તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

DBના રિપોર્ટર્સની નજરે રથયાત્રા:ભક્તોનાં નયન નાથનાં દર્શન માટે તરસ્યાં, જય રણછોડના નારા ન ગુંજ્યા, પોલીસ રથયાત્રા જેવો માહોલ સર્જાયો

અમદાવાદ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આ લાઈવ કવરેજ દરમિયાન દિવ્ય ભાસ્કરના પત્રકારોએ ભક્તોની આંખો વાંચી હતી
  • દર વર્ષે ગજરાજ રથની આગળ હોય છે ત્યારે આ વખતે પોલીસ જ પોલીસ જોવા મળી હતી
  • પોલીસના ટાર્ગેટ કરતાં પણ 1 કલાકને 10 મિનિટ વહેલી રથયાત્રા પૂર્ણ થઈ

કોરોના મહામારી વચ્ચે અમદાવાદ શહેરમાં ભગવાન જગન્નાથની 144મી રથયાત્રાનું સમાપન થઈ ગયું છે. આ રથયાત્રા અનેક રીતે ઐતિહાસિક રહી છે. રથયાત્રાને કોરોના વચ્ચે ભક્તોની ભીડથી દૂર રાખીને માત્ર 4 કલાકમાં પૂર્ણ કરી દેવામાં આવી છે. તો બીજી બાજુ ભક્તોનાં નયન નજીકથી નાથનાં દર્શન કરવા તરસ્યાં હતાં. દિવ્ય ભાસ્કર ડિજિટલના પત્રકારોએ વહેલી સવારે 3:30 વાગ્યાથી સતત રથયાત્રા સાથે રહીને લાઈવ કવરેજ કર્યું હતું. આ લાઈવ કવરેજ દરમિયાન દિવ્ય ભાસ્કરના પત્રકારોએ ભક્તોની આંખો વાંચી હતી. એમાં ભાવિકોને નાથની નજીક ગયા વિના દૂરથી દર્શન કરીને સંતોષ માનવો પડ્યો હતો.

16 વર્ષમાં પહેલીવાર મેં ભક્તો વગરની રથયાત્રા જોઈ
મારું નામ ચેતન પુરોહિત છે અને મેં છેલ્લાં 16 વર્ષથી દર વર્ષે મંદિરથી લઈ રથયાત્રા પરના તમામ રૂટ પર તેમજ એ પૂર્ણ થાય ત્યાં સુધીનું રિપોર્ટિંગ કર્યું છે. આ મારું 17મું વર્ષ છે. દર વખતે રથયાત્રામાં ભક્તો અને ભગવાન વચ્ચેનું ટ્યુનિંગ દેખાતું હતું અને પોલીસ ઝાખી દેખાતી હતી. આ વખતે પોલીસ અને ભગવાન જ હતા અને ભક્તો ઘરમાં કેદ જોવા મળ્યા હતા, સાથે જ આ વખતે પોલીસની કડક કાર્યવાહી અને કોર્ડિનેશનને કારણે રથયાત્રામાં કોઈપણ મુશ્કેલી જોવા મળી ન હતી. ભક્તો વચ્ચે ઘર્ષણ તેમજ રકઝક જેવા બનાવો પણ બન્યા ન હતા. કવરેજ સમયે હું ઘણા એવા વિસ્તારોમાં પણ ગયો, જ્યાં ભગવાનના દર્શનથી વંચિત રહેલા ભક્તો દુ:ખી અને માયૂસ જોવા મળ્યા હતા. તો કેટલાક વિસ્તારોમાં ઘરની બારીઓ તેમજ ધાબા પર ચઢીને ભગવાનના રથ પર ફૂલહાર તેમજ પ્રસાદ ચઢાવ્યાં હતાં. 144 વર્ષના ઈતિહાસમાં આ પહેલી એવી રથયાત્રા છે, જ્યાં ભક્તો વિના ભગવાન નગરચર્યાએ નીકળ્યા હતા. બીજી તરફ, પોલીસ તેમજ ખલાસીઓની મહેનતથી ખૂબ જ શાંતિ પૂર્ણ અને ઝડપી રથયાત્રા નિજમંદિર પરત ફરી હતી.

ખલાસીઓની મહેનતથી ખૂબ જ શાંતિ પૂર્ણ અને ઝડપી રથયાત્રા નિજમંદિર પરત ફરી હતી
ખલાસીઓની મહેનતથી ખૂબ જ શાંતિ પૂર્ણ અને ઝડપી રથયાત્રા નિજમંદિર પરત ફરી હતી

દર વર્ષે ગજરાજ રથની આગળ રહેતા, આ વખતે પોલીસ જ પોલીસ
મારું નામ અનિરુદ્ધસિંહ મકવાણા છે અને હું છેલ્લાં 6 વર્ષથી રથયાત્રાનું કવરેજ કરી રહ્યો છું. જોકે આ વર્ષની રથયાત્રા તમામ રીતે અલગ હતી. સામાન્ય વર્ષોમાં રથયાત્રાના દિવસે લાખોની સંખ્યામાં ભક્તો ઊમટી પડતા હોય છે, પરંતુ આ વખતે કોરોનાને પાગલે માત્ર પોલીસની હાજરીમાં જ ભગવાનની યાત્રા નીકળી હતી. 2 વર્ષ પહેલાંની રથયાત્રામાં મોડી રાતે 3 વાગ્યાથી જ ભક્તો જગન્નાથ મંદિરે ઊમટી પડતા અને અમદાવાદના એ તમામ રૂટ, જ્યાં રથયાત્રા નીકળવાની હોય ત્યાં પણ ભક્તો ફૂલહારથી ભગવાનનું સ્વાગત કરતા હતા. આ વખતે માત્ર દૂરથી જ તેમનાં દર્શન કરવા પડ્યાં હતાં. બીજું એ કે દર વર્ષે ગજરાજ રથની આગળ હોય છે ત્યારે આ વખતે પોલીસ જ પોલીસ જોવા મળી હતી. માત્ર 4 કલાકથી ઓછા સમયમાં રથયાત્રા પૂર્ણ થઈ હતી. કેટલાક વિસ્તારોમાં પોલીસે ભક્તોને પોળના નાકે ઊભા રહી દર્શન કરવા દીધા હતા.

દર વર્ષે ગજરાજ રથની આગળ હોય છે ત્યારે આ વખતે પોલીસ જ પોલીસ જોવા મળી હતી
દર વર્ષે ગજરાજ રથની આગળ હોય છે ત્યારે આ વખતે પોલીસ જ પોલીસ જોવા મળી હતી

પોલીસના ટાર્ગેટથી 1 કલાક 10 મિનિટ વહેલી પૂર્ણ થઈ રથયાત્રા
મારું નામ આનંદ મોદી છે અને હું છેલ્લાં 5 વર્ષથી રથયાત્રાનું કવરેજ કરી રહ્યો છું. જોકે આ વર્ષની રથયાત્રાનો નજારો ખરેખર અલગ હતો. અગાઉની રથયાત્રામાં 8:30 વાગ્યા સુધી તો મંદિરમાં જ હોઈએ, પરંતુ આ વખતે તો આટલા વાગે મોસાળ પહોંચી ગયા હતા, સાથે જ આ વખતે એવું જોવા મળ્યું હતું કે આ રથયાત્રા પોલીસની જ રથયાત્રા છે, કારણ કે ભક્તો કોઈ હતા જ નહિ. એટલા જ માટે કોઈપણ જાતના ધસારા વગર પૂરઝડપે ત્રણેય રથ માત્ર 4 કલાકમાં નિજમંદિરે પરત ફર્યા હતા. અગાઉ 22. કિમીની રથયાત્રાને પૂર્ણ થતાં 14 કલાકનો સમય લાગતો હતો, કારણે કેટલાક વિસ્તારોમાં રથને રોકવામાં આવતા હતા, પરંતુ આ વખતે નોન-સ્ટોપ રથયાત્રા નીકળી હતી. કેટલાક વિસ્તારોમાં ભક્તોની ભીડ ભેગી થતાં પોલીસે શાંતિથી સમજાવી પરત મોકલ્યા હતા, સાથે જ ઘણા ભક્તોની રથ નજીક જઈને દર્શન કરવાની ઈચ્છા હતી, પરંતુ એ પૂરી ન થતાં તેઓ દુ:ખી જોવા મળ્યા હતા. પોલીસના ટાર્ગેટ કરતાં પણ 1 કલાકને 10 મિનિટ વહેલી રથયાત્રા પૂર્ણ થઈ છે.

દિવ્ય ભાસ્કર ટીમ
દિવ્ય ભાસ્કર ટીમ

રથયાત્રાના સ્વાગતમાં મુસ્લિમ બાળકો ઝૂમી ઊઠ્યાં હતાં
મારું નામ અદિત પટેલ છે અને હું છેલ્લાં 4 વર્ષથી રથયાત્રાનું કવરેજ કરી રહ્યો છું, પણ આ વખતની રથયાત્રામાં લોકોનો ઉત્સાહ ઘણો ઓછો જોવા મળ્યો હતો. જ્યારે કેટલાક વિસ્તારોમાં લોકો ઘરની બહાર આવીને દૂરથી જ ભગવાનનાં દર્શન કરી રહ્યા હતા. ઈતિહાસમાં પહેલીવાર આવી રથયાત્રા નીકળી હશે, જ્યાં મંદિર તેમજ તમામ રૂટ પર કડડ વ્યવસ્થા ગોઠવી અને 14 કલાકની રથયાત્રાને માત્ર 4 કલાકમાં પૂર્ણ કરાવી હોય, સાથે જ રથને ખેંચી રહેલા ખલાસીઓનું પણ આ વખતે વિશેષ યોગદાન જોવા મળ્યું હતું, જેઓ ખૂબ જ ઓછા સમયમાં રથને દોડી-દોડીને મંદિર તરફ લઈને આવ્યા હતા. કેટલાક ભક્તો એવા પણ હતા, જેમને પોલીસે ના પાડી હોવા છતાં રોડ પર આવી ભગવાનના રથનું સ્વાગત કર્યું હતું. ભક્તો વગરની આવી રથયાત્રા પહેલાં ક્યારે નીકળી નથી. જ્યારે અમે જમાલપુર મંદિર તરફના મુસ્લિમ વિસ્તારમાંથી પસાર થયા ત્યારે તેમનાં નાનાં બાળકો રોડ પર આવી નાચતા નજરે ચઢ્યાં હતાં. અહીંના લોકો રથયાત્રાને એક તહેવારના જેમ ઊજવે છે.

પોલીસના ટાર્ગેટ કરતાં પણ 1 કલાકને 10 મિનિટ વહેલી રથયાત્રા પૂર્ણ થઈ
પોલીસના ટાર્ગેટ કરતાં પણ 1 કલાકને 10 મિનિટ વહેલી રથયાત્રા પૂર્ણ થઈ

ભક્તોએ બારીમાંથી ચોખા-મગ ફેંકી ભગવાનને આવકાર્યા
મારું નામ કિશન પ્રજાપતિ છે અને હું છેલ્લાં 5 વર્ષથી રથયાત્રા કવરેજ કરું છું. મેં દર વખતે જોયું છે કે રથયાત્રાની આગલી રાતથી ભક્તોની ભારે ભીડી ઊમટી પડે છે. મંગળા આરતી, ભગવાનને રથમાં બિરાજમાન કરતી વખતે પણ લાખોની સંખ્યામાં ભક્તોની ભીડ જોવા મળતી હતી. જોકે આ વખતે ભક્તો રથની વચ્ચે પણ જઈ શક્યા ન હતા. આજે હું રથયાત્રા કવરેજ સમયે સુભદ્રાજીના રથની સાથે સાથે ફર્યો હતો. એ દરમિયાન મેં જોયું કે ભક્તો પોતાના ઘરની બારીમાંથી ચોખા તેમજ મગ ફેંકી ભગવાનને આવકારતા હતા તેમજ આરતી પણ ઉતારતા હતા, એટલે કે આ વર્ષે જે રૂટ પરથી રથયાત્રા નીકળી એ જ રૂટ પર રહેતા ભક્તોને ભગવાનનાં દર્શન થયાં, બાકી અન્ય વિસ્તારો કે શહેરોમાંથી આવતા લોકો દર્શનથી વંચિત રહ્યા હતા, સાથે જ રથયાત્રાના તમામ રૂટ પર કડક પોલીસ-બંદોબસ્ત ગોઠવાયો હતો. 30થી 40 ફૂટ સુધીના પોળના દરવાજા પણ બંધ કરી દેવાયા હતા. જે મંગળા આરતીમાં દર વર્ષે હજારોની ભીડ જામતી ત્યાં આ વર્ષે માત્ર 20-25 લોકો જ જોવા મળ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...