• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • DivyaBhaskar Morning Podcast: CM Bhupendra Patel Says We Will Make Mistakes, Teach Without Slapped, Aryan Khan's Bail Application Will Be Heard, Amit Shah Will Inaugurate The T stall Of Gandhinagar Railway Station

મોર્નિંગ ન્યૂઝ પોડકાસ્ટ:CM ભૂપેન્દ્ર પટેલ કહ્યું-અમારાથી ભૂલો થશે, લાફો ન મારતા, પણ શીખવજો, આર્યનની જામીનઅરજી પર સુનાવણી થશે, ગાંધીનગર રેલવે સ્ટેશનના ટી-સ્ટોલનું અમિત શાહ લોકાર્પણ કરશે

11 દિવસ પહેલા

નમસ્કાર,

આજે શુક્રવાર, તારીખ 8 ઓક્ટોબર, આસો સુદ બીજ

આ મહત્ત્વપૂર્ણ ઘટનાઓ પર રહેશે નજર
1) ડ્રગ્સ કેસમાં કસ્ટડીમાં રહેલા શાહરુખ ખાનના દીકરા આર્યન ખાનની જામીનઅરજીની આજે સુનાવણી હાથ ધરાશે
2) ગાંધીનગર રેલવે સ્ટેશને કેન્દ્રીય ગૃહ અને સહકારમંત્રી અમિત શાહ મહિલા સ્વ સહાય જૂથ ઉત્થાન માટે ફાળવેલા ટી-સ્ટોલનું લોકાર્પણ કરશે
3) લખીમપુર ખીરી હિંસા મુદ્દે આજે સુપ્રીમ કોર્ટમાં ચીફ જસ્ટિસ એનવી રમન્નાની આગેવાની હેઠળ ત્રણ સભ્યોની બેંચ સુનાવણી કરશે
4) અમદાવાદ શહેરમાં હર્ષ સંઘવી અને જિલ્લામાં ઋષિકેશ પટેલ સહિતના પટેલ સરકારના મંત્રીઓની આજે જન આશીર્વાદ યાત્રા યોજાશે
5) આજે રાજકોટમાં કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીના હસ્તે ઇલેક્ટ્રિક બસનું લોકાર્પણ કરવામાં આવશે
6) રાજકોટમાં વિવિધ સંસ્થાઓ દ્વારા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનો ઋણ સ્વીકાર કાર્યક્રમ યોજાશે

હવે જોઈએ ગઈકાલના ખાસ સમાચાર
1) ભરૂચમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ બોલ્યા, અમારી સરકાર અને મંત્રીમંડળ નવાં છે, અમારાથી પણ ભૂલો થશે, અમને શીખવજો
ભરૂચમાં પીએમ કેર હેઠળ સિવિલ હોસ્પિટલમાં સ્થાપિત 1.87 મેટ્રિક ટનના ઓક્સિજન પ્લાન્ટના લોકાર્પણ પ્રસંગે પહેલીવાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવ્યા હતા. તેમણે પ્લાન્ટનું લોકાર્પણ કર્યા બાદ પંડિત ઓમકારનાથ હોલ ખાતે કોરોના વોરિયર્સનું સન્માન અને અંકલેશ્વર રેવન્યુ કવાર્ટરનું ઇ-લોકાર્પણ કર્યું હતું. એ સમયે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે અમારી સરકાર અને મંત્રીમંડળ નવાં છે, અમારાથી પણ ભૂલો થશે, અમને લાફો ન મારતાં, પણ શીખવજો, અમે શીખીશું.

વાંચો સમાચાર વિગતવાર

2) પેટ્રોલ પ્રતિ લિટર રૂ.100એ પહોંચતા રાજ્યભરમાં આક્રોશ, કહ્યું- જનતા મૂંગા મોઢે પશુઓની જેમ માર સહન કરી રહી છે, સરકાર બળવા માટે તૈયાર રહે
પહેલા નોરતે જ પ્રજા પર મોંઘવારીનો કોરડો વિંઝાયો છે. ગુજરાતમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લિટર રૂ.100 થઈ જતા પહેલેથી જ કમ્મરતોડ મોંઘવારીથી પીડાતી પ્રજાની પીડામાં વધુ વધારો થયો છે. 7 ઓક્ટોબરે પેટ્રોલમાં ભાવ 29 પૈસા વધીને અમદાવાદમાં રૂ. 100.04 પ્રતિ લિટર પહોંચી ગયો છે. રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી સતત પેટ્રોલના ભાવમાં વધારો થઈ રહ્યો છે. ત્રણ દિવસ દરમિયાન પેટ્રોલમાં 84 પૈસા જેવો વધારો થયો છે. જેને પગલે મધ્યવર્ગનું બજેટ ખોરવાયું છે. પેટ્રોલમાં થઈ રહેલા આ તોતિંગ ભાવ વધારાને કારણે પ્રજામાં આક્રોશ જોવા મળી રહ્યો છે.
વાંચો સમાચાર વિગતવાર

3) શિક્ષણમંત્રી જિતુ વાઘાણીને જ ફી માળખાની ખબર નથી, ધો.1થી 5ની સ્કૂલો શરૂ કરવા તૈયાર
પ્રજાનું ઋણ સ્વીકાર કરવા જન આશીર્વાદ યાત્રા માટે શિક્ષણમંત્રી જિતુ વાઘાણી રાજકોટ જિલ્લામાં આવ્યા હતા. રાજકોટના કુવાડવા ખાતે તેમનું કંકુ તિલકથી સ્વાગત કરાયું હતું અને બાદમાં ખોડલધામ પહોંચ્યા હતા. મંદિરમાં પ્રવેશે એ પહેલાં પગથિયાં પર નતમસ્તક થઈ મા ખોડલ સમક્ષ શીશ ઝુકાવ્યું હતું. બાદમાં માતાજીનાં દર્શન કરી ધ્વજારોહણ કર્યું હતું. ધ્વજારોહણ કરતાં પહેલાં જિતુ વાઘાણીએ ધ્વજાને માથું ટેકવ્યું હતું. બાદમાં 100 કિલો ચાંદી સાથે રજતુલા યોજાઈ હતી. જોકે ફીના માળખા અંગે શિક્ષણમંત્રી અજાણ છે, પ્રેસ-કોન્ફરન્સમાં પૂછવામાં આવતાં તેઓ અજાણ હોવાનું સામે આવ્યું હતું. બાદમાં પોતાના બચાવ માટે તેમણે કહ્યું હતું કે જે-તે વિભાગ સાથે ચર્ચા કરીશું.
વાંચો સમાચાર વિગતવાર

4) વડોદરા હાઇ પ્રોફાઇલ દુષ્કર્મ કેસમાં અશોક જૈન પૂજા કરવા જતો હતો અને ક્રાઇમ બ્રાન્ચે દબોચ્યો, પોલીસને જોતા જ ડઘાઇ ગયો, આરોપીના ભત્રીજાની કડક પૂછપરછમાં ભાંડો ફૂટ્યો
વડોદરા શહેરના હાઇ પ્રોફાઇલ દુષ્કર્મ કેસમાં એક પછી એક તમામ આરોપીઓ ઝડપાઇ ગયા છે. કાનજી મોકરિયા, રાજુ ભટ્ટ બાદ ક્રાઇમ બ્રાન્ચે ગુરૂવારે અશોક જૈન અને અલ્પુ સિંધીને પણ ઝડપી પાડ્યા છે. અશોક જૈન પૂજા કરવા માટે જઇ રહ્યો હતો. ત્યારે પોલીસે તેને દબોચી લીધો હતો.
વાંચો સમાચાર વિગતવાર

5) લખીમપુર ખીરી હિંસા મુદ્દે સુપ્રીમ કોર્ટે UP સરકાર પાસેથી કાલ સુધી તપાસનું સ્ટેટસ માગ્યું, પૂછ્યું- જેમના વિરુદ્ધ FIR નોંધાઈ, તેમની ધરપકડ થઈ કે નહીં?
લખીમપુર ખીરી હિંસાને લઈને સુપ્રીમ કોર્ટે યૂપી સરકારને કઠેરામાં લાવીને ઉભી કરી છે. કોર્ટે સરકારને અત્યાર સુધી થયેલી તપાસનો રિપોર્ટ શુક્રવાર સુધી આપવાનો આદેશ આપ્યો છે. તે સિવાય એમ પણ પૂછ્યું છે કે જેમની સામે FIR નોંધાઈ છે તેમની ધરપકડ કરવામાં આવી કે નહીં? જે લોકો આરોપી છે તેમની સંપૂર્ણ વિગતો આપવામાં આવે. આ અગાઉ ચીફ જસ્ટિસ એનવી રમન્નાએ કહ્યું કે આ સંપૂર્ણ મામલાની કોર્ટે નોંધ લીધી છે. તેમની આગેવાની હેઠળ ત્રણ સભ્યોની બેંચ સુનાવણી કરશે. હવે આગળની સુનાવણી કાલે થશે.લખીમપુર હિંસા મામલે પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે અને 3 આરોપીને કસ્ટડીમાં લીધા છે. લવ કુશ અને આશીષ પાંડેની ધરપકડ કરવામાં આવી છે. આશીષ મિશ્રાની ધરપકડ કરવા માટે પોલીસની છાપામારી ચાલી રહી છે.
વાંચો સમાચાર વિગતવાર

6) કાશ્મીરમાં વધતો આતંક:શ્રીનગરમાં આતંકવાદીઓએ સ્કૂલમાં ઘૂસીને ફાયરિંગ કર્યું, પ્રિન્સિપાલ અને એક શિક્ષકનાં મૃત્યુ
જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં આતંકીઓએ ઈદગાહ વિસ્તારમાં ગવર્મેન્ટ બોયઝ હાયર સેન્ડરી સ્કુલમાં ઘુસીને ફાયરિંગ કર્યું. તેમાં પ્રિન્સિપલ સતિંદર કૌર અને શિક્ષક દીપક ચાંદનું મૃત્યુ થયું છે. સતિંદર કૌર શીખ અન દીપક ચાંદ કાશ્મીર પંડિત હતા. સુરક્ષાદળ ઘટના સ્થળે પહોંચી ગયું છે અને આતંકીઓને શોધખોળ ચાલુ છે. ઘાટીમાં નાગરિકોની હત્યા કરવાની આ છેલ્લા 5 દિવસમાં 7મી ઘટના છે, જેમાંથી 6 માત્ર શ્રીનગરની જ છે.
વાંચો સમાચાર વિગતવાર

7) ક્રૂઝ ડ્રગ્સ પાર્ટી કેસ પાંચમા દિવસે આર્યન સહિત આઠ આરોપીને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયા
શાહરુખ ખાનના દીકરા આર્યન ખાનના આજે (7 ઓક્ટોબર) NCB (નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો)ની કસ્ટડી પૂરી થઈ હતી. NCBએ આર્યન ખાન, મુનમુન ધામેચા, અરબાઝ મર્ચન્ટ સહિત 8ને આજે (7 ઓક્ટોબરે) કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતાં. ક્રૂઝ ડ્રગ્સ પાર્ટી કેસમાં મેટ્રોપૉલિટન કોર્ટે શાહરુખના દીકરા આર્યન સહિત 8 આરોપીઓને NCBની કસ્ટડીમાં મોકલવાનો ઈનકાર કર્યો હતો. કોર્ટે આઠેય આરોપીને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યા છે. જામીન અરજી પર આવતીકાલ (8 ઓક્ટોબર)ના રોજ સુનાવણી કરવામાં આવશે. આ પહેલાં NCBએ આર્યન સહિત 8 આરોપીઓની કસ્ટડી 11 ઓક્ટોબર સુધી વધારવાની માગણી કરી હતી.
વાંચો સમાચાર વિગતવાર

8) દુનિયાને મળી મલેરિયાની વેક્સિન:WHOએ મલેરિયાની પહેલી વેક્સિનને મંજૂરી આપી, આફ્રિકી દેશોમાં શરૂઆત થશે; ભારતમાં દર વર્ષે 3 લાખથી વધુ કેસો નોંધાય છે
દુનિયામાં મલેરિયાની પહેલી વેક્સિન RTS,S/AS01ને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)એ મંજૂરી આપી દીધી છે. મલેરિયાના સૌથી વધુ પ્રભાવી આફ્રિકી દેશોમાં વેક્સિનની શરૂઆત થશે. ત્યાર બાદ WHOનું ફોકસ દુનિયાભરમાં મલેરિયા વેક્સિન બનાવવા માટે ફન્ડિંગ ભેગું કરવાનું હશે, જેથી એ દરેક દેશ સુધી પહોંચી શકે. ત્યાર બાદ સંબંધિત દેશોની સરકાર નક્કી કરશે કે મલેરિયાને કંટ્રોલ કરવાના પ્રયત્નોમાં વેક્સિનને સામેલ કરે છે કે નહીં. WHOએ કહ્યું હતું કે મલેરિયાથી સૌથી વધુ પ્રભાવિત દેશો માટે વેક્સિન મોટી આશા લઈને આવી છે.
વાંચો સમાચાર વિગતવાર

મહત્વપૂર્ણ સમાચારો માત્ર હેડલાઈનમાં
1) લખીમપુર માટે નીકળેલા સિદ્ધુની યુપી બોર્ડર પર અટકાયત, ઘટનાના બે આરોપીની ધરપકડ; મંત્રીના દીકરાને સમન્સ આપ્યું
2) નવરાત્રિના પહેલા દિવસે જ અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, મંડપ પલળી ગયા, ગ્રાઉન્ડમાં પાણી ભરાયા
3) મેનકા-વરુણ ગાંધીની બીજેપીની રાષ્ટ્રીય કારોબારીમાંથી હકાલપટ્ટી, જ્યોતિરાદિત્ય સિંધિયા અને મિથુને મળી જગ્યા
4) બીજેપી સાંસદના કાફલાની ગાડીએ ખેડૂતને ટક્કર મારી, હોસ્પિટલમાં દાખલ; ખેડૂતોનો આરોપ- હત્યાનો હતો ઈરાદો
5) તાન્ઝાનિયાના અબ્દુલરઝાક ગુર્નાહને સાહિત્યનું નોબેલ, કમિટીએ કહ્યું- કોલોનિયલિઝમ વિરૂદ્ધ તેઓએ કોઈ જ સમજૂતી ન કરી
6) CSK સતત ત્રીજી મેચ હાર્યું, પંજાબે 6 વિકેટથી મેચ જીતી, કે.એલ.રાહુલે 98* રનની આક્રમક ઈનિંગ સાથે ઓરેન્જ કેપ મેળવી
7) PMનો ઉત્તરાખંડ પ્રવાસ: વડાપ્રધાન મોદીએ ઋષિકેશથી દેશને 35 ઓક્સિજન પ્લાન્ટની ભેટ આપી, મુખ્યમંત્રી ધામીને પોતાના મિત્ર કહ્યાં

આજનો ઈતિહાસ

8 ઓક્ટોબર 1932નાં રોજ વાયુસેનાની સ્થાપના કરવામાં આવી હતી. તેથી દર વર્ષે 8 ઓક્ટોબરે વાયુસેના દિવસ મનાવવામાં આવે છે. દેશ સ્વતંત્ર થયો તે પહેલાં વાયુસેના રોયલ ઈન્ડિયન એરફોર્સ (RIAF) તરીકે ઓળખાતું હતું. 1 એપ્રિલ 1933નાં રોજ વાયુસેનાની પહેલી બટાલિયન બની જેમાં 6 ઓફિસર અને 19 હવાઈ સિપાહીઓને સામેલ કરવામાં આવ્યા હતા. આઝાદી પછી વાયુસેનાના નામમાંથી રોયલ શબ્દ હટાવીને માત્ર ઈન્ડિયન એરફોર્સ કરાયું હતું.

અને આજનો સુવિચાર
અભિમાનથી માનવી ફુલાઈ શકે છે, પણ ફેલાઈ શકતો નથી, સારા દેખાવું સહેલું છે, પણ સારા બનવું કઠિન છે.

તમારો દિવસ શુભ રહે, કાલે ફરી મળીશું...

અન્ય સમાચારો પણ છે...