જુનિયર ડોક્ટરે ઠાલવી વ્યથા:‘સિવિલમાં દર્દીઓ સામે ડોક્ટરોનો સ્ટાફ ખૂબ ઓછો છે, નેતાઓના વાંકે દંડાય છે પ્રજા અને હોસ્પિટલ તંત્ર’

અમદાવાદ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • ઓક્સિજન, વેન્ટિલેટર જેવાં સાધનોના અભાવે ડોક્ટરો કરે તો શું કરે?

1200 બેડ સિવિલ હોસ્પિટલના એક જુનિયર ડોક્ટરે નામ નહીં આપવાની શરતે હોસ્પિટલનો ચિતાર આપ્યો હતો જે શબ્દશ: રજૂ કરાયો છે. હાલની સ્થિતિ અંગે વ્યથા ઠાલવતા કહ્યું કે, સિવિલ કેમ્પસની કોવિડની સારવાર કરતી વિવિધ હોસ્પિટલોમાં દાખલ થતાં દર્દીની સામે ડોક્ટરની સંખ્યા અને ઓક્સિજન, વેન્ટિલેટર જેવા સાધનોનો અભાવ છે. જેથી બાયપેપ અને વેન્ટિલેટરની જરૂરવાળા દર્દીને અન્ય હોસ્પિટલોમાં ખસેડવા પડે છે. હાલની સ્થિતિ માટે રાજકીય નેતાઓ જવાબદાર છે પણ દંડાય છે પ્રજા અને સિવિલ હોસ્પિટલનું તંત્ર. સરકારે કશું કરવું નથી, જેથી લોકો પોતાની રીતે સ્વૈચ્છિક બંધ રાખી રહ્યા છે.

ડોક્ટરો રિસોર્સ વગર શું કરી શકે?
તેમણે વધુમાં જણાવ્યું કે, સિવિલમાં હાલત ખરાબ છે, કોવિડમાંથી રોજની 100થી 110 ડેડબોડી અંતિમ સંસ્કાર માટે મોકલાય છે. કોવિડ પોઝિટિવની સાથે અસ્થમા અને હૃદયરોગથી પીડાતા દર્દીનું મોત થાય તો મોતનું કારણે હૃદયરોગ અથવા અસ્થમા બતાવાય છે. કારણ બહુ સામાન્ય છે કે, સિવિલ પાસે ડોકટરો છે પણ ડોકટરો રિસોર્સ વિના કરે શું? હાલમાં સિવિલ 1200 બેડમાં તમામ વેન્ટિલેટર પર દર્દી સારવાર હેઠળ હોવાથી વેન્ટિલેટર જ ખાલી નથી. જેથી સિવિલમાં દર્દી મરવાના વાંકે જ જાય છે. કારણ કે, સિવિલમાં આવ્યાં પછી દર્દીને એટલી રાહત થાય છે કે, હાશ મારી સારવાર શરૂ થઇ.

પ્રત્યેક ડોક્ટર 200 દર્દીને તપાસે છે
હાલમાં સ્થિતિ એવી છે કે, 1200 બેડ હોસ્પિટલમાં તમામ બેડ ભરેલા છે, જેથી હોસ્પિટલના સ્ટાફ માટે જ દાખલ કરવાની જ જગ્યા નથી. દરેક ડોક્ટરની સારવાર કરવાની એક કેપેસિટી હોય, ડોક્ટર તેની 8 કલાકની ડ્યૂટી દરમિયાન 80-90 દર્દી તપાસી શકે, તેને બદલે હાલમાં 200થી વધુ દર્દી તપાસી રહ્યા છે. સિવિલની 1200 બેડ, મંજૂશ્રી કોવિડ હોસ્પિટલ, યુએન મહેતા, કિડની અને કેન્સર હોસ્પિટલમાં દાખલ દર્દીની સંખ્યા વધુ હોવાથી દરેક ડોકટરે 200થી વધુ દર્દી તપાસવા પડે છે. ત્યારે હાલની સ્થિતિને ધ્યાનમાં રાખીને અમારા જેવા યુવાન ડોકટરોની સાથે હવે 45થી 50 વર્ષનાં ડોકટરોને પણ ડ્યુટી સોંપાવાની છે, જેથી આખી હેલ્થ સિસ્ટમ મરી પરવારશે. (સમીર રાજપૂત સાથે થયેલી વાતચતીને આધારે)

ફેફસાંમાં ચેપને કારણે નજર સામે દર્દી મરી રહ્યા છે પણ ડોક્ટર કશું જ કરી શકતા નથી
આ વખતે કોવિડના દર્દીમાં ફેફસાનું ઇન્ફેક્શનનું પ્રમાણ વધુ હોવાથી ફેફસા વધુ ડેમેજ હોય છે, જેથી ઓક્સિજનની ડિમાન્ડ વધી છે, સિવિલમાં ઓક્સિજનની કોઇ તકલીફ નથી. પરંતુ, હોસ્પિટલમાં શહેરની વિવિધ હોસ્પિટલોમાંથી ના પાડ્યા બાદ ગંભીર હાલતમાં આવતાં દર્દીને બાયપેપ અને વેન્ટિલેટરની જરૂર હોય છે, પણ બાયપેપ-વેન્ટિલેટર સાથે બેડ ભરેલા હોવાથી અમે નજર સામે દર્દી મરી રહ્યા હોવા છતાં કશું કરી શકતા નથી.

દર્દીનો ધસારો પહોંચી વળાય તેમ નથી
1200 બેડ હોસ્પિટલમાં રોજની 40થી વધુ એમ્બ્યુલન્સની લાઇનો હોય છે, જેથી અમે દર્દીને બચાવવા દરેક એમ્બ્યુલન્સે ફરીને સારવાર આપવાનું શરૂ કર્યું છે. જો કે, કોર્પોરેશન હવે ડેડિકેટેડ કોવિડ હોસ્પિટલને બદલે તેમની હોસ્પિટલોમાં કોવિડ કેર સેન્ટર બનાવશે, જેમાં ઓક્સિજનની જરૂર નથી તેવા દર્દી સારવાર મળે એટલે અમારા પરનો બોજ ઘટી શકે છે.

અન્ય સમાચારો પણ છે...