોરોનાની રસી બનાવી તે ગૌરવની વાત છે. પરંતુ હવે ટ્રાયલ કરી ઝડપથી બાળકોમાં વેક્સિનેશનની શરૂઆત થાય તે પણ ખૂબ જરૂરી છે. માત્ર એટલું જ નહીં, પરંતુ હવે તો શિક્ષકો અને વિદ્યાર્થીઓએ પણ આ પરિસ્થિતિમાં જીવતા શીખવું પડશે.

કોરોનાના બે વેવથી મળેલી શીખ પ્રમાણે અનુસરી નવા વેરિયન્ટથી ડરવાની જરૂર નહીં
સુરતની ખાનગી હોસ્પિટલના પલ્મોનોજિસ્ટલ ડો. દિપક વીરડિયાએ જણાવ્યું કે, કોરોનાના નવા વેરિયન્ટથી ડરવાની જરૂર નથી. કારણ કે, તેની ઘાતકતાના કોઈ આંકડા હજુ સુધી સામે નથી આવ્યા. આપણે ભૂતકાળમાં બે વેવમાં ઘણું બધું શીખવા મળ્યું છે, તેમાંથી લીધેલી શીખ પ્રમાણે અનુસરવાનું છે. જેથી ડરવાની કોઈ જરૂર નથી અને નિયંત્રણ લાદવાની પણ કોઈ જરૂર નથી. સરકારે જે મને તેમ ઝડપથી હવે બાળકોને વેક્સિનેટ કરવાનું કામ કરવું જોઈએ.

અન્ય સમાચારો પણ છે...