ચોરી:અમદાવાદમાં ડી.જે. સ્નેકના પ્રોગ્રામમાં મહિલા સહિત ત્રણના 3.17 લાખના મોબાઇલ ચોરાયા

અમદાવાદ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • એસજી હાઇવે પરના નિર્વાણા પાર્ટી પ્લોટમાં કાર્યક્રમ યોજાયો હતો
  • સરખેજ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી

એસજી હાઈવે પર આવેલા નિર્વાણા પાર્ટી પ્લોટમાં યોજાયેલા ડી.જે. સ્નેકના કાર્યક્રમમાં ઘુસી આવેલી ચોર ટોળકીએ મહિલા સહિત 3 જણાંના પેન્ટના ખિસ્સામાંથી રૂ. 3.17 લાખની કિંમતના 3 મોબાઈલ ફોન ચોરી લીધા હતા. પોલીસે સીસીટીવી ફૂટેજ તેમ જ આઈએમઈઆઈ નંબરના આધારે ચોરને પકડવા તજવીજ શરૂ કરી છે.

સેટેલાઈટ જોધપુર પ્રમુખ રેસિડેન્સીમાં રહેતા રિતુબહેન પાર્થભાઈ પટેલ (ઉં.29) ઘાટલોડિયા સત્યા-2 કોમ્પલેક્સમાં દુકાન ધરાવીને ઈમિગ્રેશનનો બિઝનેસ કરે છે. 18 નવેમ્બરના રોજ રિતુબહેન પતિ પાર્થભાઈ સાથે 8.30 વાગ્યે નિર્વાણા પાર્ટી પ્લોટ ખાતે ડી.જે.સ્નેકના પ્રોગ્રામમાં ગયા હતા. તે દરમિયાન તેમણે પેન્ટના ખિસ્સામાં રૂ.1.09 લાખની કિંમતનો મોબાઈલ ફોન હતો. લગભગ રાતે 10 વાગ્યે પ્રોગ્રામ પુરો થયો ત્યારે રિતુબહેને જોયું તો પેન્ટના ખિસ્સામાં મુકેલો મોબાઈલ ફોન ગાયબ હતો.

મોબાઇલ ફોન ગુમ થતા તેમણે આસપાસમાં તપાસ કરી હતી, પરંતુ તેમનો ફોન મળ્યો ન હતો. જ્યારે તેઓ ફોન શોધી રહ્યા હતા, ત્યારે તેમને જાણવા મળ્યું હતું કે, આ પ્રોગ્રામમાં આવેલા મૃગાં રાજપૂરાનો પણ રૂ.1.27 લાખની કિંમતનો મોબાઇલ ફોન અને ક્રિશ સબનાણીનો રૂ.81 હજારની કિંમતનો મોબાઈલ ફોન મળીને કુલ રૂ.3.17 લાખની કિંમતના 3 મોબાઈલ ફોનની ચોરી થઇ હતી. આ અંગે રિતુબહેને સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ તેમ જ આઈએમઈઆઈ નંબરના આધારે ચોરને પકડવા તજવીજ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...