અમદાવાદના તબીબોની ઉપલબ્ધિ:કેન્સરગ્રસ્ત દર્દીના હૃદયની ત્રણ નળીઓ બ્લોક હતી, ડોક્ટર્સે બાયપાસ સર્જરીના 1 મહિનામાં દર્દીને રિકવર કરી કેન્સરની સર્જરી કરી

અમદાવાદ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
તબીબોની પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
તબીબોની પ્રતિકાત્મક તસવીર
  • સામાન્ય રીતે બાયપાસ સર્જરી કર્યાના 3-6 મહિના સુધી દર્દીની અન્ય સર્જરી કરાતી નથી

અમદાવાદની નારાયણા મલ્ટિસ્પેશ્યાલિટી હોસ્પિટલ ખાતે 60 વર્ષીય એક દર્દીને જડબાના કેન્સરની સર્જરી માટે દાખલ કરવામાં આવ્યા અને ઓપરેશન પહેલાની તપાસમાં દર્દીને હૃદયની તકલીફ હોવાની જાણ થઈ. એન્જીયોગ્રાફી કરતા જાણ થઇ કે આ દર્દીની હૃદયની ત્રણેય નળીઓ બ્લોક હતી. જોકે તેમ છતાં તબીબોએ જટિલ સર્જરી દ્વારા દર્દીને હૃદય અને કેન્સર બંનેની બીમારીથી મુક્તિ અપાવી નવજીવન આપ્યું હતું. સર્જરીમાં સિનિયર કાર્ડિયાક સર્જન ડો. અતુલ મસલેકર, એનેસ્થેસિયા અને ક્રિટિકલ કેરમાં ડો. હેતલ શાહ અને ટીમ અને ઓન્કોલોજી ટીમમાં ડો.મંથન મેરજા સંકળાયેલા હતા​​​​​​​.

નારાયણા હોસ્પિટલની ફાઈલ તસવીર
નારાયણા હોસ્પિટલની ફાઈલ તસવીર

કેન્સરની સારવાર માટે આવેલા દર્દીના હૃદયની ત્રણ નળીઓ બ્લોક હતી
આ કેસમાં, ડોક્ટરો માટે ટેક્નિકલ સમસ્યા એ હતી કે પહેલા દર્દીનું હૃદય ફિક્સ કરવું મહત્ત્વનું હતું, કેમકે જો હૃદય સ્વસ્થ ન હોય તો શરીર કેન્સરની સર્જરી સહી શકે નહિ અને ચાલુ સર્જરીમાં હાર્ટઅટેક આવવાની સંભાવના રહી શકે. બાયપાસ સર્જરીમાં સમસ્યા એ હતી કે એનું મોઢું ખુલતું નહતું કેમકે દર્દીને જડબાનું કેન્સર હતું. આવી સ્થિતિમાં સ્પેશિયલ ટેક્નિક (ફાઈબર ઓપ્ટિક પધ્ધતિ)થી દર્દીને બેહોશ કરવા પડે છે, જેમાં દૂરબીન થકી એક નળી દર્દીના ફેફસામાં નાંખવી પડે છે અને હૃદયની સર્જરી દરમિયાન ઘણું બધું બ્લડ પાતળું પણ કરવું પડે છે એ સમયે કેન્સર વાળી જગ્યાએથી પણ બ્લડ નીકળવાની શક્યતા રહેતી હોય છે. બીજી સમસ્યા એ હતી કે જયારે દર્દીનું બાયપાસ કરવામાં આવે તો મોટેભાગે બીજા 3-6 મહિના સુધી બીજી કોઈ સર્જરી કરવી સલાહ અપાતી નથી કારણકે લોહી પાતળું કરવાની દવાઓ 3-6 મહિના સુધી ચાલુ રાખવી પડે અને જો આ સમયગાળામાં કેન્સરની સર્જરી ન કરવામાં આવે તો કેન્સર ફેલાવવાની શક્યતા વધી જાય છે.

આ કેસમાં મહત્ત્વનું એ હતું કે, એ રીતે બાયપાસ સર્જરી કરવામાં આવે જેથી વહેલી રિકવરી થાય અને કેન્સરની સર્જરી કરી શકાય, જેથી કેન્સરનો સ્ટેજ બદલાઈ ન જાય. આ માટે દર્દીમાં ડોક્ટરોએ રૂટિન બાયપાસનું વિકલ્પ છોડીને ટોટલ આર્ટિરિયલ રિવાસ્ક્યુલરાઇઝેશન (TAR) કર્યું. નોર્મલ બાયપાસમાં એક ઘમની અને 2-૩ શીરા (પગની નળીઓ) નો ઉપયોગ કરવામાં આવે છે.

બાયપાસના 1 મહિના બાદ કેન્સરની સફળ સર્જરી
ટોટલ આર્ટિરિયલ રિવાસ્ક્યુલરાઇઝેશન પધ્ધતિમાં ફક્ત ધમનીઓનો જ ઉપયોગ કરવામાં આવે છે આ નળીઓ કાં તો હાથમાંથી અથવા છાતીમાંથી જ બંને નળીઓ લેવામાં આવે છે. ટોટલ આર્ટિરિયલ રિવાસ્ક્યુલરાઇઝેશનનો ફાયદો એ છે કે સર્જરીના ૩-4 અઠવાડિયાની અંદર જ કેન્સરની સર્જરી કરી શકાય છે. અને આ દર્દીની 4 અઠવાડિયામાં જ કેન્સર સર્જરી કરવામાં આવી અને અત્યારે દર્દી સ્વાસ્થ્ય છે.

અન્ય સમાચારો પણ છે...