અમદાવાદના એપોલો CBCC કેન્સર કેર ખાતે સિનિયર સર્જિકલ ઓન્કોલોજિસ્ટ ડૉ.નીતિન સિંઘલની આગેવાની હેઠળની ડૉક્ટરોની ટીમે એક બાળકમાં કિડનીની સૌથી વજનદાર ગાંઠને શસ્ત્રક્રિયા દ્વારા દૂર કરવાનો રેકોર્ડ બનાવ્યો છે અને તેને ઇન્ડિયા બુક ઑફ રેકોર્ડ્સ દ્વારા સ્થાન આપવામાં આવ્યું છે. આ ટીમે 3 વર્ષની બાળકીની ડાબી કિડનીમાંથી 3.1 કિલો વજનની મોટી વિલ્મ્સની ગાંઠને સફળતાપૂર્વક દૂર કરી હતી, જેનાથી તેને નવું જીવન મળ્યું હતું. આ જીવનરક્ષક સર્જરી બાદ ઇન્ડિયા બુક ઑફ રેકોર્ડ્સમાં દાવો નોંધવામાં આવ્યો હતો.
ડોક્ટરો માટે પડકારજનક સર્જરી હતી
ઇન્ડિયા બુક ઑફ રેકોર્ડ્સની ટીમ દ્વારા તેની સંપૂર્ણ તપાસ કરવામાં આવી હતી, ત્યારબાદ આ પ્રયાસ પછીનું સન્માન અને અંતિમ મંજૂરી આપવામાં આવી છે. આ અંગે ડૉ.નીતિન સિંઘલે કહ્યું હતું કે, "અમારા માટે આ એક ખૂબ જ પડકારજનક સર્જરી હતી, પરંતુ સદભાગ્યે, અમે તેને સફળતાપૂર્વક પાર પાડી શક્યા. સર્જરીના દોઢ વર્ષ બાદ બાળક અન્ય બાળકોની જેમ સામાન્ય જીવન જીવી રહ્યું છે."કેસની વિગતો મુજબ, જ્યારે બાળકીનાં માતાપિતાએ 2-3 અઠવાડિયાના ગાળામાં તેના પેટના કદમાં મોટો વધારો જોયો ત્યારે તેઓ તેને હૉસ્પિટલ લઈ આવ્યાં. સિનિયર પીડિયાટ્રિશિયન ડૉ.પુષ્કર શ્રીવાસ્તવની સલાહ લેતાં તેમને કન્સલ્ટન્ટ પીડિયાટ્રિક ઓન્કોલોજીસ્ટ ડૉ.હેમંત મેઘાણીને રિફર કરવામાં આવ્યા હતા.
બાળકને શ્વાસ લેવામાં ગંભીર મુશ્કેલીઓ થતી હતી
ડૉ.મેઘાણીએ બાળકીની તપાસ કરી તો તેમને એક દુર્લભ સ્થિતિ જોવા મળી, જેમાં ઘોડાની નાળ આકારની કિડનીમાં એક મોટો ગઠ્ઠો પેદા થઈ રહ્યો હતો. આ ગઠ્ઠો લગભગ આખા પેટનાં પોલાણ પર કબજો કરી રહ્યો હતો અને ડાયફ્રૅમને ધક્કો મારી રહ્યો હતો, જેના કારણે બાળકને શ્વાસ લેવામાં ગંભીર મુશ્કેલીઓ આવી રહી હતી.ત્યારબાદ આ કેસની ચર્ચા મલ્ટિડિસિપ્લિનરી ટ્યુમર બોર્ડ સાથે કરવામાં આવી હતી. સામાન્ય સંજોગોમાં, આવા વિશાળ ગઠ્ઠાનું નિદાન બાયોપ્સી દ્વારા કરવામાં આવે છે અને અનુક્રમે કીમોથેરાપી દ્વારા તેની સારવાર કરવામાં આવે છે. પરંતુ આ અભિગમ સાથે અનેક જોખમો હોવાથી, આ કિસ્સામાં એક અપવાદ તરીકે ઇમરજન્સી સર્જરીનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.