મોર્નિંગ ન્યૂઝ પોડકાસ્ટ:આજથી ગુજરાતમાં ધો. 1થી 5ના ઓફલાઇન વર્ગ શરૂ કરવા સરકારનો નિર્ણય, કૃષિ કાયદા પરત લેવાની જાહેરાત બાદ આજે લખનઉમાં SKMની મહાપંચાયત

2 મહિનો પહેલા

નમસ્કાર,

આજે સોમવાર, તારીખ 22 નવેમ્બર, કારતક વદ ત્રીજ.

આ મહત્ત્વપૂર્ણ ઘટનાઓ પર રહેશે નજર
1) ગુજરાતમાં 20 મહિના બાદ આજથી ધો.1થી 5ની સ્કૂલો ઓફલાઈન શરૂ થશે, હાજરી મરજિયાત, વાલીઓની સંમતિ લેવી પડશે
2) વિશ્વના સૌથી ઊંચા ઉમિયા માતાજીના મંદિરના નિર્માણકાર્યનો પ્રારંભ થશે, શોભાયાત્રા, 31000 દીવડાઓનો દીપોત્સવ થશે, CM-પૂર્વ CM હાજર રહેશે
3) PM નરેન્દ્ર મોદીની ત્રણેય કૃષિ કાયદા પરત લેવાની જાહેરાત બાદ આજે લખનઉમાં સંયુક્ત કિસાન મોરચા (SKM)ની મહાપંચાયત

હવે જોઈએ ગઈકાલના ખાસ સમાચાર
1) શિક્ષણમંત્રી જિતુ વાઘાણીએ ધો.1થી 5ના ઓફલાઈન વર્ગ શરૂ કરવાની જાહેરાત કરી, વાલીની સંમતિ જરૂરી, હાજરી મરજિયાત
સુરતના સર્કિટ હાઉસ ખાતે પ્રેસ-કોન્ફરન્સમાં શિક્ષણમંત્રી જિતુ વાઘાણીએ ધો. 1 થી 5ના પ્રત્યક્ષ શિક્ષણકાર્ય-ઓફલાઈન વર્ગો શરૂ કરવાની જાહેરાત કરી હતી. 22 નવેમ્બરથી રાજ્યભરમાં સરકારી અને ખાનગી પ્રાથમિક સ્કૂલોના ધો. 1 થી 5ના પ્રત્યક્ષ શિક્ષણકાર્ય-ઓફલાઈન વર્ગો શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. જોકે હાજરી મરજિયાત રાખવામાં આવી છે. સ્કૂલોમાં કોરોનાની ગાઇડલાઈન્સનું પાલન કરવું પડશે તેમજ ઓફલાઇન વર્ગો માટે વાલીઓએ સંમતિ પત્રક આપવું પડશે.
વાંચો સમાચાર વિગતવાર

2) ગુજરાતમાં સૌપ્રથમ વખત GUના PGના વિદ્યાર્થીઓને ઓન ડિમાન્ડ પરીક્ષાનો વિકલ્પ, અડધી રાતે પણ પરીક્ષા આપી શકશે
કોરોના બાદ શિક્ષણની પરિસ્થિતિ બદલાઈ છે, સાથે પરીક્ષાની પદ્ધતિ પણ બદલાઈ હતી. જે હવે કાયમ કરવાનો ગુજરાત યુનિવર્સિટીએ નિર્ણય કર્યો છે. જેથી હવે UGના વિદ્યાર્થીઓ પરીક્ષા ઓનલાઇન અને ઓફલાઇન આપી શકશે. જ્યારે UGના વિદ્યાર્થીઓ ઓન ડિમાન્ડ પરીક્ષા આપી શકશે, એટલે કે વિદ્યાર્થી ઈચ્છે ત્યારે ગમે તે સમયે પરીક્ષા આપી શકશે.
વાંચો સમાચાર વિગતવાર

3) રાજસ્થાનમાં 11 કેબિનેટ અને 4 રાજ્યમંત્રીએ શપથ લીધા, રામલાલ જાટ, મમતા ભૂપેશ અને ભજન લાલ જાટવે CMનાં ચરણ સ્પર્શ કર્યા
ગેહલોત કેબિનેટમાં રવિવારે ત્રણ વર્ષમાં પહેલીવાર ફેરબદલ થયો છે. રાજભવન ખાતે રાજ્યપાલે પહેલા હેમારામ ચૌધરીને શપથ લેવડાવ્યા હતા. બીજા નંબરે મહેન્દ્રજીત સિંહ માલવિયા અને ત્રીજા નંબરે રામલાલ જાટે શપથ લીધા. રામલાલ જાટને સીએમના ખાસ માનવામાં આવે છે. શપથ બાદ તેમણે મુખ્યમંત્રીનાં ચરણ સ્પર્શ કર્યા હતા.
વાંચો સમાચાર વિગતવાર

4) ચૂંટાયેલા પ્રતિનિધિઓ કાર્યકર્તાઓને ભૂલી જતા હોય છે, આપણે એમની હવા કાઢી નાખીશું; જામનગરમાં પાટીલ આકરા પાણીએ
જામનગર ભાજપના સ્નેહ મિલન તેમજ લોકાર્પણના કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલે ગર્ભિત ચીમકી આપી હતી કે ચૂંટાયેલા પ્રતિનિધીઓમાં હવા ભરાય ગઇ હશે તો તેને કાઢી નાખવામાં આવશે, કાર્યક્રરોનું સન્માન જાળવવું પડશે, નરેન્દ્ર મોદી અને અમિત શાહના નામે ચૂંટણી જીતો છો તે ભૂલતા નહી.
વાંચો સમાચાર વિગતવાર

5) વડોદરા પાસે મહીસાગર નદીમાં ડૂબી જતાં માતા-પુત્ર અને ભત્રીજાનાં મોત, પરિવારમાં માતમ
વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના કરખડી ગામ પાસે મહીસાગર નદીમાં ડૂબી જતા એક જ પરિવારના 3 સભ્યોનાં મોત થયાં છે. માતા-પુત્ર અને ભત્રીજાનાં મોતના પગલે પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો છે. વડું પોલીસે માતા જ્યોતિબેન વ્યાસ, પુત્ર અભય વ્યાસ અને ભત્રીજા મિતેશ વ્યાસના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા.
વાંચો સમાચાર વિગતવાર

6) અમરેલીના ચલાલામાં માતાએ બે માસૂમ પુત્રીઓ સાથે સળગી જઈ આત્મહત્યા કરી, ત્રણ વર્ષની બાળકી તો ઘોડિયામાં જ ભડથું થઈ
અમરેલીના ચલાલામાં એક પરિણીતાએ પોતાના ઘર પર જ ઘરકંકાસથી તંગ આવી બે માસૂમ પુત્રીઓ સાથે આત્મહત્યા કરી લેતા ચકચાર મચી છે. મૃતક પરિણીતાની ઉંમર 40 વર્ષ જ્યારે એક પુત્રીની 14 અને એકની 3 વર્ષ હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે ત્રણેય મૃતદેહનું પેનલ પોસ્ટમોર્ટમ કરાવી વધુ તપાસ હાથ ધરી છે.
વાંચો સમાચાર વિગતવાર

7) અમદાવાદ કલેક્ટરે 32 પાકિસ્તાની હિંદુઓને ભારતીય નાગરિકતા પત્ર એનાયત કર્યા, 7 વર્ષથી શહેરમાં સ્થાયી હતા
અમદાવાદ જિલ્લા કલેક્ટર સંદીપ સાગલેએ 32 પાકિસ્તાની લઘુમતી ધરાવતા હિંદુઓને નાગરિકતા પત્ર એનાયત કર્યા હતા. તેઓ 7 વર્ષથી અમદાવાદમાં સ્થાયી હતા. નાગરિકતા અધિનિયમ પ્રમાણે 7 વર્ષથી એક જ સ્થળે રહેતા વિદેશી નાગરિકોને બંધારણીય પ્રક્રિયા અનુસરીને નાગરિકતા પત્ર આપવામાં આવે છે. નવા 18 પાકિસ્તાની હિંદુઓની નાગરિકતા માટેનું અરજીપત્રક સ્વીકારીને આગામી નાગરીકતા પ્રક્રિયા માટે એનાયત કરવામાં આવ્યું હતું.
વાંચો સમાચાર વિગતવાર

8) ખેડૂત આંદોલન પર અકાલ તખ્તના આગેવાનનો દાવો- શીખોને સરકાર અને હિન્દુઓ સાથે લડાવવાનું ષડયંત્ર હતું, મોદીના નિર્ણયથી ઈરાદા નિષ્ફળ
કૃષિ કાયદો પાછો ખેંચવા પર, શીખોની સર્વોચ્ચ સંસ્થા શ્રી અકાલ તખ્ત સાહિબના આગેવાન, જ્ઞાની હરપ્રીત સિંહે કહ્યું - ખેડૂતોના આંદોલનની આડમાં કેટલાક લોકો તેને શીખ વિરુદ્ધ ભારત સરકાર અને શીખ વિરુદ્ધ હિન્દુ બનાવવા માંગતા હતા. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના કાયદાને પાછો ખેંચવાના નિર્ણયથી તેમની યોજનાઓ નિષ્ફળ ગઈ. કાયદો પાછો ખેંચવાથી મોટી રાષ્ટ્રીય આફત ટળી છે.
વાંચો સમાચાર વિગતવાર

મહત્ત્વપૂર્ણ સમાચારો માત્ર હેડલાઈનમાં
1) વડોદરા ગેંગરેપ કેસમાં માતાએ કહ્યું- દુષ્કર્મ બાદ તેને ઘરે આવવું હતું, પણ તેની પાસે 10 રૂપિયા જ હતા, આખી રાત ઓશીકું પકડીને રડતી રહી
2) ભારત પછી UAE સાથે પણ ચીને કર્યો દગો, જાણ કર્યા વગર તેની જ જમીનમાં બનાવી રહ્યું હતું સિક્રેટ મિલિટરી બેસ; અમેરિકાએ કામ અટકાવ્યું
3) સિંધ પ્રાંતમાં 11 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ બાદ હત્યા; સાલેહ પ્રાંતની હિન્દુ સગીરા હજુ પણ લાપતા
4) અમદાવાદમાં સીએમના ભાષણ વચ્ચે જ જમણવાર શરૂ કરાતાં લોકોની પડાપડી, ડિશમાં જેને જેટલું આવ્યું એટલું લઈ જમવા લાગ્યા
5) વાપીમાં ભાજપના સ્નેહમિલન કાર્યક્રમમાં કહ્યું- 'ઉમરગામ તાલુકા પંચાયતમાં બહુમતી ના મળતી ત્યારે એક અપક્ષ ખરીદવો પડતો'
6) ગુજરાત ભાજપ 'વન-ડે વન ડિસ્ટ્રિક્ટ' કાર્યક્રમ યોજશે, પ્રદેશ ભાજપ પ્રમુખ અને મહામંત્રી 24 કલાક જિલ્લામાં હાજર રહેશે
7) અમદાવાદની ચિરિપાલ ગ્રુપની કંપની અને અન્ય ફેક્ટરીઓમાં સપ્લાય થતાં યુરિયા ખાતરના જથ્થા સાથે બેની ધરપકડ

આજનો ઈતિહાસ
વર્ષ 1772માં આજના દિવસે રાજા રામ મોહન રાયનો જન્મ થયેલો. તેમને ભારતીય પુનઃજાગરણના અગ્રદૂત તથા આધુનિક ભારતના જનક ગણવામાં આવે છે

આજનો સુવિચાર
લક્ષ્યના અડધા રસ્તા પર જઈને ક્યારેય પાછા ના ફરો, કારણ કે પાછા આવવા પણ અડધો રસ્તો તો કાપવો જ પડે છે.

તમારો દિવસ શુભ રહે, કાલે ફરી મળીશું...

અન્ય સમાચારો પણ છે...