આવનાર દિવસોમાં મેડિકલના વિદ્યાર્થીઓ, હોસ્પિટલમાં કાર્યરત ડોક્ટર સહિતનો મેડિકલ સ્ટાફ ખાદીના વસ્ત્રોમાં જોવા મળે તો નવાઈ નહી. નેશનલ મેડિકલ કમિશન દ્વારા દેશભરની તમામ મેડિકલ કોલેજ અને હોસ્પિટલો માટે મહત્વપૂર્ણ એડવાઈઝરી જારી કરી છે. જેમાં ડોક્ટરો અને મેડિકલના વિદ્યાર્થીઓને ખાદીમાંથી નિર્મિત કેપ્રોન ઉપરાંત હોસ્પિટલ અને તબીબો માટે તૈયાર કરેલ ચીજ વસ્તુઓનો ઉપયોગ કરવા માટે ભલામણ કરવામાં આવી છે.
હોસ્પિટલમાં વપરાશે ખાદીની વસ્તુઓ
પાછલા કેટલાક વર્ષોથી સ્થાનિક સ્તરે રોજગારીનું સર્જન થાય અને નાના ઉદ્યોગોને પ્રોત્સાહન મળે તે હેતુથી ખાદીનો ઉપયોગ મહત્તમ થાય તે માટેના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. તેવામાં હવે નેશનલ મેડિકલ કમિશન દ્વારા દેશની કોલેજ અને હોસ્પિટલને ખાદીમાંથી બનેલ અથવા તો ખાદી ઉદ્યોગ દ્વારા નિર્મિત ચીજ વસ્તુઓને તેમના રોજિંદા જીવનમાં ઉપયોગમાં પ્રાધાન્ય આપવા માટે માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે. કમિશને જારી કરેલ માર્ગદર્શિકામાં કહેવામાં આવ્યું છે કે ડોક્ટરો અને વિદ્યાર્થીઓના કેપ્રોન હોસ્પિટલમાં વપરાતી ચાદરો, ઓશિકાના કવર, દર્દીના ગાઉન, પડદા, સાબુ હેન્ડવોશ, ફીનાઇલ, વગેરે પ્રકારની ચીજવસ્તુઓનો ઉપયોગ કરવો જોઈએ.
ગુજરાતમાં ખાદી ઉદ્યોગને પ્રોત્સાહન મળશે
ખાદીમાંથી નિર્મિત કરેલ ચીજવસ્તુઓ આરોગ્ય માટે લાભદાયક હોય છે સાથે સાથે ઇકોફ્રેન્ડલી પણ હોય છે એટલું જ નહીં પરંતુ ખાદીના મહત્તમ ઉપયોગ થવાથી ગ્રામ્ય સ્તરે મોટા પ્રમાણમાં રોજગારીનું સર્જન થાય અને લોકોને કામ મળી રહે છે, જેથી નાના ગામડાઓમાં ખાદી ઉદ્યોગ સાથે સંકળાયેલા નાના કારીગરોને રોજગારી મળી રહે અને પ્રોત્સાહન મળે તે હેતુથી ખાદીમાંથી બનાવેલી ચીજ વસ્તુઓનો ઉપયોગ કરવા માટે પ્રાધાન્ય આપવા માટે કહેવામાં આવ્યું છે. આ અગાઉ ગુજરાતમાં ખાદી ઉદ્યોગને પ્રોત્સાહન મળે તે માટે શાળાના શિક્ષકોને સપ્તાહમાં એકવાર ખાદી પહેરવા માટે આગ્રહ કરવામાં આવ્યો હતો. જેને લઈ રાજ્યભરમાં ખાદીના પોશાક ખરીદીમાં મોટો ઉછાળો પણ આપ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.