મોર્નિંગ ન્યૂઝ પોડકાસ્ટ:સરકારે ઘઉં સહિતની 7 કોમોડિટીના વાયદા પર એક વર્ષનો પ્રતિબંધ લગાવ્યો, કમલમને ઘેરનાર AAPના ઈટાલિયા સહિત 500નાં ટોળાં સામે ફરિયાદ

એક મહિનો પહેલા

નમસ્કાર,

આજે મંગળવાર, તારીખ 21 ડિસેમ્બર, માગશર વદ બીજ

આ મહત્ત્વપૂર્ણ ઘટનાઓ પર રહેશે નજર
1) આજે રાજ્યમાં 8664 ગ્રામ પંચાયતોની યોજાયેલી ચૂંટણીની આજે મત ગણતરી, 8560 સરપંચ પદ માટે 27,200 ઉમેદવારો વચ્ચે જંગ
2) કમલમ ખાતે વિરોધ પ્રદર્શન સહિતના કેસમાં ઈસુદાન અને ગોપાલ ઈટાલીયા સહિત 70 લોકોને આજે કોર્ટમાં રજૂ કરાશે
3) ગાંધીનગર સચિવાલય જીમખાના સેક્ટર-21 ખાતે આજથી ત્રિદિવસીય ઓલ ઇન્ડિયા સિવિલ સર્વિસિસ સ્વિમિંગ ટૂર્નામેન્ટનું CS પંકજકુમાર પ્રારંભ કરાવશે
4) ગુજરાતમાં આજથી એક સપ્તાહ સુધી દરેક જિલ્લા અને તાલુકા મથકે રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસની ઉજવણી કરાશે
5) ગુજરાત સરકારના માહિતી વિભાગની ક્લાસ વનની ભરતીને હાઈકોર્ટમાં પડકારાઈ, વેઈટિંગ લિસ્ટ અને ફરી ઈન્ટરવ્યુની માગ પર આજે વધુ સુનાવણી હાથ ધરાશે
6) આજે ખોડલધામના નરેશ પટેલનું અમદાવાદમાં સિંધુભવન અને નિકોલ ખાતે શક્તિપ્રદર્શન,પાટીદાર યુવાનોની બાઇક રેલી યોજાશે

હવે જોઈએ ગઈકાલના ખાસ સમાચાર
1) સરકારે કોમોડિટી એક્સચેન્જમાં ઘઉં, ચણા, ચોખા, સરસિયું, સોયાબીન, પામ ઓઈલ અને મગના વાયદા પર એક વર્ષ સુધી પ્રતિબંધ લગાવ્યો
દેશમાં સતત વધતી મોંઘવારી પર નિયંત્રણ માટે કેન્દ્ર સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. નાણા મંત્રાલયે એક આદેશ જાહેર કરીને કોમોડિટી એક્સચેન્જમાં ઘઉં, ચણા, ચોખા, સરસિયુ, સોયાબીન, પામ ઓઈલ અને મગના વાયદા પર એક વર્ષ સુધી પ્રતિબંધ લગાવ્યો છે. નાણા મંત્રાલયે SEBIને આ આદેશ જાહેર કરવા કહ્યું છે. કન્ઝ્યુમર ઈન્ફ્લેશનનો દર 4.91 ટકા થયો છે. જ્યારે હોલસેલ ઈન્ફ્લેશન (જથ્થાબંધ મોંઘવારી) દર 12 વર્ષની ઉચ્ચ સપાટીએ પહોંચ્યો છે. જથ્થાબંધ મોંઘવારી દર 14.23 ટકા નોંધાયો છે. આમ વધતી મોંઘવારીને ધ્યાનમાં રાખીને સરકારે આ નિર્ણય લીધો છે.
વાંચો સમાચાર વિગતવાર

2) આપ-ભાજપનું ‘રાજ’કારણ:ભાજપની મહિલા નેતાના છેડતીના આરોપ બાદ ઇસુદાનનો નશાનો પ્રાથમિક રિપોર્ટ નોર્મલ
રાજ્યમાં ગઈ 12મી ડિસેમ્બરે યોજાયેલી હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર 3 દિવસ પહેલાં જ લીક થઈને કેટલાક લોકો સુધી સર્ક્યુલેટ થયું હતું. જેનો સરકારે પણ સ્વીકાર કરી લીધો છે. ત્યારે આ પેપરલીક કાંડ મામલે AAPના નેતાઓ અને કાર્યકરો ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે વિરોધપ્રદર્શન કરવા પહોંચ્યા હતા. જ્યાં પોલીસે લાઠી ચાર્જ કરતા ગોપાલ ઇટાલિયાની પીઠમાં સોળ ઉઠી ગયા હતા. જ્યારે કેટલાક કાર્યકરોના માથા ફૂટ્યાં હતા. દારૂ પીને છેડતી કરવાના આરોપ બાદ આપ નેતા ઈસુદાન પર નશાનો પ્રાથમિક રિપોર્ટ નોર્મલ આવ્યો હતો.
વાંચો સમાચાર વિગતવાર

3) નિયંત્રણો યથાવત:રાજ્યના 8 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂ 31મી ડિસેમ્બર સુધી લંબાવાયો, ન્યૂ યર સેલિબ્રેશન બહાર કરી શકાશે કે ઘરમાં તે મુદ્દે અવઢવ
રાજ્યમાં કોરોનાની બીજી લહેરના અંત બાદ સરકાર દ્વારા એક બાદ એક નિયંત્રણ અંગે નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. દિવાળી બાદ કોરોનાના કેસમાં ખાસ વધારો ન થતા સરકારે નિયંત્રણો વધુ હળવા કર્યા છે. જોકે કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનનો ભય વર્તાઈ રહ્યો છે. ત્યારે સરકારે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, જૂનાગઢ અને ગાંધીનગરમાં હવે રાત્રે 1 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી કર્ફ્યૂ યથાવત રાખવાનો નિર્ણય કર્યો છે. જો કે, 31stની રાત્રે ઉજવણી કરી શકાશે કે નહીં તે અંગે હજુ પણ મૂંઝવણ છે.
વાંચો સમાચાર વિગતવાર

4) જખૌના દરિયાકિનારેથી 400 કરોડનું 77 કિલો હેરોઈન ઝડપાયું, ગુજરાત ATSની ટીમે 6 પાકિસ્તાનીઓની ધરપકડ કરી, ડ્રગ્સની ડિલિવરી પંજાબમાં થવાની હતી
કચ્છમાં જખૌના દરિયાકાંઠેથી ઈન્ડિયન કોસ્ટગાર્ડ અને ગુજરાત ATSની ટીમે પાકિસ્તાની બોટમાં લવાતું 77 કિલો હેરોઈન ઝડપ્યું છે અને 6 પાકિસ્તાની લોકોની ધરપકડ કરી છે. 77 કિલો હેરોઇનની ડિલિવરી પંજાબમાં અંડરવર્લ્ડ સાથે સંકળાયેલા શખસોને કરવાની હતી. ડ્રગ્સની હેરાફેરી માટે ગુજરાતનો દરિયાકાંઠો ટ્રાન્ઝિટ પોઈન્ટ બન્યો છે. છેલ્લાં પાંચ વર્ષમાં ગુજરાત એટીએસ, કોસ્ટગાર્ડે સહિતની એજન્સીઓએ આઠ મોટાં કન્સાઈનમેન્ટ સાથે 30 હજાર કરોડનું ડ્રગ્સ પકડાયું એના પરથી મળે છે.
વાંચો સમાચાર વિગતવાર

5) ખોડલધામ પાટોત્સવના નામે ગુજરાત ભ્રમણ પર નરેશ પટેલ, ઠેર ઠેર ચૂંટણી લડવાનો તાગ મેળવે છે?
સૌરાષ્ટ્રમા લેઉવા પાટીદારના એકતાના પ્રતિક સમા ખોડલધામ મંદિરને 21 જાન્યુઆરી 2022ના રોજ પાંચ વર્ષ પૂર્ણ થશે. ધાર્મિક સંસ્થા અને આસ્થાના કેન્દ્ર ખોડલધામના 5 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે 21 જાન્યુઆરી 2022ના રોજ ખોડલધામ ખાતે માતાજીના ભવ્ય પાટોત્સવની ઉજવણી કરવાની તૈયારીઓ ચાલી રહી છે. જેને પગલે ખોડલધામ પાટોત્સવના નામે નરેશ પટેલ સમગ્ર ગુજરાતમાં ભ્રમણ કરી રહ્યા છે. ત્યારે હાલ નરેશું પટેલ દરેક જિલ્લામાં પાટીદારોનો સંપર્ક કરીને આગામી ચૂંટણી લડવી કે નહીં તેનો તાગ મેળવી રહ્યા હોય તેવું ચર્ચાઈ રહ્યું છે.
વાંચો સમાચાર વિગતવાર

6) J&Kમાં વિધાનસભાની 7 સીટ વધશે, 26 વર્ષ પછી જમ્મુ-કાશ્મીરમાં નવું સીમાંકન થશે; જમ્મુમાં 6 અને કાશ્મીરમાં 1 સીટ વધવી જોઈએ-પંચનો પ્રસ્તાવ
જમ્મુ-કાશ્મીર માટે બનાવવામાં આવેલી સીમાંકન પેનલે જમ્મુમાં 6 અને કાશ્મીર ખીણમાં 1 વિધાનસભા સીટ વધારવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. તેથી હવે જમ્મુમાં 43 અને કાશ્મીરમાં 47 સીટ થશે. ST માટે 9 સીટ અને SC માટે 7 સીટ રિઝર્વ રખાશે. જ્યારે પીઓકે માટે 24 સીટ રિઝર્વ રાખવામાં આવશે. એસોસિયેટ મેમ્બર્સે 31 ડિસેમ્બર 2021 સુધી સૂચનો માગ્યાં છે. સીમાંકન પંચનાં સૂચનોની PDP અધ્યક્ષ અને પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ આકરા શબ્દોમાં નિંદા કરી છે.
વાંચો સમાચાર વિગતવાર

મહત્વપૂર્ણ સમાચારો માત્ર હેડલાઈનમાં
1) ઓમિક્રોનથી ડર્યું શેરબજાર, સેન્સેકસ 1190 પોઇન્ટ અને નિફ્ટી 370 પોઇન્ટ તૂટ્યા; વિદેશી સંસ્થાઓ તરફથી ધૂમ વેચવાલી કરાઈ
2) સંસદમાં જયા બચ્ચનને ગુસ્સો આવ્યો, સરકારને શ્રાપ આપ્યો કે તમારા ખરાબ દિવસો જલ્દી આવી જશે
3) પેપર લીક કરનાર પ્રિન્ટિંગ પ્રેસનો માલિક BJP-RSS સાથે જોડાયેલો છે, નરેન્દ્ર મોદીનાં અનેક પુસ્તકો અહીં જ પ્રિન્ટ થયાં છે: કોંગ્રેસ
4) ભારે વરસાદના કારણે મલેશિયાનાં 16 રાજ્યમાં 30 હજારથી વધારે લોકો બેઘર થયા, ફિલિપિન્સમાં 208નાં મોત
5) વડોદરામાં સાદા વેશમાં જતી મહિલા પોલીસકર્મીઓને જ અભદ્ર ઇશારો કરતો ટપોરી ઝડપાયો, 5 દિવસમાં 11 રોમિયો ઝડપાયા
6) સંખેડાના કાવિઠામાં સરપંચપદનાં ઉમેદવાર એશ્રા પટેલ સહિત 12 સામે ફરિયાદ, હરીફ ઉમેદવારના પતિ-પુત્રને જાનથી મારવા ધમકી આપી

આજનો ઈતિહાસ

વર્ષ 1913માં આજના દિવસે અખબારમાં પ્રથમ વખત ક્રોસવર્ડ પઝલ છપાઈ હતી, ધ ન્યૂયોર્ક વર્લ્ડની સન્ડે સપ્લીમેન્ટમાં તે છપાઈ હતી

આજનો સુવિચાર
મહત્ત્વ એ વાતનું નથી કે તમે કેટલા સારા છો, કેટલા સારા બનવા માગો છો એનું મહત્ત્વ છે...

તમારો દિવસ શુભ રહે, કાલે ફરી મળીશું...

અન્ય સમાચારો પણ છે...