મોર્નિંગ ન્યૂઝ પોડકાસ્ટ:અમદાવાદ સહિત ગુજરાતમાં કમોસમી વરસાદ; ઊંઝા અને બહુચરાજીમાં પોણો ઈંચ વરસાદ, ચીને અરુણાચલમાં કોલોની ખડકી

17 દિવસ પહેલા

નમસ્કાર,

આજે શુક્રવાર, તારીખ 19 નવેમ્બર, કારતક સુદ પૂનમ, દેવદિવાળી.

આ મહત્ત્વપૂર્ણ ઘટનાઓ પર રહેશે નજર
1) આજે આણંદ, દાહોદ, પંચમહાલ, અમરેલી, ભાવનગર, ગીર-સોમનાથ, દીવ, દમણ, દાદરા અને નગર-હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા
2) અમદાવાદમાં નિરામય આરોગ્ય કેમ્પ આરોગ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રીની ઉપસ્થિતિમાં પોલીસ વેલ્ફેર હોસ્પિટલ શાહીબાગ ખાતે યોજાશે
3) ડીગ્રી એન્જિનિયરિંગમાં સરકારી, ગ્રાન્ટેડ અને IIT RAMની કોલેજમાં ખાલી પડેલી બેઠક પર આજથી ઓનલાઇન પ્રવેશ પ્રક્રિયા કરાશે

હવે જોઈએ ગઈકાલના ખાસ સમાચાર
1) ગુજરાતમાં કમોસમી વરસાદથી ઊભા પાક અને યાર્ડમાં પડેલી જણસોમાં નુકસાન; ઊંઝા-બેચરાજીમાં પોણો ઇંચ વરસાદ

આજે વહેલી સવારથી જ ઉત્તર ગુજરાતના પાટણ, પાલનપુર, મહેસાણા, ગાંધીનગર સહિત નડિયાદ અને સૌરાષ્ટ્રમાં જૂનાગઢ સાથે કચ્છ સહિત અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડ્યો હતો. ઊંઝા અને બેચરાજીમાં પોણો ઇંચ વરસાદ પડ્યો હતો. નવેમ્બરની મધ્યમાં માવઠું થતાં શિયાળું સીઝનને લઇને ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા છે.
વાંચો સમાચાર વિગતવાર

2) ચાઇલ્ડ પોર્નોગ્રાફી કેસમાં CBI તપાસમાં મોટો ઘટસ્ફોટ, 100 દેશના નાગરિકો સંડોવાયેલા છે, 5000થી વધુ ગુનેગાર શેર કરી રહ્યા છે સામગ્રી
ચાઇલ્ડ પોર્નોગ્રાફી સામગ્રી અને એની ખરીદી ઝડપી વધી રહી છે. સર્ચ એન્જિન એટલે કે ઇન્ટરનેટને ચાઇલ્ડ પોર્નોગ્રાફીથી સંકળાયેલા દરરોજ 116000થી વધુ સવાલ મળે છે. પ્રાથમિક તપાસ મુજબ, 50થી વધુ ગ્રુપ્સ છે, જેમાં 5000થી વધુ ગુનેગારો બાળ યૌન શોષણ સામગ્રી શેર કરી રહ્યા છે, જેમાં લગભગ 100 દેશના વિદેશી નાગરિક/મોબાઈલ નંબર સામેલ છે. આ જાણકારી CBIના સૂત્રોના હવાલેથી સામે આવી છે.
વાંચો સમાચાર વિગતવાર

3) પરીક્ષાની તૈયારી માટે પુત્ર સાથે મહેસાણાથી ગાંધીનગર આવતા પરિવારનો અકસ્માત, માતા-પિતાનાં મોત, પુત્રની હાલત ગંભીર
ગાંધીનગરનાં રાંધેજા રેલવે ફાટક નજીક ટ્રકચાલકે ટ્રક પૂરપાટ ઝડપે હંકારી આગળ જતી રિક્ષાને ટક્કર મારી હતી. અકસ્માતને પગલે રિક્ષા થોડેક આગળ જઈને નજીકના પુલ નીચે ઊતરી ગઈ હતી. જોકે પાછળ યમદૂત બનેલી ટ્રક ફરી વળતાં રિક્ષા ચગદાઈ ગઈ હતી. રિક્ષામાં પતિ-પત્નીનાં ઘટનાસ્થળે કમકમાટીભર્યાં મોત નીપજ્યાં હતાં, જ્યારે પરીક્ષાની તૈયારી કરતા પુત્રને ગંભીર હાલતમાં સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પુત્રની દોડની પરીક્ષા હોવાથી દંપતી મહેસાણાથી તેને લઈને ગાંધીનગર આવતું હતું.
વાંચો સમાચાર વિગતવાર

4) AMCએ 5,521 મિલકતોને આપી પ્રોપર્ટી ટેક્સમાં રાહત, 3033 હોટલ અને 2136 રેસ્ટોરાંનો 11.64 કરોડ મિલકત વેરો માફ
રાજ્ય સરકાર દ્વારા મહાનગરપાલિકા અને નગરપાલિકા વિસ્તારની હોટલ, રિસોર્ટસ, રેસ્ટોરાં, એમ્યુઝમેન્ટ પાર્ક, વોટરપાર્ક, સિનેમાઘરો, મલ્ટિપ્લેક્સ અને જિમનેશિયમને એક વર્ષના સમય માટે પ્રોપર્ટી ટેક્સમાંથી મુક્તિ આપવાની જાહેરાત કરી હતી. જે સંદર્ભે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં આવેલી કુલ 5,521 મિલકતોને રૂ. 47.90 કરોડ જેટલી રાહત આપવામાં આવી છે.
વાંચો સમાચાર વિગતવાર

5) વડોદરા ગેંગરેપ-આપઘાત કેસમાં ઘટસ્ફોટ- ઓએસિસની મેન્ટરે પીડિતાની ડાયરીનાં પાનાં ફાડ્યાં, શરીરની ઇજાના ફોટો સેન્ડ કર્યા બાદ ડિલિટ માર્યા
વડોદરાના ગેંગરેપ અને આપઘાત કેસમાં દરરોજ નવા ખુલાસાઓ થઈ રહ્યા છે. ગુજરાત ક્વીન ટ્રેનમાં આપઘાત કરનારી પીડિતાની ડાયરીના છેલ્લા અડધા પેજના ફોટો પાડીને સોશિયલ મીડિયા દ્વારા મોકલીને ડિલિટ કરી નાંખવામાં આવ્યા હોવાનો ખુલાસો થયો છે. ડાયરીમાં લખેલા લખાણના પછીના પેજને ઓએસેસિસ સંસ્થાની કાર્યકરે ફાડી નાંખ્યા હોવાનો આરોપ પોલીસે પોલીસ ફરિયાદમાં કર્યો છે.
વાંચો સમાચાર વિગતવાર

6) ગુજરાતના નાગરિકોને મહેસૂલી રેકોર્ડના નમુના નં.6, 7/12, 8-અ ઓન-લાઇન મળશે, QR કોડ પણ હશે
રાજ્ય સરકારે ખેડૂતો માટે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. રાજ્યના નાગરિકોને આજથી મહેસૂલી રેકોર્ડના નમુના નં.6, 7/12, 8-અ ઓન-લાઇન મળશે. ડિજિટલી સાઇન્ડ નકલ AnyRoR અથવા i-ORA પોર્ટલ પરથી મેળવી શકાશે. નકલ પર કયુઆર કોડ (QR Code) ઉપલબ્ધ હશે.
વાંચો સમાચાર વિગતવાર

7) વડોદરાના ચોકારીમાં યુવતીનાં પરિવારજનોએ સાડી પહેરાવી ઝાડ સાથે બાંધીને યુવકને ઢોરમાર માર્યો, ગુપ્ત ભાગે લાતો મારતાં મોત
વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ચોકારી ગામમાં યુવતીના પ્રેમમાં પડેલા યુવકને યુવતીનાં પરિવારજનોએ ઢોરમાર મારતાં મોત થયું હતું. આરોપીઓએ યુવકને સાડી પણ પહેરાવીને ગુપ્ત ભાગે લાતો મારી હતી. યુવતીનાં પરિવારજનોને બંનેના પ્રેમપ્રકરણની ખબર પડી જતાં તેમણે યુવકનું તેના ઘરેથી અપહરણ કર્યું હતું. ત્યાર બાદ તેને ઝાડ સાથે દોરડાથી બાંધી ઢોરમાર માર્યો હતો. ચાર-પાંચ લોકોએ મળીને યુવકને લાકડીથી માર માર્યો હતો.
વાંચો સમાચાર વિગતવાર

8) Paytmના IPOમાં રોકાણકારોએ આશરે રૂ. 33000 કરોડ ગુમાવ્યા, પ્રમોટર વિજય શેખર શર્માના રૂ. 26,600 કરોડ ધોવાયા
ભારતીય શેરબજારમાં Paytmના રૂ. 18,300 કરોડના સૌથી મોટા પ્રારંભિક જાહેર ભરણાનું નબળું લિસ્ટિંગ થયું હતું. આ જાહેર ભરણા લિસ્ટિંગ તેના ઈશ્યુ ભાવ રૂપિયા રૂ. 2150 સામે રૂપિયા 1955 પર ખુલ્યો હતો. એટલે કે ઈશ્યુ ડિસ્કાઉન્ટ થઈ ગયો હતો. માર્કેટ નિષ્ણાતોના મતે Paytmના આશરે રૂ. 1.6 લાખ કરોડના વેલ્યુએશનના હિસાબે આજે લિસ્ટિંગના દિવસે પ્રમોટર્સ સહિતના રોકાણકારોએ આશરે રૂ. 32,000-33,000 કરોડ ગુમાવ્યા છે.
વાંચો સમાચાર વિગતવાર

9) ચીને 2 વર્ષમાં ભારતીય સરહદના 6 કિલોમીટર અંદર અરુણાચલમાં 60 બિલ્ડિંગ બનાવી, સેટેલાઈટ ઈમેજમાં ખુલાસો
વિસ્તારવાદી ચીને ફરી ભારતીય સરહદને અડીને આવેલા વિસ્તારો પર કબજો કરવાનું શરૂ કરી દીધું છે. મીડિયા અહેવાલ મુજબ, નવી સેટેલાઇટ તસવીરોમાં અરુણાચલ પ્રદેશમાં ચીનના વધુ એક એન્ક્લેવની રચનાનો ખુલાસો થયો છે. તેમાં લગભગ 60 ઈમારતો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.
વાંચો સમાચાર વિગતવાર

મહત્ત્વપૂર્ણ સમાચારો માત્ર હેડલાઈનમાં
1) જર્મનીમાં 24 કલાકમાં રેકોર્ડબ્રેક 60 હજાર નવા કેસ, ચાન્સેલર મર્કેલે કહ્યું- દેશ કોરોનાની ભયાનક ચોથી લહેરની ઝપેટમાં
2) સ્પોર્ટ્સક્ષેત્રમાં પણ જિનપિંગની તાનાશાહી સામે આવી, સરકારી અધિકારી સામે યૌનશોષણનો આરોપ લગાવ્યા બાદ પેંગ ગાયબ થઈ
3) 'પીડિતાના ભાઈ તરીકે તેને અને તેના પરિવારને ટૂંક સમયમાં ન્યાય અપાવીશ, આરોપીઓને શોધવા જોઇએ તેટલી પોલીસ ફોર્સ આપીશું: હર્ષ સંઘવી
4) વલસાડમાં મહિલા PSIએ વાઇન શોપના માલિક પાસે દારૂ કેસમાં કાર્યવાહી ન કરવા લાંચ માગી, વચેટિયો વકીલ ઝડપાયો
5) તામિલનાડુ અને કેરળમાં વરસાદને કારણે સુરત ટેક્સટાઇલ ઉદ્યોગ પ્રભાવિત, પોંગલના તહેવારમાં રૂ. 150 કરોડના નુકસાનનો અંદાજ
6) રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડમાં સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માએ CM તરીકે રૂપાણીનું નામ લીધું, ભૂલનું ભાન થતાં ભૂપેન્દ્ર પટેલનો ઉલ્લેખ કર્યો
7) સાવરકુંડલાના ભમર ગામના એક જ પરિવારના 4 વ્યક્તિઓએ ઝેરી દવા પીધી, ઘરકંકાસમાં સામૂહિક આપઘાતનો પ્રયાસ

આજનો ઈતિહાસ
આજે સ્વાતંત્ર્યસેનાની રાણી લક્ષ્મીબાઈ અને ભૂતપૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીનો જન્મ દિવસ છે. વર્ષ 1835માં આજના દિવસે રાણી લક્ષ્મીબાઈનો, જ્યારે વર્ષ 1917માં ઈન્દિરા ગાંધીનો જન્મ થયો હતો

આજનો સુવિચાર
કોઈને આપી શકાય એવી શ્રેષ્ઠ ભેટ છે- તેમની જરૂરિયાત પર આપણી હાજરી...

તમારો દિવસ શુભ રહે, કાલે ફરી મળીશું...

અન્ય સમાચારો પણ છે...