• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • DivyaBhaskar Morning Podcast: Head Clerk's Paper Leak In Sanand Printing Press, Omicron Cases Doubled In 3 Days Due To Community Transmission Says WHO

મોર્નિંગ ન્યૂઝ પોડકાસ્ટ:સાણંદના પ્રિન્ટિંગ પ્રેસમાં હેડ ક્લાર્કનું પેપર ફૂટ્યું હતું; કમ્યુનિટી ટ્રાન્સમિશનના કારણે 3 દિવસમાં ઓમિક્રોનના કેસ બે ગણા થયા: WHO

એક મહિનો પહેલા

નમસ્કાર,

આજે સોમવાર, તારીખ 20 ડિસેમ્બર, માગશર વદ એકમ

આ મહત્વપૂર્ણ ઘટનાઓ પર રહેશે નજર
1) ફરિયાદના નિવારણ અને સુનાવણી માટે કેન્દ્ર સરકાર દ્વારા દેશભરમાં સુશાસન સપ્તાહ, ‘સરકાર ગામડાં તરફ...’ને મંત્રી જીતેન્દ્રસિંહ લોન્ચ કરશે,
2) આજે ગુજરાત સરકાર વાઈબ્રન્ટ સમિટ યોજવાનો નિર્ણય લઈ શકે છે
3) અમદાવાદમાં મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં‘લોકલથી ગ્લોબલઃ નિકાસલક્ષી પ્રગતિ’ એક દિવસીય પ્રિ-ઈવેન્ટ સમિટ યોજાશે
4) સુરતના વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ ખાતે યોજાનાર 10 દિવસીય ‘હુનર હાટ’ એક્ઝિબિશનનો આજે છેલ્લો દિવસ

હવે જોઈએ ગઈકાલના ખાસ સમાચાર
1) ઘટસ્ફોટ:સાણંદના પ્રિન્ટિંગ પ્રેસના સુપરવાઈઝરે પેપર લીક કર્યું. જમાઈએ ₹ 9 લાખમાં વેચ્યું, અત્યાર સુધીમાં 11ની ધરપકડ
ગુજરાતમાં બહુચર્ચિત પેપર લીક કાંડમાં રવિવારે ગાંધીનગરના રેન્જ આઈજી અભય ચુડાસમાએ પ્રેસ કોન્ફરન્સમાં પેપર લીક મામલે ઘટસ્ફોટ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, સાણંદમાં આવેલા પ્રિન્ટિંગ પ્રેસમાં હેડ ક્લાર્કનું પેપર લીક થયું હતું. પ્રિન્ટિંગ પ્રેસના સુપરવાઈઝર કિશોર આચાર્યએ તેમના કૌટુંબિક જમાઈ મંગેશ શીરકેને પેપર આપ્યું હતું. જમાઈએ ₹ 9 લાખમાં દીપક પટેલને પેપર વેચ્યું હતું. દિપક પટેલ સિંગરવા હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ ચલાવે છે. પેપર પરીક્ષાના 3 દિવસ પહેલા 9 ડિસેમ્બરે વેચાયું હતું. આ કેસમાં 3 દિવસમાં કુલ 11 આરોપીઓની ધરપકડ કરાઈ છે.
વાંચો સમાચાર વિગતવાર

2) WHOએ કહ્યું- કમ્યુનિટી ટ્રાન્સમિશનના કારણે 3 દિવસમાં બે ગણા થયા છે કેસ, માસ્ક અને સેનિટાઈઝેશન ખૂબ જરૂરી
વિશ્વના 89 દેશમાં અત્યાર સુધીમાં ઓમિક્રોનના વેરિયન્ટ મળ્યા છે અને કમ્યુનિટી ટ્રાન્સમિશનના પગલે તેના કેસ 1.5થી 3 દિવસમાં જ બેગણા થઈ રહ્યાં છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને(WHO) આ માહિતી આપી છે. WHOના સભ્ય દેશોએ આ અંગે માહિતી આપતા જણાવ્યું છે કે એ વાતનું પ્રમાણ મળ્યું છે કે ડેલ્ટાની સરખામણીએ ઓમિક્રોન ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે. જોકે ચિંતા કરવા જેવી વાત તો એ છે કે ઓમિક્રોન એ દેશોમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે, જ્યાં વસ્તીમાં રોગ પ્રતિકારક ક્ષમતા વધુ છે.
વાંચો સમાચાર વિગતવાર

3) સાવરકુંડલાના સીમરણ ગામ નજીક ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, પતિની નજર સામે જ પત્ની અને 2 પુત્રોનાં મોત
ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈ ગુજરાતમાં અન્ય શહેરમાં રહેતા લોકો પોતાના વતને મતદાન કરવા જતાં હોય છે. ત્યારે રવિવારે ઉનાના ધોકડવા ગામે મતદાન કરવા ગયેલા પરિવારને સાવરકુંડલા-અમરેલી સ્ટેટ હાઇવે ઉપર સીમરણ ગામ નજીક ગમખ્વાર અકસ્માત નડ્યો હતો. જેમાં પુરપાટ સ્પીડે આવતી ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જતા ઘટના સ્થળે પત્ની અને બે પુત્રોના મોત થયાં હતાં. જ્યારે પતિને ઈજા થઈ હતી.
વાંચો સમાચાર વિગતવાર

4) ગ્રામ પંચાયતની ચૂંટણીનું મતદાન:કડકડતી ઠંડી વચ્ચે પણ સરેરાશ 60 ટકાથી વધુ મતદાન નોંધાયું, અંતિમ કલાકમાં પણ મતદારોની કતારો જોવા મળીરવિવારે રાજ્યની 8684 ગ્રામ પંચાયતોની ચૂંટણી કેટલાક અપવાદને બાદ કરતાં શાંતિપૂર્ણ રીતે યોજાઈ હતી. રાજ્યમાં સરેરાશ 60 ટકા મતદાન નોંધાયું હતું. આ આંકડાઓમાં વધારો થવાની પૂરી શક્યતાઓ છે. દક્ષિણ ગુજરાતમાં 57 ટકા, ઉત્તર ગુજરાતમાં 62 ટકા, સૌરાષ્ટ્ર અને કચ્છમાં 60 ટકા, મધ્ય ગુજરાતમાં 58 ટકા મતદાન થયું છે.
વાંચો સમાચાર વિગતવાર

5) મિશન 'કોંગ્રેસ રિવાઈવલ':કોંગ્રેસના નવા સંગઠનમાં પણ 'સૌના સાથ'ની ફોર્મ્યુલા, ઠાકોરની ટીમમાં 50% યુવાનો અને 50% સિનિયર સામેલ થશે
ગુજરાત કોંગ્રેસના પ્રમુખ તરીકે જગદીશ ઠાકોરની નિમણૂક કરાતા હવે તેના સંગઠનની રચનાનો ધમધમાટ શરૂ થયો છે.છેલ્લા બે વર્ષથી લગભગ સુષુપ્તાવસ્થામાં રહેલી કોંગ્રેસમાં હવે ચેતનાનો નવસંચાર થઈ રહ્યો છે. ફાયરબ્રાન્ડ ઈમેજ ધરાવતા જગદીશ ઠાકોર (જે.ટી.) ગુજરાત કોંગ્રેસના પ્રમુખ બન્યા છે. વિધાનસભાની આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને તેઓ નવી ટીમ બનાવવા કામે લાગી ગયા છે. નવી ટીમમાં 50% તરવરિયા યુવા નેતાઓ અને 50% અનુભવી સિનિયર નેતાઓનો સમાવેશ કરાશે. આમ બધાને સાથે રાખીને આગળ વધવાની ફોર્મ્યુલા જગદીશ ઠાકોરે ઘડી હોવાનું જાણવા મળ્યું છે. જાન્યુઆરીના મધ્યથી માંડીને અંત સુધીમાં ગમેત્યારે કોંગ્રેસની નવી ટીમ જાહેર થઈ જશે.
વાંચો સમાચાર વિગતવાર

6) સુરતમાં જીવનના અંતિમ પડાવમાં હમસફર ઝંખતા વડીલો માટે જીવનસાથી પસંદગી મેળો યોજાયો, 200 દાદા અને 75 દાદીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું
સુરતના વરાછામાં સૂર્યકિરણ સોસાયટી ખાતે અનોખા જીવનસાથી પસંદગી મેળાનું આયોજન કરાયું હતું. આ જીવનસાથી પસંદગી મેળામાં 50 વર્ષથી વધુના હોય તેઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. જીવનસાથી પસંદગી મેળામાં 200 દાદા અને 75 દાદીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. મોટાભાગના વડીલોએ પોતાની વેદના મંચ પર આવીને વ્યક્ત કરી હતી.
વાંચો સમાચાર વિગતવાર

7) કેરળમાં 12 કલાકની અંદર 2 નેતાઓની હત્યા, અલાપુઝામાં BJP અને SDPI નેતાના મર્ડરથી તણાવ, જિલ્લામાં કલમ 144 લાગુ
કેરળના અલપુઝા જિલ્લામાં 12 કલાકમાં જ બે નેતાઓની હત્યા કરાઈ છે. અલપુઝામાં રવિવારે વહેલી સવારે ભાજપના એક નેતાની હત્યા કરવામાં આવી હતી. આ પહેલા શનિવારે રાત્રે સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઈન્ડિયા (SDPI)ના નેતાની હત્યા કરવામાં આવી હતી. પોલીસે જણાવ્યું હતું કે ભાજપ OBC મોરચાના રાજ્ય સચિવ એડવોકેટ રણજીત શ્રીનિવાસના ઘરે આ હુમલો ત્યારે થયો હતો, જ્યારે તેઓ મોર્નિંગ વોક માટે તૈયાર થઈ રહ્યા હતા. રણજીત તાજેતરમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર તરીકે લડ્યા હતા.
વાંચો સમાચાર વિગતવાર

8) સુરતમાં ડબલ મર્ડર: પાંડેસરામાં બે વેપારીઓને 5 મિનિટમાં ચપ્પુના 10-15 ઘા મારી હત્યા, એકને તો છાતી પર બેસી ઘા માર્યા
સુરતમાં પાંડેસરા તેરે નામ ચોકડી નજીક બે વેપારીઓ પર જીવલેણ હુમલો કરી 5 મિનિટમાં ચપ્પુના 10-15 ઘા મરાતા 10 કલાકમાં બન્નેના મોત નીપજ્યા હતા. હુમલાખોરોએ ભોળા નામના શખસની છાતી પર બેસી ઘા માર્યા હોવાનું સામે આવ્યું છે. ભોળા અને પ્રવીણ હત્યા કેસમાં સંડોવાયેલા હત્યારા બે પૈકી એકના ભાઈ સામે 4 હત્યા કેસ ચાલી રહ્યા હોવાનું અને તડીપાર હોવા છતાં સુરતમાં જ પડ્યો પાથર્યો રહેતો હોવાનું મરનારના મિત્રોએ જણાવ્યું હતું.
વાંચો સમાચાર વિગતવાર

મહત્વપૂર્ણ સમાચારો માત્ર હેડલાઈનમાં
1) કપૂરથલામાં જે વ્યક્તિને લોકોએ ઢોર માર મારીને મોતને ઘાટ ઉતાર્યો, તે અપમાન કરવા નહીં પણ ચોરી કરવા ગયો હતો; પોલીસ હવે હત્યાનો ગુનો નોંધશે
2) દિલ્હીમાં છ મહિના બાદ સંક્રમણના સૌથી વધુ 107 નવા કેસ સામે આવ્યા,4 રાજ્યોમાં ઓમિક્રોનના 30 નવા સંક્રમિત નોંધાયા
3) UKથી અમદાવાદ આવેલી કોરોના પોઝિટિવ NRI મહિલા એરપોર્ટ પર એડ્રેસ આપ્યા વિના નીકળી ગઈ, ફોન ન ઉપાડતા ક્રાઈમબ્રાન્ચ દોડતી થઈ
4) દાહોદના ઝુસા ગામના સરપંચના ઉમેદવારે ચૂંટણી જંગમાં સ્વરક્ષણ માટે લાખોના ખર્ચે 20 બાઉન્સર ભાડે રાખ્યા
5) વાલિયા તાલુકાનાં કેશરગામના લોકોએ પુલ તેમજ પ્રાથમિક સુવિધા ન હોવાથી પંચાયતની ચૂંટણીનો બહિષ્કાર કર્યો
6) રાજકોટના વીરપુરમાં મતદાન મથકમાં મોબાઇલ સાથે લઇ જવા મામલે મતદારને કોન્સ્ટેબલે મુક્કા માર્યાં
7) દેડિયાપાડાના બોગજ ગામમાં ભાજપ-BTPના કાર્યકર્તાઓ વચ્ચે મારામારી, સાંસદ મનસુખ વસાવાના સાળા સહિત 3 ઇજાગ્રસ્ત
8) સરપંચપદની ઉમેદવાર મોડેલ એશ્રા પટેલે કાવીઠા ગામમાં મતદાન કર્યું, કહ્યું: 'હું ચૂંટણી જીતું કે હારું, લોકોના હક માટે લડતી રહીશ'
9) SIT સુવર્ણ મંદિરમાં અપમાનની તપાસ કરશે, બે દિવસમાં રિપોર્ટ સોંપાશે, આરોપી શનિવાર સવારે 11.40એ દરબારમાં પહોંચ્યો હતો; 9 કલાક અંદર જ રહ્યો

આજનો ઈતિહાસ
વર્ષ 1942માં આજના દિવસે જાપાનની ઈંપિરિયલ આર્મી એરફોર્સે કોલકાતા પર બોમ્બ ફેક્યો હતો. હાવડા બ્રિજને નિશાન બનાવાયેલો પણ બોમ્બ એક હોટલ પર પડ્યો હતો.

આજનો સુવિચાર
આપણે જ્યારે વિનમ્રતામાં મહાન હોઇએ ત્યારે મહાનતાની સૌથી નજીક હોઇએ છીએ.

તમારો દિવસ શુભ રહે, કાલે ફરી મળીશું...

અન્ય સમાચારો પણ છે...