• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • DivyaBhaskar Morning Podcast: Congress Leader Calls Sardar Patel A Supporter Of Jinnah BJP Anger, Likely Ban Sale Of Temple Land In Gujarat

મોર્નિંગ ન્યૂઝ પોડકાસ્ટ:કોંગ્રેસનેતાએ સરદાર પટેલને જિન્નાહના સમર્થક ગણાવતાં ભાજપ લાલઘૂમ, ગુજરાતમાં મંદિરોની જમીનના વેચાણ પર પ્રતિબંધ લાગશે

એક મહિનો પહેલા

નમસ્કાર,

આજે મંગળવાર, તારીખ 19 ઓક્ટોબર, આસો સુદ ચૌદસ.

આ મહત્વપૂર્ણ ઘટનાઓ પર રહેશે નજર
1) આજે ઈદ-એ-મિલાદ, એક મહોલ્લાના જુલૂસ માટે 400 લોકોની મર્યાદા અને એકથી વધુ વિસ્તારમાં જુલૂસ કાઢવા માટે 15 વ્યક્તિ અને એક વાહનની મર્યાદા
2) ખેડા જિલ્લામાં આજે શરદોત્સવની ઉજવણી થશે, તીર્થધામ વડતાલમાં અને યાત્રાધામ ડાકોરમાં શરદ પૂનમની ઉજવણીમાં ભક્તોનું ઘોડાપૂર ઊમટશે
3) વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના 53મા પદવીદાનને લઈને ઓનલાઇન ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ
4) સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ભરતી વિવાદમાં ગાંધીનગરથી ટીમ રાજકોટ તપાસ અર્થે આવી, આજે રિપોર્ટ જાહેર થતાં મોટાં નામ ખૂલવાની શક્યતા

હવે જોઈએ ગઈકાલના ખાસ સમાચાર
1) સુરતની કડોદરા GIDCની કંપનીમાં ભીષણ આગ, પાંચમા માળેથી કૂદનાર કર્મચારી સહિત બેનાં મોત, માલિક સામે માનવવધનો ગુનો દાખલ
સુરતમાં કડોદરા GIDCમાં વિવાહ પેકેજિંગ નામની કંપનીમાં વહેલી સવારે આગ લાગી હતી, જેમાં બે કામદારનાં મોત નીપજ્યાં છે. આગથી બચવા માટે અનેક લોકોએ પોતાના બચાવ માટે દોડાદોડ કરી મૃૂકી હતી. આગની ઘટનાનો સુરત ફાયરબ્રિગેડને સવારે 4.30 વાગ્યે કોલ મળ્યો હતો. કોલ મળતાંની સાથે તાત્કાલિક રેસ્ક્યૂ ઓપરેશન અને આગને કાબૂમાં લેવા માટે ફાયર વિભાગના અધિકારીઓ દોડી ગયાં હતાં. 108 ઈમર્જન્સી એમ્બ્યુલન્સ પણ ઘટનાસ્થળે તાત્કાલિક પહોંચી ગઈ હતી. ઘટનાના વાવડ વાયુવેગે પ્રસરતાં લોકોનાં ટોળેટોળા ઉમટી પડ્યાં હતાં. આ આગની ઘટનામાં 15થી વધુ દાઝી ગયા અને 50થી વધુ ઈજાગ્રસ્ત થયા છે. આગ પર પાંચ કલાકની જહેમતે કાબૂ મેળવાયો હતો. કડોદરા પોલીસ સ્ટેશનમાં કંપનીના માલિક જનક મધુભાઈ જોગણી વિરુદ્ધ સાપરાધ માનવવધનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
વાંચો સમાચાર વિગતવાર

2) CWCની મીટિંગમાં સરદાર પટેલને ગણાવ્યા ઝીણાના સમર્થક, ભાજપે કહ્યું- આ તો ગાંધી પરિવારની ખુશામતગીરીની પરાકાષ્ઠા છે
કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC)ની મીટિંગમાં પાર્ટીના એક નેતાના નિવેદન પર હોબાળો થઈ ગયો છે. ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાએ સોમવારે મીડિયા સાથે વાતચીત કરતા કહ્યું કે 16 ઓક્ટોબરે કોંગ્રેસ કાર્યસમિતિની બેઠકમાં દેશના લોખંડી પુરુષ સરદાર પટેલનું અપમાન કરાયું છે. કોંગ્રેસ-અધ્યક્ષ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની સામે આ પ્રકારનું નિવેદન કરવું એ ખુશામતગીરીની એક પરાકાષ્ઠા છે. ભાજપનો આરોપ છે કે કોંગ્રેસના નેતા તારિક હમીદ કર્રાએ મીટિંગમાં સરદાર પટેલને મોહમ્મદ અલી જિન્નાહના સમર્થક ગણાવ્યા છે. તારિક હમીદ કર્રા PDPમાંથી કોંગ્રેસમાં આવ્યા છે. તેઓ કોંગ્રેસ કાર્યસમિતિના આમંત્રિત સભ્ય છે.
વાંચો સમાચાર વિગતવાર

3) મંદિરોના નામે જમીનના ધંધા નહીં ચાલે: ગુજરાતમાં મંદિરોની જમીનના વેચાણ પર પ્રતિબંધ લાગશે, ખોટી રીતે વેચાયેલી મંદિરની જમીનો પણ શ્રી સરકાર કરાશે
ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકાર હવે, મંદિરોની જમીનો મુદ્દે મોટો નિર્ણય લેવા જઈ રહી છે. સરકાર મંદિરોના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય લેશે. જેમાં મંદિરોની જમીનનું વેચાણ નહીં થઈ શકે. માત્ર એટલું જ નહીં, અગાઉ ખોટી રીતે વેચાયેલી જમીન પણ શ્રી સરકાર કરાશે. ટૂંક સમયમાં જ તમામ કલેક્ટરોને આ દિશામાં કાર્યવાહી કરવા સૂચના અપાશે. આ મામલે મંદિરોની જમીનનું વેચાણ અને એન.એ.(બિન ખેતી) કરવામાં આવી હોય તે વિગતો સરકારે કલેક્ટરો પાસે માંગી છે.
વાંચો સમાચાર વિગતવાર

4) રાજસ્થાનના બાડમેર જિલ્લામાં ડીસાના પરિવારને અકસ્માત નડ્યો, ટ્રકે અડફેટે લેતાં બોલેરોનો ભુક્કો બોલી ગયો
રાજસ્થાનના બાડમેર જિલ્લામાં આવેલા જસોલ ખાતે માજિસા મંદિરે દર્શન કરવા માટે ગયેલા ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના એક પરિવારને અકસ્માત નડતા 4 લોકોના મોત નિપજ્યા છે. તો પાંચ લોકો ઘાયલ થયા છે. ડીસાનો પરિવાર દર્શન કરી બોલેરોમાં સવાર થઈ પરત ફરી રહ્યો હતો ત્યારે ટ્રક અડફેટે આવી જતા અકસ્માત સર્જાયો હતો. બાડમેર જિલ્લાના જ સિણધરી નજીક ભગતસિંહ મેગા હાઈવે પર બોલેરો કાર ટ્રક સાથે અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે બોલેરોનો ભુક્કો બોલી ગયો હતો અને હાઈવે મરણચીંસોથી ગુંજી ઉઠ્યો હતો.
વાંચો સમાચાર વિગતવાર

5) અમદાવાદમાં ભાજપ-કોંગ્રેસના કોર્પોરેટરોને જન્મદિવસ-મેરેજ એનિવર્સરીની ઉજવણી આંગણવાડીના બાળકોને ફ્રૂટ વિતરણ-પૌષ્ટિક આહાર આપી કરવી પડશે
કુપોષણમુક્ત ભારત અંતર્ગત અમદાવાદ શહેરમાં કોઈ બાળક કુપોષિત ન રહે તેના માટે મ્યુનિસિપલ કોર્પોરેશનના મહિલા બાળ વિકાસ વિભાગ દ્વારા પહેલ કરવામાં આવી છે. અમદાવાદના ભાજપ-કોંગ્રેસના તમામ કોર્પોરેટરોને તેમના કુટુંબમાં જન્મ દિવસ તેમજ મેરેજ એનિવર્સરી જેવા પ્રસંગોમાં આંગણવાડીના બાળકોને ફ્રૂટ વિતરણ-પૌષ્ટિક આહાર આપવા માટે જણાવવામાં આવ્યું છે. મહિલા અને બાળ વિકાસ કમિટીના ચેરમેન પ્રતિભા જૈન દ્વારા આ માટે તમામ કોર્પોરેટરોને પત્ર લખી જાણ કરવામાં આવી છે. આ રીતે કુપોષણમુક્ત ભારત અભિયાનને આગળ વધારી શકાય.
વાંચો સમાચાર વિગતવાર

6) રણજિત હત્યાકાંડમાં આવ્યો ચુકાદો, ગુરમીત રામ રહીમ સહિત પાંચેય દોષિતોને આજીવન કેદની સજા, રામ રહીમને રૂ. 31 લાખનો દંડ પણ ફટકાર્યો
રણજીત સિંહ હત્યાકાંડમાં કોર્ટે ડેરા સચ્ચા સોદાના પ્રમુખ રામ રહીમ સહિત 5 અન્ય દોષિતને ઉંમર કેદની સજા સંભળાવી હતી. આ કેસમાં રામ રહીમ સિવાય બાકીના દોષિતોનાં નામ જસબીર, અવતાર, કૃષ્ણ લાલ અને સબદિલ છે. પંચકૂલા CBI જજ સુશીલ ગર્ગે રામ રહીમને 31 લાખ રૂપિયાન દંડ ફટકાર્યો છે, જ્યારે બાકીના ચાર દોષિતોને 50-50 હજાર રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે. રામ રહીમને આ પહેલાં પત્રકાર રામચંદ્ર છત્રપતિ હત્યાકાંડમાં પણ આજીવન કેદની સજા થઈ ચૂકી છે. આ સિવાય બે સાધ્વીનાં યૌનશોષણ મામલામાં પણ રામ રહીમને 10-10 વર્ષની સજા થઈ છે.
વાંચો સમાચાર વિગતવાર

7) બાંગ્લાદેશમાં મંદિરો પર હુમલા પછી ઉપદ્રવીઓએ હવે 65 હિન્દુનાં ઘર સળગાવ્યાં, સોશિયલ મીડિયા પોસ્ટ પર થયો વિવાદ
બાંગ્લાદેશમાં હિન્દુઓની વિરુદ્ધ હિંસક ઘટનાઓ ધીરે-ધીરે વધી રહી છે. હિન્દુ મંદિરો અને શ્રદ્ધાળુઓ પર જીવલેણે હુમલા પછી હવે હિન્દુઓનાં ઘરોમાં આગ લગાવવાના મામલા પ્રકાશમાં આવ્યા છે. અહીંના રંગપુર જિલ્લામાં એક સોશિયલ મીડિયા પોસ્ટને લઈને કેટલાક લોકોએ હિન્દુ સમદાયનાં ઘરોમાં આગ લગાવી દીધી. તેમાં 20 ઘર સંપૂર્ણ રીતે સળગીને ખાખ થઈ ગયાં. આ ઘટના પીરગંજમાં રામનાથપુર યુનિયનમાં માજિપારા વિસ્તારમાં રવિવારે સાંજે બની હતી.
વાંચો સમાચાર વિગતવાર

8) અજગર ભરડા સામે ભીડી બાથ:જૂનાગઢના જલંધર ગામમાં 10 વર્ષીય બાળકે અજગરના મોઢા પર મુક્કો મારી પોતાનો પગ છોડાવ્યો
જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીના તાલુકાના જલંધર ગામની સીમના પોતાના ખેતરમાં જિલ્લા પંચાયતના સભ્યનો દસ વર્ષીય પુત્ર ખેતરમાં રમતો હતો. ત્યારે એક અજગરે તેનો પગ પકડી શિકાર કરવા પ્રયાસ કર્યો, પરંતુ બાળકે હિંમતભેર અજગરના મોઢા પર મુક્કો અને પથ્થર મારી પોતાનો પગ અજગરના મોઢામાંથી છોડાવી લેતાં બચી ગયો હતો. બાદમાં બાળકને ઇજા થઇ હોવાથી તાત્કાલિક સારવારમાં લઈ જવાયો હતો. આ ઘટનાની સભ્યએ વન વિભાગને જાણ કરતા સ્થળ પર દોડી આવેલા વનકર્મીઓએ અજગરનું રેસ્ક્યૂ કરી કેદ કરી લીધો હતો.
વાંચો સમાચાર વિગતવાર

મહત્ત્વપૂર્ણ સમાચારો માત્ર હેડલાઈનમાં
1) 31 ઓક્ટોબરે PM મોદી કેવડિયા નહીં આવે, 28થી 31 ઓક્ટોબર દરમિયાન સ્ટેચ્યૂ ઓફ યુનિટી સહિતનાં તમામ પ્રવાસન સ્થળો ખુલ્લાં રહેશે
2) ગુજરાત હાઈકોર્ટ ખાતે 7 નવનિયુક્ત ન્યાયમૂર્તિઓનો શપથ-ગ્રહણ સમારોહ યોજાયો, ચીફ જસ્ટિસ અરવિંદ કુમારે શપથ લેવડાવ્યા
3) બાંગ્લાદેશમાં મંદિરો પર હુમલા પછી ઉપદ્રવીઓએ હવે 65 હિન્દુઓનાં ઘર સળગાવ્યાં, સોશિયલ મીડિયા પોસ્ટ પર થયો વિવાદ
4) માઈક્રોસોફ્ટના ફાઉન્ડરની દીકરી જેનિફરે ઈજિપ્તના નાયલ નાસર સાથે લગ્ન કર્યા

5) ભારતના કોવિડ સર્ટિફિકેટને ઇઝરાયેલ માન્યતા આપશે, 2022માં ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કરવા માટે તૈયારી દર્શાવી

6) સુરત ST ડેપો દ્વારા દિવાળી પર એકસ્ટ્રા બસ દોડાવવાનું આયોજન,50 લોકો બુકિંગ કરાવે તો સોસાયટીએ બસ આવશે 7) વડોદરા કોર્ટમાં આધેડે જ્વલનશીલ પદાર્થ છાંટી આત્મવિલોપનનો પ્રયાસ કર્યો, વકીલોએ દોડી જઇને બચાવ્યા, પીઠના ભાગે દાઝ્યા 8) વડોદરામાં 4 સ્થળોએ EWS સ્કીમના 2132 આવાસોના ફોર્મ લેવા માટે લોકોએ પડાપડી કરી, ટોકન પદ્ધતિથી ફોર્મ વિતરણ શરૂ કરાયું 9) અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સિનિયર રેસિડેન્ટ ડોક્ટરે ઝેરી દવા ઇન્જેક્શનમાં નાખીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો

આજનો ઈતિહાસ
વર્ષ 2018માં આજના દિવસે અમૃતસરમાં દશેરા નિમિત્તે રેલ પાટા પર ઊભા રહી રાવણ દહન જોઈ રહેલા 60 લોકો ટ્રેનની ઝપટમાં આવી જતાં મૃત્યુ પામ્યા હતા

આજનો સુવિચાર
ભાગ્યશાળી એ નથી જેમને બધું સારું મળે છે, પણ એ હોય છે જેમને જે મળે છે એને તે સારું બનાવી લે છે
તમારો દિવસ શુભ રહે, કાલે ફરી મળીશું...

અન્ય સમાચારો પણ છે...