• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • DivyaBhaskar Morning Podcast: Result Of GSEB Standard 10 Repeaters Will Be Announced Today. The Government Has Changed The Time Of Night Curfew In 8 Metros For Janmashtami And Ganeshotsav.

મોર્નિંગ ન્યૂઝ પોડકાસ્ટ:સરકારે જન્માષ્ટમી અને ગણેશોત્સવ પૂરતાં 8 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂના સમય બદલ્યા, રાજકોટના મોટા બિલ્ડર્સને ત્યાં ITનું મેગા સર્ચ-ઓપરેશન

2 મહિનો પહેલા

નમસ્કાર,

આજે બુધવાર, તારીખ 25 ઓગસ્ટ, શ્રાવણ વદ ત્રીજ.

આ મહત્ત્વપૂર્ણ ઘટનાઓ પર રહેશે નજર
1) આજે ધોરણ 10ના રિપીટરનું પરિણામ જાહેર થશે, સવારે 8 વાગ્યે બોર્ડની વેબસાઈટ પર પરિણામ જોઈ શકાશે
2) સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સિન્ડિકેટની મીટિંગમાં માટી કૌભાંડમાં પગલાં લેવા અને ત્રણ કૌભાંડની ચર્ચા થશે
3) અમદાવાદમાં AMCની દક્ષિણ ઝોન કચેરીએ ગેરકાયદે બાંધકામના પૂરાવા સાથે રાષ્ટ્રીય નિર્માણ સેના ડે. મ્યુનિ,. કમિશનરને આવેદન આપશે

હવે જોઈએ ગઈકાલના ખાસ સમાચાર
1) ગુજરાતનાં 8 મહાનગર જન્માષ્ટમીએ રાત્રિ કર્ફ્યૂ 1 વાગ્યાથી અને 9થી 19 સપ્ટેમ્બર સુધી ગણેશોત્સવ પૂરતો 12 વાગ્યે રાત્રિ કર્ફ્યૂ શરૂ થશે
રાજ્યમાં જન્માષ્ટમી અને ગણેશોત્સવના તહેવારોની ઉજવણી લોકો કરી શકે એ હેતુસર મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટીની બેઠકમાં નિર્ણયો લેવામાં આવ્યા છે. જન્માષ્ટમી 30 ઓગસ્ટે સોમવારે રાત્રે 12 કલાકે કૃષ્ણ જન્મોત્સવ ઊજવી શકાય એ માટે જે 8 મહાનગરમાં રાત્રિ કર્ફ્યૂ અમલમાં છે. એ મહાનગરોમાં 30 ઓગસ્ટના એક દિવસ પૂરતો રાત્રિ કર્ફયૂ રાત્રિના 1 વાગ્યાથી અમલી કરાશે. મંદિર પરિસરમાં એક સમયે એકસાથે વધુમાં વધુ 200 લોકોને દર્શન માટે છૂટ આપવામાં આવી છે, જ્યારે ગણેશોત્સવ માટે 9થી 19 સપ્ટેમ્બર દરમિયાન રાત્રિ કર્ફ્યૂ રાત્રિના 12 વાગ્યાથી અમલી બનશે.
વાંચો સમાચાર વિગતવાર

2) ગુજરાત IT હબ બનશે! આઇટીક્ષેત્રે દુનિયાભરમાં જાણીતી IBM કંપની અમદાવાદમાં વિશ્વ કક્ષાની અત્યાધુનિક સોફ્ટવેર લેબ સ્થાપશે
આઇટીક્ષેત્રે વિશ્વની અગ્રગણ્ય કંપની આઇ.બી.એમ અમદાવાદમાં અત્યાધુનિક સોફ્ટવેર લેબની સ્થાપના કરશે. આ લેબ અમદાવાદમાં સ્ટેટ ઓફ ધ આર્ટ પ્રોડક્ટ એન્જિનિયરિંગ, ડિઝાઇન એન્ડ ડેવલપમેન્ટ સેન્ટર તરીકે અદ્યતન સુવિધાઓ સાથે શરૂ કરાશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે આઇ.બી.એમ-ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર સંદિપ પટેલ અને આઇ.બી.એમ. સોફ્ટવેર લેબના વાઇસ પ્રેસિડેન્ટ ગૌરવ શર્માએ ગાંધીનગરમાં યોજાયેલી મુલાકાત બેઠક દરમિયાન આ જાહેરાત કરી હતી.
વાંચો સમાચાર વિગતવાર

3) સોશિયલ મીડિયા પરથી સ્ટેચ્યૂ ઓફ યુનિટીની ટિકિટ બુક કરાવવા જતાં પ્રવાસીએ રૂ. 3 લાખ ગુમાવ્યા, ભેજાબાજોએ 2 એકાઉન્ટમાંથી નાણાં ઉપાડી લીધા
સ્ટેચ્યૂ ઓફ યુનિટીની સોશિયલ મીડિયા પરથી ટિકિટ બુક કરતા પહેલા સાવધાન થઇ જજો. તમારે નાણાં ગુમાવવાનો વારો આવી શકે છે. સોશિયલ મીડિયા પરથી સ્ટેચ્યૂ ઓફ યુનિટીની ટિકિટ બુક કરાવવા જતાં પ્રવાસીએ 3 લાખ ગુમાવવાનો વારો આવ્યો છે. પ્રવાસીએ બેંક એકાઉન્ટની વિગતો આપી દેતા ભેજાબાજોએ 2 એકાઉન્ટમાંથી રૂ. 3 લાખ ઉપાડી લીધા હતા. આ મામલે પ્રવાસીએ કેવડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
વાંચો સમાચાર વિગતવાર

4) રાજકોટમાં ITનું મેગા સર્ચ-ઓપરેશન, RK ગ્રુપના સર્વાનંદ સોનવાણી સહિતના મોટા બિલ્ડરો પર IT ત્રાટક્યું, કરોડોનું બેનામી નાણું મળે એવી શક્યતા

આયકર વિભાગની મુંબઈ, સુરત અને વડોદરાની ટીમ દ્વારા કાળું નાણું શોધી કાઢવા રાજકોટમાં મોટા પાયે દરોડા અને સર્ચની કામગીરી શરૂ કરી દીધી છે, જેને પગલે આજે રાજકોટમાં વહેલી સવારથી જાણીતા બિલ્ડર RK ગ્રુપના સર્વાનંદ સોનવાણીના સિલ્વર હાઇટ્સનાં ફ્લેટ પર તથા અન્ય ચાર ભાગીદારોને ત્યાં ITની ટીમ ત્રાટકી છે. જ્યાં RK ગ્રુપની નાનામવા ખાતે આવેલી મુખ્ય ઓફિસ અને તેના મુખ્ય બે કોન્ટ્રેક્ટર આશિષ ટાંક અને રમેશ પંચાલનેને ત્યાં તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે, જેને કારણે રિંગરોડ પરના 8 પ્રોજકેટ પર પણ તપાસ થઇ રહી છે.
વાંચો સમાચાર વિગતવાર

5) વડોદરાની યુવતીની વ્યથા- 'પિતાએ 10 લાખ આપ્યા છતાં મારાં સાસુ બેડરૂમમાં પતિ-પત્ની વચ્ચેનું સુખ ભોગવવા દેતાં નહોતાં, મને ઘરમાંથી કાઢી મૂકી'
પરિણીતાના હાથની મહેંદીનો રંગ ઊતર્યો ન હતો, ત્યાં જ દહેજ ભૂખ્યા સાસરિયાંએ લગ્નના ચોથા દિવસથી શરૂ કરેલા અમાનુષી અત્યાચારથી ત્રસ્ત પરિણીતાએ પતિ સહિત 6 સાસરિયાં સામે ફરિયાદ નોંધાવી હતી. વડોદરાના પાણીગેટ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં પરિણીતાએ આક્ષેપ કર્યો છે કે મારા સાસુ પતિ-પત્ની વચ્ચેનું સુખ ભોગવવા દેતાં ન હતાં અને એમ્બ્રોઇડરી મશીન લાવવા માટે પિયરમાંથી 10 લાખ રૂપિયા ન લાવતાં ત્રાસ આપતાં હતાં. જોકે 10 લાખ રૂપિયા આપ્યા બાદ પણ ત્રાસ આપવાનું ચાલુ જ રાખ્યું હતું
વાંચો સમાચાર વિગતવાર

7) થપ્પડની' ગુંજથી મહારાષ્ટ્રમાં ભડકો, કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેની ધરપકડ, મહાડ પોલીસને સોંપવામાં આવ્યા; CM ઉદ્ધવ ઠાકરેની વિરુદ્ધ નિવેદન આપવાના વિરોધમાં શિવસૈનિકોના ઉગ્ર દેખાવો
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને થપ્પડ મારવાની વાત કહેવાનું કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેને ભારે પડ્યું છે. રત્નાગિરિ કોર્ટમાંથી આગોતરા જામીન ફગાવવામાં આવ્યા પછી બોમ્બે હાઈકોર્ટે પણ તેમને કોઈ રાહત ન આપતાં પોલીસે નારાયણ રાણેની ધરપકડ કરી છે. થોડો સમય સંગમેશ્વર પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યા પછી તેમને મહાડ લઈ જવામાં આવ્યા છે. મહાડમાં પણ તેમની વિરુદ્ધ એક કેસ નોંધાયો છે. બીજી તરફ રાણેની ધરપકડના સમાચાર મળતા જ તેમના સમર્થકોએ મુંબઈ-ગોવાના જુના હાઈવેને જામ કરી દીધો છે.
વાંચો સમાચાર વિગતવાર

8) રાહુલ ગાંધીએ કર્યા સરકાર પર આકરા પ્રહાર, NMP અંગે કહ્યું- 70 વર્ષમાં દેશમાં જે પણ સંપત્તિનું સર્જન થયું એને મોદી સરકારે વેચવાનો નિર્ણય કર્યો
કેન્દ્ર સરકારના મહત્ત્વાકાંક્ષી નેશનલ મોનેટાઈઝેશન પાઈપલાઈન (NMP)પ્રોગ્રામ અંગે રાહુલ ગાંધીએ નારાજગી વ્યક્ત કરી છે. તેમણે નરેન્દ્ર મોદી સરકાર પર આ યોજના મારફત દેશના સરકારી સંશાધનોને વેચવાનો આરોપ લગાવ્યો છે. મંગળવારે રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ કરી કહ્યું હતું કે છેલ્લાં 70 વર્ષમાં દેશની જે પણ મૂડીનું સર્જન થયું એને મોદી સરકાર સરકાર વેચવાનું કામ કરી રહી છે.
વાંચો સમાચાર વિગતવાર

મહત્ત્વપૂર્ણ સમાચારો માત્ર હેડલાઈનમાં
1) ઝાયડસે કોરોના વેક્સિન બનાવવા દોઢ વર્ષમાં રૂ. 500 કરોડ ખર્ચ્યા, રસીને મંજૂરી મળતાં એક જ દિવસમાં પંકજ પટેલની સંપત્તિ રૂ. 900 કરોડ વધી
2) 2 વર્ષમાં પ્રથમ વખત તેજસ અઢી કલાક મોડી પહોંચી તો 1574 યાત્રીઓએ રિફન્ડ માગ્યું, IRCTCએ દરેકને 250-250 રિફન્ડ આપ્યું
3) અફઘાનિસ્તાન સંકટ મુદ્દે પ્રધાનમંત્રી મોદી અને પુતિન વચ્ચે વાતચીત થઈ, 45 મિનિટ સુધી ચર્ચા ચાલી
4) ધોરાજીનું વેગડી ગામ સજ્જડ બંધ,પ્રદૂષણથી પાક નિષ્ફળ જતાં ગ્રામજનોએ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારીને તપાસ કરવા આવેદનપત્ર પાઠવ્યું
5) લોકસભાના મહિલા સાંસદ વિશે અભદ્ર ભાષાનો વિડીયો બનાવી પોસ્ટ કરનાર સામે સાયબર ક્રાઇમમાં ગુનો નોંધાયો
6 ) ગુજરાત યુનિવર્સિટી દ્વારા સંશોધન કરીને બનાવવામાં આવેલી આયુર્વેદિક ઇમ્યુરાઇઝ દવાને ICMRની મંજૂરી મળી
7) સુરતના ઉધના રેલવે ટ્રેકની આસપાસ ઝૂંપડાં હટાવવાનું પોલીસ બંદોબસ્ત વચ્ચે શરૂ કરાયા બાદ સુપ્રીમ કોર્ટે સ્ટે આપ્યો

આજનો ઈતિહાસ
આજથી 412 વર્ષ અગાઉ વર્ષ 1609માં આજના દિવસે ગેલીલિયોએ તેમના ટેલિસ્કોપ સેનેટ સભ્યો સમક્ષ રજૂ કર્યું હતું, આ ટેલિસ્કોપ કોઈ પણ વસ્તુને 8 ગણી મોટી દેખાડવા સક્ષમ હતું

અને આજનો સુવિચાર
જ્ઞાન એ દોરો પરોવેલી સોય જેવું છે. દોરો પરોવેલી સોય ખોવાતી નથી તેમ જ્ઞાન હોવાથી સંસારમાં ભૂલા પડાતું નથી. -શ્રીમદ્ રાજચંદ્ર

તમારો દિવસ શુભ રહે, કાલે ફરી મળીશું..

અન્ય સમાચારો પણ છે...