• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • DivyaBhaskar Morning Podcast: NCB Arrests Shah Rukh Son Aryan After Cruise Party Raid, 54 Per Cent Turnout In Gandhinagar Municipal Corporation Election

મોર્નિંગ ન્યૂઝ પોડકાસ્ટ:ક્રૂઝ પાર્ટીમાં દરોડા બાદ શાહરૂખના દીકરા આર્યનની ધરપકડ, ગાંધીનગર મનપાના 54 ટકા વોટિંગે રાજકીય પક્ષોની ચિંતા વધારી, તારક મહેતાના નટુકાકાની વિદાય

17 દિવસ પહેલા

નમસ્કાર,

આજે સોમવાર, તારીખ 4 ઓક્ટોબર, ભાદરવા વદ તેરસ.

આ મહત્ત્વપૂર્ણ ઘટનાઓ પર રહેશે નજર
1) ક્રૂઝ ડ્રગ્સ પાર્ટીમાં પકડાયેલા આર્યન ખાન આજે જામીન માટે અરજી કરશે, NCBની એક દિવસની કસ્ટડીમાં છે
2) રંગમંચના ખ્યાતનામ રંગલો ઉર્ફે નટુકાકા- ઘનશ્યામ નાયકની મુંબઈમાં અંતિમયાત્રા નીકળશે
3) બે દિવસ બાદ આજથી રાજકોટ શહેરમાં વેક્સિનેશનની કામગીરી ફરી શરૂ થશે
4) આજે દેશમાં વિશ્વ પ્રાણી દિવસની ઉજવણી થશે, હરિયાણાના ગુરુગ્રામમાં કામઘેનુ ગૌશાળામાં એનિમલ વેલ્ફેરની વેબસાઈટનું લોચિંગ થશે

હવે જોઈએ ગઈકાલના ખાસ સમાચાર
1) કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રાના દીકરાએ કાળા વાવટા દેખાડનારા ખેડૂતોને ગાડીથી કચડી નાખ્યા; યુનિયને કહ્યું- 3નાં મોત થયાં
ઉત્તરપ્રદેશના લખીમપુર ખીરીમાં કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રાના દીકરાએ ખેડૂતો પર ગાડી ચઢાવી દીધી હતી. ભારતીય કિસાન યુનિયન(BKU)એ આ ઘટનામાં 3 લોકોના મોત થયાનો દાવો કર્યો છે. 8 ખેડૂતોના ઈજાગ્રસ્ત થયા છે. રવિવારે સવારે 8 વાગ્યે જ ખેડૂતોએ હેલિપેડ પર કબજો કર્યો હતો. ત્યાર બાદ બપોરે લગભગ 2.45 વાગ્યે મિશ્રા અને મૌર્યનો કાફલો તિકોનિયા ચાર રસ્તા પાસેથી પસાર થયો હતો અને ખેડૂતો તેમને કાળા વાવટા બતાવવા દોડી ગયા હતા. આ દરમિયાન કાફલામાં સામેલ અજય મિશ્રાના પુત્ર અભિષેકે પોતાની કાર ખેડૂતો પર ચઢાવી દીધી હતી. આ ઘટના બાદ રોષે ભરાયેલા ખેડૂતોએ મંત્રીના પુત્રની ગાડીને સળગાવી દીધી હતી.
વાંચો સમાચાર વિગતવાર

2) મુંબઈ ડ્રગ્સ પાર્ટી કેસમાં શાહરુખ ખાનના દીકરા આર્યનની ધરપકડ, કોર્ટે એક દિવસની કસ્ટડી આપી
મુંબઈથી ગોવા જતા લક્ઝુરિયઝ ક્રૂઝ પાર્ટીમાં NCB (નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો)એ દરોડા પાડ્યા હતા. પાર્ટીમાં શાહરુખ ખાનના પુત્ર આર્યન ખાનનું નામ સામે આવ્યું છે. NCBની ટીમે તેની કલાકો સુધી પૂછપરછ કરી હતી અને ત્યાર બાદ તેની ધરપકડ કરી હતી. ધરપકડ કર્યા બાદ આર્યન ખાનને જેજે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો અને પછી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટમાં NCBએ આર્યન ખાનની 5 ઓક્ટોબર સુધીની કસ્ટડી માગી હતી, પરંતુ કોર્ટે ત્રણેયની એક દિવસની કસ્ટડી આપી છે. NCBની ટીમે આર્યનની સાથે અરબાઝ મર્ચન્ટ તથા મુનમુન ધામીચાની પણ ધરપકડ કરી હતી. આર્યન ખાનના વકીલ સતીશ માનશિંદે છે.
વાંચો સમાચાર વિગતવાર

3) 'તારક મહેતા' ફૅમ નટુકાકાનું 77 વર્ષની ઉંમરે નિધન, છેલ્લા એક વર્ષથી કેન્સર હતું
'તારક મહેતા' ફૅમ નટુકાકાનું 77 વર્ષની ઉંમરે નિધન, છેલ્લાં એક વર્ષથી કેન્સર હતું. તેમણે આજે એટલે કે 3 ઓક્ટોબરના રોજ સૂચક હોસ્પિટલમાં સાંજે સાડાપાંચ વાગે અંતિમ શ્વાસ લીધા હતા. 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ફૅમ 77 વર્ષીય નટુકાકા એટલે કે ઘનશ્યાન નાયકને ગયા વર્ષે સપ્ટેમ્બરમાં ગળામાં કેન્સરની ગાંઠ હોવાનું નિદાન થયું હતું. એ સમયે નટુકાકા 13 દિવસ હોસ્પિટલમાં રહ્યા હતા અને ઓપરેશનમાં 8 ગાંઠ બહાર કાઢવામાં આવી હતી. ઓપરેશન બાદ નટુકાકાએ રેડિયેશન તથા કિમોથેરપી લીધી હતી. હાલમાં જ નટુકાકાના દીકરા વિકાસ નાયકે સોશિયલ મીડિયામાં કેન્સરે ઊથલો માર્યો હોવાની વાત કરી હતી.
વાંચો સમાચાર વિગતવાર

4) ગાંધીનગર મનપાની ચૂંટણીમાં ઓછા મતદાનથી રાજકીય પક્ષો ચિંતામાં, ત્રિપાંખ્યા જંગમાં 54 ટકા મતદાને ભાજપ, કોંગ્રેસ અને આપને મૂંઝવ્યા
ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી રવિવારે મતદાન યોજાયું હતું, જેમાં 6 વાગ્યા સુધીમાં 54 ટકા મતદાન નોંધાયું હતું,. જેમાં સૌથી વધારે મતદાન વોર્ડ-7 કોલવડા-વાવોલમાં 63 ટકા થયું હતું, જ્યારે સૌથી ઓછું મતદાન વોર્ડ-5 પંચદેવમાં 37 ટકા નોંધાયું હતું. 60 ટકા કરતા ઓછું મતદાન થવાથી ત્રણેય રાજકીય પક્ષો ચિંતામાં આવી ગયા છે. ભાજપ માટે આ ચૂંટણી એક ટેસ્ટ સમાન માનવામાં આવે છે. જ્યારે કોંગ્રેસ માટે પુનઃ બેઠું થવાની તો આપ માટે પાટનગરમાં પોતાની જગ્યા બનાવવાનો આ સંગ્રામ છે. જોકે ઓછા મતદાને રાજકીય પક્ષોને વિચારતા કરી મૂક્યા છે.
વાંચો સમાચાર વિગતવાર

5) મહેસૂલ મંત્રીનો આદેશ:'ગુજરાતના તમામ અધિકારીઓ સાંભળી લે, ગમે તે સમયે હું આવીશ, જે અપીલોની સુનાવણી થઇ ગઇ હોય એ ચુકાદાઓ ઝડપથી આપી દો'
રાજ્યના મહેસૂલ અને કાયદામંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ રવિવારે વડોદરા કલેક્ટર કચેરીની પ્રાંત ઓફિસની ઓચિંતી મુલાકાત લીધી હતી અને 70 જેટલી આરટીએસ અપીલના હુકમો 7 દિવસમાં કરવાનો આદેશ કર્યો છે. આ ઉપરાંત રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું કે, ગુજરાતના તમામ અધિકારીઓ જાણી લે, ગમે ત્યારે ગમે તે સમયે આવી રીતે હું આવીશ અને લોકોને ન્યાય મળે તેની કાળજી લઇશ. તમામ અધિકારીઓ સાંભળી લે સુનાવણી થઇ ગઇ હોય એ ચુકાદાઓ ઝડપથી આપવા માટે મહેસુલ વિભાગના મંત્રી તરીકે હું આદેશ કરૂ છું.
વાંચો સમાચાર વિગતવાર

6) અમદાવાદમાં દિગ્વિજય સિંહ કહ્યું- ' અમેઝોનની રૂ. 8546 કરોડની લીગલ ફી ચૂકવવા મામલે સુપ્રીમ કોર્ટમાં જજની અધ્યક્ષતામાં તપાસ થવી જોઈએ'
મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહે આજે અમદાવાદમાં રાજીવ ગાંધી ભવન ખાતેથી પત્રકાર પરિષદને સંબોધી હતી, જેમાં તેમણે કેન્દ્ર સરકારની ઈ-કોમર્સ નીતિ, જીએટી, નોટબંધી તથા લોકડાઉનના ઉતાવળભર્યા નિર્ણય પર આકરા પ્રહાર કર્યા હતા. દિગ્વિજય સિંહે કહ્યું હતું કે 8546 કરોડ રૂપિયા અમેઝોને લીગલ ફી આપી છે. લીગલ ફી કોર્ટ ફી હોય અથવા એડવોકેટની ફી હોય શકે છે. અમેઝોન અને ફ્યુચર ગ્રુપના ઝઘડાને લઈને લાંચ આપી હોય શકે છે. તપાસ અમેરિકામાં શરૂ થઈ છે પરંતુ દેશમાં કોઈ તપાસ થઈ નથી. અમારી સરકાર પાસે માંગણી છે કે આ મામલાની તપાસ સુપ્રીમ કોર્ટમાં જજની અધ્યક્ષતામાં તપાસ થવી જોઈએ. કયા કયા નેતાઓને કે વ્યક્તિઓને લાંચ મળી છે તે અંગે તપાસ થવી જોઈએ. મોદી નાના અને મધ્યમ વેપારીઓને પૂરા કરીને મોટા સેકટર માટે નીતિ બનાવી રહ્યા છે.
વાંચો સમાચાર વિગતવાર

7) લોધિકાના નવી મેંગણીની જ્ઞાનજ્યોત સ્કૂલના સંચાલક ભાજપ આગેવાનના પતિ સામે પોક્સોનો ગુનો દાખલ, બે વિદ્યાર્થિની સાથે અડપલાં કર્યાં હતાં
રાજકોટ જિલ્લાના લોધિકાના નવી મેંગણી ગામે શાળામાં શાળા સંચાલક અને જિલ્લા ભાજપ મહિલા મોરચાનાં અગ્રણીનાં પતિએ શાળામાં જ અભ્યાસ કરતી બે છાત્રાઓની છેડતી કર્યાની ઘટના સામે આવી છે. લોધિકા પોલીસે આ મામલે ભોગ બનનાર છાત્રાની માતાની ફરિયાદ પરથી શાળા સંચાલક દિનેશ સામે પોક્સો તેમજ એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ગુનો દાખલ કરી એસસી એસટી સેલના ડીવાયએસપી મહર્ષિ રાવલ આગળની તપાસ હાથ ધરી છે.
વાંચો સમાચાર વિગતવાર

8) વડોદરા હાઇ પ્રોફાઇલ દુષ્કર્મ કેસમાં પીડિતા સાથેના વાઇરલ ફોટો બતાવી પૂછપરછ કરતાં રાજુ ભટ્ટ ભાંગી પડ્યો, 2 વખત સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હોવાની કબૂલાત કરી
વડોદરાના ચકચારીભર્યા દુષ્કર્મ કેસની તપાસ કરી રહેલી પોલીસની તપાસમાં રાજુ ભટ્ટે પીડિતા સાથે સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય કર્યું હોવાનું બહાર આવ્યું હતું. જેથી પોલીસે આરોપી રાજુ ભટ્ટ સામે સૃષ્ટિ વિરૃદ્ધના કૃત્યની કલમનો ઉમેરો કર્યો હતો. પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ રેપ કેસના આરોપી રાજુ ભટ્ટના કેટલાક ફોટા વાઇરલ થયા હતા.જે ફોટા તેને બતાવી પૂછપરછ કરાતાં રાજુ ભટ્ટ પડી ભાંગ્યો હતો અને પીડિતા સાથે બે વાર સૃષ્ટિ વિરુદ્ઘનું કૃત્ય કર્યાંની કબૂલાત કરી હતી. જેથી પોલીસે તે અંગેની કલમ ઉમેરી તપાસ શરૂ કરી હતી.
વાંચો સમાચાર વિગતવાર

મહત્વપૂર્ણ સમાચારો માત્ર હેડલાઈનમાં
1) પશ્ચિમ બંગાળના ભવાનીપુર બેઠક પરથી મમતાનો વિજય, ભાજપની પ્રિયંકાને 58 હજાર મતથી હરાવી
2) જમ્મુ -કાશ્મીર પ્રવાસે સંઘ સુપ્રીમો, અનંતનાગમાં ઉપદ્રવીઓએ મંદિરમાં તોડફોડ કરી, શ્રીનગરમાં એક વ્યક્તિની ગોળી મારી હત્યા
3) દેશમાં કોરોનાના 100 કરોડ ડોઝ લગાવવા પર ડોક્ટર્સ- નર્સને સન્માનિત કરાશે, ભાજપ સાંસદ- ધારાસભ્ય દરેક જિલ્લામાં જઈને આભાર માનશે
4) એક વર્ષમાં ગુજરાતમાં 15 અબજપતિ વધ્યા, સૌથી વધુ 7 સુરતમાં; દેશના ધનાઢ્યોમાં 42 અમદાવાદના
5) મંત્રી બન્યા બાદ રૈયાણી પહેલી વખત રાજકોટ આવ્યા, ખુલ્લી જીપમાં ઢોલ-નગારા સાથે જન આશીર્વાદ યાત્રા યોજાઇ, નેતાઓ કોવિડના નિયમો ભૂલ્યા
6) ઓલપાડમાં રાજ્ય કૃષિમંત્રી મુકેશ પટેલની જન આશીર્વાદ યાત્રામાં પોતાના જ મતવિસ્તારમાં લોકોનો વિરોધ, સુરતમાં શહેરી વિકાસ અને ગૃહ નિર્માણમંત્રી વિનુ મોરડિયાના બેનર ફાડવામાં આવ્યા
7) વડોદરાની સગીરા સાથે દુષ્કર્મ કેસનો આરોપીને ATSએ અમદાવાદથી ઝડપી પાડ્યો, NDPSના ગુનામાં 20 વર્ષની સજા દરમિયાન પેરોલ જમ્પ કરી ફરાર હતો
8) રાજકોટ ન્યૂડ ડાન્સકાંડ: વીડિયો સપ્ટે. માસના અંતિમ સપ્તાહનો હોય તો દિલ્હીનું કપલ રોકાયાનું નક્કી, જો નહીં હોય તો ફરી તપાસ થશે, FSL પર તપાસનો દડો ફેંકાયો

આજનો ઈતિહાસ
વર્ષ 1977માં આજના દિવસે અટલ બિહારી વાજપેયીએ સંયુક્ત રાષ્ટ્રની મહાસભામાં હિન્દીમાં સંબોધન કર્યું હતું. ઈતિહાસમાં આ પ્રથમ ઘટના હતી કે જ્યારે UNના મંચથી કોઈ નેતાએ હિન્દીમાં ભાષણ આપવામાં આવેલું

અને આજનો સુવિચાર
વિચારો એવા રાખો કે તમારા વિચાર પર પણ કોઈને વિચારવું પડે…

તમારો દિવસ શુભ રહે, કાલે ફરી મળીશું...

અન્ય સમાચારો પણ છે...