મોર્નિંગ ન્યૂઝ પોડકાસ્ટ:આજે ગાંધીનગર મહાનગરપાલિકા, થરા અને ઓખા પાલિકાની ચૂંટણી, PM મોદીએ પીંપળીના સરપંચને પૂછ્યું- ચૂંટણીમાં મફત પાણીની વાત થશે તો શું કરશો?

18 દિવસ પહેલા

નમસ્કાર,

આજે રવિવાર, તારીખ 3 ઓક્ટોબર, ભાદરવા વદ બારસ

આ મહત્વપૂર્ણ ઘટનાઓ પર રહેશે નજર
1) ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની 11 વોર્ડની 44 બેઠક માટે મતદાન યોજાશે, ભાજપ-કોંગ્રેસના 44-44 અને આપના 40 ઉમેદવાર મેદાનમાં
2) થરા, ઓખા અને ભાણવડ નગરપાલિકાની ચૂંટણીમાં 78 બેઠક પર 205 ઉમેદવાર વચ્ચે જંગ
3) અમદાવાદ કોર્પોરેશનની બે, જૂનાગઢ કોર્પોરેશનની પેટાચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસના 3-3 મળી કુલ 10 ઉમેદવાર વચ્ચે સ્પર્ધા
4) રાજ્યમાં વિવિધ નગરપાલિકાની 42 બેઠક પર 117 ઉમેદવાર અને વિવિધ તાલુકા પંચાયતની 43 બેઠકો પર 123 ઉમેદવાર વચ્ચે હરીફાઈ
5) અમદાવાદના શિવાનંદ આશ્રમ ખાતે પૂર્વ અધ્યક્ષના ષોડશી કાર્યક્રમમાં દેશભરના 28 જેટલા સંત મહંતો હાજર રહેશે
6) કનુ દેસાઈ પારડીમાં, પૂર્ણેશ મોદી અને હર્ષ સંઘવી સુરત સહિત નવી પટેલ સરકારના મંત્રીઓ મતવિસ્તારમાં જન આશીર્વાદ યાત્રા

હવે જોઈએ ગઈકાલના ખાસ સમાચાર
1) ગુજરાતમાં બનેલી તોપ ચીન સામે તકાઈ:લદાખમાં પહેલીવાર K9 વજ્ર તોપ તહેનાત; આર્મી ચીફે કહ્યું- ચીને સૈનિક વધાર્યા, આપણે પણ જોખમનો સામનો કરવા સક્ષમ
વિસ્તારવાદી ચીનને તેની જ ભાષામાં જવાબ આપવા માટે ભારતે પણ કમર કસી છે. પહેલીવાર લદાખની સરહદ પર શનિવારે ભારતે K-9 વજ્ર તોપો તહેનાત કરી છે. આ સેલ્ફ- પ્રોપેલ્ડ હોવિત્ઝર તોપ 50 કિલોમીટર દૂર સુધી નિશાન સાધવા સક્ષમ છે. ચીન સાથે એક વર્ષથી લાંબા સમય સુધી સરહદ પર ચાલતા વિવાદને કારણે આ તોપ તહેનાત કરવામાં આવી છે. ગુજરાતમાં સુરત નજીક હજીરામાં K9 વજ્ર તોપને લીલીઝંડી આપીને સૈન્યમાં સામેલ કરાઈ હતી.
વાંચો સમાચાર વિગતવાર

2) નરેન્દ્ર મોદીએ ગુજરાતના સરપંચને પૂછ્યું, ચૂંટણીમાં મફત પાણીની વાત થશે તો શું કરશો, સરપંચે કહ્યું- પાણી આપીશું અને યોગદાન લઈશું
વડાપ્રધાને પીંપળી ગામના લોકો સાથે વીડિયો-કોન્ફરન્સિંગથી જળ જીવન મિશનની વાતચીત કરી હતી. નરેન્દ્ર મોદીએ જ્યારે તેમના દ્વારા પાણી અંગે લેવામાં આવતા યોગદાન અંગે કહ્યું હતું કે ચૂંટણીમાં મફત પાણીની વાત થશે તો એના જવાબમાં સરપંચે જણાવ્યું હતું કે પાણી આપીશું અને યોગદાન પણ લઈશું, કારણ કે અમે જાણીએ છીએ પાણી અનમોલ છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતીએ 2 ઓક્ટોબરે સ્વચ્છતા અભિયાન સંદર્ભે ખાસ ગ્રામસભા માટે બનાસકાંઠાના પાલનપુર તાલુકાના પીંપળી ગામની પસંદગી કરાઈ હતી. આ ગામના સરપંચ સહિત ગ્રામજનો સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંવાદ કર્યો હતો.
વાંચો સમાચાર વિગતવાર

3) ડાકોરના રણછોડરાય મંદિરે પૂજા કરવા મહિલાઓ પહોંચી, તાળાં મારી દઈ પ્રવેશ કરતાં અટકાવાઈ, ચાર કલાક માથાકૂટ ચાલી, મહિલાઓ મક્કમ
યાત્રાધામ ડાકોરમાં રણછોડરાયની સેવાનો બે બહેને મંદિરમાં પૂજાનો અધિકાર માગ્યો છે. સ્વર્ગસ્થ મંદિરના પૂજારી કૃષ્ણલાલા સેવકની દીકરીઓ સીધા વારસદાર હોવાથી બંને બહેનોને મંદિરમાં સેવા-પૂજા કરવાનો અધિકાર છે, એવું જણાવ્યું છે. બંને બહેનોએ મંદિરમાં પૂજા માટે સુરક્ષાની પણ માગ કરી છે. ત્યારે પોલીસે પણ કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે નિર્દેશન કર્યો છે. મંદિરના 1200 વર્ષના ઈતિહાસમાં કોઈ મહિલાએ ભગવાનની પૂજા નથી કરી. બન્ને મહિલાએ કોઈપણ સંજોગોમાં રણછોડરાયની સેવા-પૂજા કરશે એવી જાહેરાત કરતાં મામલો ગરમાયો છે.
વાંચો સમાચાર વિગતવાર

4) PM મોદીએ રાજઘાટ જઈને મહાત્મા ગાંધીને પુષ્પાંજલિ અર્પણ કરી ; વિજય ઘાટ જઈને લાલ બહાદુર શાસ્ત્રીને પણ શ્રદ્ધાંજલિ આપીમહાત્મા ગાંધીની 152મી જન્મજયંતિ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજઘાટ પર બાપુને શ્રદ્ધાંજલિ આપી છે. આ પછી વડાપ્રધાન મોદી વિજય ઘાટ પહોંચ્યા હતા અને ત્યાં પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીને પણ શ્રદ્ધાંજલિ આપી. આજે તેમની 117મી જન્મજયંતિ છે. મોદીએ ટ્વીટ કર્યું હતું કે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને તેમની જન્મજયંતિ પર વિનમ્ર શ્રદ્ધાંજલિ. પૂજ્ય બાપુનું જીવન દેશની દરેક પેઢીને ફરજના માર્ગ પર ચાલવા માટે તમને પ્રેરણા આપતું રહેશે.
વાંચો સમાચાર વિગતવાર

5) નાગરિકોને ગરબા રમવા હોય, હોટલ-રેસ્ટોરાંમાં જવું હોય તો વેક્સિન સર્ટિફિકેટ ફરજિયાત, પણ રાજકીય કાર્યક્રમો માટે નહી?
ગુજરાતનાં મોટાં શહેરોમાં વેક્સિનેશન અભિયાન પૂરજોશમાં છે. હવે શહેરોમાં જાહેર સ્થળો, પર્યટન સ્થળો, બાગ-બગીચા, હોટલ-રેસ્ટોરાં અને સરકારી કચેરીઓમાં આવનારા લોકોને વેક્સિનનના બંને ડોઝ લીધા હોવાનું સર્ટિફિકેટ બતાવવું પડશે. સરકારે નવરાત્રિમાં ગરબા રમવા માટે પણ વેક્સિનના બંને ડોઝ લીધા હોવાનું સર્ટિફિકેટ ફરજિયાત કર્યું છે, પરંતુ રાજકીય કાર્યક્રમોમાં વેક્સિનેશનના સર્ટિફિકેટને કેમ ફરજિયાત કરવામાં નથી આવ્યું. શું સરકારની આ SOP માત્ર સામાન્ય નાગરિકો માટે જ છે? રાજકીય પક્ષોના કાર્યકરોને સરકારની આ SOP લાગુ નથી પડતી? આવા સવાલો લોકોમાં ચર્ચાસ્થાને છે.
વાંચો સમાચાર વિગતવાર

6) મિડલ ક્લાસ અને યુવાવર્ગને આકર્ષવા તનિષ્ક અને કલ્યાણ જેવા ટોચના ટ્રેડિશનલ જ્વેલર્સે ડિજિટલ ગોલ્ડ વેચવાનું શરૂ કર્યું
સોનાના ભાવમાં છેલ્લા એક-દોઢ વર્ષથી જે રીતે ભાવવધારો થઈ રહ્યો છે એને કારણે ખાસ કરીને મધ્યમવર્ગ હવે ડિજિટલ ગોલ્ડની ખરીદી તરફ વળ્યો છે. આ સાથે જ યુવાવર્ગ પણ ફિઝિકલ સોનાની ખરીદી કરવા કરતાં ડિજિટલ ગોલ્ડ લેવાનું વધારે પસંદ કરે છે. આ વાતને ધ્યાનમાં રાખીને દેશના ટોચના ટ્રેડિશનલ જ્વેલર્સ પણ હવે ડિજિટલ સોનું વેચવા તરફ વળ્યા છે. ટાટા ગ્રુપના તનિષ્ક જ્વેલર્સ અને કલ્યાણ જ્વેલર્સ દ્વારા હવે ડિજિટલ ગોલ્ડની સર્વિસ શરૂ કરવામાં આવી છે.
વાંચો સમાચાર વિગતવાર

7) કોંગ્રેસ MLA સુખરામ રાઠવાએ કહ્યું- સરકાર અમને નકસલવાદી પ્રવૃત્તિ તરફ ન મોકલે, ઝારખંડવાળી કરવી હોય તો છોકરાઓ તૈયારી કરીને બેઠાં છે
છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર ખાતે ગાંધી જયંતિના દિવસથી રાઠસેના દ્વારા આદીવાસીઓને જાતિના દાખલા મુદ્દે ચાલી રહેલી લડતને પગલે પ્રતિક ધરણાં શરૂ કર્યા છે. જેમાં કોંગ્રેસના ધારાસભ્ય સુખરામ રાઠવા આકરાપાણીને આવીને વિવાદાસ્પદ નિવેદન કરતા ખળભળાટ મચી ગયો છે. સુખરામ રાઠવાએ જણાવ્યું હતું કે, સરકાર અમને નકસ્લાઇટ પ્રવૃત્તિ તરફ ન મોકલે, ઝારખંડવાળી કરવી હોય તો તેની પણ તૈયારી છોકરાઓ કરીને બેઠાં છે.
વાંચો સમાચાર વિગતવાર

અમરેલીના ભાજપ નેતા ડો. કાનાબારે સરકારની પોલ ખોલી, રોડ બનાવનારાઓને 'ટુકડે ટુકડે' પૈસા ખાતી ગેંગ કહી
ગુજરાતભરમાં ચોમાસામાં શહેરો અને મહાનગરોમાં રોડ રસ્તા હાઇવેના કામોની નબળી ગુણવત્તાના કારણે રોડ રસ્તા ખખડધજ બને છે. ચોમાસા દરમિયાન રસ્તામાં પાણી ભરાતા ખાડા રાજથી વાહનો ચાલકો સ્થાનિકો નગરવાસીઓ પરેશાન થતા હોય છે. ત્યારે હાલ સોશિયલ મીડિયામાં એક તસવીર સાથે અમરેલી ભાજપના વરિષ્ઠ નેતા અને જિલ્લા ભાજપ પૂર્વ પ્રમુખ ડૉ. ભરત કાનાબાર દ્વારા શનિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને ટેગ કરી એક ટ્વીટ કર્યું છે. જેને લઈ સોશિયલ મીડિયા પર ધૂમ મચી છે.
વાંચો સમાચાર વિગતવાર

મહત્વપૂર્ણ સમાચારો માત્ર હેડલાઈનમાં
1) ‘ફેમિલી મેન-2’ ફેમ સમાંથા અને નાગાર્જુનના પુત્ર નાગ ચૈતન્યના છૂટાછેડા, સમાંથાને ભરણપોષણ તરીકે 50 કરોડ રૂપિયા મળશે
2) ભારતના આઇટી નિયમો અને વોટ્સએપની સેવાની શરતોનું ઉલ્લંઘન કરતાં ભારતમાં 20 લાખ અકાઉન્ટ્સ બંધ કર્યા,સ્પેમ અને અનિચ્છનીય મેસેજ રોકવા પગલું ભર્યું
3) સુપ્રીમના ચીફ જસ્ટિસ એન.વી. રમન્નાએ કહ્યું, જે અધિકારીઓ સરકાર સાથે મળીને ગેરકાયદે નાણાં કમાય છે, તેઓ જેલમાં હોવા જોઈએ
4) છત્તીસગઢમાં જવાનોથી ભરેલી બસે પલટી ખાધી, 38 જવાનો CMની ડ્યુટી માટે લઈ જઈ રહેલી બસ મેનપાટમાં 15 ફૂટ ઊંડી ખાઈમાં પડી, 12 ઈજાગ્રસ્ત અને 4 જવાન ગંભીર
5) કોરોના સામેની લડાઈમાં વધુ એક સિદ્ધિ, દેશમાં વેક્સિનેશનનો આંક 90 કરોડને પાર; 24 કરોડ લોકોને બંને ડોઝ આપવામાં આવ્યા
6) કચ્છના હમીરસર તળાવ મામલે HCની ટકોર, "બ્યુટીફિકેશનના નામે કેટલાય પક્ષીઓને ઉડાડી દીધા, હવે 3 મહિનામાં પક્ષીઓ પરત ન લાવ્યા તો ખેર નથી"
7) અમદાવાદમાં પબજી ગેમના રવાડે ચઢેલી સગીરા ઘરેથી ભાગી જવાની ધમકીઓ આપતી, લત છોડાવવા માતા-પિતાએ ભણાવવાનું બંધ કરાવ્યું

આજનો ઈતિહાસ

વર્ષ 1977માં આજના દિવસે ઈન્દિરા ગાંધીની ભ્રષ્ટાચારના આરોપમાં ધરપકડ થઈ હતી. ભારતમાં પ્રથમ વખતની ઘટના બનેલી કે કોઈ ભૂતપૂર્વ વડાપ્રધાનની ધરપકડ થઈ હોય

અને આજનો સુવિચાર
જો રસ્તો સુંદર હોય તો લક્ષ્યની ચિંતા કરવી નહીં અને જો લક્ષ્ય સુંદર હોય તો રસ્તાની ચિંતા કરવી નહીં

તમારો દિવસ શુભ રહે, કાલે ફરી મળીશું...

અન્ય સમાચારો પણ છે...