હડતાળનો બીજો દિવસ:અમદાવાદની 400થી વધુ હોસ્પિટલ અને નર્સિંગ હોમના ડોક્ટરો રસ્તા પર, આજે બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવ્યો

9 દિવસ પહેલા
  • સી ફોર્મ રિન્યુઅલ મુદ્દે શનિવારથી ડોકટરો હડતાળ પર ઉતર્યા છે

અમદાવાદમાં 400થી વધુ હોસ્પિટલોમાં સી ફોર્મ રિન્યુઅલ મુદ્દે શનિવારથી શહેરના ડોકટરો હડતાળ પર ઉતર્યા છે. આજે બીજા દિવસે પણ ડોકટરોની હડતાળ યથાવત છે. સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ડોકટરોએ આજે બ્લડ ડોનેશન કેમ્પ યોજ્યો છે. ડોકટરોની માગ છે કે, સી ફોર્મમાં રિન્યુઅલ માટે બીયુ પરમિશનનો જે નિયમ છે તેને દૂર કરવામાં આવે. બીયુ પરમિશન મુદ્દે અનેક હોસ્પિટલોના સી ફોર્મ રિન્યુઅલ અટકી પડ્યા છે. ડોકટરોની બે દિવસની હડતાળના કારણે હજારો દર્દીઓને હાલાકી પડી છે. આજે સતત બીજા દિવસે પણ ઓપીડી અને ઓપરેશન બંધ છે જો કે ઇમરજન્સી સેવાઓ યથાવત રાખવામા આવી છે.

ગઈકાલે અમદાવાદની ખાનગી હોસ્પિટલના સંચાલકો અને તબીબોએ વલ્લભ સદન-આશ્રમ રોડ ખાતેથી એક વિશાળ રેલી યોજી ધરણા પર બેઠા હતા. ધરણા પ્રદર્શન ખાતે રામધૂન બોલાવી પોતાનો રોષ પ્રગટ કરી રહ્યા હતા. ડોક્ટરોના વિરોધ પ્રદર્શનનના કારણે લોકોએ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડશે. જોકે, આંદોલનકારી હોસ્પિટલ સંચાલકોનો તર્ક છે કે, તેઓ ભલે વિરોધ નોંધાવી રહ્યા હોય પરંતુ બ્લડ ડોનેશન કાર્યક્રમ થકી પોતાની સમાજ પ્રત્યેની ફરજ અદા પણ કરી રહ્યા છે. અનેક રજૂઆતો છતાં પણ તેમની માંગણીઓનો ઉકેલ ન આવતાં અંતે વિરોધ નોંધાવવાની ફરજ પડી છે.

વિશાળ રેલી યોજ્યા બાદ ડોક્ટરો ધરણા પર બેઠા
વિશાળ રેલી યોજ્યા બાદ ડોક્ટરો ધરણા પર બેઠા

AMCએ બીયુ પરમિશનની માગ શરૂ કરી છે
1949થી 2021 સુધી, તમામ હૉસ્પિટલો અને નર્સિંગ હોમ્સ બોમ્બે નર્સિંગ હોમ્સ રજિસ્ટ્રેશન એક્ટ 1949 હેઠળ હૉસ્પિટલોની નોંધણી માટે જરૂરી દસ્તાવેજો રજૂ કર્યા છે. અત્યાર સુધી હોસ્પિટલો અને નર્સિંગ હોમ્સ કોઈ પણ પ્રકારની સમસ્યા વિના નોંધણી કરવામાં આવી છે. પરંતુ ઑક્ટોબર 2021થી, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આ અધિનિયમ હેઠળ નોંધણી માટે વેલિડ બિલ્ડિંગ યુઝ (બીયુ) પરવાનગીની માંગ કરવાનું શરૂ કર્યું, જેના કારણે તેઓ વિરોધ નોંધાવી રહ્યાં છે. ઑક્ટોબર 2021 સુધી નર્સિંગ હોમ અને હૉસ્પિટલોના રજિસ્ટ્રેશન માટે ક્યારેય બીયુ પરવાનગીની જરૂર નહોતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જેતે હોસ્પિટલની યોગ્યતા સહિત સ્ટાફની વિગતોની ચકાસણી કર્યા બાદ નોંધણી પ્રમાણપત્ર જારી કરતું હતું, જેને સામાન્ય રીતે ફોર્મ 'સી' તરીકે ઓળખવામાં આવે છે.

વલ્લભ સદન-આશ્રમ રોડ ખાતેથી એક વિશાળ રેલી યોજી
વલ્લભ સદન-આશ્રમ રોડ ખાતેથી એક વિશાળ રેલી યોજી

હેલ્થકેર સેવાઓ માટે બીયુ ફરજિયાત બનાવાઈ છે
હોસ્પિટલ સંચાલકોની એ પણ દલીલ છે કે ફોર્મ C પરવાનગી માત્ર મૉર્ડન મેડિસિન સાથે કામ કરતી હેલ્થકેર સુવિધાઓને જ લાગુ પડે છે. રેસ્ટોરાં જેવી અન્ય સેવાઓ પ્રદાન કરવા માટે અલગ નોંધણીની કોઈ આવશ્યકતા નથી અને તેઓને તેમના બીયુ સ્ટેટસને ધ્યાનમાં લીધા વિના કામ કરવાની મંજૂરી આપે છે ત્યારે આ પ્રકારની જરૂરિયાત માત્ર હેલ્થકેર સેવાઓ માટે જ કેમ ફરજિયાત બનાવવામાં આવી છે? આમ થવાથી હોસ્પિટલ સંચાલકો સાથે ભેદભાવ થતો હોવાનું દાવો પણ કરવામાં આવી રહ્યો છે.

ઈમર્જન્સી હેલ્થકેર સેવાઓ યથાવત રહેશે
આહનાએ જણાવ્યું હતું કે, તારીખ 14 અને 15મીના રોજ હોસ્પિટલો દ્વારા ઇમર્જન્સી હેલ્થકેર સેવાઓ ચાલુ રહેશે. 'મેડિકલ બંધ' થી સામાન્ય લોકોને ઉભી થતી અસુવિધા માટે ખેદ અનુભવીએ છીએ. અમે અપેક્ષા રાખીએ છીએ કે સરકાર આ મુદ્દે તાત્કાલિક પગલાં ભરશે.

અન્ય સમાચારો પણ છે...