• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • DivyaBhaskar Morning Podcast: Rickshaw Fares Increase By Rs 3 In Gujarat, IT Department Issues Notice To Seize Maharashtra Deputy CM's Property Worth Rs 1,400 Crore

મોર્નિંગ ન્યૂઝ પોડકાસ્ટ:ગુજરાતમાં રિક્ષાચાલકોએ ભાડામાં 3 રૂપિયાનો વધારો કર્યો, IT વિભાગે મહારાષ્ટ્રના ડેપ્યુટી CMની 1400 કરોડની પ્રોપર્ટી જપ્ત કરવા નોટિસ જારી કરી

25 દિવસ પહેલા

નમસ્કાર,

આજે બુધવાર, તારીખ 3 નવેમ્બર, આસો વદ તેરસ (ચૌદસનો ક્ષય), કાળી ચૌદસ

આ મહત્ત્વપૂર્ણ ઘટનાઓ પર રહેશે નજર
1) મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે કચ્છના ધોરડો ખાતે દેશની રક્ષા કરતા જવાનો સાથે ‘દિવાળી પર્વ’ ઉજવશે
2) આજે પોલીસ કર્મીઓના ગ્રેડ પે સહિતના પ્રશ્નોના નિરાકરણ માટે નિમાયેલી કમિટીની ગાંધીનગરમાં બેઠક
3) વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઝારખંડ, મહારાષ્ટ્ર સહિતના 6 રાજ્યના 40થી વધુ કલેક્ટર સાથે કોરોના વેક્સિનેશનની સમીક્ષા કરશે
4) આજે જસદણ ખાતે વિજ્ઞાન જાથા કાળી ચૌદસને લઈને ભૂતપ્રેતનું સરઘસ, મેલીવિદ્યાની નમાની સહિતના કાર્યક્રમ યોજશે
5) આજે સાળંગપુર કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરે કાળી ચૌદસનાં મારૂતિ યજ્ઞ, સમૂહ પૂજન-અન્નકોટ દર્શન

હવે જોઈએ ગઈકાલના ખાસ સમાચાર
1) ગુજરાતમાં ઓટોરિક્ષા ચાલકોના એસોસિયેશન દ્વારા રિક્ષાભાડામાં રૂ.3 સુધીનો વધારો, વેઈટિંગ ચાર્જમાં પણ વધારો
CNG ગેસના ભાવવધારા સામે રિક્ષાચાલકોનાં વિવિધ સંગઠનો દ્વારા રિક્ષાભાડામાં વધારાની માગ કરી રહ્યા છે. આજે ઓટોરિક્ષાચાલકોનાં વિવિધ એસોસિએશન દ્વારા બેઠક કરીને પ્રશ્નો અંગે વિચારણા હાથ ધરવામાં આવી હતી. એ બાદ વિવિધ એસોસિયેશનની સંમતીથી રિક્ષાના ભાડામાં રૂ.3નો વધારો કરવાનો નિર્ણય લેવાયો હતો. આ નવો ભાડાવધારો બેસતા વર્ષના દિવસથી જ અમલમાં આવશે.
વાંચો સમાચાર વિગતવાર

2) સંઘ પ્રદેશ દાદરા અને નગર-હવેલી લોકસભા બેઠકની પેટાચૂંટણીમાં શિવસેનાના ઉમેદવાર કલાબેન ડેલકર 51 હજાર મતથી વિજય
વલસાડને અડીને આવેલા સંઘપ્રદેશ દાદરા અને નગર- હવેલીની લોકસભા બેઠક પર યોજાયેલી પેટાચૂંટણીમાં શિવસેનાના ઉમેદવાર કલાબેન ડેલકરનો 51 હજાર 269 મતથી વિજય થયો છે. અપક્ષ સાંસદ મોહન ડેલકરના નિધનના પગલે ખાલી પડેલી બેઠક પર તેમના જ પત્ની કલાબેન ડેલકરે જીત મેળવી બેઠક જાળવી રાખી છે. પેટા ચૂંટણીમાં વિજેતા થયેલા શિવસેનાના ઉમેદવાર કલાબેન ડેલકરને 1,18,035 મત, ભાજપના મહેશ ગાવિતને 66766 મત, કૉંગ્રેસના મહેશ ધોડીને 6,150 મત નોટામાં 5531 મત અને ભારતીય ટ્રાયબલ પાર્ટીના ઉમેદવારને 1782 મત મળ્યા છે.
વાંચો સમાચાર વિગતવાર

3) મહારાષ્ટ્રના ડેપ્યુટી CM અજિત પવારની 1400 કરોડથી વધુની પ્રોપર્ટી જપ્ત કરવાની તૈયારી, IT ડિપાર્ટમેન્ટે પાઠવી નોટિસ
મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખની ધરપકડ પછી હાલના ડેપ્યુટી મુખ્યમંત્રી અજિત પવાર પર વધુ એક કેન્દ્રીય એજન્સી કાર્યવાહી કરવા જઈ રહી છે. ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે અજિત પવારની ઘણી પ્રોપર્ટીને જપ્ત કરવાની નોટિસ ઈસ્યુ કરી છે. તેમાં મહારાષ્ટ્રની 27 પ્રોપર્ટી, ગોવાનું 250 કરોડનું રિસોર્ટ અને 600 કરોડની એક સુગર મીલ સામેલ છે. આ સિવાય તેમાં દિલ્હીની કેટલીક પ્રોપર્ટીઓ પણ સામેલ છે. આ સંપત્તિઓ 1400 કરોડથી વધુની કિંમતની છે. ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ પહેલા પવારના પરિવારના ઘણા સભ્યોના ઘર પર રેડ કરી ચુક્યું છે. જેમને નોટિસ મોકલવામાં આવી છે, તેમાં અજિત પવારની બહેનની કેટલીક પ્રોપર્ટી છે. આ દરમિયાન પવારના સંબંધીઓના ઠેકાણાઓ પર થયેલી રેડ પછી 184 કરોડની બિનહિસાબી સંપત્તિ મળી હતી. વિભાગે 7 ઓક્ટોબરે 70થી વધુ ઠેકાણાઓ પર રેડ કરી હતી. આ દરમિયાન ITએ અજિત પવારના પુત્ર પાર્થ પવારની માલિકીની કંપની અનંત મક્સ પ્રાઈવેટ લિમિટેડ પર પણ રેડ કરી હતી.
વાંચો સમાચાર વિગતવાર

4) સૌરાષ્ટ્ર યુનિ. દુષ્કર્મ કેસમાં પીડિતાએ આંતરિક સમિતિને ફરિયાદ કરી, કહ્યું- મેં મારા શરીરના કાટલાં કાઢી નાખ્યા પણ ન્યાય કેમ મારાથી દૂર?સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાયદા ભવનના વડા પ્રોફેસર આનંદ ચૌહાણ વિરુદ્ધ આખરે એક વિદ્યાર્થિનીએ આંતરિક ફરિયાદ સમિતિમાં દુષ્કર્મના સિલસિલાની લેખિત રજૂઆત સાથે ન્યાયની માંગ કરી છે. આ યુવતીએ વર્ષ 2007થી તેના પર જે જાતીય અત્યાચાર થયો છે તેની સિલસિલાબંધ વિગતો દર્શાવી છે. તેની ખરાઈ કરવામાં આવે અને સીસીટીવી ફૂટેજ, કોલ ડીટેઈલ્સ ચેક કરવામા આવે તો આ અત્યંત ગંભીર ઘટનાની સત્યતાનો અંદાજ મળી શકે. ફરિયાદમાં પીડિતાએ જણાવ્યું છે કે, મેં મારા શરીરના કાટલાં કાઢી નાખ્યા પણ ન્યાય કેમ મારાથી દૂર?, પૂરાવાઓ મળશે એટલે ચૌહાણને જેલ થશે.
વાંચો સમાચાર વિગતવાર

5) અફઘાનિસ્તાનના કાબુલમાં લશ્કરની હોસ્પિટલ નજીક આતંકવાદીએ બે વિસ્ફોટ કર્યા; 19 લોકોનાં મોત, 43 ઈજાગ્રસ્ત થયા
અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં મંગળવારે મિલિટરી હોસ્પિટલ પાસે 2 જોરદાર વિસ્ફોટમાં 19 લોકોનાં મોત થયાં છે અને 43 લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઘટનાસ્થળ પર રહેલા લોકોએ જણાવ્યું હતું કે, કાબુલમાં સરદાર મોહમ્મદ દાઉદ ખાન મિલિટ્રી હોસ્પિટલ પાસે ગોળીઓનો અવાજ સાંભળવામાં મળ્યો હતો. તે અફઘાનિસ્તાનનની સૌથી મોટી મિલિટ્રી હોસ્પિટલ છે. ઈસ્લામિ અમીરાતના ડેપ્યુટી પ્રવક્તા બિલાલ કરીમીએ જણાવ્યું કે કાબુલના 10માં જિલ્લામાં 400 પથારીવાળી હોસ્પિટલના એન્ટ્રી ગેટ પર બે વિસ્ફોટ થયા હતા. તેમણે કહ્યું કે ઘટના સ્થળ પર સુરક્ષાદળોને મોકલવામાં આવ્યા છે. અલ જઝીરના અહેવાલ પ્રમાણે વિસ્ફોટ કારમાં થયો છે.
વાંચો સમાચાર વિગતવાર

6) ) ઉત્તરપ્રદેશના ગાઝીપુરમાં ઝૂંપડીમાં ઝડપી ગતિએ આવતી બસ ઘૂસી જતાં 10 કચડાયા, 6નાં મોત
ઉત્તરપ્રદેશના ગાઝીપુર જિલ્લામાં બુધવારે એક રોડ અકસ્માતમાં 6 લોકોના મૃત્યુ થયા છે. એક બેકાબુ ટ્રક ઝૂંપડીમાં ઘુસવાથી 10 લોકોને ટક્કર વાગી હતી. જ્યારે ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘાયલોને જિલ્લાની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલુ છે. અકસ્માતની માહિતી મળવા પર પોલીસ ઘટના સ્થળે પહોંચી અને શબોને બહાર કાઢવામાં આવ્યા. આ દરમિયાન દુર્ઘટનાથી ગુસ્સે ભરાયેલા ગામના લોકોએ શબને રસ્તા પર રાખીને રસ્તો જામ કરી દીધો હતો.
વાંચો સમાચાર વિગતવાર

7) માતર પાસેના નેશનલ હાઈવે પર અમદાવાદના પરિવારની રિક્ષા પાછળ કાર ઘૂસતાં 2નાં મોત, 3 ઘાયલ
ખેડા જિલ્લાના માતર પંથકમાંથી પસાર થતાં નેશનલ હાઈવે નં. 8 પર રીક્ષા પાછળ કાર અથડાતા બે વ્યક્તિઓના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. જ્યારે રીક્ષામાં બેઠેલા ત્રણ વ્યક્તિઓને ઈજાઓ પહોંચી છે. ઇજાગ્રસ્તોના નિવેદન લેતાં હોટલમાં નાસ્તો કરી રોડ પર જતાં આ વાહનને અકસ્માત થયો છે. માતર પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અમદાવાદ શાહઆલમ વિસ્તારમાં રહેતા મહંમદ ફારુખ અનવરભાઈ શેખ સવારે રીક્ષામાં પોતાના સબંધીઓને લઈ ખેડા જિલ્લાના માતર પંથકના હાઇવે પરથી પસાર થતા હતા.
વાંચો સમાચાર વિગતવાર

8) રાજકોટના ઉદ્યોગપતિના પુત્રના જોધપુરમાં ડ્રીમ ડેસ્ટિનેશન વેડિંગ, 300 મહેમાન આમંત્રિત, રૂ.18 હજારની થાળી, હનિમૂન સ્યૂટનું એક રાતનું ભાડું 7.5 લાખ!
રાજકોટનાં કોઈ પરિવારે ક્યારેય ન યોજ્યા હોય તેવાં શાહી-શાનદાર-રજવાડી લગ્ન રાજકોટ અને મોરબીના ઉદ્યોગપતિ જોધપુરમાં કરશે. શહેરનાં સુવિખ્યાત રાજકોટ-સૌરાષ્ટ્ર સહિત દેશ-વિદેશમાં જાણીતા એવા ઉદ્યોગપતિ મૌલેશ પટેલના પુત્ર જયના જાજરમાન લગ્ન મોરબીની જાણીતી એવી આજવીટો ટાઈલ્સના માલિક અરવિંદ પટેલની પુત્રી હેમાંશી સાથે આગામી તા.14-15-16 નવેમ્બરના રાજસ્થાનના જોધપુર મૂકામે ઉમેદભવન પેલેસ ખાતે યોજાવાના છે. આ લગ્ન સમારંભની ખાસ બાબત એ છે કે, એ એક ડેસ્ટિનેશન વેડિંગ છે અને તેનું આયોજન જોધપુરની સુવિખ્યાત હોટલ ‘ઉમેદભવન પેલેસ’ ખાતે થવાનાં છે.
વાંચો સમાચાર વિગતવાર

9) રાજકોટના પરિવારે ઋષિકેશમાં ગંગા નદીમાં તણાયા પહેલાં પુત્રીએ પિતા સાથે ‘ખમ્મા ઘણી મારી લાડકવાયીને’ ગીત પર વીડિયો બનાવ્યો, ત્યાર બાદ પિતા-પુત્રી બન્ને તણાયાં
રાજકોટના બજરંગવાડી વિસ્તારમાં રહેતો રઘુવંશી પરિવાર ઋષિકેશ ફરવા ગયો હતો. સોમવારે સાંજે ઋષિકેશના ભીમચડ્ડામાં પરિવારની 18 વર્ષીય દોહિત્રી સોનલ ગંગા નદીના પ્રવાહમાં તણાતાં તેને બચાવવા તેનાં નાની તરુલતાબેન નદીમાં કૂદ્યાં હતાં. આ દૃશ્ય જોઈને બંનેને બચાવવા તરુલત્તાબેનના જમાઇ અને સોનલના પિતા અનિલભાઇ પણ નદીમાં પણ કૂદ્યા હતા. એકસાથે એક જ પરિવારના ત્રણ-ત્રણ સભ્ય નદીમાં તણાઇ ગયા હતા, જેમાં મહિલાની લાશ મળી હતી. જ્યારે અન્ય બેની શોધખોળ ચાલુ છે.
વાંચો સમાચાર વિગતવાર

હવે જોઈએ ગઈકાલના ખાસ સમાચાર
1) ઇઝરાયેલી PMને મળ્યા મોદી, નફ્તાલી બેનેટ અને મોદી વચ્ચે પહેલી મુલાકાત; બેનેટે ભારતના વડાપ્રધાનને કહ્યું- તમે ઇઝરાયેલમાં ઘણા જ લોકપ્રિય છો
2) 100 કરોડનો ખંડણી કેસમાં EDની સૌથી મોટી કાર્યવાહી, મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખની મોડી રાત્રે ધરપકડ
3) રાજકોટનો ઋતુલ છગ નીટમાં દેશમાં 5માં નંબરે અને ગુજરાત ફર્સ્ટ, કહ્યું- 12 કલાક સતત મહેનત કરતાં પરિણામ મેળવ્યું
4) વડોદરા હાઇ પ્રોફાઇલ દુષ્કર્મ કેસમાં પીડિતાની કોર્ટ ટ્રાન્સફર કરવાની અરજી પરત ખેંચવાની માગણીને કોર્ટે મંજૂરી આપી, ચેતવણી આપી રૂ.1 હજાર દંડ ભરવાનો આદેશ
5) AMA દિવાળીના તહેવારમાં ડોક્ટર ઓન કોલની સેવા આપશે, 14 ડોક્ટરની ટીમ ફોન પર જ સ્વાસ્થ્ય સંબંધી નિરાકરણ આપશે
6) ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં જાહેર રસ્તા પર ધમધમતા સ્ટોલમાં આગ લાગતા અફરાતફરી મચી, કોઈ જાનહાનિ નહીં

આજનો ઈતિહાસ
સ્વતંત્ર ભારતના વડાપ્રધાન તરીકે જવાહરલાલ નેહરુએ વર્ષ 1948માં આજના દિવસે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું-નફરત અને હિંસાના આધારે શાંતિ મળી શકે નહીં

આજનો સુવિચાર
વિશ્વાસ રાખો, મુશ્કેલીના શિખરની પાછળ જ એનો ઉકેલ હોય છે...

તમારો દિવસ શુભ રહે, કાલે ફરી મળીશું...

અન્ય સમાચારો પણ છે...