તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • DivyaBhaskar News Headlines: Amit Shah Will Inaugurate 7 Works Worth Rs 215 Crore In Ahmedabad, Rs 2,500 Crore 350 Kg Drugs Caught In Delhi

મોર્નિંગ ન્યૂઝ પોડ કાસ્ટ:રાજ્યમાં આજે દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, અમદાવાદમાં અમિત શાહ 215 કરોડના 7 કામોનું લોકાર્પણ કરશે, દિલ્હીમાં 2500 કરોડના 350 કિલો ડ્રગ્સ સાથે 4ની ધરપકડ

23 દિવસ પહેલા

નમસ્કાર,

આજે રવિવાર છે, તારીખ 11 જુલાઈ, અષાઢ સુદ એકમ

આ મહત્ત્વપૂર્ણ ઘટનાઓ પર રહેશે નજર
1) અમદાવાદમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ 215 કરોડના 7 કામોનું લોકાર્પણ અને 2 કામોનું ખાતમુહૂર્ત કરશે
2) મુખ્યમંત્રી રૂપાણી રથયાત્રાની પૂર્વ સંધ્યાએ અમદાવાદ જગન્નાથ મંદિરમાં સંધ્યા આરતી દર્શન કરશે, રથયાત્રાની તૈયારીઓની સમીક્ષા કરશે
3) અમદાવાદમાં રથયાત્રાને લઈને આજથી રથયાત્રા રૂટમાં તમામ સ્થળોને નો પાર્કિગ ઝોન ઝોનમાં મૂકવામાં આવ્યા
4) અમદાવાદના જેન્યુઈન હેલ્પ ફાઉન્ડેશન દ્વારા જુહાપુરામાં 90 નિષ્ણાંત ડોક્ટર સાથે મેગા મેડિકલ કેમ્પમાં સારવાર અને મફત દવા અપાશે, રક્તદાન શિબિર
5) રાજકોટમાં ખોડલધામના ચેરમેન નરેશ પટેલના જન્મદિવસે સતત 21મા વર્ષે 15 સ્થળે મેગા બ્લડ ડોનેશન કેમ્પ
6) મુખ્યમંત્રી વિજય રૂપાણી સુરતમાં ડાયમંડ બુર્સની મુલાકાત લેશે, તાપી નદી પરના પાલ-ઉમરા બ્રિજનું લોકાર્પણ કરશે
7) વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા મકરપુરા રોડ પર બરોડા ડેરી સર્કલ ખાતે દૂધના ભાવ વધારા સામે વિરોધ પ્રદર્શન કરશે

હવે જોઈએ ગઈકાલના ખાસ સમાચારો
1) સાવલી પાસે મહીસાગર નદીમાં બરોડા મેડિકલ કોલેજના 2 સ્ટુડન્ટના ડૂબવાથી મોત, ગૃપ પિકનિક મનાવવા ગયું હતું
સાવલી તાલુકાના લાછનપુર ગામ પાસેથી પસાર થતી મહીસાગર નદીને કિનારે બરોડા મેડિકલ કોલેજના​​​​​​ સ્ટુડન્ટનું એક ગ્રુપ​ પિક્નિક મનાવવા ગયું હતું. આ ગ્રુપની સિદ્ધિ નિમેશભાઇ શાહ (ઉં.20), અમોઘ ગોયલ (ઉં.વ.20)ના ડૂબી જવાથી મોત નીપજ્યાં હતાં, જ્યારે એક તબીબી વિદ્યાર્થીને સ્થાનિક લોકો દ્વારા બચાવી લેવામાં આવ્યો હતો. પરંતુ બે તબીબી વિદ્યાર્થીઓનાં ડૂબી જવાથી મોત નીપજતાં તેમનો પિક્નિકનો ઉત્સાહ માતમમાં ફેરવાઇ ગયો હતો.
વાંચો સમાચાર વિગતવાર

2) પંચમહાલના કાલોલમાં બે જૂથના ટોળાં સામ-સામે આવ્યાં, પથ્થરમારો થતાં પોલીસકર્મી ઈજાગ્રસ્ત, ટીયરગેસના સેલ છોડાયા
પંચમહાલ જિલ્લાના કાલોલના ગધેડી ફળિયા અને કસ્બા વિસ્તારમાં શનિવારે બપોરના સમયે બે જૂથો વચ્ચે હિંસક અથડામણ થઇ હતી. મોટી સંખ્યામાં બન્ને કોમના ટોળાં આમને-સામને આવી જતા ભારે પથ્થરમારો થયો હતો. જેમાં રસ્તે પસાર થતાં વાહનચાલકો પર ભોગ બન્યા હતા. તોફાની ટોળાએ પોલીસ ઉપર પણ પથ્થરમારો કરતા કેટલાક પોલીસકર્મીઓ પણ ઇજાગ્રસ્ત થયા હતા.
વાંચો સમાચાર વિગતવાર

3) અમદાવાદમાં લોક અદાલતનો સૌથી મોટો ચૂકાદો, ટ્રકની ટક્કરે માતાનું મોત થતાં સંતાને કોર્ટમાં જઈ ઈન્શ્યોરન્સ કંપની પાસે રૂ. 71 લાખનું વળતર લીધું
શહેરમાં પતિના અવસાન બાદ ગુજરાન ચલાવવા ખાનગી બેંકમાં નોકરી કરતી મહિલાનું અકસ્માતમાં નિધન થયું હતું. સંતાનોએ લાચાર અને નિરાધાર બન્યા હતા અને તેમણે ઇન્શ્યોરન્સ કંપની સામે 1.50 કરોડનો ક્લેઇમ કર્યો હતો. ક્લેઇમની રકમ ન મળતા તેઓએ અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. 2018માં આ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. જેના અનેક ટ્રાયલ કોર્ટમાં ચાલ્યા હતા. આ બાળકોને ઉચ્ચ શિક્ષણ મેળવવા વિદેશ જવાની પણ કોર્ટ સમક્ષ તેમના વાલીઓએ રજૂઆત કરી હતી.
વાંચો સમાચાર વિગતવાર

4) જગન્નાથ મંદિરમાં 1000થી વધુ સાધુ-સંતોનો ભંડારો, 500 લિટરના દૂધપાક સાથે માલપૂઆનો પ્રસાદ પીરસાયો
ભગવાન જગન્નાથજીની ઐતિહાસિક 144મી રથયાત્રાની સરકારે મંજૂરી મળ્યા બાદ સંતો-ભક્તોમાં અનેરો ઉત્સાહ છે. આજે 1000થી વધુ સાધુ-સંતોને આજે માલપૂઆ અને દૂધપાકનો પ્રસાદ આપવામાં આવ્યો છે. ભંડારામાં કાળી રોટી(માલપૂઆ) અને ધોળી દાળ (દૂધપાક)નો પ્રસાદ અપાય છે. ચણાનું શાક, પૂરી અને માલપૂઆ બનાવાયા છે. ગૃહમંત્રી પ્રદીપ સિંહ અને વિધાનસભા અધ્યક્ષે પણ ભંડારામાં પ્રસાદ લીધો છે. ગત વર્ષે ભગવાનના રથ માત્ર મંદિર પરિસરમાં જ ફર્યા હતા.
વાંચો સમાચાર વિગતવાર

5) સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના માટી કૌભાંડમાં શારીરિક શિક્ષણના ડીન અને રજિસ્ટ્રારની શંકાસ્પદ ભૂમિકા, 5 સભ્યની કમિટી બનાવાઇ, 15 દિવસમાં રિપોર્ટ રજૂ કરશે
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના માટી કૌભાંડમાં એક પછી એક ખુલાસો થઇ રહ્યા છે. સૌપ્રથમ ટ્રેક્ટર નંબર GJ03HK 7271ની તપાસ કરતા આ નંબર અલ્ટો કારનો નીકળ્યા બાદ શુક્રવારે વધુ એક ટ્રેક્ટરનો નંબર GJ03ER 6176 પણ કારનો નીકળતા વધુ એક કૌભાંડનો પર્દાફાશ થયો છે. આ માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ 5 સભ્યની કમિટી બનાવી છે. આ કમિટી 15 દિવસમાં પોતાનો રિપોર્ટ રજૂ કરશે.
વાંચો સમાચાર વિગતવાર

6) રાજકોટમાં સુખી-સંપન્ન પરિવારનાં વૃદ્ધાએ માનસિક બીમારીથી કંટાળી 7મા માળેથી ઝંપલાવતાં મોત, ડર ન લાગે એ માટે ઊંધાં ફરી કૂદકો માર્યો
રાજકોટના કુવાડવા રોડ પર ક્રિસ્ટલ કોમ્પ્લેક્સમાં રહેતાં સુખી-સંપન્ન પરિવારનાં 65 વર્ષનાં વૃદ્ધાએ 7મા માળેથી પડતું મૂકી જિંદગી ટૂંકાવી લીધી હતી. આ ઘટનાના સીસીટીવી સામે આવ્યો છે. ક્રિસ્ટલ કોમ્પ્લેક્સમાં બીજા માળે રહેતાં જમનાબેન સોલંકી (ઉં.વ.65)એ કોમ્પ્લેક્સના 7મા માળેથી પડતું મૂકી આપઘાત કરી લીધો છે. પોલીસ-તપાસમાં જમનાબેન લાંબા સમયથી માનસિક રીતે બીમાર હોવાનું બહાર આવ્યું છે. માનસિક બીમારીથી કંટાળીને પગલું ભર્યાનું પરિવારજનો જણાવી રહ્યાં છે.
વાંચો સમાચાર વિગતવાર

7) દિલ્હીમાં પોલીસે રૂ. 2500 કરોડનું 350 કિલો ડ્રગ્સ ઝડપી પાડ્યું, હરિયાણાના 3 સહિત 4 શખસની ધરપકડ કરી
દિલ્હી પોલીસને એક મોટી સફળતા મળી છે. દિલ્હી પોલીસે 2500 કરોડનું 350 કિલો હેરોઈન જપ્ત કર્યું છે. એટલું જ નહીં પોલીસે આ આરોપમાં સંડોવાયેલા ચાર આરોપીઓની ધરપકડ પણ કરી લીધી છે. ધરપકડ કરવામાં આવેલા આરોપીઓમાંથી 3ની હરિયાણાથી અને એક આરોપીની દિલ્હીથી ધરપકડ કરવામાં આવી છે. દિલ્હી પોલીસે ધરપકડ કરવામાં આવેલા આરોપીની પૂછપરછ શરૂ કરી છે.
વાંચો સમાચાર વિગતવાર

8) UPમાં વસતિ નિયંત્રણનો ડ્રાફ્ટ તૈયાર, 2થી વધુ બાળકો હશે તો સરકારી નોકરી અને ચૂંટણી-ટિકિટ નહીં મળે
ઉત્તરપ્રદેશની યોગી સરકારે વસતિ નિયંત્રણ કાયદાનો ડ્રાફ્ટ તૈયાર કર્યો છે. રાજ્ય કાયદા આયોગના અધ્યક્ષ જસ્ટિસ આદિત્યનાથ મિત્તલે તૈયાર કરેલો ડ્રાફ્ટ કાયદો બની જશે તો UPમાં 2થી વધુ બાળકો હશે તેમને સરકારી નોકરી નહીં મળે. આ ડ્રાફ્ટની જોગવાઈમાં બેથી વધુ બાળકોના વાલીને સરકારી નોકરી નહીં મળે, સ્થાનિક ચૂંટણી પણ લડી શકશે નહીં, રાશન કાર્ડમાં ચારથી વધુ સભ્યોનાં નામ નહીં લખાય 21 વર્ષથી વધુ ઉંમરના યુવક અને 18 વર્ષ કે તેથી વધુ ઉંમરની યુવતીઓ પર આ કાયદો લાગુ કરવાનો સમાવેશ થાય છે.
વાંચો સમાચાર વિગતવાર

9) હિઝબુલ ચીફ સલાહુદ્દીનના 2 દિકરા સહિત કાશ્મીરના 11 સરકારી કર્મચારી નોકરીમાંથી સસ્પેન્ડ, આતંકવાદીઓ સાથે સંબંધ હોવાનો આરોપ
જમ્મુ-કાશ્મીર વહિવટીતંત્રમાં સરકારી વિભાગોમાં કામ કરી રહેલા 11 કર્મચારીઓને નોકરીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેમની પર દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં સંડોવણી હોવાનો આરોપ છે. સસ્પેન્ડ કરવામાં આવેલા કર્મચારીઓમાં આતંકવાદી સલાહુદ્દીનના 2 દિકરાનો પણ સમાવેશ થાય છે. સૈયદ સલાઉદ્દીન કાશ્મીરનો રહેવાસી છે, જોકે વર્તમાન સમયમાં તે પાકિસ્તાનમાં રહી આતંકવાદી સંગઠન હિઝબુલ મુઝાહિદ્દીનને લીડ કરી રહ્યો છે.
વાંચો સમાચાર વિગતવાર

મહત્ત્વપૂર્ણ સમાચારો માત્ર હેડલાઈનમાં
1) આતંકનો ખાતમો કરવા ઘાટીમાં પહોંચી આસામ રાઇફલ્સની મહિલા સેના; કાશ્મીરી યુવતીઓમાં પોલીસમાં સામેલ થવાનો જુસ્સો
2) AIIMSના ડિરેક્ટરે કહ્યું- કોરોના વાયરસ હાલમાં ક્યાંય જવાનો નથી, તે મોસમી બીમારી બની જશે ત્યારે જ માસ્કથી છુટકારો મળશે
3) 20 વર્ષમાં રૂપિયા 149 લાખ કરોડ ખર્ચ કર્યા બાદ અફઘાનિસ્તાનથી ખાલી હાથે પરત ફર્યું અમેરિકા
4) મા ગંગા કોરોના મુક્ત બની, 13 ઘાટ પરથી લેવામાં આવેલાં 67 સેમ્પલના RT-PCR રિપોર્ટ નેગેટિવ

આજનો ઈતિહાસ
11 જુલાઈ 1987માં વિશ્વની વસતિનો આંક 5 અબજને પાર થયો હતો, તેથી સંયુક્ત રાષ્ટ્રે તેને વિશ્વ વસતિ દિવસ જાહેર કર્યો હતો

અને આજનો સુવિચાર
સ્કૂલમાં વર્ગના પ્રત્યેક બાળકનાં હૃદયમાં શિક્ષકની છબી ઝીલતી હોય છે, કેવી ઉપસાવવી તે શિક્ષકે નક્કી કરવાનું છે.

તમારો દિવસ શુભ રહે, કાલે ફરી મળીશું..

અન્ય સમાચારો પણ છે...