• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • DivyaBhaskar Morning Podcast: BJP National Working Committee Meeting In Delhi , 5 Workers Died In Suffocation In Tank Of Pharma Company In Kalol Of Gandhinagar

મોર્નિંગ ન્યૂઝ પોડકાસ્ટ:આજે દિલ્હીમાં ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક, ગાંધીનગરના કલોલમાં ફાર્મા કંપનીની ટાંકીમાં ગૂંગળામણથી 5 મજૂરના મોત

25 દિવસ પહેલા

નમસ્કાર,

આજે રવિવાર, તારીખ 7 નવેમ્બર, કારતક સુદ ત્રીજ

આ મહત્વપૂર્ણ ઘટનાઓ પર રહેશે નજર
1) નવી દિલ્હીમાં ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠકમાં મોદી, રાજનાથ સહિત તમામ દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહેશે, યુપી સહિત પાંચ રાજ્યોની ચૂંટણી મુદ્દે મંથન
2) આજે અફઘાનિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની મેચની હારજીતના આધારે નક્કી થશે કે ટીમ ઈન્ડિયા સેમીફાઈનલ રમશે કે નહીં
3) બંગાળની ખાડીમાં આજે ફરી રાજ્યમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદની શક્યતા
4) રાજકોટ સરકીટ હાઉસ ખાતે રાજ્યસભા સાંસદ અને કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલ કોંગ્રેસના કાર્યકરોને મળશે બાદમાં ચોટીલા ચામુંડા માતાના દર્શન કરશે
5) આજે જસદણ-વિંછીયા તાલુકા સમસ્ત કોળી સમાજનો સ્નેહમિલન સમારોહ, સમૂહ લગ્ન આયોજનની બેઠક પણ મળશે

હવે જોઈએ ગઈકાલના ખાસ સમાચાર
1) કલોલની તુત્સન ફાર્માની ETP પ્લાન્ટની ટાંકીની સફાઈ કરતાં 5 મજૂરોના ગૂંગળામણથી મોત, એકને બચાવવા જતાં બીજા ચારે જીવ ગુમાવ્યો
ગાંધીનગર જિલ્લાના કલોલની ખાત્રજ ખાતે દવા બનાવતી તુત્સન ફાર્મા પ્રાઈવેટ લિમિટેડ કંપનીના દૂષિત પાણીના રિસાઈકલિંગ માટેની ઈટીપી ટેન્કની સફાઈ માટે ઉતારેલા એક મજૂરને બચાવવા માટે એક પછી એક ચાર લોકો અંદર ઉતર્યા હતા. ત્યારબાદ પાંચેય લોકોને જીવ ગુમાવવાનો વખત આવ્યો હતો. આ બનાવની જાણ થતાં ગાંધીનગર ફાયરબ્રિગેડના જવાનોએ તરત ઘટનાસ્થળે દોડી જઈ પાંચેય મૃતદેહને બહાર કાઢ્યા હતા.
વાંચો સમાચાર વિગતવાર

2) આફ્રિકન દેશ સિએરા લિયોનમાં ટ્રકે એક પેટ્રોલ ભરેલા ટેન્કરને ટક્કર મારતાં બ્લાસ્ટ; 91 લોકોનાં મોત, અનેક ઈજાગ્રસ્ત
આફ્રિકન દેશ સિએરા લિયોનની રાજધાની ફ્રીટાઉનમાં એક ફ્યુઅલ ટેન્કરમાં બ્લાસ્ટ થયો છે. આ અકસ્માતમાં 91 લોકોનાં મોત થયા છે. સિએરા લિયોનની નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એજન્સી (NDMA)ના કોમ્યુનિકેશન ડાયરેક્ટર મોહમ્મદ લમરાને બાહે જણાવ્યું હતું કે, આ વિસ્ફોટમાં અનેક લોકો ઘાયલ પણ થયા છે, જેમાંથી કેટલાકની સ્થિતિ ગંભીર છે.
વાંચો સમાચાર વિગતવાર

3) મહારાષ્ટ્રમાં અહમદનગર ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલનો ICU વોર્ડ બળીને ખાખ; 10નાં મોત, આગને કાબૂમાં લેવાનાં ઉપકરણો કોઈ જ કામમાં ન આવ્યાં
મહારાષ્ટ્રમાં શનિવારે સવારે અહમદનગર જિલ્લા હોસ્પિટલમાં ભીષણ આગ લાગી છે. અહેવાલો અનુસાર, હોસ્પિટલ ICUમાં આગ લાગી હતી. આગ બુઝાવવા માટે ફાયરબ્રિગેડની ઘણી ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. બીજી તરફ, ICUમાં દાખલ દર્દીઓને અન્ય સ્થળોએ ખસેડવામાં આવી રહ્યા છે. ICUમાં ઘણા દર્દીઓ હતા, જે વેન્ટિલેટર પર હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ અકસ્માતમાં 10 દર્દીએ જીવ ગુમાવ્યા છે. જોકે વહીવટીતંત્રે એની પુષ્ટિ કરી નથી.
વાંચો સમાચાર વિગતવાર

4) સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને કચ્છના દરિયાઈ વિસ્તારોમાં ચાર દિવસમાં માવઠાંની આગાહી, રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ઠંડી વધશે
નવેમ્બર સુધી રાજ્યના સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને કચ્છના દરિયાકાંઠા વિસ્તારોમાં માવઠું થઈ શકે છે, જ્યારે ઉત્તર-મધ્ય ગુજરાતમાં માવઠાંની શક્યતા નહિવત્ છે. લો-પ્રેશરની અસરથી આગામી બે દિવસમાં રાજ્યમાં વાદળછાયું વાતાવરણ સર્જાવાની વકી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. ઉત્તર-પૂર્વના પવનો ફૂંકાતાં રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ઠંડીનો ચમકારો અનુભવાશે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને કચ્છ સહિત જૂનાગઢ, રાજકોટ, દ્વારકા અને જામનગરમાં તાત્કાલિક જરૂરી પગલાં લઈ ખુલ્લામાં પડેલા અનાજને નુકસાની ન થાય એની તકેદારી રાખવા ચેતવણી આપવામાં આવી છે.
વાંચો સમાચાર વિગતવાર

5) પ્રવાસન સ્થળ માઉન્ટ આબુ 25 હજારથી વધુ ગુજરાતીઓથી ઉભરાયું, હોટલ-રિસોર્ટના ભાવ 5 હજારથી 25 હજાર સુધી પહોંચી ગયા
છેલ્લાં બે વર્ષ દરમિયાન કોરોના મહામારીના લીધે માનસિક તણાવમાં રહેલા ગુજરાતીઓ મોજથી દિવાળીના તહેવારો ઉજવી રહ્યા છે. ત્યારે ગુજરાતીઓના ફેવરિટ પ્રવાસન સ્થળ માઉન્ટ આબુ ગુજરાતના પ્રવાસીઓથી ઉભરાઈ રહ્યું છે. એટલું જ નહીં માઉન્ટ આબુ પાલિકા દ્વારા 5 દિવસનો ખાસ દિવાળી ફેસ્ટિવલ યોજવામાં આવ્યો છે. જેમાં ગુજરાતીઓ ગરબે ઘૂમી રહ્યા છે.
વાંચો સમાચાર વિગતવાર

6) રાજકોટમાં નાગરિક બેંકની હેડ ઓફિસમાં ચીફ મેનેજરે પૈસા જમા કરવાનું કહી રૂ.60 લાખની છેતરપિંડી આચરી, ફરિયાદ દાખલ
રાજકોટના કાલાવડ રોડ ઉપર આવેલી નાગરિક બેંકમાં ચીફ મેનેજર તરીકે ફરજ બજાવતા રવી દિલીપ જોષીએ હેડ ઓફિસમાંથી રૂ. 65 લાખ મંગાવી 60 લાખ રૂપિયાની છેતરપિંડી કર્યાની રિક્વરી મેનેજર હરીપ્રકાશ વોરાએ ફરિયાદ નોંધાવતા માલવિયાનગર પોલીસે ગુનો નોંધી મેનેજરની અટકાયત કરી તેની ધરપકડ કરવા કાર્યવાહી કરી છે.
વાંચો સમાચાર વિગતવાર

7) રાજકોટમાં 5 કરોડના ખર્ચે નદીની વચ્ચે બનશે રામનાથ મહાદેવનું મંદિર, સોમનાથ, દ્વારકા બાદ મહત્વનું યાત્રાધામ તરીકે વિકસાવાશે
શહેરના લાખો લોકોની આસ્થા અને ભક્તિનું પ્રતિક 550 વર્ષથી વધુ પુરાણા રામનાથ મહાદેવ મંદિરનું રૂ.5 કરોડના ખર્ચે રાજ્ય સરકારના પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા પુન:નિર્માણ અને વિકાસ કરવામાં આવશે. જે સોમનાથ અને દ્વારકા બાદ સૌથી મહત્વનું યાત્રાધામ તરીકે આ જગ્યાને વિકસાવવામાં આવશે. જેનું ભૂમિપૂજન ગત દિવાળી કરવામાં આવ્યું હતું અને હાલ તેની નિર્માણ પ્રક્રિયા ચાલુ છે.
વાંચો સમાચાર વિગતવાર

8) રાજ્યમાં સામાન્ય દિવસ કરતાં દિવાળીમાં ઈમર્જન્સી કેસ 21.46 ટકા વધ્યાં, છેલ્લા બે દિવસમાં 108ને અકસ્માતના 1755 કોલ મળ્યા
દિવાળીના તહેવારમાં દાઝવા અને અકસ્માતના કેસોમાં વધારો થતો હોય છે. તે ઉપરાંત શ્વાસ લેવામાં તકલીફની ઘટનાઓ પણ વધુ નોંધાતી હોય છે. આ સમયે 108 ઈમર્જન્સી સર્વિસની કામગીરી સરાહનીય હોય છે. આ વખતની દિવાળીમાં 108 દ્વારા 7888 કેસોને પ્રતિસાદ અપાયો છે. જેમાં દિવાળી અને બેસતા વર્ષના દિવસે 21.46 ટકા ઈમર્જન્સીમાં નોંધાયેલ કેસોના વધારાને કોઈ પણ પ્રકારના અવરોધો વિના પાર પાડવામાં આવ્યાં છે. તે ઉપરાંત આજે ભાઈબીજના દિવસે 27 ટકા જેટલા ઈમર્જન્સી કેસોમાં વધારો થઈ શકવાનું અનુમાન કરવામાં આવ્યું છે. જ્યારે છેલ્લા બે દિવસમાં 108ને રોડ અકસ્માતના 1755 કોલ મળ્યાં છે.
વાંચો સમાચાર વિગતવાર

9) પેટ્રોલ-ડીઝલ પર રાજકારણ ખેલાઈ રહ્યું છે, 12 રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશનું પેટ્રોલ-ડીઝલ પર વેટમાં ઘટાડો કરવાનો ઈનકાર
પેટ્રોલ અને ડીઝલ પરનો ટેક્સ ઘટાડ્યા બાદ કેન્દ્ર સરકારે રાજ્યોને વેટમાં ઘટાડો કરવાની અપીલ કરી હતી, જેથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધુ ઘટાડો થઈ શકે. જ્યારે ભાજપ શાસિત 16 રાજ્યો અને 7 કેન્દ્રશાસિત પ્રદેશો (UT)એ વેટમાં કાપ મૂક્યો હતો, ત્યારે કોંગ્રેસ સહિત અનેક વિપક્ષ શાસિત રાજ્યોએ વેટ ઘટાડવાનો ઇનકાર કર્યો છે. વેટમાં ઘટાડો ન કરવાવાળા 12 રાજ્યો અને એક UTએ તેના પાછળ બજેટ ખરાબ થવાનો હવાલો આપ્યો છે.
વાંચો સમાચાર વિગતવાર

મહત્વપૂર્ણ સમાચારો માત્ર હેડલાઈનમાં
1) અમેરિકામાં મ્યુઝિક ફેસ્ટિવલમાં શો જોવા પહોંચેલી 50 હજાર લોકોની ભીડ બેકાબૂ બની, એકબીજાને કચડીને ભાગ્યા લોકો, 8ના મોત
2) સમીર વાનખેડે અને નવાબ મલિક વચ્ચેનો ગજગ્રાહ, મલિકના નવા આરોપ- NCBએ વસૂલી માટે કર્યું આર્યન ખાનનું અપહરણ, SIT સત્ય સામે લાવશે
3) લોકગાયક કીર્તિદાન ગઢવી પર ભાઈબીજના દિવસે અમેરિકામાં યોજાયેલા કાર્યક્રમમાં ડોલરનો વરસાદ થયો
4) ડીસાના મુડેઠામાં સાતસો વર્ષ જૂની પરંપરા અકબંધ, ભાઈબીજના દિવસે યોજાય છે અશ્વદોડ, સાત સદી જૂનું બખ્તર આજે પણ પહેરાય છે
5) ગુજરાતી ફિલ્મ એક્ટ્રેસની ઘરે દારૂની મહેફિલ માણતા પકડાયેલો મિતેશ રબારી અમદાવાદ ભાજપનો અગ્રણી નીકળ્યો, નવી ફિલ્મને લઇને પાર્ટી યોજી હતી
6) રાજકોટના યુવાને રૂ.7 લાખના ખર્ચે 20થી 25 દિવસ સુધી સતત મહેનત કરી રસ્તા પર ચાલતી મિની ટ્રેન બનાવી
7) સૂર્યવંશીનું 27 કરોડનું ધમાકેદાર ઓપનિંગ કલેક્શન, ખેડૂતોના વિરોધ બાદ પંજાબનાં ઘણાં થિયેટરોમાં ફિલ્મ રિલીઝ થઈ નથી

આજનો ઈતિહાસ
ડચ ઈસ્ટ ઈન્ડિયા કંપનીનું જહાજ વર્ષ 1711માં આજના દિવસે 300 ચાલક દળ સાથે ડુબી ગયું હતું, આ ઘટનામાં તમામ 300 લોકોના મોત થયા હતા.

આજનો સુવિચાર
જેનામાં એકલા ચાલવાનો જુસ્સો હોય છે, એક દિવસ તેના પાછળ કાફલો હોય છે...

તમારો દિવસ શુભ રહે, કાલે ફરી મળીશું...

અન્ય સમાચારો પણ છે...