મોર્નિંગ ન્યૂઝ પોડકાસ્ટ:મુખ્યમંત્રી પદેથી વિજય રૂપાણીએ રાજીનામું આપ્યું, આજે ગુજરાતના નવા મુખ્યમંત્રી નક્કી થશે, રાજ્યમાં આજે પણ મેઘમહેરની આગાહી

એક વર્ષ પહેલા

નમસ્કાર,

આજે રવિવાર, તારીખ 12 સપ્ટેમ્બર, ભાદરવા સુદ છઠ્ઠ

આ મહત્વપૂર્ણ ઘટનાઓ પર રહેશે નજર
1) આજે ભાજપના કેન્દ્રીય નિરીક્ષકો ગુજરાત આવશે, કમલમ ખાતે ભાજપના ધારાસભ્યોની બેઠકમાં નવા મુખ્યમંત્રી નક્કી થશે
2) આજે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને દમણ, દાદરા નગર હવેલીમાં મેઘમહેર રહેશે
3) સુરતના ઈન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના ત્રિ-દિવસીય પ્રદર્શનનો બીજો દિવસ

હવે જોઈએ ગઈકાલના ખાસ સમાચાર
1) વિજય રૂપાણીએ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું, રાષ્ટ્રીય નેતાઓ અને રાજ્ય કક્ષાના નેતાનો દિવસભર કમલમ્ ખાતે બેઠકોનો દોર ચાલ્યો
સંવત્સરીના બીજા જ દિવસે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજીનામું આપીને સહુ કોઈને ચોંકાવી દીધા છે. શનિવારે અમદાવાદમાં વૈષ્ણોવદેવી સર્કલ સ્થિત સરદારભવનના લોકાર્પણ બાદ રૂપાણી સીધા રાજભવન પહોંચ્યા હતા અને રાજીનામું આપ્યું હતું. બાદમાં મીડિયાને બ્રીફિંગ કરીને રાજીનામું આપવાની ઘોષણા કરી હતી. આને પગલે ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી વહેલી યોજાય એવી પણ અટકળો ચાલી રહી છે. દરમિયાન સી આર પાટીલ અને નીતિન પટેલ કમલમ્ ખાતે મળ્યા હતા. દિવસભર રાષ્ટ્રીય નેતાઓ અને રાજ્યના નેતાઓની કમલમ્ ખાતે બેઠકોનો દોર ચાલ્યો હતો.
વાંચો સમાચાર વિગતવાર

2) PM મોદીએ સરદારધામ ભવનનું ઉદઘાટન કર્યું,પાટીદારોની દેશભક્તિનાં પણ વખાણ કર્યાં, કહ્યું- વેપારક્ષેત્રે તેમણે દેશને હંમેશાં નવી ઓળખ આપી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા અમદાવાદમાં સરદારધામ ભવનનું ઉદઘાટન કર્યું હતું. આ સાથે જ વડાપ્રધાન મોદીએ સરદારધામ ફેઝ -2 ગર્લ્સ હોસ્ટેલનું ભૂમિપૂજન પણ કર્યું હતું. આ ભવન સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતાં ગ્રામીણ વિસ્તારોની છોકરીઓ-છોકરાઓને છાત્રાલયની સુવિધા પૂરી પાડશે. પાટીદાર સમાજ દ્વારા વિકસિત આ સંકુલમાં વિદ્યાર્થીઓને વાજબી દરે તાલીમ, બોર્ડિંગ અને રહેવાની સગવડ મળશે. અમદાવાદમાં આવેલા સરધારધામ ભવનનું વીડિયો-કોન્ફરન્સથી ઉદઘાટન કર્યા બાદ મોદીએ સંબોધન કર્યું હતું. આ પ્રસંગે વડાપ્રધાન મોદીએ સંબોધન કરતાં કહ્યું હતું કે કોઈપણ શુભ કાર્ય પહેલાં આપણે ત્યાં ગણેશ પૂજાની પરંપરા છે અને સદભાગ્યે ગણેશ ઉત્સવના પવિત્ર તહેવારના અવસરે સરદારધામ ભવનનું ઉદઘાટન પણ થયું છે.
વાંચો સમાચાર વિગતવાર

3) પાટીદારોની નારાજગીની 3જી લહેર અને કોરોનાની 2જી લહેર મુખ્યમંત્રી વિજય રૂપાણીની ખુરશી તાણી ગઈ
ગુજરાતમાં ભાજપનો સત્તામાં ઉદય થયો તેમાં પાટીદારો અને નેતાઓનો સિંહફાળો છે એમાં શંકાને કોઈ સ્થાન નથી. જ્યારે-જ્યારે પાટીદારો ભાજપથી નારાજ થયા છે ભાજપને નુકસાન પણ એટલું જ થયું છે. ભાજપે 2001માં કેશુભાઈ પટેલને હટાવ્યા, 2016માં આનંદીબેન પટેલને હટાવ્યા તે બંને પ્રસંગે પાટીદારો નારાજ થયા હતા. જ્યારે વિજય રૂપાણીને 2016માં ગુજરાતના મુખ્યમંત્રી બનાવાયા ત્યારથી પાટીદાર સમાજમાં ભાજપ પ્રત્યે નારાજગી શરૂ થઈ હતી. બીજીતરફ કોરોનાની 2જી લહેર દરમિયાન ગુજરાતમાં લોકોને જે તકલીફ પડી તેનાથી પણ ભાજપ પ્રત્યે નારાજગી વધી હતી. આમ, એવું કહી શકાય કે પાટીદારોની નારાજગીની 3જી લહેર અને કોરોનાની 2જી લહેર મુખ્યમંત્રી વિજય રૂપાણીની ખુરશી તાણી ગઈ.
વાંચો સમાચાર વિગતવાર

4) ગુજરાતમાં ભાજપના 25 વર્ષના શાસનની નિષ્ફળતા છૂપાવવા માત્ર ચેહરો બદલ્યો, રૂપાણીના રાજીનામા પણ ધાનાણીનો કટાક્ષ
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે રાજીનામું આપ્યા બાદ વિપક્ષના નેતા પરેશ ધાનાણી દ્વારા ભાજપ સરકાર પર કટાક્ષાત્મક પ્રહાર કરવામાં આવ્યો છે. ધાનાણીએ જણાવ્યું છેકે, મુખ્યમંત્રી વિજય રૂપાણીનું રાજીનામું એ ભાજપની નિષ્ફળતાનો ખુલ્લો એકરાર તથા સરકાર અને સંગઠન વચ્ચે સંઘર્ષનું પ્રતિબિંબ છે.
વાંચો સમાચાર વિગતવાર

5) દિલ્હીમાં ફરી રેકોર્ડ બ્રેક વરસાદ થયો, રનવેથી એરપોર્ટ સુધી પાણી ભરાયાં, 1 ઇન્ટરનેશનલ અને 4 ડોમેસ્ટિક ફ્લાઇટ ડાઇવર્ટ, 46 વર્ષનો સૌથી વધુ વરસાદ
દેશની રાજધાનીમાં ગઈ રાતથી જ વરસાદ પડી રહ્યો છે. દિલ્હીમાં આ વર્ષે ભલે ચોમાસાએ મોડા દેખા દીધું હોય, પરંતુ એણે 18 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. રાજધાની દિલ્હીમાં ચોમાસાની સીઝનનો અત્યારસુધીમાં 1005.3 મિમી વરસાદ નોંધાયો છે. આ 2010 બાદ આ પ્રથમ વખત છે, જ્યારે દિલ્હીમાં વરસાદે ચોમાસામાં 1000 મિમીનો આંકડો પાર કર્યો છે. આ પહેલાં 1 સપ્ટેમ્બરે દિલ્હીમાં 19 વર્ષ બાદ એક દિવસનો સૌથી વધુ વરસાદનો રકોર્ડ નોંધાયો છે.
વાંચો સમાચાર વિગતવાર

6) પાકિસ્તાન-ચીનમાં ને તાલિબાનનો ડર, આતંકવાદી સંગઠનોને અફઘાનિસ્તાનમાં પ્રોત્સાહન નહીં આપવા અપીલ
અફઘાનિસ્તાનમાં તાલિબાનના રાજ વચ્ચે પાકિસ્તાન અને ચીનને પોતાને ત્યાં રહેલા વિદ્રોહી સંગઠનો તરફથી જોખમનો અહેસાસ થવા લાગ્યો છે. બન્ને દેશોએ તાલિબાનને આ સંગઠનોને આશરો નહીં આપવા અપીલ કરી છે. આ સંગઠનોમાં પાકિસ્તાન સ્થિત તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP),બલોચ લિબરેશન આર્મી (BLA) તથા ચીનમાં ઉઈગર તથા પૂર્વી તુર્કિસ્તાન ઈસ્લામિક મૂવમેન્ટ (ETIM)નો સમાવેશ થાય છે. પાકિસ્તાન સરકારની પહેલના આધારે પાકિસ્તાન, ચીન, ઈરાન, તાજિકિસ્તાન, તુર્કમેનિસ્તાન તથા ઉઝબેકિસ્તાનના વિદેશ મંત્રીઓએ 8 સપ્ટેમ્બરના રોજ વર્ચ્યુઅલ મીટિંગ મારફતે અફઘાનિસ્તાનના પડોશી દેશો વચ્ચે અફઘાનિસ્તાનને લગતા મુદ્દે બેઠક યોજી હતી. જ્યાં TTP અને BLAને પાકિસ્તાનમાં આતંકવાદી સંગઠન સ્વરૂપમાં પ્રતિબંધિત કરાયા છે, જ્યારે ETIM ચીન માટે જોખમી છે.
વાંચો સમાચાર વિગતવાર

મહત્વપૂર્ણ સમાચારો માત્ર હેડલાઈનમાં
1) મુંબઈમાં રેપ બાદ 32 વર્ષીય મહિલાનું મોત, આંતરડાં બહાર આવી ગયાં હતાં, આરોપીની ધરપકડ
2) કરનાલમાં ખેડૂતોનાં ધરણાંનો અંત, બે માગ પર બની સંમતિ, એક-લાઠીચાર્જની તપાસ, બીજી- મૃતકોનાં પરિવારજનને નોકરી, SDMને રજા પર મોકલી દેવાયા

આજનો ઈતિહાસ
વર્ષ 1928માં આજના દિવસે અમેરિકાના ફ્લોરિડામાં ભીષણ વાવાઝોડાને લીધે 6000થી વધારે લોકોના મોત થયેલા

અને આજનો સુવિચાર
સંબંધમાં જ્યાં બુદ્ધિનું શાસન ચાલે છે ત્યાં સંબંધ હારે છે, અને જ્યાં હૃદયનું શાસન ચાલે છે ત્યાં સંબંધ જીતે છે!

તમારો દિવસ શુભ રહે, કાલે ફરી મળીશું..

અન્ય સમાચારો પણ છે...