• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • DivyaBhaskar Morning Podcast: Students Have To Appear For Exams With 100% Gujarat Board Courses, CCI Cancels Agreement Between Amazon Future Group

મોર્નિંગ ન્યૂઝ પોડકાસ્ટ:ગુજરાત બોર્ડના 100 ટકા કોર્સ સાથે જ વિદ્યાર્થીઓને પરીક્ષા આપવી પડશે, અમેઝોન-ફ્યુચર ગ્રુપ વચ્ચેની સમજૂતી CCIએ રદ કરી

એક મહિનો પહેલા

નમસ્કાર,

આજે શનિવાર, તારીખ 18 ડિસેમ્બર, માગશર સુદ ચૌદસ

આ મહત્ત્વપૂર્ણ ઘટનાઓ પર રહેશે નજર
1) અમદાવાદમાં આજથી એક સપ્તાહ સુધી ટીનેજર્સ વાહનચાલકો સામે ટ્રાફિક-પોલીસની ખાસ ડ્રાઈવ, કેસ કરાશે અને દંડ વસૂલાશે
2) આજે રાજદ્રોહ કેસમાં અમદાવાદ સેશન્સ કોર્ટમાં ગુજરાત પાસ કન્વીનર અલ્પેશ કથીરિયા હાજર થશે
3) રાજકોટના સરધારમાં સ્વામિનારાયણ મંદિરના મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવનું સમાપન થશે

હવે જોઈએ ગઈકાલના ખાસ સમાચાર
1) CBSEએ ધો.10-12નો 30 ટકા કોર્સ ઘટાડ્યો પણ ગુજરાત બોર્ડનો સ્પષ્ટ ઈનકાર, 100 ટકા કોર્સ સાથે જ પરીક્ષા આપવી પડશે
કોરોનાને કારણે ગત વર્ષે ધોરણ 10 અને 12ની પરીક્ષા રદ કરીને માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું. પરંતુ આ વર્ષે કેસ ઓછા છે અને સ્થિતિ સામાન્ય છે જેથી બોર્ડની પરીક્ષા લેવાશે. CBSEએ 30 ટકા કોર્સ ઘટાડાની જાહેરાત અગાઉ જ કરી હતી. જેને લઈને લોકોને ગુજરાત બોર્ડમાં પણ 30 ટકા કોર્સ ઘટવાની આશા હતી. પરંતુ શિક્ષણ બોર્ડના સચિવ ડી.એસ. પટેલે દિવ્યભાસ્કરને જણાવ્યું છે કે, ગુજરાત બોર્ડમાં 30 ટકા કોર્સ નહીં ઘટે, વિદ્યાર્થીઓએ 100 ટકા કોર્સના અભ્યાસ સાથે જ પરીક્ષા આપવાની રહેશે.
વાંચો સમાચાર વિગતવાર

2) અમેઝોન અને ફ્યુચર ગ્રુપ વચ્ચે વર્ષ 2019માં થયેલી સમજૂતી CCIએ રદ કરી, રૂપિયા 200 કરોડનો દંડ પણ ફટકાર્યો
ભારતની નિયમનકાર કોમ્પિટીશન કમિશન ઓફ ઈન્ડિયા (CCI)એ વર્ષ 2019માં ફ્યુચર ગ્રુપ સાથે અમેઝોનડોટકોમ દ્વારા કરવામાં આવેલી સમજૂતીને એમ કહીને રદ કરી છે કે આ સમજૂતીની માહિતીને ગુપ્ત રાખવામાં આવી હતી. આ સાથે CCIએ અમેઝોનને રૂપિયા 200 કરોડનો દંડ પણ ફટકાર્યો છે.
વાંચો સમાચાર વિગતવાર

3) પેપર લીક કાંડમાં યુવરાજસિંહનું ગુજરાત સરકારને અલ્ટિમેટમ, અસિત વોરાની 72 કલાકમાં હકાલપટ્ટી નહીં કરવામાં આવે તો રસ્તા પર ઊતરીશું
12 ડિસેમ્બરે યોજાયેલી હેડક્લાર્કની 186 જગ્યાની ભરતીની પરીક્ષાનું પ્રશ્નપત્ર ફૂટ્યાનો સરકારે 6 દિવસ બાદ સ્વીકાર કર્યો હતો. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પ્રેસ-કોન્ફરન્સ કરીને પેપર લીક થયાના 6 દિવસ બાદ એની કબૂલાત કરી હતી. આ મામલે અત્યારસુધીમાં 6 લોકોની ધરપકડ કરાઈ છે અને ચાર લોકોની શોધખોળ શરૂ કરાઈ છે. બીજી તરફ, યુવરાજસિંહે સરકારને 72 કલાકનું અલ્ટિમેટમ આપ્યું છે કે અસિત વોરાને દૂર કરો, નહીં તો ફરી રસ્તા પર આંદોલન થશે.
વાંચો સમાચાર વિગતવાર

4) અમદાવાદમાં જૂન 2022થી વસ્ત્રાલથી, મોટેરા, સાબરમતી, રાણીપ, વાડજ, ઉસ્માનપુરા રૂટ પર મેટ્રો ટ્રેન દોડશે
2022ના જૂન માસમાં અમદાવાદ શહેરના પૂર્વ અને પશ્ચિમ અમદાવાદને જોડતી મેટ્રો ટ્રેન દોડતી થઈ જશે. વસ્ત્રાલથી, મોટેરા, સાબરમતી, રાણીપ, વાડજ રૂટ માટે હાલમાં મેટ્રો રેલના કર્મચારીઓ દ્વારા દિવસરાત કામગીરી કરી રહ્યા છે. લોકસભામાં સરકારે આપેલી માહિતી પ્રમાણે, અમદાવાદમાં મેટ્રો રેલ પ્રોજેક્ટના પ્રથમ તબક્કાનું કામ 80 ટકા પૂર્ણ થઈ ગયું છે, જ્યારે બીજા તબક્કાનું કામ 6.50 ટકા પૂરું થયું છે. બીજા તબક્કાની મેટ્રો ડિસેમ્બર 2023માં દોડશે, એમ કેન્દ્ર સરકારના મંત્રીએ લોકસભામાં જણાવ્યું છે.
વાંચો સમાચાર વિગતવાર

5) હાઇકોર્ટે વાઘાણીના ‘અમે પણ શિયાળામાં ખુલ્લામાં જ ભણતા’ નિવેદનને શરમજનક ગણાવ્યું, કહ્યું-બાળકો ખુલ્લામાં ભણે એ ચલાવી લેવાશે નહિ
રાજ્યની સરકારી પ્રાથમિક સ્કૂલોમાં બિલ્ડિંગના અભાવે ખુલ્લામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સ્થિતિની ગુજરાત હાઈકોર્ટે સૌથી મહત્ત્વપૂર્ણ અને ગંભીર નોંધ લીધી છે. છોટાઉદેપુરના વાગલવાડાની સ્કૂલનું બિલ્ડિંગ ધરાશાયી થયા બાદ ખુલ્લામાં ભણી રહેલા વિદ્યાર્થીઓની સ્થિતિ અંગે શિક્ષણમંત્રી વાઘાણીએ આપેલા 'અમે પણ શિયાળામાં ખુલ્લામાં જ ભણતા' નિવેદનને હાઇકોર્ટે શરમજનક ગણાવ્યું છે. રાજ્ય સરકારને નોટિસ પાઠવી શિક્ષણ વિભાગના એડિશનલ સેક્રેટરીથી ઉપરની કક્ષાના અધિકારીને કોર્ટ સમક્ષ પ્રત્યક્ષ હાજર રહી રિપોર્ટ આપવા માટે આદેશ કર્યો છે.
વાંચો સમાચાર વિગતવાર

6) સિંહોની જાળવણી મામલે હાઇકોર્ટમાં PIL:જસ્ટિસ પારડીવાલાની હળવી ટકોર, 'એ દિવસો દૂર નથી કે સિંહ ગુજરાત હાઈકોર્ટમાં આવશે અને કહેશે અમને બચાવી લો'
ગીર અભ્યારણમાં એશિયાટીક સિંહોની જાળવણી માટે ગુજરાત હાઈકોર્ટમાં કરવામાં આવેલ જાહેર હિતની અરજી સંદર્ભે ફરી એકવાર ગુજરાત હાઈકોર્ટે હળવી અને મહત્વપૂર્ણ ટકોર કરી છે. જ્યારે PILની મેટર સુનાવણી માટે આવી ત્યારે સેશનનો સમય પૂર્ણ થવા આવ્યો ત્યારે જસ્ટિસ પારડીવાલાએ હળવાશમાં કહ્યું કે 'એ દિવસો દૂર નથી કે જ્યારે સિંહો હાઇકોર્ટમાં આવશે અને કહેશે અમને બચાવી લો '. આ બાબતે 24 ડિસેમ્બરે સુનાવણી હાથ ધરવામાં આવશે.
વાંચો સમાચાર વિગતવાર

7) ઓમિક્રોનને લઈને સરકારની ચેતવણી:બિનજરૂરી પ્રવાસ અને ભીડવાળી જગ્યાએ જવાનું ટાળો, જે જિલ્લામાં નવા કેસ 5%થી વધારે છે તેઓ તૈયારી શરૂ કરી દે
કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનને લઈને જોખમ વધી રહ્યું છે. આરોગ્ય વિભાગ, ICMR (ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ) અને નીતિ આયોગે શુક્રવારે એક પછી એક પ્રેસ કોન્ફરન્સ કરીને લોકોને ચેતવણી આવતા ઓમિક્રોનને લઈને સાવચેત રહેવાની વાત કરી છે. સરકારે પણ એમ કહ્યું છે કે જે જિલ્લામાં 5%થી વધારે કેસ છે તેઓ તૈયારી શરૂ કરી દે.
વાંચો સમાચાર વિગતવાર

8) વડાપ્રધાનને વધુ એક આંતરરાષ્ટ્રીય સન્માન મળ્યું, ભુતાને વડાપ્રધાન મોદીને સર્વોચ્ચ નાગરિક પુરસ્કારથી સન્માનિત કર્યા
વિદેશમાં ફરી એકવાર ભારતનો ડંકો વાગ્યો છે. ભુતાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારથી સન્માનિત કર્યા છે. ભુતાનના વડાપ્રધાને ટ્વીટ કરીને આ અંગેની માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે વડાપ્રધાન મોદીને ભુતાનના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર નગદગ પેલ જી ખોરલો (Ngadag Pel gi Khorlo)થી સન્માનિત કરવામાં આવ્યા છે.
વાંચો સમાચાર વિગતવાર

મહત્વપૂર્ણ સમાચારો માત્ર હેડલાઈનમાં
1) ગુજરાત હાઈકોર્ટે કહ્યું, લોકહિતના નિર્ણય લેવામાં 'સત્તા' શોધવા ન જવાય, જાહેર સ્થળ પર કોરોના સર્ટિ. ફરજિયાત કરાય તેમાં ખોટું શું છે?
2) રેપ અંગેના અશ્લીલ નિવેદનથી વિવાદ વકર્યો, સ્મૃતિ ઈરાની અને જયા બચ્ચને આવું વિવાદાસ્પદ નિવેદન આપનાર કોંગ્રેસ નેતાને સસ્પેન્ડ કરવાની માગણી કરી
3) વડોદરામાં ઝાન્બિયાથી આવેલા વૃદ્ધ અને વૃદ્ધા ઓમિક્રોન પોઝિટિવ, જામનગરમાં ત્રણ દર્દી સાજા થયા, રાજ્યમાં હવે કુલ 4 કેસ
4) પાકિસ્તાનને એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં 3-1થી હરાવ્યું, હરમનપ્રીતે 2 ગોલ કરી PAK ટીમને હંફાવી દીધી

આજનો ઈતિહાસ

વર્ષ 1995માં આજના દિવસે પશ્ચિમ બંગાળના પુરુલિયામાં રહસ્યમય રીતે હથિયારોનો જથ્થો વિમાનમાંથી નીચે ફેકવામાં આવેલો. આ ઘટનાથી ભારે વિવાદ સર્જાયો હતો

આજનો સુવિચાર
બીજાના ચહેરા પર સ્મિત લાવવા માટે નાનકડો પ્રયાસ કરો, તમને ખુશી આપોઆપ મળશે...

તમારો દિવસ શુભ રહે, કાલે ફરી મળીશું...

અન્ય સમાચારો પણ છે...