• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • DivyaBhaskar Morning Podcast: Bollywood Actress Ananya Pandey Will Appear Before The NCB Again Today In Drug Case. Rajkot Based Cricketer Run Away After Drug Addiction

મોર્નિંગ ન્યૂઝ પોડકાસ્ટ:ડ્રગ્સકેસમાં અભિનેત્રી અનન્યા પાંડે આજે ફરી NCB સમક્ષ હાજર થશે, ડ્રગ્સના રવાડે ચડેલો રાજકોટનો અંડર 19 રમેલો ક્રિકેટર લેટર લખી નાસી ગયો

એક મહિનો પહેલા

નમસ્કાર,

આજે શુક્રવાર, તારીખ 22 ઓક્ટોબર, આસો વદ બીજ.

આ મહત્ત્વપૂર્ણ ઘટનાઓ પર રહેશે નજર
1) આજે દિલ્હીમાં ગુજરાત કોંગ્રેસના 22 નેતા રાહુલ ગાંધીને મળશે, 2 સચિવ અને પ્રભારી રઘુ શર્મા પણ મુલાકાત કરશે
2) ડ્રગ્સકેસમાં બોલિવૂડ અભિનેત્રી અનન્યા પાંડે NCB સમક્ષ ફરી એકવાર હાજર થશે, સમીર વાનખેડે પૂછપરછ કરશે
3) આજે કેન્દ્રીય ગૃહ અને સહકારમંત્રી અમિત શાહનો જન્મદિવસે અંબાજીમાં ધ્વજા ચઢાવાશે, રાજ્યમાં ઉજવણીના અનેકવિધ કાર્યક્રમ
4) અમદાવાદમાં અમિત શાહના જન્મદિવસે સોલા સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને ફ્રૂટ વિતરણ તથા આરતીનો કાર્યક્રમ
5) પંચમહાલના શહેરા તાલુકાના ધાંધલપુર ખાતે જિલ્લાના પ્રથમ શિખરબંધ મંદિરનો આજથી બે દિવસીય મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ
6) સેવાસેતુ કાર્યક્રમમાં સાણંદ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગાંધીનગરમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી હાજર રહેશે

હવે જોઈએ ગઈકાલના ખાસ સમાચાર
1) બોલિવૂડની જેમ રાજકોટમાં પણ ડ્રગ્સનું દૂષણ, અંડર 19 રમેલા ક્રિકેટરની માતાનો વલોપાત: પુત્ર ડ્રગ્સના રવાડે ચડ્યો છે, ચિઠ્ઠી લખી નાસી ગયો છે
બોલિવૂડના સુપરસ્ટાર શાહરુખ ખાનના પુત્ર આર્યન ખાનની ડ્રગ્સ કેસમાં NCB દ્વારા ધરપકડ કરાયા બાદ નશાના વેપારને લઈને અનેક ચોંકાવનારા ઘટસ્ફોટ થઈ રહ્યા છે. ત્યારે હવે રાજકોટમાં પણ નશાનો કાળો કારોબાર ચાલી રહ્યો હોવાની વાત સામે આવી છે. રાજકોટમાં અંડર 19માં રમેલો એક ક્રિકેટર ચિઠ્ઠી લખી પોતાનું ઘર છોડી નાસી છૂટ્યો છે, જેથી તેની માતાએ મીડિયાનો સંપર્ક કરી ન્યાયની માગ કરી છે. તેની માતાએ જણાવ્યું હતું કે મારો પુત્ર ડ્રગ્સના રવાડે ચડ્યો છે અને આ ડ્રગ-માફિયાઓની માહિતી પોલીસને આપવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. મારે હવે ન્યાય જોઈએ છે.
વાંચો સમાચાર વિગતવાર

2) ભારતે ઇતિહાસ રચ્યો:કોરોના વેક્સિનના 100 કરોડ ડોઝનો આંક પાર; PM મોદીની સામે બનારસના દિવ્યાંગ અરુણ રોયને 100 કરોડમો વેક્સિનનો ડોઝ અપાયો
100 કરોડ ડોઝ પૂર્ણ કરવાના પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હીમાં રામ મનોહર લોહિયા (RML) હોસ્પિટલ પહોંચ્યા હતા. તેઓ અહીં લગભગ 20 મિનિટ રોકાયા હતા. આ દરમિયાન તેમણે હેલ્થકેર વર્કરો સાથે વાતચીત પણ કરી હતી. કેટલાક દિવ્યાંગો અને હોસ્પિટલ સુરક્ષા કર્મચારીઓ તેમજ અન્ય સ્ટાફ સાથે પણ વાત કરી હતી. અહીં મોદીની સામે બનારસના દિવ્યાંગ અરુણ રોયને 100 કરોડમો ડોઝ આપવામાં આવ્યો હતો. વડાપ્રધાન મોદીએ દેશે કોરોનાની વેક્સિનનો 100 કરોડ આંક પાર કરવા બદલ અભિનંદન પાઠવ્યા છે.
વાંચો સમાચાર વિગતવાર

3) પાટનગરના ગાંધીનગરના પાંચમા મેયરની વરણી, હિતેશ મકવાણા મેયર અને પ્રેમલસિંહ ગોલ ડેપ્યુટી મેયર
ગાંધીનગરમાં કોર્પોરેશનની સામાન્ય સભામાં ગુરૂવારે મેયરની વરણી કરાઇ છે. જ્યારે ડેપ્યુટી મેયર તરીકે પ્રેમલસિંહ ગોલની વરણી કરાઇ છે. નવા મેયર હિતેશ મકવાણા પૂર્વ ધારાસભ્ય પૂનમ મકવાણાના પુત્ર અને ગુજરાતી અભિનેત્રી રોમા માણેકના પતિ છે. ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે પ્રથમવાર બહુમતી મેળવી છે. ત્યારે આજે શહેરના પાંચમા મેયર તરીકે હિતેશ મકવાણાની વરણી કરાઇ છે. જ્યારે પ્રેમલસિંહ ગોલ ડેપ્યુટી મેયર ગાંધીનગરના નવા ડેપ્યુટી મેયર અને જશવંતલાલ પટેલ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બન્યા છે.​​​​ તો શાસક પક્ષના નેતા તરીકે પારુલબેન ઠાકોર અને દંડક તરીકે તેજલબેન નાયીની વરણી કરાઇ છે. ભાજપ ગાંધીનગર શહેર પ્રમુખ રુચિર ભટ્ટે મેન્ડેટ આપ્યો હતો, જ્યારે વોર્ડ નંબર - 6ના કોર્પોરેટર ગૌરાંગ વ્યાસે દરખાસ્ત મૂકી અને વોર્ડ - 4 કોર્પોરેટર ભરત દીક્ષિતે ટેકો જાહેર કર્યો હતો.
વાંચો સમાચાર વિગતવાર

4) સૌરાષ્ટ્રનો પરિવાર સુરતમાં વિખેરાયો:પત્નીએ આપઘાત કરતાં પતિ હૈયાફાટ રુદન કરી 7 વર્ષની પુત્રીને લઈને તાપીમાં કૂદ્યો; પુત્રીનું મોત, પિતા સારવાર હેઠળ
શહેરના સરથાણા વિસ્તારમાં સાવકી પુત્રીને માર મારવાના મુદ્દે દંપતી વચ્ચેના ઝઘડામાં પત્નીએ ઝેર પી લેતાં ગભરાઈ ગયેલા પતિએ જેલ થશે એવું માનીને પુત્રી સાથે કાપોદ્રા નજીક તાપીમાં ઝંપલાવ્યું હતું, જેમાં માછીમારોએ યુવકને બચાવી લીધો હતો, પરંતુ માસૂમ બાળકીનું મોત થયું હતું. બીજી તરફ પત્નીનું પણ મોત થયું હતું. રત્નકલાકાર સંજય ભાણજીભાઈ તળાવિયાની પહેલી પત્ની જલ્પા સાથે ડિવોર્સ થયા હતા.
વાંચો સમાચાર વિગતવાર

5) સંતરામપુરમાં માતમ:રાત્રે એકસાથે 4 યુવાનની અંતિમયાત્રા નીકળતાં આખું નગર હીબકે ચઢ્યું, મેલડી માતાનાં દર્શને જતી વખતે અકસ્માત થયો હતો
સંતરામપુરના ચાર યુવાન આણંદના મલાતજ ગામે મેલડી માતાજીનાં દર્શન કરવા ઇક્કો કારમાં જતા હતા. એ દરમિયાન મહુધા પંથકના મંગળપુર પાટિયા પાસે અજાણ્યા ટ્રેલરચાલકે ઇક્કો ગાડીને ટક્કર મારતાં એ રોડની સાઈડમાં પલટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતમાં ચાર યુવાનનાં કમકમાટીભર્યા મોત નીપજ્યાં હતાં. મંગળવારે રાત્રે સંતરામપુરમાં એકસાથે 4 યુવાનની અંતિમયાત્રા નીકળતાં આખું નગર હીબકે ચઢ્યું હતું અને એક પરિવારના 3 યુવાનનાં મોત થતાં ભોઇ સમાજમાં શોક ફેલાઇ ગયો છે.
વાંચો સમાચાર વિગતવાર

6) કેન્દ્રીય કર્મચારીઓને દિવાળી ગિફ્ટ: સરકારે મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો કર્યો, 1 કરોડથી વધારે કર્મચારી-પેન્શનર્સને લાભ મળશે
કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનર્સો માટે સરકારે આજે ખુશના સમાચાર આપ્યા છે. તેમને દિવાળીની ભેટ સ્વરૂપે મોંઘવારી ભથ્થું વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કેબિનેટ બેઠકમાં આજે કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શન મેળવતા લોકોનું મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો કરવાની મંજૂરી આપવામાં આવી છે.DAમાં 3 ટકાનો વધારો થવાનો અર્થ છે કે હવે મોંઘવારી ભથ્થું (DA) 31% થશે. સરકારના આ નિર્ણયથી 1 કરોડથી વધારે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સને ફાયદો મળશે.નોંધનીય છે કે આ વર્ષે જુલાઈમાં જ સરકારે મોંઘવારી ભથ્થામાં 11 ટકાનો વધારો કરીને એને 28 ટકા કર્યું હતું. આ પહેલાં મોંઘવારી ભથ્થાની ચુકવણી 17 ટકાના દરથી કરવામાં આવતી હતી.
વાંચો સમાચાર વિગતવાર

7) પ્રિયંકા ગાંધી રડી પડ્યાં:આગ્રામાં મૃતક સફાઈકર્મીની પત્નીનાં આંસુ લૂછ્યાં, ગળે મળીને રડી; સફાઈકર્મીનું મોત પોલીસ કસ્ટડીમાં થયું હતું
કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી બુધવારે રાતે 11 વાગે આગ્રામાં મૃતક સફાઈકર્મી અરુણ વાલ્મીકિના ઘરે જઈને તેમની પત્ની અને માતા સાથે મુલાકાત કરી હતી. અરુણનું આગ્રાની પોલીસ કસ્ટડીમાં મોત થયું હતું. પ્રિયંકા તેમના ઘરે અંદાજે 50 મિનિટ રોકાઈ હતી. અરુણની પત્ની સોનમ અને મા કમલાએ રડતાં રડતાં પોલીસે કરેલી ક્રૂરતા જણાવી તો પ્રિયંકાના આંખમાં આંસુ આવી ગયાં હતાં. પ્રિયંકાએ સોનમને ગળે લગાવીને તેને આશ્વાસન આપ્યું હતું. પ્રિયંકાએ પીડિત પરિવારને આર્થિક મદદ અને કાયદાકીય લડાઈમાં સહયોગનું આશ્વાસન આપ્યું છે. એ સાથે જ પરિવારની બંને દીકરીઓનાં લગ્નનો ખર્ચ ઉપાડવાનું પણ આશ્વાસન આપ્યું હતું.
વાંચો સમાચાર વિગતવાર

મહત્વપૂર્ણ સમાચારો માત્ર હેડલાઈનમાં
1) વડોદરા મહેંદી મર્ડર કેસમાં સચિનના 6 દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં પોલીસે કોર્ટમાં રજૂ કર્યો, આરોપીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો કોર્ટે આદેશ કર્યો
2) ગુજરાતમાં ત્રણ કોર્પોરેશન અને ચાર જિલ્લાઓમાં 100 ટકા રસીકરણ થયું, રાજ્યમાં 6.76 કરોડથી વઘુ કોરોનાની રસીના ડોઝ અપાયા
3) નેશનલ અવૉર્ડ વિજેતા ગુજરાતી ફિલ્મ-એક્ટર ચંદ્રકાંત પંડ્યાનું નિધન, રામાયણમાં કર્યો હતો નિષાદ રાજનો રોલ
4) ઘોઘાથી હજીરા પહોંચેલા રો-રો ફેરીના પેસેન્જરોને કડવો અનુભવ થયો, સાડા પાંચ કલાક શીપમાં ગોંધી રખાયા
5) અફઘાનિસ્તાનમાં મહિલા વોલીબોલ ખેલાડીનું માથું ધડથી અલગ કરી દીધું, પરિવારને આપી ધમકી
6) બાંગ્લાદેશે 84 રનથી પાપુઆ ન્યૂ ગિનીને હરાવ્યું, શાકિબ અલ હસન પ્લેયર ઓફ ધ મેચ
7) સુપ્રીમે ખેડૂતોને ઠપકો આપતા કહ્યું- તમને વિરોધ કરવાનો અધિકાર, પરંતુ અચોક્કસ સમય માટે રસ્તા જામ ન કરી શકો
8) ફાઈઝર વેક્સિનનો બૂસ્ટર ડોઝ કોરોના પર 95.6% ઈફેક્ટિવ, 10 હજાર લોકો પર ટેસ્ટ કરવામાં આવ્યો

આજનો ઈતિહાસ
આજથી 13 વર્ષ પહેલાં ISROએ 22 ઓક્ટોબર 2008નાં રોજ ચંદ્રયાન-1નું સફળ લોન્ચિંગ કર્યું હતું. આવું કરનારો ભારત ચોથો દેશ બન્યો હતો. શ્રીહરિકોટાના સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્ર પરથી ચંદ્રયાન-1 લોન્ચ કરાયું હતું. ચંદ્રયાન-1એ આઠ મહિનામાં ચંદ્રના 3000 ચક્કર લગાવ્યા અને 70થી વધુ તસવીરો મોકલી હતી. ચંદ્રયાન-1ની સફળતા બાદ ભારતે ચંદ્રયાન-2 અને મંગલયાન જેવા મિશનને પાર પાડ્યા હતા.

આજનો સુવિચાર
જીવનમાં માત્ર હાંસલ કરવું એ જ સફળતા નથી, બીજાને પ્રેરિત કરવા એ પણ સફળતા છે...

તમારો દિવસ શુભ રહે, કાલે ફરી મળીશું...

અન્ય સમાચારો પણ છે...