• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • DivyaBhaskar Morning Podcast: Income Tax Raids On Astral Pipes And Ratnamani Metals In Ahmedabad, India To Release 5 Million Barrels Of Oil From Emergency Reserve

મોર્નિંગ ન્યૂઝ પોડકાસ્ટ:અમદાવાદની એસ્ટ્રલ પાઇપ્સ અને રત્નમણિ મેટલ્સ પર ઇન્કમટેક્સના દરોડા, ભારત ઇમર્જન્સી રિઝર્વનું 50 લાખ બેરલ ઑઇલ રિલીઝ કરશે

14 દિવસ પહેલા

નમસ્કાર,

આજે બુધવાર, તારીખ 24 નવેમ્બર, કારતક વદ પાંચમ

આ મહત્ત્વપૂર્ણ ઘટનાઓ પર રહેશે નજર
1) આજે વડાપ્રધાને કેન્દ્રીય કેબિનેટની બેઠક બોલાવી, કૃષિ કાયદા રદ કરવા મંજૂરી અપાશે, ક્રિપ્ટોકરન્સી સહિતના મુદ્દે ચર્ચા થશે
2) સુરતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ભાજપના સ્નેહમિલન, દાઉદી વ્હોરા સમાજના ધર્મગુરુ સૈયદના સાહેબની મુલાકાત સહિતના કાર્યક્રમમાં હાજર રહેશે
3) આજે ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલના હોમટાઉન સુરતમાં સ્નેહમિલન કાર્યક્રમ, અમિત શાહ વર્ચ્યુઅલ જોડાશે

હવે જોઈએ ગઈકાલના ખાસ સમાચાર
1) અમદાવાદમાં ઈન્કમટેક્સની એસ્ટ્રલ પાઈપ્સ અને રત્નમણિ મેટલ્સ પર તવાઈ; શહેરમાં 25 અને ગુજરાત બહારનાં 15 સ્થળે તપાસ, 150 અધિકારી તપાસમાં જોડાયા
ઇન્કમટેક્સ વિભાગે આજે અમદાવાદની બે જાણીતી કંપનીઓ- એસ્ટ્રલ પાઈપ્સ અને રત્નમણિ મેટલ્સમાં સર્ચ- ઓપરેશન શરૂ કર્યું છે. એસ્ટ્રલ પાઈપ્સની સિંધુ ભવન ઓફિસ પર રેડ કરી પોલીસ સ્ટાફ પણ તહેનાત કરાયો છે. ઇન્કમટેક્સના 150થી વધુ અધિકારીઓ તપાસમાં જોડાયા છે. ગુજરાત, મહારાષ્ટ્ર, દિલ્હી અને રાજસ્થાનમાં કંપનીનાં વિવિધ સ્થળો પર તપાસ ચાલી રહી છે. અમદાવાદમાં 25 અને ગુજરાત બહારનાં 15 સ્થળનો સમાવેશ થાય છે. દરોડા દરમિયાન 1 કરોડ રોકડ પણ મળી આવી હતી.
વાંચો સમાચાર વિગતવાર

2) પેટ્રોલ-ડીઝલ સસ્તાં કરવા ભારત એના ઈમર્જન્સી રિઝર્વમાંથી 50 લાખ બેરલ ઓઈલ રિલીઝ કરશે, ઈંધણના ભાવ લિટરદીઠ રૂપિયા 3 ઘટી શકે છે
આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની વધી રહેલી કિંમતોનો સામનો કરવા માટે ભારત તેના વ્યૂહાત્મક ઓઈલ રિઝર્વમાંથી 50 લાખ બેરલ રિલીઝ કરશે.આ અંગે ટૂંક સમયમાં જાહેરાત કરી શકે છે. ક્રૂડ ઓઈલના ઈમર્જન્સી સ્ટોકને રિલીઝ કરવાનું યોજના અમેરિકાએ ભારત, જાપાન, સહિત કેટલાક મોટા અર્થતંત્ર ધરાવતા દેશો સાથે મળી તૈયાર કરી છે. આ પગલાથી પેટ્રોલ-ડીઝલની કિંમતમાં ઘટાડો થઈ શકે છે.
વાંચો સમાચાર વિગતવાર

3) રાજકોટના ગોંડલ નજીક ટાયર ફાટતાં કાર ડિવાઇડર કૂદી રોંગ સાઇડમાં ST બસ સાથે ધડાકાભેર અથડાઈ, પતિ-પત્ની અને પુત્ર સહિત 6નાં મોત
રાજકોટ-ગોંડલ નેશનલ હાઇવે પર ગોંડલ નજીક ભોજપરા અને બિલિયાળા વચ્ચે રાજકોટ તરફથી આવતી કારનું ટાયર ફાટતાં એ ડિવાઈડર કૂદીને સામેની સાઈડમાં આવતી એસટી બસ સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ ગોઝારા અકસ્માતમાં સુરતના ગઢીયા પરિવારના પતિ-પત્ની અને પુત્ર સહિત 6 લોકોનાં કમકમાટીભર્યાં મોત નીપજ્યાં છે. જેમાં 5 લોકોનું ઘટનાસ્થળે અને 1 બાળકનું રાજકોટમાં સારવાર દરમિયાન મોત થયું છે.
વાંચો સમાચાર વિગતવાર

4) ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થી પરિણામથી સંતુષ્ટ ન હોય તો ફરી પરીક્ષા આપી શકશે, જેમાં વધુ માર્ક્સ હશે એ માન્ય ગણાશે
ગુજરાત યુનિવર્સિટી દ્વારા ઓન ડિમાન્ડ પરીક્ષાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ ઉપરાંત હવે પરીક્ષાના પરિણામથી સંતુષ્ટ ના હોય તેવા વિદ્યાર્થીઓને પણ બીજી પરીક્ષા આપવાનો વિકલ્પ આપીને પરિણામ સુધારવાની તક અપાશે. વિદ્યાર્થીએ ઈચ્છે ત્યાં સુધી પરીક્ષા આપી શકશે અને સારું પરિણામ મેળવી શકશે. ચાલુ શૈક્ષણિક વર્ષમાં સિલેક્ટેડ વિષયમાં અને આવતા વર્ષથી લગભગ બધા કોર્સમાં આ પદ્ધતિ લાગુ થઈ જશે.
વાંચો સમાચાર વિગતવાર

5) નરેન્દ્ર મોદીની 2003ની પ્રથમ વાઈબ્રન્ટ ગુજરાત સમિટની પાર્ટનર 'ફિક્કી' હવે 10મી સમિટમાંથી આઉટ, 'એસોચેમ'ની અચાનક એન્ટ્રી
વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2022માં આ વખતે આયોજનના પાયામાં નેશનલ પાર્ટનર તરીકે સંકળાયેલી બિઝનેસ સંસ્થાઓમાં મોટો ફેરફાર થયો છે. વાઇબ્રન્ટ ગુજરાત સમિટના આયોજનમાં ફિક્કી (FICCI) અગાઉની તમામ વાઇબ્રન્ટમાં સાથે હતી. આ વખતે તેને બહાર કરી દેવાઈ છે. તેના સ્થાને આયોજનમાં પ્રમાણમાં નવી બિઝનેસ સંસ્થા એસોસિએટેડ ચેમ્બર ઓફ કોમર્સ-એસોચેમને જોડવામાં આવી છે.
વાંચો સમાચાર વિગતવાર

6) સુરતની કોફી શોપમાં યુવક-યુવતી બેભાન થઈ ગયાં, કોલેજિયન ગર્લનું મોત; વિધર્મી યુવક ફરાર, મૃતદેહની અંતિમવિધિ કરવાનો પરિવારજનોનો ઈન્કાર
સુરતના વેસુની એક કોફી શોપમાં વિદ્યાર્થી-વિદ્યાર્થિની શંકાસ્પદ રીતે બેભાન હાલતમાં મળી આવતાં સિવિલ લવાયાં હતાં. સિવિલમાં બીએડની વિદ્યાર્થિનીને મૃત જાહેર કરાતાં સાથી વિદ્યાર્થી સારવાર અધૂરી છોડી નાસી ગયો હોવાનું જાણવા મળ્યું છે. પરિવારની એકની એક દીકરીને વિધર્મી યુવકે ઝેર આપી મારી નાખ્યાનો ઓડિશાના પરિવારે આક્ષેપ કરતાં પોલીસ દોડતી થઈ ગઈ છે. પરિવારે કહ્યું હતું કે જ્યાં સુધી છોકરાની ધરપકડ ન થાય ત્યાં સુધી દીકરીની અંતિમ વિધિ કરીશું નહીં, સમાજ સાથે છે.
વાંચો સમાચાર વિગતવાર

7) ગલવાનમાં શહીદ થયેલા કર્નલ સંતોષ બાબુનું મહાવીર ચક્રથી સન્માન, શહીદ જવાનોને વીર ચક્ર આપાયા
ગલવાન હુમલામાં શહીદ થયેલા કર્નલ સંતોષ બાબુને મંગળવારે મરણોત્તર મહાવીર ચક્ર એનાયત કરાયો હતો. પરમવીર ચક્ર પછી આ બીજું સર્વોચ્ચ સૈન્ય સન્માન છે. ઓપરેશન સ્નો લેપર્ડમાં સામેલ રહેલા નાયબ સુબેદાર નુદુરામ સોરેન, હવાલદાર કે પિલાની, નાયક દીપક સિંહ અને જવાન ગુરતેજ સિંહનું પણ મરણોત્તર વીર ચક્રથી સન્માન કરવામાં આવ્યું છે. ચીન સાથેની હિંસક અથડામણમાં 20 સૈનિકો શહીદ થયા છે
વાંચો સમાચાર વિગતવાર

8) 'કોણ જાણે વડોદરાની ઓએસિસ સંસ્થાવાળાઓએ એવું તો શું શીખવ્યું કે મારી દીકરી અમારી સાથે રહેવા જ માગતી નથી !' પિતાની વ્યથા'કોણ જાણે સંસ્થાવાળાઓએ એવું તો શું શીખવ્યું કે મારી દીકરી અમારી સાથે રહેવા જ માગતી નથી...' નવસારીની એક યુવતીના પિતાની વ્યથા. તેમની દીકરી ત્રણ વર્ષથી વડોદરાની ઓએસિસ સંસ્થા સાથે જોડાયેલી છે અને વડોદરા દુષ્કર્મ-આપઘાત કેસમાં મહત્ત્વની કડી માનવામાં આવે છે. પિતા છેલ્લા છ મહિનાથી પોતાની દીકરીને ઘરે પાછી લાવવા પ્રયાસો કરી રહ્યા છે, પરંતુ તે આવવા તૈયાર નથી.
વાંચો સમાચાર વિગતવાર

મહત્ત્વપૂર્ણ સમાચારો માત્ર હેડલાઈનમાં
1) મનીષ તિવારીના પુસ્તકથી ફરી સર્જાયો વિવાદ, કહ્યું- 26-11ના હુમલા પછી પાકિસ્તાન સામે કાર્યવાહી કરવાની જરૂર હતી
2) દેશમાં ટામેટાંના ભાવ કિલોદીઠ રૂપિયા 100ને પાર, અમદાવાદ સહિત દિલ્હી, મુંબઈ અને ભોપાલમાં
3) ઓસ્ટ્રિયામાં 20 દિવસનું લોકડાઉન: યુરોપ બન્યું કોરોનાનું એપીસેન્ટર, ફ્રાન્સના PMને કોરોના સંક્રમિત
4) ભુજમાં બીએસએફ જવાને રાયફલથી ગળે બે રાઉન્ડ ફાયરિંગ કરીને આત્મહત્યા કરી, કારણ હજુ સુધી અકબંધ
5) અમદાવાદમાં લતિફ ગેંગના સાગરીત નઝીર વોરાની વેજલપુર પોલીસે પાસા હેઠળ ધરપકડ કરી ભૂજ જેલમાં મોકલ્યો
6) વડોદરા ગેંગરેપ વિથ આપઘાત કેસમાં 20 દિવસ બાદ SITની ટીમ બનાવવામાં આવી
7) ગાંધીનગરના સરિતા ઉદ્યાન રોડ પર કારની ટક્કરથી એક્ટિવાસવાર પિતા-પુત્રનાં કરુણ મોત

આજનો ઈતિહાસ
વર્ષ 1859માં આજના દિવસે ડાર્વિનનું પુસ્તક "ઓન ધ ઓરિજિન ઓફ સ્પેસિસ" પ્રકાશિત થયું, આ પુસ્તકમાં ડાર્વિને થ્યોરી ઓફ ઈવોલ્યુશન વિશ્વ સમક્ષ રજૂ કરેલી, જેમા વાંદરામાંથી માનવ બનવાની સમગ્ર કહાની રજૂ કરાયેલી

આજનો સુવિચાર
જ્યાં સુધી અતીત પર નજર રાખીને એમાંથી પ્રેરણા લઈ ભવિષ્યનું નિર્માણ ના કરો ત્યાં સુધી એના પર ગર્વ લેવો એ વ્યર્થ છે...

તમારો દિવસ શુભ રહે, કાલે ફરી મળીશું...

અન્ય સમાચારો પણ છે...