જવલ્લે જોવા મળતી બીમારી:અમદાવાદની GCS હોસ્પિટલમાં મગજની બીમારી ધરાવતી મહિલા દર્દીની સારવાર માટે ડોક્ટરોએ ફંડ એકઠું કર્યું

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દર્દીને અગાઉ અંડાશયના કેન્સરનું ઓપરેશન થઇ ચૂક્યું છે અને ડેન્ગ્યુ થવાને લીધે મગજનો રોગ થયો
  • 53 દિવસ સુધી ICUમાં દર્દીને રાખવામાં આવ્યાં અને બાદમાં સ્વસ્થ થતાં સામાન્ય વોર્ડમાં ખસેડાયા

કેટલાક રોગ એવા હોય છે જેની ટ્રીટમેન્ટ માટે પણ ડોક્ટરોને અથાક મહેનત કરવી પડતી હોય છે. NMDA રીસેપ્ટર એન્સીફેલાઇટીસ આ નામ સાંભળવામાં જેટલું અજુગતું લાગે છે એવી રીતે સારવારમાં પણ ખુબ અટપટુ હતું. અમદાવાદની GCS હોસ્પિટલમાં ઇમરજન્સી વિભાગમાં એકધારી ખેંચ, આક્રમક વર્તણુક, તાવ, બધું ભૂલી જવું અને વિચિત્ર અવાજો સંભળાવાની તકલીફો સાથે સારવાર અર્થે લાવવામાં આવ્યા હતા. આ દર્દીને અગાઉ અંડાશયના કેન્સરનું ઓપરેશન થઇ ચૂક્યું છે અને ડેન્ગ્યુ પણ થયો હતો જેને લીધે NMDA રીસેપ્ટર એન્સીફેલાઇટીસ નામનો આ મગજનો રોગ લાગુ પડ્યો હતો. આ દર્દીને હોસ્પિટલમાં સારવાર આપીને સ્વસ્થ કરવામાં આવ્યાં છે.

દર્દીને સારવાર માટે ICUમાં ખસેડવામાં આવ્યાં
પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદની GCS હોસ્પિટલમાં 31 વર્ષીય સરોજબેનને 13 ઓક્ટોબરના રોજ ઇમરજન્સી વિભાગમાં એકધારી ખેંચ, આક્રમક વર્તણુક, તાવ, બધું ભૂલી જવું અને વિચિત્ર અવાજો સંભળાવાની તકલીફો સાથે લાવવામાં આવ્યા હતા. જ્યાં ડો. અપરા કોઠિયાલા (કન્સલ્ટન્ટ-ન્યુરોલોજીસ્ટ) અને ડો. વિપુલ પ્રજાપતિ (આસિ. પ્રોફેસર- મેડિસિન વિભાગ) દ્વારા તેમની તપાસ કરતા માલુમ પડ્યું કે તેમને પેહલા અંડાશયના કેન્સરનું ઓપરેશન થઇ ચૂક્યું છે અને અને ડેન્ગ્યુ પણ થયો હતો જેને લીધે આ મગજનો રોગ તેમને લાગુ પડ્યો હતો. ત્યારબાદ સરોજબેનને વધુ સારવાર માટે ICUમાં ખસેડવામાં આવ્યા અને વેન્ટિલેટર પર પણ મુકવામાં આવ્યા હતાં.

ડોક્ટરોએ દર્દીની સારવાર માટે 80 હજાર રૂપિયા ભેગા કર્યાં
ડોક્ટરોએ દર્દીની સારવાર માટે 80 હજાર રૂપિયા ભેગા કર્યાં

તબિયતમાં સુધારો નહીં થતાં પરિવાર હિંમત હારી ચૂક્યો હતો
તેમને ખેંચ રોકવાની તમામ દવાઓ કરતા પણ હાલતમાં સુધારો ન જણાતાં પરિવારજનો પણ હિમ્મત હારી ચુક્યા હતા અને આટલા બધા દિવસના હોસ્પિટલના ખર્ચને પહોંચી વળવા માટે પણ સક્ષમ ન હતા. પરંતુ GCSના ડોક્ટર્સએ તેમની સારવાર સાથે ખર્ચની પણ જવાબદારી ઉઠાવી હતી. ડો, અપરા કોઠિયાલા દ્વારા સરોજબેનની સારવાર માટે રૂપિયા 80 હજાર જેટલું નાણાંભંડોળ ભેગું કરવામાં આવ્યું, રેસિડેન્ટ ડોક્ટર્સ દ્વારા રીટુક્સીમેબ નામનું ઇન્જેક્શન જે ખુબ મોંઘુ છે તેની પણ વ્યવસ્થા મફતમાં કરવામાં આવી હતી.GCS મેનેજમેન્ટે પણ ઉદારતા દાખવી સારવાર અને દવાઓ રાહતદરે પુરી પાડવામાં આવી હતી.

53 દિવસ બાદ ICUમાંથી બહાર કઢાયા
આખરે ડો. અપરા, ડો. વિપુલ અને ડો.ભાવેશ શાહ (હેડ - ક્રિટિકલ કેર) દ્વારા સારવાર, નર્સિંગ સ્ટાફની 24 કલાક દેખરેખ અને પરિવારની દુઆએ અસર કરી અને સરોજબેનને ખેંચ બંધ થઇ. 53 દિવસ બાદ ICUમાંથી વોર્ડમાં ખસેડવામાં આવ્યા. હાલમાં સરોજબેનને હાલત ખુબ સુધારા પર છે અને ટૂંક સમયમાં હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવશે. GCS હોસ્પિટલ એ NABH સ્વીકૃત 1000-બેડની હોસ્પિટલ છે. શ્રેષ્ઠ તબીબી કુશળતા, અલ્ટ્રા-મોડર્ન ઇન્ફ્રાસ્ટ્રકચર અને સુવિધાઓ તેમજ સમાજ સેવાના ઉદ્દેશ સાથે, GCS હોસ્પિટલ આજે સમાજના તમામ પ્રકારના લોકોને નજીવા દરે નિદાનથી લઇ સારવાર આપવા કાર્યરત છે.

અન્ય સમાચારો પણ છે...