મોર્નિંગ ન્યૂઝ પોડકાસ્ટ:રાજકોટમાં ભારે વરસાદની આગાહી, નસીરુદ્દીન શાહે હિટલરના નાઝી સાથે સરકારની તુલના કરી, CMએ અતિવૃષ્ટિ પ્રભાવિત જિલ્લાની મુલાકાત લીધી

એક મહિનો પહેલા

નમસ્કાર,

આજે બુધવાર, તારીખ 15 સપ્ટેમ્બર, ભાદરવા સુદ નોમ.

આ મહત્ત્વપૂર્ણ ઘટનાઓ પર રહેશે નજર 1) આજે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં સારા વરસાદની આગાહી 2) રાજકોટ સહિત આખા સૌરાષ્ટ્ર ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી ‘રેડ એલર્ટ’ જાહેર કર્યું 3) આજથી 20 સપ્ટેમ્બર સુધી અંબાજી મંદિર ખુલ્લું રાખવાનો નિર્ણય, ભાદરવી પૂનમને લઈને દર્શનનો સમય પણ વધારાયો 4) આજે એમિક્સ ક્યુરીના રિપોર્ટના આધારે ગુજરાત હાઈકોર્ટ ગેરકાયદે કેમિકલ છોડનારા એકમો સામે વચગાળાનો આદેશ કરી શકે છે 5) અમદાવાદમાં RTEના ત્રીજા રાઉન્ડ માટે આજથી ત્રણ દિવસ સુધી સ્કૂલ પસંદગી કરવાની રહેશે 6) સીઝન ટિકિટધારકોને આજથી પશ્ચિમ રેલવે દ્વારા ભાવનગર મંડલની 16 ટ્રેનમાં મુસાફરી કરવાની મંજૂરી અપાઈ 7) આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વડોદરાથી ચાંપાનેર સુધી સાઇકલ રેલીને પોલીસ કમિશનર શમશેરસિંઘ લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવશે

હવે જોઈએ ગઈકાલના ખાસ સમાચાર

1) અમદાવાદ સહિત રાજ્યનાં 8 મહાનગરમાં રાત્રિ કર્ફ્યૂનો સમય 1 કલાક વધ્યો, 12ને બદલે હવે 11 વાગ્યાથી કર્ફ્યૂ
રાજ્યમાં હાલ કોરોનાની બીજી લહેરનો અંત આવી ગયો હોવાથી સરકાર દ્વારા એક બાદ એક નિયંત્રણો અંગે નિર્ણયો કરી રહી છે. ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી બાદ સરકારે 8 મહાનગરમાં રાત્રિ કર્ફ્યૂ લંબાવવાની જાહેરાત કરી છે. સરકારે 15 સપ્ટેમ્બરથી 25 સપ્ટેમ્બર સુધી શહેરોમાં રાતના 11 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યૂ લાગુ કર્યો છે. અગાઉ ગણેશોત્સવને પગલે રૂપાણી સરકારે 9થી 19 સપ્ટેમ્બર સુધી 12 વાગ્યાથી કર્ફ્યૂ કર્યો હતો.
વાંચો સમાચાર વિગતવાર

2) CM ભૂપેન્દ્ર પટેલ ધુંવાવ પહોંચ્યા, સંપૂર્ણ સહકારની આપી ખાતરી, રડતી આંખે અસરગ્રસ્તોએ કહ્યું, પાણી આવી ગયું અને અમારું ઘર ધોવાઈ ગયું
જામનગર પર મેઘરાજાએ કહેર વર્તાવ્યો હોય એમ રવિવાર રાતથી સોમવાર સુધી મુશળધાર વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદને પગલે જિલ્લાનાં અનેક ગામોમાં જળબંબાકારની સ્થિતિ હતી. જળપ્રલયને કારણે જામનગરનું ધુંવાવ ગામ પાણીમાં ગરકાવ થઇ ગયું હતું અને 24 કલાકના જળતાંડવે ભારે તબાહી નોતરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ધુંવાવ ગામે પહોંચ્યા છે અને અસરગ્રસ્તોની મુલાકાત લીધી છે. તેમણે અસરગ્રસ્તોને સંપૂર્ણ સહકાર આપવાની ખાતરી આપી છે. દિવ્ય ભાસ્કરે ગામની મુલાકાત લીધી હતી, જેમાં પૂરથી અસરગ્રસ્ત થયેલા લોકોએ રડમસ આખે કહ્યું હતું કે પાણી આવી ગયું અને ઘર ધોવાઈ ગયું. તમામ ઘરવખરી પાણીમાં વહી ગઇ છે.
વાંચો સમાચાર વિગતવાર

3)નસીરુદ્દીન શાહે હિટલરના નાઝી જર્મની સાથે સરકારની તુલના કરી, કહ્યું- 'મારા માટે નહીં, બાળકો માટે ડરું છું'
બોલિવૂડના દિગ્ગજ એક્ટર નસીરુદ્દીન શાહ ફરી એકવાર પોતાના એક ઇન્ટરવ્યુને કારણે ચર્ચામાં આવ્યા છે. આ ઇન્ટરવ્યુમાં તેણે સરકારની તુલના નાઝી જર્મન સાથે કરી છે અને તેઓ પોતાના માટે નહીં, પરંતુ સંતાનો માટે ચિંતિત હોવાની વાત કરી હતી. આટલું જ નહીં નસીરુદ્દીન શાહે એમ પણ કહ્યું હતું કે શા માટે બોલિવૂડના ત્રણ ખાન મહત્ત્વના મુદ્દાઓ પર ચૂપ રહે છે. નોંધનીય છે કે થોડા દિવસ પહેલાં તેમણે તાલિબાનની તરફેણ કરનારા ભારતીય મુસ્લિમો અંગે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે હિન્દુસ્તાની ઇસ્લામ કાયમ દુનિયાભરના બાકી ઇસ્લામથી અલગ રહ્યો છે અને ખુદા એવો સમય ના બતાવે કે તે એ હદે બદલાઈ જાય કે આપણે તેને ઓળખી પણ ના શકીએ.
વાંચો સમાચાર વિગતવાર

4) અમદાવાદના ઘાટલોડિયામાં 15 દિવસ પહેલાં ખૂલેલા પફ બનાવતા કારખાનામાં ઓવનની સ્વિચ ચાલુ રહી જતાં ગૂંગળામણથી ત્રણનાં મોત
અમદાવાદના ઘાટલોડિયામાં આવેલા ગોપાલનગર પાસે UKS નામના પફ બનાવવાના કારખાનામાં રહેતા અને મજૂરી કામ કરતા ત્રણ પરપ્રાંતીય મજૂરોનાં મોત નીપજ્યાં છે. ઘટનાની જાણ પોલીસ અને ફાયરબ્રિગેડને કરવામાં આવી હતી. ફાયર અને પોલીસ ઘટનાસ્થળે પહોંચતાં કારખાનામાં ત્રણેય યુવક મૃત હાલતમાં પડ્યા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે કારખાનામાં ગૂંગળામણના કારણે તેઓનું મોત નિપજ્યા છે. હાલ એફએસએલની ટીમને જાણ કરવામાં આવી છે. પીએમ બાદ સાચું કારણ જાણવા મળશે.
વાંચો સમાચાર વિગતવાર

5) સૌરાષ્ટ્રમાં ભારે વરસાદને પગલે 100 ટકા ભરાયેલાં 37 જળાશય હાઇ એલર્ટ પર મુકાયાં, પાણી છોડાતાં નીચાણવાળાં અનેક ગામોમાં પૂરની સ્થિતિ
સૌરાષ્ટ્રમાં છેલ્લા 3 દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે. અવિરત વરસાદને પગલે સૌરાષ્ટ્રનાં મોટાં ગામડાંમાં સ્થિતિ ગંભીર બની છે. લોકોનાં ઘરો પાણીમાં ડૂબી જતાં જીવ બચાવવા ધાબા પર ચઢી ગયા હતા. ધોધમાર વરસાદને પગલે સૌરાષ્ટ્રના મોટા ભાગનાં જળાશયોમાં નવા નીરની આવક થવા પામી છે. સૌરાષ્ટ્રમાં આવેલા કુલ 141 જેટલા મોટા ડેમમાંથી 37 ડેમ સંપૂર્ણ ભરાઈ ગયાં છે. હાલમાં આ તમામ ડેમોને હાઇ એલર્ટ પર રાખવામાં આવ્યા છે.
વાંચો સમાચાર વિગતવાર

6) પાકિસ્તાનમાં તાલીમ લઈ ચૂકેલા 2 આતંકી સહિત 6ની દિલ્હીમાં હથિયારો અને વિસ્ફોટકો સાથે ધરપકડ, તહેવારોમાં વિસ્ફોટનું ષડયંત્ર હતું
દિલ્હીમાં પાકિસ્તાનનું મોટુ આતંકવાદી ષડયંત્રનો પર્દાફાશ થયો છે. દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે પાકિસ્તાનમાં તાલીમ લઈ ચુકેલા બે આતંકવાદીઓની ધરપકડ કરી છે. તેમની પાસેથી મોટા પ્રમાણમાં વિસ્ફોટકો અને હથિયારો મળી આવ્યા છે. આ નેટવર્ક અનેક રાજ્યોમાં ફેલાયેલું હતું. માહિતી મળતા દિલ્હી પોલીસે અનેક રાજ્યોમાં દરોડા પાડ્યા હતા. આતંકવાદી મોડ્યુલ દેશભરમાં શ્રેણીબદ્ધ વિસ્ફોટ કરવાની યોજના ધરાવતા હતા. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે બે આતંકવાદી ઉપરાંત અન્ય 4 લોકોની ધરપકડ કરી છે.આતંકવાદી ષડયંત્ર સાથે સંડોવાયેલા લોકોની દિલ્હી, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાંથી ધરપકડ કરવામાં આવી છે.
વાંચો સમાચાર વિગતવાર

7) IT ઓફિસર બની દાહોદમાં ઘરમાં ઘૂસી ચાર લૂંટારુઓએ નકલી બંદૂક બતાવી લૂંટ ચલાવી, મકાન માલિકે પ્રતિકાર કરી બે લૂંટારુઓને ઝડપ્યા, બે ફરાર
દાહોદ શહેરમાં મંગળવારે સવારે ફિલ્મી સ્ટાઈલે લૂંટની ઘટના બનતા ચકચાર મચી છે. શહેરના રહેણાંક વિસ્તારમાં IT ઓફિસરની ઓળખ આપી ઘૂસેલા ચાર શખસએ બંદૂકની અણીએ લૂંટને અંજામ આપ્યો હતો. મકાન માલિકે લૂંટારુઓનો પ્રતિકાર કરતા બે લૂંટારુઓ ઝડપાયા હતા જ્યારે બે લૂંટારુઓ ફરાર થવામા સફળ રહ્યા હતા. દેકારો થતાં આસપાસથી લોકો એકઠા થઈ જતા બંને લૂંટારુઓને મેથીપાક ચખાડ્યો હતો. પોલીસે બંને લૂંટારુઓને કબજો લઈ વધુ તપાસ હાથ ધરી છે. લૂંટારુઓ મહારાષ્ટ્રથી દાહોદ આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.
વાંચો સમાચાર વિગતવાર

મહત્ત્વપૂર્ણ સમાચારો માત્ર હેડલાઈનમાં
1) પંજશીરમાં તાલિબાનનો આતંક, સામાન્ય નાગરિકોની કરી રહ્યા છે ધડાધડ હત્યા, અત્યારસુધીમાં 20 લોકોને મોતને ઘાટ ઉતાર્યા
2) મહારાષ્ટ્રના અમરાવતીમાં બોટ પલટી જતાં એક જ પરિવારના 11 લોકો નદીમાં ડૂબ્યા; 3 લોકોનાં મોત, 8 ગુમ
3) 16મીએ નવી સરકારની શપથવિધિ, 16 મંત્રીની શક્યતાઓ, રૂપાણી સરકારના કેબિનેટના 9 અને રાજ્યકક્ષાના 7 મંત્રીઓ પડતા મુકાઈ શકે
4) ઉકાઈ ડેમમાંથી પાણી છોડાતાં તાપી નદી બે કાંઠે, બારડોલીનો હરિપુરા કોઝવે પાણીમાં ગરકાવ થતાં 10 ગામનો સીધો સંપર્ક કપાયો
5) ચીનના ફુજિયાન પ્રાંતમાં પહોંચ્યો કોરોનાનો ડેલ્ટા વેરિયન્ટ; સમગ્ર શહેર સીલ, થિયેટર-જિમ સહિતનાં જાહેર સ્થળો બંધ

આજનો ઈતિહાસ
વર્ષ 1959માં આજના દિવસે પ્રાયોગિક ધોરણે ટીવી પર દૂરદર્શનની શરૂઆત થયેલી, પ્રારંભમાં સપ્તાહમાં 3 દિવસ અડધો કલાક પ્રોગ્રામ બ્રોડકાસ્ટ કરાતા હતા

અને આજનો સુવિચાર
જે માણસ બીજાના મોઢા પર ખુશી જોઇને ખુશ થતો હોય ને ઉપરવાળો એના મોઢા પર ક્યારે પણ ખુશી ઓછી થવા દેતો નથી

તમારો દિવસ શુભ રહે, કાલે ફરી મળીશું...

અન્ય સમાચારો પણ છે...