• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • DivyaBhaskar Morning Podcast: Private Mobile Operators Lose Subscribers In Gujarat BSNL Safe And 2400 Student Covid 19 Report Positive In One Month

મોર્નિંગ ન્યૂઝ પોડકાસ્ટ:ગુજરાતમાં ખાનગી મોબાઇલ કંપનીના સબ્સ્ક્રાઈબર્સમાં ઘટાડો, દેશમાં એક મહિનામાં 2400 સ્ટુડન્ટ્સ કોરોના પોઝિટિવ

2 મહિનો પહેલા

નમસ્કાર,

આજે શનિવાર, તારીખ 27 નવેમ્બર, કારતક વદ આઠમ.

આ મહત્ત્વપૂર્ણ ઘટનાઓ પર રહેશે નજર
1) સુરતમાં સરસાણા ખાતે જ્વેલરી એક્ઝિબિશન યોજાશે, નેચરલ હીરા અને ગોલ્ડથી તૈયાર કરાયેલી રૂ. 20 લાખની છત્રી આકર્ષણ રહેશે
2) આજે રાજ્યમાં ગામથી લઈ શહેર સુધી મતદાર યાદી સુધારણાની ખાસ ઝુંબેશ હાથ ધરાશે, નામ નોંધાવવા સુધારા સહિતની કામગીરી થશે
3) આજે અમદાવાદના પાલડી શિશુગૃહની બે દીકરીઓ ‘મીષટી’ અને ‘આરજૂ’ને દત્તક અપાશે, અભિનેત્રી અંજલિ મહેતા હાજર રહેશે
4) આજે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી બે દિવસના ગુજરાત પ્રવાસે આવશે

હવે જોઈએ ગઈકાલના ખાસ સમાચાર
1) સુરતમાં બોલ્યા હર્ષ સંઘવી, 'લાયકાત વિનાનાને ભરતીમાં ઘૂસવા નહીં દઉં, મારો વાયદો છે, ઉમેદવારોના માર્ગદર્શન માટે 4 શો આવશે'
સુરતના જાંગીપુરામાં પટેલ સમાજ દ્વારા PSI અને LRD ઉમેદવારોને ફિઝિકલ ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ શુક્રવારે પરીક્ષા માટે કમર કસી રહેલા આ તમામ ઉમેદવારોની મુલાકાત લઈને પ્રોત્સાહિત કર્યા હતા. હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, 'લાયકાત વિનાનાને ભરતીમાં ઘૂસવા નહીં દઉં, મારો વાયદો છે, ઉમેદવારોના માર્ગદર્શન માટે 4 શો આવશે'
વાંચો સમાચાર વિગતવાર

2) ગુજરાતમાં સપ્ટેમ્બર 2021માં રિલાયન્સ જિયોએ 10.98, વોડાફોને 1.48 અને એરટેલે 1.24 લાખ સબ્સ્ક્રાઈબર્સ ગુમાવ્યા
સમગ્ર દેશમાં કોરોના મહામારીમાં માર્ચ 2020થી લોકડાઉન લગાવાયું હતું. આ દરમિયાન વર્કફ્રોમ હોમ અને ઓનલાઈન શિક્ષણને કારણે ઈન્ટરનેટ અને મોબાઈલનો ઉપયોગ વધ્યો હતો. કોરોના મહામારીની બીજી લહેર બાદ ઈન્ટરનેટ અને મોબાઈલના સબસ્ક્રાઈબર્સની સંખ્યામાં મોટો ઘટાડો નોંધાયો છે. ગુજરાતમાં સપ્ટેમ્બર 2021માં રિલાયન્સ જિયોએ 10.98, વોડાફોને 1.48 અને એરટેલે 1.24 લાખ સબ્સ્ક્રાઈબર ગુમાવ્યા છે. માત્ર એક BSNLજ તેના ગ્રાહકોને સાચવી રાખવામાં સફળ નિવડી છે.
વાંચો સમાચાર વિગતવાર

3) વિદ્યાર્થીઓ પર કોરોનાની અસર:દેશમાં 30 દિવસમાં 2400 સ્ટુડન્ટ્સ પોઝિટિવ, સૌથી વધુ 1700 મહારાષ્ટ્રના; લગ્નમાં સામેલ થનાર બન્યા સુપર સ્પ્રેડર
દેશમાં કોરોનાનું સંક્રમણ ફરીથી ચિંતાજનક સ્થિતિ સર્જી રહ્યું છે. 10 મોટા રાજ્યોમાં છેલ્લા 30 દિવસમાં 2400 સ્ટુડન્ટ્સ કોરોના સંક્રમિત થયા છે. તેમાંથી સૌથી વધુ 1700 વિદ્યાર્થી મહારાષ્ટ્રના છે. સંક્રમિત થનારા મોટા ભાગના વિદ્યાર્થીઓ લગ્ન કે પાર્ટીમાં ગયા હતા. આ સિવાય કેટલાક કિસ્સાઓમાં તેમના પરિવારના સભ્યો કોઈ કાર્યક્રમમાંથી પરત ફર્યા હતા. બીજી તરફ કર્ણાટકની ધારવાડ મેડિકલ કોલેજમાં કોરોના પોઝિટિવ વિદ્યાર્થીઓની સંખ્યા ગુરુવારે 182 થઈ છે. એક દિવસ પહેલા બુધવારે અહીં 66 મેડિકલ વિદ્યાર્થીઓનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ખાસ બાબત એ છે કે આ તમામ વિદ્યાર્થીઓ વેક્સિનેટેડ હતા, એટલે કે કોરોના વેક્સિનના બંને ડોઝ લઈ ચૂક્યા હતા. કોલેજના હેલ્થ ઓફિસર્સે કહ્યું કે થોડા દિવસો પહેલા જ ફેશર્સ પાર્ટી યોજાઈ હતી, તેનાથી જ કોરોના ફેલાયો હશે.
વાંચો સમાચાર વિગતવાર

4) ઔદ્યોગિક એકમોના કનેક્શન કાપતાં રાજકારણીઓનો હસ્તક્ષેપ, હાઇકોર્ટે કહ્યું, 'તેમના નામ આપો, આ વખતે કોઈને છોડવામાં નહીં આવે'
અમદાવાદની સાબરમતી નદીમાં પ્રદૂષિત પાણી છોડનાર ઔદ્યોગિક એકમો સામે ગુજરાત હાઇકોર્ટનું આકરું વલણ યથાવત છે. હાઇકોર્ટના નિર્દેશ બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દુષિત પાણી સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં છોડતાં ઔદ્યોગિક એકમો સામે કાર્યવાહી કરતા તેમના કનેક્શન કાપી રહ્યું છે. જેની સામે અરવિંદ લિમિટેડે જસ્ટિસ જે.બી પારડીવાલા અને વૈભવી નાણાવટી બેન્ચ સમક્ષ રજૂઆત કરી. આ મામલે કોર્ટે કોઈને પણ કોર્ટના નિર્દેશ અને કોર્પોરેશનની કામગીરીમાં હસ્તક્ષેપ ન કરવા કહ્યું. હાઇકોર્ટે કહ્યું, 'તેમના નામ આપો, આ વખતે કોઈને છોડવામાં નહીં આવે'
વાંચો સમાચાર વિગતવાર

5) જાન્યુઆરીમાં ખોડલધામની 5 વર્ષની ઉજવણી નિમિત્તે ભવ્ય કાર્યક્રમ, PM મોદીની ખાસ હાજરીમાં લેઉઆ પટેલ સમાજનું શક્તિપ્રદર્શન થશે
આગામી વિધાનસભાની ચૂંટણી માટે દરેક સમાજ પોતપોતાનાં કદ અને કક્ષા પ્રમાણે શક્તિપ્રદર્શન યોજીને ચૂંટણીમાં અગ્રિમ ભૂમિકા ભજવવાનો કારસો ઘડી રહ્યા છે ત્યારે લેઉવા પટેલ જ નહીં, અન્ય અનેક સમાજના આસ્થાના પ્રતીક સમા ખોડલધામમાં વધુ એક મોટો ધાર્મિક પ્રસંગ રાખવાની તૈયારી શરૂ થઈ છે. હવે જો કોરોના ગાઈડલાઈન્સ હળવી થશે તો નરેશ પટેલના અધ્યક્ષસ્થાને ખોડલધામ ખાતે પાટીદાર પાવર શો થશે અને એમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને હાજર રાખવાનાં ચક્રો ગતિમાન થયાં છે.
વાંચો સમાચાર વિગતવાર

6) ગોંડલ નજીક થયેલા અકસ્માતમાં બે સુરતી પરિવારના 6 સભ્યોનાં મોત, 3 દીકરી જ બચી, 12 કલાકમાં ₹ 5 લાખની મદદ મળી
ગોંડલ નજીક અકસ્માતમાં કાળનો કોળિયો બનેલા સુરતના બે પરિવારની બચી ગયેલી ત્રણ દીકરીઓની મદદ માટે સુરતના અનેક સમાજ આગળ આવ્યા છે. કામરેજના પૂર્વ ધારાસભ્ય દ્વારા નોંધારી બનેલી દીકરીઓને મદદ કરવા અપીલ કરી છે. જેને પગલે 12 કલાકમાં જ 5 લાખ રૂપિયા દીકરીઓના ખાતામાં જમા થઈ ગયા છે. સાથે સાથે કેટલાક દાતાઓ 50-60 હજારની રોકડ રકમ ઘરે આપી ગયા છે.
વાંચો સમાચાર વિગતવાર

7) 30 વખત સ્વરૂપ બદલનારો વેરિયન્ટ દ. આફ્રિકામાંથી મળ્યો, વેક્સિન બિનઅસરકારક, WHOની ઇમર્જન્સી બેઠક
કોરોના વાઇરસના નવા વેરિયન્ટને કારણે ફરીથી આખી દુનિયા અલર્ટ થઈ ગઈ છે. ઘણા દેશોમાં કોરોનાના કેસ ઘટી રહ્યા હતા, ત્યારે ફરી એક નવા વેરિયન્ટે લોકોને ડરાવી દીધા છે. આ નવો વેરિયન્ટ સાઉથ આફ્રિકામાંથી મળ્યો છે અને ત્યાંની લેબ દ્વારા કહેવામાં આવ્યું છે કે આ વેરિયન્ટ ખૂબ ઝડપથી ફેલાઈ રહ્યો છે. આ વેરિયન્ટે અત્યારસુધીમાં 30 વખત સ્વરૂપ બદલી નાખ્યાં છે, તેથી એની ઓળખ કરવી પણ મુશ્કેલ છે. હાલ આ વેરિયન્ટને B.1.1.529 નામ આપવામાં આવ્યું છે. આ વેરિયન્ટને ધ્યાનમાં રાખીને ઓસ્ટ્રેલિયા, બ્રિટન-યુકે-ઈઝરાયેલે સાઉથ આફ્રિકાથી આવતી ફ્લાઈટો પર પ્રતિબંધ લગાવી દીધો છે, જ્યારે ભારતે સાઉથ આફ્રિકાથી આવનારા લોકો માટેના નિયમો કડક કર્યા છે.
વાંચો સમાચાર વિગતવાર

મહત્ત્વપૂર્ણ સમાચારો માત્ર હેડલાઈનમાં

1) મુખ્યમંત્રી પાસે વીડિયો વાઈરલ કરી ₹ 1 કરોડની ખંડણી માગનાર વાવના કથાકારને બનાસકાંઠા LCBએ રાજસ્થાનથી દબોચ્યો 2) નવા વેરિયન્ટના ભયથી સેન્સેક્સમાં 1688 અંકનો કડાકો, નિફ્ટી 17026 પર બંધ; ઈન્ડસઈન્ડ બેન્ક, મારુતિ સુઝુકીના શેર ઘટ્યા 3) બંધારણ દિવસ અંતર્ગત કાર્યક્રમનો કોંગ્રેસે બહિષ્કાર કર્યો; મોદીએ કહ્યું- એક જ પરિવાર દ્વારા પાર્ટી ચલાવતા રહેવી એ લોકશાહી માટે સૌથી મોટું સંકટ 4) 632 દિવસ બાદ હટશે પ્રતિબંધ, ક્રિસમસ-ન્યૂયર પર વિદેશ જઈ શકાશે 5) રાણેએ કહ્યું- માર્ચ સુધીમાં મહારાષ્ટ્રમાં ભાજપની સરકાર બનશે, ઉદ્ધવ સરકારના વધુ દિવસ નહીં6) સૌરાષ્ટ્ર યુનિ.ની પરીક્ષામાં ડમી વિદ્યાર્થી તરીકે પકડાયેલા ભાજપ નેતા ગોંડલ યાર્ડના ચેરમેન બન્યા 7) વડોદરા સેન્ટ્રલ જેલમાં આજીવન કેદની સજા ભોગવતા હાજી બિલાલનું સયાજી હોસ્પિટલમાં ટૂંકી બીમારી બાદ મોત, પોલીસે મૃતદેહ પરિવારને સોંપ્યો 8) ભારત-સાઉથ આફ્રિકા સિરીઝ મુશ્કેલીમાં!:કોવિડના દ.આફ્રિકન વેરિયન્ટે વિચારતા કર્યા, 17 ડિસેમ્બરથી પહેલી ટેસ્ટ શરૂ થશે

આજનો ઈતિહાસ
આજના દિવસે જ 1895માં નોબલ પુરસ્કારની સ્થાપના થઈ હતી. આ પુરસ્કારને વૈજ્ઞાનિક અને ઈન્વેન્ટર અલ્ફ્રેડ બર્નહાર્ડ નોબેલની વસિયતના આધારે આપવામાં આવે છે. શરૂઆતમાં માત્ર ફિઝિક્સ, મેડિસિન, કેમિસ્ટ્રી, સાહિત્ય અને શાંતિના ક્ષેત્રમાં જ નોબેલ આપવામાં આવતો હતો. બાદમાં ઈકોનોમિક્સના ક્ષેત્રમાં પણ નોબેલ આપવામાં આવી રહ્યો છે.

આજનો સુવિચાર
જ્યારે તમે એકલા સપના જુઓ છો ત્યારે તે તમારા સપના હોય છે. જ્યારે સાથે મળીને સપના જુઓ છો ત્યારે તે સચ્ચાઈ હોય છે...

તમારો દિવસ શુભ રહે, કાલે ફરી મળીશું...

અન્ય સમાચારો પણ છે...