• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • DivyaBhaskar Morning Podcast: Many Tourists, Including Gujarati, Stranded In Uttarakhand Due To Cloudburst, HM Amit Shah To Attend Pran Pratishtha Mahotsav In Mansa

મોર્નિંગ ન્યૂઝ પોડકાસ્ટ:ઉત્તરાખંડમાં વાદળ ફાટતાં નૈનિતાલ સંપર્કવિહોણું, ગુજરાતી સહિત અનેક અટવાયા, અમિત શાહ માણસામાં કુળદેવીના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી આપશે

2 મહિનો પહેલા

નમસ્કાર,

આજે બુધવાર, તારીખ 20 ઓક્ટોબર, આસો સુદ પૂર્ણિમા એટલે કે શરદ પૂનમ.

આ મહત્ત્વપૂર્ણ ઘટનાઓ પર રહેશે નજર
1) વડાપ્રધાન નરેન્દ્ર મોદી UPના સૌથી લાંબા રનવેવાળા કુશીનગર એરપોર્ટનું ઉદઘાટન કરશે, 125 બૌદ્ધ સાધુ સાથે શ્રીલંકાની પ્રથમ ફ્લાઈટ લેન્ડ થશે
2) આજે કેબિનેટની બેઠકમાં પટેલ સરકારની એક મહિના કામગીરીની સમીક્ષા, મંત્રીઓ રિવ્યુ રજૂ કરશે, પ્રજાની અપેક્ષાના આગામી દિવસોના નીતિ નિર્ણયો
3) માણસામાં બપોરે 12.39 વાગ્યે બહુચર માતા મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં અમિત શાહ ખાસ હાજરી આપશે
4) 2 ઓક્ટોબરે ક્રૂઝ પાર્ટીમાં પકડાયા બાદ 2 સપ્તાહથી જેલમાં બંધ આર્યન ખાનના જામીન અરજી પર આજે સુનાવણી થશે
5) રાજકોટ, જામનગર સહિત રાજ્યમાં આજથી ન્યુમોકોકલ વેક્સિન આપવાની શરૂઆત થશે, રસી થકી બાળકોને ન્યુમોનિયા તથા મગજના તાવથી બચાવી શકાશે
6) ચંડી પડવા નિમિત્તે સુરતમાં અંદાજે દોઢ લાખ કિલો ઘારી સાથે 30 હજાર કિલો ભૂંસું સુરતવાસીઓ ઝાપટી જશે

હવે જોઈએ ગઈકાલના ખાસ સમાચાર
1) ઉત્તરાખંડમાં આફતનો વરસાદ,બે દિવસમાં 24 લોકોનાં મોત; કાઠગોદામ રેલવે સ્ટેશનની લાઈન પાણીમાં વહી ગઈ, હલ્દવાનીમાં પણ પૂલ તૂટ્યો
ઉત્તરાખંડમાં ભારે વરસાદને પગલે ખૂબ જ વિકટ પરિસ્થિતિ સર્જાઈ છે. મંગળવારે વધુ 11 લોકોનાં મોત થયાં હતાં. સૌથી વધારે કુમાઉ વિસ્તાર અસરગ્રસ્ત થયો છે. જ્યાં અનેક મકાનો ધરાશાયી થયાં છે અને કાટમાળમાં લોકો ફસાયેલા છે. નૈનિતાલ સુધી પહોંચવાનો જમીની સંપર્ક તૂટી ગયો છે. અહીં પહોંચવાના ત્રણેય જમીની માર્ગ ભૂસ્ખલનને લીધે બ્લોક થયા છે. ઉપરાંત નૈનિતાલ જિલ્લામાં કાઠગોદામ રેલવે સ્ટેશનને જોડનારી રેલવે લાઈન પાણીમાં વહી ગઈ છે. આ સાથે જ રાજ્યમાં મૃતકોનો આંકડો 24 થઈ ગયો છે. રાજ્ય આપદા સંચાલન બાબતોના સચિવ એસએ મુરુરેસને જણાવ્યું કે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 200 મિમીથી વધારે વરસાદ થયો છે.
વાંચો સમાચાર વિગતવાર

2) વિદ્યાર્થીઓનો ડેટા લીક!:કઈ રીતે ખાનગી કોલેજો-યુનિ. પાસે પહોંચ્યો હજારો વિદ્યાર્થીઓનાં નામ-વાલીના ફોનનંબરનો ડેટા? એડમિશન માટે રોજ 10 ફોન આવે છે
કોરોનાને પગલે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અપાયું છે. ખાનગી કોલેજોની સાથે ઘણી સરકારી કોલેજોમાં અભ્યાસ શરૂ થઈ ગયો છે. જોકે ઘણી ખાનગી કોલેજોમાં હજુ હજારો સીટો ખાલી હોવાથી પ્રાઈવેટ યુનિવર્સિટીઓ દ્વારા હજારો વાલીઓને એડમિશન માટે ફોન કરવામાં આવી રહ્યા છે. રોજેરોજ એડમિશનના ફોન આવતાં વાલીઓ પણ પરેશાન થઈ ગયા છે, સાથે જ તેઓ માથું ખંજવાળી રહ્યા છે કે તેમનાં બાળકોનો ડેટા આ શૈક્ષણિક સંસ્થાઓ સુધી પહોંચ્યો કેવી રીતે?
વાંચો સમાચાર વિગતવાર

3) ધર્માંતરણ અને ફંડિંગ કેસમાં અલફલાહ ટ્રસ્ટમાં દર વર્ષે 10થી 12 કરોડ ફંડ આવતું હતું, દુબઇના મુર્તુઝા-કાઇડ સહિત 5ને વડોદરા પોલીસ સમક્ષ હાજર રહેવા સમન્સ મોકલાયું
ચકચારી ધર્માંતરણ અને ફંડિંગના મામલામાં તપાસ કરી રહેલી વડોદરા શહેર પોલીસની એસઆઇટીની તપાસમાં ઘટસ્ફોટ થયો છે કે, અલફલાહ ટ્રસ્ટને દર વર્ષે 10થી 12 કરોડ ફંડ મળતું હતું અને ભારત-નેપાળ બોર્ડરના રાજ્યોમાં મુસ્લિમ લોકોને તેમજ રોહિગ્યાને મદદ કરવા માટે વાપરતા હોવાની સલાઉદ્દીન અને ઉમરે કબૂલાત કરી છે. આ ઉપરાંત દુબઇના મુર્તુઝા અને કાઇડ સહિત 5ને 21 ઓક્ટોબરે વડોદરા પોલીસ સમક્ષ હાજર રહેવા સમન્સ મોકલવામાં આવ્યું છે.
વાંચો સમાચાર વિગતવાર

4) માણસામાં બહુચરાજી મંદિરના પ્રતિષ્ઠા મહોત્સવમાં અમિત શાહનો પરિવાર પહોંચ્યો, શાહનાં પત્ની અને પુત્રવધૂ ગરબા રમ્યાં, જય શાહ પણ હાજર
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ગામ માણસામાં આવેલા બહુચર માતાના મંદિરમાં બુધવારે પ્રાણપ્રતિષ્ઠા થવાની છે, જેમાં અમિત શાહ પણ હાજર રહેવાના છે. મંદિરમાં યોજાઈ રહેલા ઉત્સવને લઈને અમિત શાહનો પરિવાર અગાઉથી માણસા પહોંચ્યા છે અને ગામના સામાન્ય માણસની જેમ જ ગામલોકો સાથે તૈયારી શરૂ કરી છે.
વાંચો સમાચાર વિગતવાર

5) ગીર સોમનાથના ઉના બસ સ્ટેન્ડ પર આંગડિયા પેઢીનો કર્મચારી લૂંટાયો, 50 લાખના મુદ્દામાલની લૂંટ ચલાવી ત્રણ શખ્સો ફરાર
ગીર સોમનાથ જિલ્લાના ઉના બસ સ્ટેન્ડ પર આજે વહેલી સવારે પરોઢિયે આંગડિયા લૂંટની ઘટના બનતા ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. બસ સ્ટેન્ડ પર મુસાફરોની અવરજવર હોવા છતાં લૂંટારુઓએ બસની અંદર બેસેલા આંગડિયા પેઢીના કર્મચારી પાસેથી 50 લાખનો મુદ્દામાલ લૂંટી ફરાર થતા સનસનાટી મચી છે. લૂંટની સમગ્ર ઘટના બસ સ્ટેન્ડના CCTVમાં કેદ થતા પોલીસે લૂંટારુઓની શોધખોળ હાથ ધરી છે.
વાંચો સમાચાર વિગતવાર

6) દ્વારકામાં વીજ-કરન્ટની બે ઘટનામાં ત્રણ મોત:ખેતરમાં રમતી બાળકી પર જીવતો વીજ વાયર પડ્યો, વીજપોલ રિપેર કરનારને બચાવવા જતાં બીજા યુવકને કરન્ટ લાગ્યો
દેવભૂમિ દ્વારકામાં વીજ-કરન્ટ લાગતાં 3 વ્યક્તિનાં મોત નીપજ્યાં હતાં હોવાની ઘટના સામે આવી છે. બે અલગ અલગ ઘટનામાં આઠ વર્ષની બાળકી સહિત ત્રણ લોકોનાં મોત થતાં સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઇ છે. જિલ્લાના ચાસલાણા ગામે વીજપોલ પર રિપેરિંગ કરતા યુવાનને કરંટ લાગતાં તેને બચાવવા ગયેલા યુવકનું પણ કરંટ લાગતાં મોત થયું હતું. જ્યારે જીવંત વીજ વાયર માથે પડતાં ગઢકા ગામમાં આઠ વર્ષીય બાળાનું મોત થયું હતું.
વાંચો સમાચાર વિગતવાર

7) કાશ્મીરમાં ઘુસણખોરોનું એન્કાઉન્ટર,આતંકીઓ માટે સેનાની નવી રણનીતિ- રાહ જુઓ અને તક મળતાં જ મારો, અત્યાર સુધીમાં 6 આતંકી ઠાર
રાજૌરીના જંગલમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ ચાલે છે. સેનાએ અત્યાર સુધીમાં લશ્કર-એ-તોયબાના 6 આતંકીઓને ઠાર કર્યા છે. હજુ પણ 3થી 4 આતંકીઓ અહીં છુપાયાની આશંકા શોધખોળ ચાલી રહી છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ સેનાના અધિકારીઓએ આતંકીઓનો સામનો કરવા માટે નવી રણનીતિ બનાવી છે. તે અંતર્ગત રાહ જુઓ, આતંકીઓને ગામો સુધી આવવા દો, તે પછી તેના પર તૂટી પડોની નીતિ અમલમાં મૂકવામાં આવી છે.
વાંચો સમાચાર વિગતવાર

8) આર્યન ખાન કેસમાં હવે પાકિસ્તાનના મીડિયાને પેટમાં દુખ્યું, કહ્યું- આર્યન ખાનની ધરપકડ ભારતના સૌથી મોટા મુસ્લિમ હીરોને ટાર્ગેટ કરવાનો પ્રયાસ છે
શાહરુખ ખાનના દીકરા આર્યન ખાનને ડ્રગ્સ કેસમાં હજી સુધી જામીન મળ્યા નથી. તે 3 ઓક્ટોબરથી જેલમાં બંધ છે. 2 ઓક્ટોબરના રોજ આર્યન ખાનની અટકાયત કરવામાં આવી હતી અને 3 ઓક્ટોબરે ધરપકડ કરવામાં આવી હતી. આર્યન 7 ઓક્ટોબર સુધી NCB (નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો)ની લૉકઅપમાં હતો અને ત્યારબાદથી આર્થર રોડ જેલમાં છે. કોર્ટમાં NCBએ ડ્રગ્સ ચેટ, ઇન્ટરનેશનલ ડ્રગ પેડલર સાથે સંબંધો, ડ્રગ્સ ટ્રાફિકિંગ જેવા ગંભીર આરોપો આર્યન ખાન પર મૂક્યા છે, તો સામે આર્યનના વકીલે કોર્ટમાં દલીલ કરી છે કે તેમના ક્લાયન્ટ પાસેથી કોઈ ડ્રગ્સ મળ્યું નથી અને આર્યન તપાસમાં સહયોગ આપે છે અને તેથી જ તેની પાસેથી જામીનનો અધિકાર છીનવી શકાય નહીં. આ બધાની વચ્ચે પાકિસ્તાની મીડિયામાં પણ આર્યન ખાનનો કેસ ચર્ચામાં છે.
વાંચો સમાચાર વિગતવાર

મહત્વપૂર્ણ સમાચારો માત્ર હેડલાઈનમાં
1) સોલા ઉમિયા કેમ્પસમાં કડવા પાટીદાર સમાજની દીકરીઓને માત્ર 1 રૂપિયાની ટોકન ફીથી IAS-IPS તથા સ્પર્ધાત્મક પરીક્ષાની તાલીમ અપાશે
2) ઝોમેટો અંગે ફરી વિવાદ થયો,કંપનીના કર્મચારીએ હિંદી ભાષાની જાણકારી નહીં હોવા અંગે તમિલનાડુના ગ્રાહક સાથે ઉગ્ર ચર્ચા કરી, કંપનીએ માફી માગવી પડી
3) ઉત્તર કોરિયાએ છોડી બેલિસ્ટિક મિસાઇલ,તાનાશાહ કિમ જોંગથી જાપાન થયું સતર્ક, પોતાનાં જહાજો માટે એલર્ટ જાહેર કર્યું
4) ફેક ઇ-મેઇલ આઇડી બનાવી ભેજાબાજોએ વડોદરાના વેપારી પાસેથી 31 લાખ પડાવ્યા, પોલીસે પોર્ટુગલના બેંક એકાઉન્ટમાંથી નાણાં પરત અપાવ્યા
5) ડોક્ટરોએ પથરીની જગ્યાએ દર્દીની કિડની જ કાઢી નાખી, ગ્રાહક કોર્ટનો 11 લાખનું વળતર ચૂકવવા બાલાસિનોરની હોસ્પિટલને આદેશ
6) છોટાઉદેપુરના ભાજપના પૂર્વ સાંસદ રામસિંહ રાઠવાએ આદિજાતિ મંત્રાલયના TRIFEDના ચેરમેન પદે ચાર્જ સાંભળ્યો
7) મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ફસાયેલા ગુજરાતીઓની સહાય માટે ઉત્તરાખંડના CM સાથે ટેલિફોનિક વાત કરી, અમે સતત પ્રશાસનના સંપર્કમાં: પાટીલ
8) પેટ્રોલ-ડીઝલ બાદ હવે શાકભાજીમાં અસહ્ય ભાવવધારો,ટમેટાંએ સદી વટાવી, કિલોના 100 રૂપિયા, ગૃહિણીઓનું બજેટ ખોરવાયું
9) ત્રણ મહિનાના વિરામ બાદ ઘોઘા-હજીરા રો-પેક્સ સર્વિસ શરૂ થઈ, દિવાળી સમયે ભાવનગર અને સુરત વાસીઓનો મુસાફરી સમય અને ખર્ચ ઘટશે

આજનો ઈતિહાસ
ભારત સાથે વિશ્વાસઘાત કરી વર્ષ 1962માં આજના દિવસે ચીને ભારત પર હુમલો કર્યો હતો

આજનો સુવિચાર
શબ્દોની તાકાતને ઓછી ન આંકો, કારણ કે એક નાનકડી હા અને એક નાનાકડી ના આખી જિંદગી બદલી નાખે છે

તમારો દિવસ શુભ રહે, કાલે ફરી મળીશું...

અન્ય સમાચારો પણ છે...