• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • DivyaBhaskar Morning Podcast: SKM's Nationwide Rail Stop Agitation, CM Patel Says Officials Should Not Harass The Applicant By Showing Policy Rules

મોર્નિંગ ન્યૂઝ પોડકાસ્ટ:લખીમપુર ખીરીની ઘટનાના વિરોધમાં આજે SKMનું દેશભરમાં રેલ રોકો આંદોલન, CM પટેલની ટકોર- અધિકારીઓ અરજદારને નીતિ નિયમો બતાવી હેરાન ના કરે

એક મહિનો પહેલા

નમસ્કાર,

આજે સોમવાર, તારીખ 18 ઓક્ટોબર, આસો સુદ તેરસ

આ મહત્વપૂર્ણ ઘટનાઓ પર રહેશે નજર
1) સંયુક્ત કિશાન મોરચા દ્વારા લખીમપુર ખીરી ઘટનાનો વિરોધ નોઁધવવા દેશભરમાં રેલ રોકો આંદોલન, સવારે 10થી સાંજે 4 વાગ્યા સુધી રેલ વ્યવહારને અસર થશે
2) આજે રાષ્ટ્રીય પદાધિકારીઓની ભાજપની જે પી નડ્ડાની અધ્યક્ષતામાં બેઠક, મોરચાના અધ્યક્ષ, તમામ પદાધિકારીઓ અને પ્રદેશ અધ્યક્ષ સહિતના હાજર રહેશે
3) ગુજરાત વિદ્યાપીઠનો 67મો પદવીદાન સમારોહ યોજાશે, 1665 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરાશે, 502 વિદ્યાર્થીઓ રૂબરૂ પદવી મેળવશે

હવે જોઈએ ગઈકાલના ખાસ સમાચાર
1) બોટાદના કાર્યક્રમમાં સરકારી બાબુઓને CMની ટકોર, કહ્યું- 'અધિકારીઓ અરજદારને નીતિ નિયમો બતાવી હેરાન ના કરે, શબ્દોની મારામારી હોય તો શબ્દો જ સુધારી નાખીએ'
સરકારી કચેરીઓમાં કામ માટે જતા ઘણા અરજદારોએ ધક્કા ખાવા પડતા હોવાની ફરિયાદો હોય છે. ત્યારે રવિવારે બોટાદમાં આયોજીત કાર્યક્રમમાં સંબોધન દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અધિકારીઓને ચેતવણી આપી કહ્યું હતું કે, વિવિધ નીતિ નિયમો બતાવી અરજદારને હેરાન કરવામા ના આવે. જે કામ ના થાય તેમ હોય તે ના પાડી દે. પહેલા ના પાડે અને પછી બે વર્ષ પછી તે જ કામ કરી આપવામા આવે તે શક્ય ના બને. કામ કરવામા શબ્દોની મારામારી નડતી હોય તો શબ્દો જ બદલી નાખીએ.
વાંચો સમાચાર વિગતવાર

2) ગુજરાત સરકારે ઈદ-એ-મિલાદની ઉજવણીની છૂટ આપી, માત્ર 15 લોકો અને 1 વાહનની મર્યાદામાં જ જુલુસ કાઢી શકાશે
રાજ્ય સરકારે તહેવારોને લઈ વધુ એક ગાઈડલાઈન જાહેર કરી છે. 19 ઓક્ટોબરના રોજ ઈદ-એ-મિલાદ અંગે માર્ગદર્શિકા જારી કરી છે. જેમાં 15 વ્યક્તિ અને એક વાહનની મર્યાદામાં ઈદ-એ-મિલાદ ઉજવણી કરવાની છૂટ આપવામાં આવી છે. ઈદ-એ-મિલાદના જુલુસનું માત્ર દિવસે જ આયોજન કરી શકાશે. તેમજ જુલુસ જે વિસ્તારનું હશે તે વિસ્તારમાં જ ફરી શકશે. જેને શક્ય એટલા ઓછા સમયમાં પૂર્ણ કરવાનું રહેશે. આ દરમિયાન કોવિડ-19ની ગાઈડલાઈનનું ચૂસ્તપણે પાલન કરવું પડશે.
વાંચો સમાચાર વિગતવાર

3) કાશ્મીરમાં સતત બીજા દિવસે આતંકવાદીઓએ બિહારના 3 નાગરિકોને ગોળી મારી દીધી, 2 લોકોના મોત
જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓએ સતત બીજા દિવસે બિન-કાશ્મીરી નાગરિકોને નિશાન બનાવ્યા છે. રવિવારે આતંકવાદીઓએ કુલગામમાં બિહારના 3 લોકોની ગોળી મારી છે. આ પૈકી બે નાગરિકના ઘટના સ્થળ પર જ મોત નિપજ્યા છે, જ્યારે એક નાગરિક ઈજાગ્રસ્ત છે. મળતી માહિતી પ્રમાણે જે લોકોને ગોળી મારવામાં આવી છે તેઓ તમામ શ્રમિકો હતા. ઈજાગ્રસ્તની ઓળખ ચુનચુન રિષિ દેવ તરીકે ઓળખ કરવામાં આવી છે. તેને અનંતનાગના મેડિકલ કોલેજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મૃતકોમાં રાજા ઋષિ દેવ અને જોગિંદર ઋષિ દેવ તરીકે ઓળખ કરવામાં આવી છે.
વાંચો સમાચાર વિગતવાર

4) રવિવારથી રજાના દિવસે વેક્સિનેશન સહિતની કામગીરીથી અળગા રહેવાં ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘનો નિર્ણય
ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહા સંઘ દ્વારા અગાઉ વારંવાર રજૂઆત કરવા છતાં રજાના દિવસે પણ રાજ્યની વિવિધ જિલ્લા પંચાયતો હસ્તકના આરોગ્ય કર્મચારીઓને રજાના દિવસે પણ રસીકરણનો ટાર્ગેટ પૂર્ણ કરવા કામગીરી કરવાની ફરજ પાડવામાં આવી રહી હતી. જેનાં પગલે ગુજરાત રાજય આરોગ્ય કર્મચારી મહાસંઘ દ્વારા આજથી રજાના દિવસે ફરજ નહીં બજાવવા સર્વાનુમતે નિર્ણય કરી આરોગ્ય કર્મચારીઓને આદેશ આપવામાં આવ્યો છે.
વાંચો સમાચાર વિગતવાર

5) કેવડિયા પ્રવાસીઓ માટે 5 દિવસ બંધ:PM મોદીના આગમનને લઇને 28 ઓક્ટો.થી 1 નવેમ્બર સુધી સ્ટેચ્યૂ ઓફ યુનિટી સહિતના પ્રવાસન સ્થળો બંધ રહેશે
31 ઓક્ટોબરના રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેવડિયામાં હાજર રહેવાના હોય ત્રણ દિવસ પ્રવાસન સ્થળ બંધ રહેશે. 28 ઓક્ટોબરથી 1 નવેમ્બર સુધી કેવડિયામાં પ્રવાસન સ્થળ બંધ રાખવાની સ્ટેચ્યૂ ઓફ યુનિટી તંત્રએ વેબસાઇટ પર નોટિસ મૂકીને સત્તાવાર જાહેરાત કરી છે. દર વર્ષની જેમ પ્રોટોકોલ મુજબ ઓનલાઇન ટિકિટ બંધ કરી દેવામાં આવી છે. 30 ઓક્ટોબરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કેવડિયા પહોંચશે અને 30 ઓક્ટોબરના સાંજે નર્મદા આરતી કરી ઘાટનું લોકાર્પણ કરશે અને કેવડિયામાં રાત્રી રોકાણ કરશે. 31 ઓક્ટોબરે રાષ્ટ્રીય એકતા પરેડ ને સલામી અપાશે.
વાંચો સમાચાર વિગતવાર

6) શાહરુખના દીકરાનું ગુડબોય બનવાનું આપ્યું વચન, આર્યન ખાને NCBને કહ્યું- સારો વ્યક્તિ બનીશ, ગરીબોની મદદ કરીશ
શાહરુખ ખાનનો દીકરો આર્યન ખાન હાલમાં આર્થર રોડ જેલમાં બંધ છે. આર્યન ખાનની 2 ઓક્ટોબરના રોજ NCB (નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો)એ અટકાયત કરી હતી અને 3 ઓક્ટોબરના રોજ ધરપકડ કરી હતી. NCB લૉકઅપમાં આર્યન ખાનનું કાઉન્સિલિંગ કરવામાં આવ્યું હતું. 'ઇન્ડિયા ટુડે'ના અહેવાલ પ્રમાણે, NCBના ઝોનલ હેડ સમીર વાનખેડેએ આર્યન ખાનનું કાઉન્સિલિંગ કર્યું હતું. આર્યન ખાને સમીર વાનખેડેને કહ્યું હતું કે તે સારું કામ કરશે અને એક દિવસ તેમને તેની પર ગર્વ થશે.
વાંચો સમાચાર વિગતવાર

7) સિદ્ધુએ 13 મુદ્દાઓ ઉઠાવ્યા, CM ચન્ની પર ફરી હુમલો કર્યો, સિદ્ધુએ કહ્યું- મુખ્યમંત્રી બન્યા પછી પણ અનુસૂચિત જાતિને કશું મળ્યું નથી
નવજોત સિદ્ધુએ સોનિયા ગાંધીને પત્ર લખીને સીએમ ચરણજીત ચન્ની પર હુમલો કર્યો છે. તેમણે કહ્યું કે કોંગ્રેસ હાઇકમાન્ડે પછાત જાતિના મુખ્યમંત્રી બનાવીને પ્રગતિશીલ નિર્ણય લીધો. છતાં અનુસૂચિત જાતિઓને સરકારમાં સમાન પ્રતિનિધિત્વ મળ્યું નથી. અનુસૂચિત જાતિના મુખ્યમંત્રી બનાવવાના મુદ્દે કોંગ્રેસ આગામી ચૂંટણી લડવા જઈ રહી છે. આવી સ્થિતિમાં સિદ્ધુનું આ નિવેદન કોંગ્રેસ માટે જ ઝટકો સાબિત થઈ શકે છે. જ્યારે, સીધા ટકરાવ બાદ હવે નવજોત સિદ્ધુ પંજાબ સરકાર પર દબાણ લાવવા માટે એક નવું ફોર્મ્યુલા લઈને આવ્યા છે. સિદ્ધુએ સોનિયા ગાંધીને પત્ર લખીને 13 મુદ્દા ઉઠાવ્યા છે. જેમાં સોનિયાને અપીલ કરી છે કે પંજાબ સરકારને આ બાબતે સૂચનાઓ આપી છે કે આ મુદ્દાઓનો ઉકેલ લાવવો જોઈએ.
વાંચો સમાચાર વિગતવાર

8) વિધાનસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીએ વિજય સુંવાળા સહિત 3 ઉપપ્રમુખ અને સાગર રબારીને મહામંત્રી બનાવ્યા, નવું પ્રદેશ માળખું જાહેરઆગામી વર્ષ 2022માં રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. ત્યારે આમ આદમી પાર્ટીએ મિશન 2022 અંતર્ગત સંગઠનનું માળખું તૈયાર જાહેર કર્યું છે. શનિવારે અમદાવાદ પ્રદેશ કાર્યાલય ખાતે યોજાયેલી પ્રદેશ સમિતિની બેઠકમાં નવા સંગઠનના હોદ્દાઓની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં લોક ગાયક કલાકાર વિજય સુંવાળા સહિત ત્રણ પ્રદેશ ઉપપ્રમુખ બનાવવામા આવ્યા છે. સાગર રબારીને પ્રદેશ મહામંત્રીનો હોદ્દો આપવામાં આવ્યો છે. જો કે, આપના નેતા ઈશુદાન ગઢવી અને મહેશ સવાણીને સંગઠનમાં કોઈ હોદ્દો આપવામાં આવ્યો નથી.
વાંચો સમાચાર વિગતવાર

મહત્વપૂર્ણ સમાચારો માત્ર હેડલાઈનમાં

1) IMFએ ઈમરાન સરકારને 6 અબજ ડોલરનું ધિરાણ આપવાનો સ્પષ્ટ ઈન્કાર કર્યો, વાટાઘાટ પણ નિષ્ફળ નિવડી 2) અંતરીક્ષમાં પ્રથમ ફિલ્મનું શૂટિંગ કર્યા પછી રશિયન ફિલ્મની ટીમ પૃથ્વી પર પાછી ફરી; 12 દિવસમાં 40 મિનિટ લાંબો સીન શૂટ કરાયો 3) કેરળમાં ગંભીર બની પૂરની સ્થિતિ, ભૂસ્ખલનમાં અત્યાર સુધી 15 લોકોના મોત, 8 ગુમ, 11 જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 4) ભારતીય નાગરિકત્વ મળ્યું:અમદાવાદ જિલ્લા કલેક્ટર દ્વારા 11 પાકિસ્તાની હિન્દુઓને નાગરિકતા પત્ર એનાયત કરાયા 5) કલેક્ટરની કામગીરી:આણંદના જિલ્લામાં એનઆરઆઈના પ્રશ્નોના ઝડપી નિકાલ સોફ્ટવેર તૈયાર કરાશે, જિલ્લા સંકલન બેઠકમાં કલેક્ટરે જાણકારી આપી 6) વડોદરાના સાવલીના રાસાવાડીમાં બે બાઈક વચ્ચે ટક્કર બાદ આગ લાગી, એકનું મોત અને 4 ગંભીર રીતે દાઝ્યા 7) અઢળક આવક:સૌરાષ્ટ્રના અગ્રીમ ગોંડલ યાર્ડની બંને બાજુ મગફળી ભરેલા વાહનોની 4 કિમી લાંબી લાઇન, દોઢ લાખ ગુણી આવકની શક્યતા 8) CCTVથી લૂંટારુ ઝડપાયા:સુરતમાં ધોળે દિવસે બમરોલીના કારખાનેદારના લમણે તમંચો મૂકી લૂંટ કરનાર ત્રણ લૂંટારુ ઝડપાયા 9) ધર્માંતરણ અને ફન્ડિંગ કેસમાં વડોદરા કોર્ટમાં રાત્રે દોઢ વાગ્યા સુધી કાર્યવાહી ચાલી, સલાઉદ્દીન-ઉમરના 7 દિવસના રિમાન્ડ મંજૂર

આજનો ઈતિહાસ
અમેરિકાના મહાન વૈજ્ઞાનિક થોમસ આલ્વા એડિસનને વર્ષ 1931માં આજના દિવસે અંતિમ શ્વાસ લીધા હતા, તેમના નામે 193 પેટન્ટ છે

આજનો સુવિચાર
જે પણ કાર્ય કરો તેને શ્રેષ્ઠ કરવાનો આગ્રહ રાખો એટલે સફળતા મળે જ.

તમારો દિવસ શુભ રહે, કાલે ફરી મળીશું...

અન્ય સમાચારો પણ છે...