મોર્નિંગ ન્યૂઝ પોડકાસ્ટ:ગુજરાતમાં 10,879 ગ્રામપંચાયતની રાજ્યના ચૂંટણીપંચે ચૂંટણી જાહેર કરી, સેન્સેક્સમાં 1170 પોઇન્ટનો કડાકો

14 દિવસ પહેલા

નમસ્કાર,

આજે મંગળવાર, તારીખ 23 નવેમ્બર, કારતક વદ ચોથ (સંકટ ચોથ).

આ મહત્ત્વપૂર્ણ ઘટના પર રહેશે નજર
1) આજે અમદાવાદમાં ગરવી ગુજરાત પાર્ટી જૂના વાડજ સર્કલના રામાપીર મંદિરથી કલેક્ટર કચેરી સુધી યુવા બેરોજગાર યાત્રા યોજશે

હવે જોઈએ ગઈકાલના ખાસ સમાચાર
1) ગુજરાતમાં 10,879 ગ્રામપંચાયતની ચૂંટણી જાહેર, આજથી 60% ગામડાંમાં આચારસંહિતા, 19 ડિસે.એ મતદાન અને 21મીએ મતગણતરી

ગુજરાતની 10,879 ગ્રામપંચાયતમાં 19 ડિસેમ્બરે બેલેટ પેપરથી મતદાન થશે અને 21 ડિસેમ્બરે મતગણતરી યોજાશે. 19મી ડિસેમ્બરે સવારના 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા થશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીના એક વર્ષ પહેલાં ડિસેમ્બર 2021માં રાજ્યની 10,879 ગ્રામપંચાયતની ચૂંટણી યોજાશે. આ ગ્રામપંચાયતોની ચૂંટણી તમામ પક્ષો માટે સત્તાની સેમિફાઈનલ સમાન બની રહેશે.
વાંચો સમાચાર વિગતવાર

2) ભારતીય શેરબજારમાં ભારે મંદી, સેન્સેક્સ 1170 પોઈન્ટ ગગડ્યો, Paytmનો શેર વધુ 204 રૂપિયા ઘટ્યો
બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) સેન્સેક્સમાં સોમવારે 7 મહિના પછી મોટો ઘટાડો નોંધાયો હતો. માર્કેટ 1,170 પોઈન્ટ ઘટીને 58,465 પર બંધ થયું હતું. જ્યારે નિફ્ટી 348 અંક ઘટીને 17416 પર બંધ રહ્યો હતો. એપ્રિલ પછી એક જ દિવસમાં આ મોટો ઘટાડો નોંધાયો છે. વન 97 કોમ્યુનિકેશન લિમિટેડ (Paytm)નો શેર 13.03 ટકા ઘટી 1360 પર બંધ રહ્યો હતો
વાંચો સમાચાર વિગતવાર

3) પાકિસ્તાનના F-16 ફાઇટર જેટને ધ્વસ્ત કરનાર કેપ્ટન અભિનંદન વર્ધમાનને વીરચક્ર, રાષ્ટ્રપતિ ભવન તાળીઓથી ગુંજી ઊઠ્યું
બાલાકોટ એરસ્ટ્રાઈકના હીરો અને પાકિસ્તાનનું F-16 ફાઈટર જેટ ધ્વસ્ત કરનાર ગ્રુપ કેપ્ટન અભિનંદન વર્ધમાનને સોમવારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે વીરચક્ર આપીને સન્માનિત કરાયા હતા. અભિનંદનના સન્માન સમયે રાષ્ટ્રપતિ ભવન તાળીઓથી ગુંજી ઊઠ્યું હતું. અભિનંદને 2019માં પાકિસ્તાની F-16 લડાકુ વિમાનને હવાઈ યુદ્ધમાં ધ્વસ્ત કર્યું હતું. એ સમયે તેઓ વાયુસેનામાં વિંગ કમાન્ડર હતા.
વાંચો સમાચાર વિગતવાર

4) 10મી વાઇબ્રન્ટ સમિટનું 10 જાન્યુઆરીએ વડાપ્રધાન મોદીના હસ્તે ઉદઘાટન થશે, દર સોમવારે મહત્ત્વના MOU કરાશે
10મી વાઇબ્રન્ટ સમિટનું 10 જાન્યુઆરીએ વડાપ્રધાન મોદીના હસ્તે ઉદઘાટન થશે. વાઇબ્રન્ટ સમિટ સુધીમાં દર સોમવારે મોટા અને વિશિષ્ટ પ્રોજેક્ટ માટે એમઓયુ કરવામાં આવશે. સોમવારે ગાંધીનગર ખાતે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં રૂ. 24,185 કરોડના 20 MOU પર હસ્તાક્ષર થયા છે, જેના પરિણામે 37 હજાર જેટલી નવી પ્રત્યક્ષ રોજગારીની તકો મળશે.
વાંચો સમાચાર વિગતવાર

5) ડાર્ક વેબની મદદ લઈ વિદેશથી એર કાર્ગો દ્વારા ડ્રગ્સ મગાવનાર વંદિત પટેલે બે વર્ષમાં 50 અલગ અલગ સરનામાં પર 300 વાર ડિલિવરી મગાવી
અમદાવાદના વંદિત પટેલ તેના સાગરિત સાથે ડાર્ક વેબસાઈટ મારફત ડ્રગ્સ ડીલરનો સંપર્ક ડ્રગ્સ મંગાવ્યું હતું. એર કાર્ગોથી ડ્રગ્સ આવ્યા બાદ અમદાવાદથી દેશભરમાં સપ્લાય કરાતું હતું. ધરપકડ બાદ પોલીસ તપાસમાં તેણે 50 લોકોના સરનામે 300થી વધુ વખત ડ્રગ્સ મંગાવ્યાનો ઘટસ્ફોટ થયો છે. ગુજરાત-રાજસ્થાનની પ્રિમિયમ ઈન્સ્ટિટ્યૂટના સ્ટુડન્ટને ડ્રગ્સ સપ્લાય કરાતું અને ટેલિગ્રામ અને સ્નેપચેટ પર ગ્રાહકોનો સંપર્ક કરાતો.
વાંચો સમાચાર વિગતવાર

6) ધોરણ 10 બેઝિક ગણિતમાં પાસ થનાર વિદ્યાર્થીને સાયન્સના B-ગ્રુપમાં પ્રવેશ લેવાની છૂટછાટ, પરીક્ષામાં વિદ્યાર્થીઓને ગણિતના બે વિકલ્પ મળશે
શૈક્ષણિક વર્ષ 2021-22થી ધોરણ-10માં ગણિત વિષયમાં ગણિત સ્ટાન્ડર્ડ અને ગણિત બેઝિક એમ બે પ્રકારના પ્રશ્નપત્રોના વિકલ્પ આપવાનો સરકારે નિર્ણય લીધો છે. શિક્ષણ બોર્ડ ગણિત વિષયના પ્રશ્નપત્રનું પરિરૂપ ગુણભાર, બ્લ્યુ પ્રિન્ટ અને નમૂનાનું પ્રશ્નપત્ર તૈયાર કર્યું હતું. ત્યારે ધો.10માં બેઝિક ગણિત રાખનાર વિદ્યાર્થીઓને પણ બી-ગ્રુપના વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ આપવામાં આવશે. આ વર્ષે 10 લાખથી વધુ વિદ્યાર્થીઓ ધો-10ની પરીક્ષા આપશે. જેના ફોર્મ ભરવાની પ્રક્રિયા 22મી નવેમ્બરથી શરૂ થઈ છે.
વાંચો સમાચાર વિગતવાર

7) અમરેલીના લાસા ગામમાં બે ઈંચ વરસાદ ખાબકતાં ગામની શેરીઓમાં નદીની માફક પાણી વહેતા થયા, ધરતીપુત્રોની ચિંતા વધી
રાજ્યમાં કમોસમી વરસાદનું સંકટ ટળ્યું હતું ત્યારે સોમવારે અમરેલીના ખાંભા તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ખાંભા તાલુકાના લાસા ગામમાં બે ઈંચ જેટલો વરસાદ વરસતા ગામની શેરીઓમાં નદીના પૂરની માફક પાણી વહેતા જોવા મળ્યા હતા. કમોસમી વરસાદી કહેર સામે ધરતીપુત્રો પણ લાચાર જોવા મળ્યા હતા.
વાંચો સમાચાર વિગતવાર

8) ઉમિયા મંદિરનું નિર્માણ:પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મદદ તો કરી, નવા મુખ્યમંત્રી એ મદદ કરી છે અને કરશે હું તો વચ્ચે જ રહેવાનો છું:નીતિન પટેલ
અમદાવાદના જાસપુર ખાતે વિશ્વના સૌથી ઊંચા મા ઉમિયાના મંદિર નિર્માણ કાર્યના પ્રારંભ થયો છે. ત્યારે આ પ્રસંગે હાજર પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ જણાવ્યું હતું કે, ભૂપેન્દ્રભાઈના વેવાઈ એ ₹ 1 કરોડનું દાન આપ્યું છે. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મદદ તો કરી, નવા મુખ્યમંત્રી એ મદદ કરી છે અને કરશે હું તો વચ્ચે જ રહેવાનો છું.
વાંચો સમાચાર વિગતવાર

મહત્વપૂર્ણ સમાચારો માત્ર હેડલાઈનમાં
1) ઓવૈસીની મોદી સરકારને ખુલ્લી ધમકી, બોલ્યાં- CAA-NRC લાવશો તો યૂપીના માર્ગોને બીજુ શાહિન બાગ બનાવી દઈશું
2) પઠાણકોટમાં શંકાસ્પદ બાઇક સવારે આર્મી કેમ્પ પર ગ્રેનેડ હુમલો કર્યો , CCTV દ્વારા ઓળખ કરવાની કવાયત ચાલુ, સમગ્ર પંજાબમાં એલર્ટ જાહેર
3) દિલ્હીમાં સાધુ-સંતોએ નિયંત્રણોથી મુક્ત કરવા માગ કરી,કહ્યું-મુઠ્ઠીભર ખેડૂતો સરકારને ઝુકાવી શકે છે તો અમે શા માટે નહીં
4) ધોલેરાના બે પ્રોજેક્ટ સહિત વિવિધ કંપનીઓ સાથે 24,185 કરોડના MOU, 35 હજાર લોકોને રોજગાર પ્રાપ્ત થશે
5) સુરતમાં ગૃહરાજ્ય મંત્રીએ કહ્યું - હું ફરી કહું છું, પીડિતાનો ભાઈ છું અને એમની માતાનો દીકરો છું, આરોપીને ટૂંકા ગાળામાં દુનિયા સામે લાવીશું
6) બોલિવુડ અભિનેત્રી માધુરી દીક્ષિતે પાવાગઢમાં 'મેરે પાસ મા હૈ' ફિલ્મનું શૂટિંગ કર્યું, રોપ વે સેવા બંધ કરી દેવાતાં હજારો શ્રદ્ધાળુઓ અટવાયા

આજનો ઈતિહાસ
વર્ષ 1996માં આજના દિવસે ઈથિયોપિયન એરલાઈન્સનું વિમાનને 3 આતંકવાદીએ હાઈજેક કર્યું હતું, ઈંધણ ખતમ થઈ જતા વિમાન સમુદ્રમાં તૂટી પડ્યું હતું અને 100થી વધારે લોકોના મોત થયેલા.

આજનો સુવિચાર
પગમાં થતી ઈજા સંભાળીને ચાલવાનું શીખવે છે, મનમાં લાગતી ઈજા સમજદારીથી જીવવાનું શીખવાડે છે...

તમારો દિવસ શુભ રહે, કાલે ફરી મળીશું...

અન્ય સમાચારો પણ છે...