ડોક્ટરનું વિરોધ પ્રદર્શન:અમદાવાદમાં ડોક્ટરોએ સી ફોર્મ મુદ્દે રેલી યોજીને આવેદનપત્ર આપ્યું, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનને રજૂઆત કરી

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ડોક્ટરોએ બેનર સાથે વિરોધ પ્રદર્શન કર્યુ - Divya Bhaskar
ડોક્ટરોએ બેનર સાથે વિરોધ પ્રદર્શન કર્યુ
  • ઈન્ચાર્જ મ્યુનિસિપલ કમિશનર સી. આર ખરસાણને ડોક્ટરોએ આવેદન આપ્યું
  • દાણાપીઠ AMC ઓફિસે ડોક્ટરોએ રામધૂન બોલાવી વિરોધ નોંધાવ્યો
  • સી ફોર્મથી અંદાજિત 400થી વધુ હોસ્પિટલ અને નર્સિંગ હોમ્સ બંધ થઇ શકે: AHNA

અમદાવાદ મેડિકલ એસોસિએશન (AMA) અને અમદાવાદ હોસ્પિટલ એન્ડ નર્સિંગ એસોસિએશન (AHNA) દ્વારા ફરી એકવાર સી ફોર્મ મુદ્દે ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે. મ્યુનિસિપલ કમિશનર હાજર ન હોવાથી ઈન્ચાર્જ મ્યુનિસિપલ કમિશનર સી. આર ખરસાણને તેઓએ આવેદનપત્ર આપ્યું હતું. ડોક્ટરોએ માગ કરી હતી કે, સી ફોર્મમાં બીયુ પરમિશનનો કાયદો રદ કરી દેવામાં આવે. આવેદનપત્ર આપી અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટને મળીને પણ રજૂઆત કરી હતી. તેમને પણ ડોકટરોને આશ્વાસન આપી અને મુખ્યમંત્રીને રજૂઆત કરશે તેમ જણાવ્યું હતું

100 ડોક્ટરો બાઈક અને ગાડીઓ સાથે રેલીમાં જોડાયા
ડોક્ટર દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ ખાતેથી રેલી લઈ અને મ્યુનિસિપલ કોર્પોરેશનની મુખ્ય ઓફિસ દાણાપીઠ ખાતે પહોંચ્યા હતા. કોર્પોરેશન ઓફિસમાં ડોક્ટરોએ રામધૂન બોલાવી હતી. ડોક્ટરોએ સી ફોર્મ મુદ્દે અનેક વાર રજૂઆત કરી છે પરંતુ ત્રણ-ત્રણ વાર આવેદનપત્ર આપવા છતાં પણ માત્ર આશ્વાસન જ મળે છે. જેથી આજે ફરી એકવાર સાબરમતી રિવરફ્રન્ટથી કોર્પોરેશનની મુખ્ય કચેરી સુધી બાઇક રેલી કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આશરે 100 જેટલા ડોક્ટરો બાઇક અને ગાડી લઇને રેલી કરી હતી. કોર્પોરેશનની મુખ્ય કચેરી દાણાપીઠમાં ઈન્ચાર્જ મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે.

ઈન્ચાર્જ મ્યુનિસિપલ કમિશનરને ડોક્ટરોએ આવેદનપત્ર આપ્યું
ઈન્ચાર્જ મ્યુનિસિપલ કમિશનરને ડોક્ટરોએ આવેદનપત્ર આપ્યું

અચોક્કસ મુદ્દતની હડતાળની આહનાની ચીમકી
AHNAના સેક્રેટરી વીરેન શાહે જણાવ્યું હતું કે, સી ફોર્મથી અંદાજિત 400થી વધુ હોસ્પિટલ અને નર્સિંગ હોમ્સ બંધ થઇ શકે છે. અમદાવાદમાં જ માત્ર હોસ્પિટલમાં આ નિયમ લાગુ છે. બીજા શહેરોમાં આ નિયમ નથી જેથી અહીંયા પણ આ નિયમ રદ કરવામાં આવે તેવી માંગણી છે. જો આગામી દિવસોમાં પણ કોર્પોરેશન દ્વારા સહકાર આપવામાં નહિ આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે. તેમજ અચોક્કસ મુદ્દત સુધી હોસ્પિટલ બંધ કરી હડતાળ કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...