મોર્નિંગ ન્યૂઝ પોડકાસ્ટ:PM મોદી કેદારનાથ પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે, દિવાળી પર્વે ગુજરાતમાં અકસ્માતની વણઝાર સર્જાતા 7 ઘટનામાં 11ના મોત

23 દિવસ પહેલા

નમસ્કાર,

આજે શુક્રવાર, તારીખ 5 નવેમ્બર, કારતક સુદ એકમ, વિક્રમ સંવત 2078 સાથે ગુજરાતી નવ વર્ષનો પ્રારંભ

આ મહત્વપૂર્ણ ઘટનાઓ પર રહેશે નજર
1) આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડ્રીમ પ્રોજેક્ટ કેદારનાથ ધામનું લોકાર્પણ કરશે, જેમાં પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ ખાતે વર્ચ્યુઅલ સંબોધન કરશે
2) કેન્દ્રીય ગૃહ અને સહકારમંત્રી અમિત પોતાના નિવાસ સ્થાને કાર્યકર્તાઓ અને શુભેચ્છકોને મળી નવ વર્ષની શુભકામનાઓ પાઠવશે
3) મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગર મંત્રીમંડળ સંકુલના કોમ્યુનિટી સેન્ટર અને અમદાવાદના એનેક્ષી સરકીટ હાઉસ ખાતે નાગરિકો સાથે નવા વર્ષની શુભેન્છાનું આદાનપ્રદાન કરશે
4) હજીરા-દીવ-હજીરાની ક્રુઝની શુભારંભ થશે. ક્રૂઝમાં કસિનો, નાઇટ ક્લબ, રેસ્ટોરાં અને હોટલ જેવી સુવિધા મળશે
5) ગુજરાતમાં રીક્ષાચાલકોના એસોસિએશન અને સરકારની બેઠક બાદ નક્કી થયેલું ભાડું આજથી લાગૂ થશે, રૂ.3 સુધીનો વધારો અને વેઈટિંગ ચાર્જ વધશે

1) PM મોદીએ સેના સાથે ઉજવી દિવાળી,જમ્મુ-કાશ્મીરમાં PMએ કહ્યું- સેના જ મારો પરિવાર, નૌશેરાના સિંહોના સાહસને નમન
આજે દિવાળી છે અને દર વર્ષની જેમ આ વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લાના નૌશેરા સેક્ટર ખાતે ભારતીય સૈનિકો સાથે દિવાળીની ઉજવણી કરી હતી. મોદીએ કહ્યું, હું અહીં વડાપ્રધાન તરીકે નથી આવ્યો, તમારા પરિવારના સભ્ય તરીકે આવ્યું છું. તમે તમારા પરિવારને મળો અને તમને જે લાગણી થાય તેવી જ લાગણી મને થઈ રહી છે. મેં દરેક દિવાળી સીમા પર તહેનાત તમારા લોકોની વચ્ચે જવાનું નક્કી કર્યું છે. આજે હું અહીંથી નવો ઉત્સાહ અને વિશ્વાસ લઈને જઈશ. આજે સાંજે હિન્દુસ્તાનનો દરેક નાગરિક દિવાળીએ એક દિવો તમારા પરાક્રમ, શૌર્ય, ત્યાગ અને તપસ્યાના નામે પ્રગટાવશે.
વાંચો સમાચાર વિગતવાર

2) દિવાળીએ પર્વ પર ત્રણ વર્ષ બાદ ભારત-પાકિસ્તાન સરહદ પર મિઠાઈની આપ-લે થઈ, પુલવામા હુમલા બાદ પરંપરા બંધ હતી
ભારત અને પાકિસ્તાન વચ્ચે સરહદ પર બન્ને દેશના સુરક્ષા દળો વચ્ચે મિત્રતા અને સારા સંબંધોના સંકેત મળ્યા છે. જમ્મુ-કાશ્મીર, પંજાબ અને રાજસ્થાનમાં સરહદ પર ત્રણ વર્ષના સમય ગાળા બાદ ભારતીય સુરક્ષા દળોના જવાનોને પાકિસ્તાનના સૈનિકો તરફથી દિવાળી નિમિતે મિઠાઈ સોગાદ સ્વરૂપમાં આપવામાં આવી છે. ભારત અને પાકિસ્તાનના સૈનિકો વચ્ચે એક-બીજાના તહેવાર નિમિતે મિઠાઈની આપ-લે કરવાની પરંપરા સ્વતંત્રતા બાદથી જ ચાલી આવી છે. જોકે આ પરંપરા પર પણ બન્ને દેશો વચ્ચે જે તણાવ પ્રવર્તતો હોય છે તેના પર અસર રહે છે. દિવાળી નિમિતે મિઠાઈની પરંપરા પણ કાશ્મીરના પુલવામામાં ફેબ્રુઆરી,2019માં CISFના કાફલા પર થયેલા આત્મઘાતી હુમલા બાદ બંધ થઈ ગઈ હતી. ત્યારબાદ છેલ્લા ત્રણ વર્ષથી બન્ને દેશ વચ્ચે પરસ્પર મિઠાઈ વહેચવામાં આવી નથી.
વાંચો સમાચાર વિગતવાર

3) ગુજરાતમાં બે હિટ એન્ડ રન સહિત 7 અકસ્માતમાં 11ના મોત અને 16ને ઈજા, બે પરિવારે બબ્બે દીકરા ગુમાવ્યા
ગુજરાતમાં દિવાળીની ઉજવણી વચ્ચે કેટલાક પરિવારોમાં માતમ છવાયું છે તો બે પરિવારના બે સગાભાઈઓના પણ મોત થયા છે. આમ પરિવાર નોંધારા પણ થયા છે. રાજ્યમાં દિવાળીની સવારથી સાંજ સુધીમાં બે હિટ એન્ડ રન સહિત 7 અકસ્માત થયા છે. જેમાં 11 લોકોના મોત થયા છે અને 16 લોકો ઈજાગ્રસ્ત થયા છે. જેમાં ધનસુરા-મોડાસા હાઇવે પર ટેમ્પોએ કારને અડફેટે લેતા 4ના મોત થયા હતા. જ્યારે અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર ટેન્કર પાછળ કાર ઘુસતા 3ના મોત થયા હતા. તો નડિયાદની પીજ ચોકડી પાસે હિટ એન્ડ રનમાં બે ભાઈના મોત થયા હતા, લીંબડી-અમદાવાદ હાઈવે ઉપર ઊભેલી ટ્રક પાછળ ઈકો અથડાતા 1નું મોત થયું હતું. જ્યારે મહેમદાવાદના વિરોલ પાસે હિટ એન્ડ રનમાં પોલીસકર્મીનું મોત થયું હતું.
વાંચો સમાચાર વિગતવાર

4) ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ 100ની નીચે, જાણો રાજ્યના 4 મોટા શહેરમાં કેટલો ભાવ ઘટ્યો
મોંઘવારીનો માર વચ્ચે સામાન્ય લોકોને દિવાળીની પૂર્વસંધ્યાએ મોટી રાહત મળી છે. કેન્દ્ર સરકારે દિવાળીના આગલા દિવસે જ પેટ્રોલમાં પ્રતિ લિટર 5 રૂપિયા અને ડીઝલમાં પ્રતિ લિટર 10 રૂપિયા એક્સાઇડ ડ્યૂટી ઘટાડવાનો નિર્ણય કર્યો છે. એ પછી ગઈકાલે મોડી રાત્રે ગુજરાત સરકારે પણ પેટ્રોલ પર વેટનો દર ઘટાડીને 13.7 રૂપિયા અને ડીઝલ પર વેટનો દર ઘટાડીને 14.9 રૂપિયા કર્યો હતો. એટલે કે હવે ગુજરાતમાં પેટ્રોલ 95.11 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 89.09 રૂપિયા પ્રતિ લીટરે મળશે. તો આવો જાણીએ રાજ્યના 4 મહાનગરોમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં કેટલો ઘટાડો થયો છે.
વાંચો સમાચાર વિગતવાર

5) રાજકોટ જિલ્લા ભાજપ સાંસ્કૃતિક વિભાગે દિવાળીએ ગરીબ બાળકોને ગિફ્ટ આપી પછી કાર્યકરે બાવડા ખેંચીને એક તરફ ધકેલ્યા
રાજકોટ જિલ્લા ભાજપ સાંસ્કૃતિક વિભાગ દ્વારા આજે ગરીબ બાળકોને ફટાકડા અને ચોકલેટની ગિફ્ટ આપવામાં આવી હતી. સાંતાક્લોઝની જેમ દિવાળીમાં રામ, હનુમાનજી, ગણેશજી અને લક્ષ્મીજીના રૂપમાં બાળકોને ફટાકડા-ચોકલેટની ગિફ્ટ આપવામાં આવી હતી. ગિફ્ટ આપ્યા બાદ ભાજપના એક કાર્યકરે બાળકોના બાવડા પકડી ખેચી એક તરફ ધકેલતા લોકોમાં અનેક સવાલો ઉઠ્યા છે. બાવડા પકડી કાર્યકર બાળકોને ધકેલતો હોય તેવો વીડિયો સામે આવ્યો છે. ત્યારે લોકોમાં ચર્ચા ઉઠી છે કે, શું ગરીબ બાળકો સાથે આ મજાક કરવામાં આવી રહી છે? એક તરફ ગિફ્ટ આપો છો અને બીજી તરફ બાળકો સાથે અણછાજતું વર્તન કરો છો.
વાંચો સમાચાર વિગતવાર

6) દિવાળીના તહેવારોમાં પણ થિયેટરોને 10 ટકા જેટલા દર્શકો મળતાં નથી, વેબ સિરિઝના ટ્રેન્ડને કારણે થિયેટરોના વળતા પાણી
કોરોના શરૂ થતાં જ સંપૂર્ણ લૉકડાઉન રાખવામાં આવ્યું હતું. ત્યાર બાદ તબક્કા વાર વેપાર ધંધા શરૂ કરવામાં આવ્યાં હતાં. જેમાં સિનેમા પણ શરૂ કરાયા હતાં. એ સમયે નવી ફિલ્મ નહીં હોવાથી દર્શકો મળતા નહોતા. પરંતુ હવે સરકારે વધુ છુટછાટો આપી દેતા ફરીવાર સિનેમા શરૂ થયાં છે અને નવી ફિલ્મ પણ રીલિઝ થવા માંડી છે. થિયેટરના સંચાલકો નવી ઓફરો પણ આપી રહ્યાં છે. તે છતાંય સિનેમા હોલમાં માંડ 10 ટકા દર્શકો જોવા મળી રહ્યાં છે. તે ઉપરાંત નવા વર્ષમાં સિનેમામાં સામાન્ય દિવસોમાં ટીકિટો નથી મળતી જ્યારે આ વખતે માંડ 10 ટકા બુકિંગ થયું હોવાનું સિનેમા સંચાલકો પાસેથી જાણવા મળ્યું છે.
વાંચો સમાચાર વિગતવાર

7) બિહારમાં લઠ્ઠાકાંડથી 23ના મોત, ઝેરીલા દારુથી ગોપાલગંજમાં 13 અને બેતિયામાં 10 લોકોના જીવ ગયા, 14ની હાલત ગંભીર
બિહારમાં છેલ્લા બે દિવસમાં ઝેરી દારૂ પીવાના કારણે બે જિલ્લામાં 21 લોકોના મોત થયા છે, જ્યારે કુલ 16ની હાલત ગંભીર છે. તેમાંથી 13 લોકોએ ગોપાલગંજમાં જીવ ગુમાવ્યા છે. 7ની હાલત ગંભીર છે. અહીં ત્રણ લોકોની આંખોની રોશની જતી રહી છે. બીજી તરફ બેતિયામાં 8 લોકોના મોત થયા છે. નવ વ્યક્તિઓની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
વાંચો સમાચાર વિગતવાર

8) કચ્છની આંતરરાષ્ટ્રીય પાક સરહદે 4.8ની તીવ્રતાનો ભૂંકપનો આચકો, લોકો ઘરની બહાર દોડ્યા
કચ્છની આંતરરાષ્ટ્રીય પાક સરહદે આજે 3.15 વાગ્યે 4.8ની તીવ્રતા ધરાવતો ભૂંકપનો આચકો અનુભવાયો હતો. આજે દિવાળીના દિવસે બપોરે 03:15 વાગ્યે પશ્ચિમ અક્ષાંશ: 24.35 ઉત્તર રેખાંશ: 68.54 પશ્ચિમ દિશાએ 10 કિલોમીટરની ઊંડાઈએ કેન્દ્રબિંદુ ધરાવતો 4.8ની તીવ્રતાનો ભુકંપ આવ્યો હતો. ઇન્સ્ટિટ્યૂટ ઑફ સિસ્મોલોજીકલ સંશોધન, ગાંધીનગરના અહેવાલ મુજબ ભૂકંપનો વિસ્તાર ભારત-પાકિસ્તાન સરહદી ક્ષેત્ર બતાવવામાં આવ્યું છે.
વાંચો સમાચાર વિગતવાર

હવે જોઈએ ગઈકાલના ખાસ સમાચાર
1) અમેરિકી સંસદમાં નવુ બિલ રજૂ કરાયું, હવે USAમાં પણ દિવાળીના દિવસે નેશનલ હોલિડે મળી શકે છે
2) પેન્ટાગોનના રિપોર્ટમાં 2 મોટા ઘટસ્ફોટ, ચીન પરમાણું હથિયારનો જથ્થો ઝડપથી વધારી રહ્યું છે, ડ્રેગને હિમાલયમાં ફાઈબર ઓપ્ટિક નેટવર્ક નાંખ્યું
3) સાવલીમાં ગાંધીનગરની સ્ટેટ મોનિટરિંગ સેલે પ્રોવિઝન સ્ટોરમાં રેડ પાડી, 48 હજારનો દારૂ ઝડપાયો
4) નવા વર્ષે અમદાવાદીઓને 108 નવા રોડ મળશે, 27 તૈયાર, 32ની કામગીરી ચાલુ અને 49 રોડનું આયોજન
5) અમદાવાદમાં 22 નવેમ્બરે 1000 કરોડના ખર્ચે ઉમિયા માતાજીના મંદિરનું નિર્માણ કાર્ય શરૂ કરાશે, 10 હજાર દીવડાથી મંદિરની પ્રતિકૃતિ તૈયાર થશે
6) સાત જન્મોનો સાથ આપવાના વાયદાનો એક વર્ષમાં જ અંત, સુરતથી આવેલા પતિએ ભાવનગરમાં પત્નીની હત્યા કરી આપઘાતનો પ્રયાસ કર્યો

આજનો ઈતિહાસ
ગુગલે વર્ષ 2007માં આજના દિવસે એન્ડ્રોઇડનું બીટા વર્ઝન લોંચ કર્યું હતું.

આજનો સુવિચાર
માનવતા અને પોતાના કામને પ્રેમ કરો. પ્રગતિનો માર્ગ આપ મેળે ખૂલી જશે...

દિવ્યભાસ્કર પરિવાર તરફથી આપ સર્વેને નૂતનવર્ષાભિનંદન

તમારો દિવસ શુભ રહે, કાલે ફરી મળીશું...

અન્ય સમાચારો પણ છે...