• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • DivyaBhaskar Morning Podcast: Bill To Repeal All Three Agriculture Laws Passed In Both The Houses Of Parliament, Moderate To Moderate Rainfall Forecast For Gujarat Today

મોર્નિંગ ન્યૂઝ પોડકાસ્ટ:સંસદનાં બંને ગૃહમાં કૃષિના ત્રણેય કાયદા પરત લેવાનું બિલ પાસ, ગુજરાતમાં આજે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી

2 મહિનો પહેલા

નમસ્કાર,

આજે મંગળવાર, તારીખ 30 નવેમ્બર, કારતક વદ અગિયારસ.

આ મહત્ત્વપૂર્ણ ઘટનાઓ પર રહેશે નજર
1) ભાસ્કર ગ્રુપના ભૂતપૂર્વ ચેરમેન સ્વ. રમેશચંદ્ર અગ્રવાલના 77મા જન્મદિને ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર સહિતનાં 8 રાજ્યમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન
2) આજે રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, દીવ, દમણ અને દાદરા અને નગર- હવેલીમાં વરસાદની આગાહી

હવે જોઈએ ગઈકાલના ખાસ સમાચાર
1) રાજ્યસભામાંથી 12 સાંસદ સસ્પેન્ડ, ચોમાસુ સત્રમાં માર્શલ્સ પર હુમલો કરવાનો આરોપ; કોંગ્રેસ, શિવસેના,TMC અને લેફ્ટના નેતાનો સમાવેશ
સંસદના શિયાળુ સત્રના પ્રથમ દિવસે જ વિપક્ષના 12 સાંસદોને રાજ્યસભામાંથી સસ્પેન્ડ કરાતા સમગ્ર સત્રમાં તેઓ પરત ફરી શકશે નહીં. સસ્પેન્ડ કરાયેલા સાંસદોમાં કોંગ્રેસના છ, TMC તથા શિવસેનાના બે-બે જ્યારે CPM અને CPIના એક-એક સાંસદનો સમાવેશ થાય છે. ચોમાસુ સત્રના અંતિમ દિવસે એટલે કે 11 ઓગસ્ટના રોજ સુરક્ષા દળો સાથે અયોગ્ય વર્તણૂંક કરવા બદલ આ કાર્યવાહી કરવામાં આવી છે. રાજ્યસભાના ઉપસભાપતિ હરિવંશે સસ્પેન્ડ કરાયેલા સાંસદોના નામ જાહેર કર્યાં છે.
વાંચો સમાચાર વિગતવાર

2) ફાયર સેફ્ટી મામલે ગુજરાત હાઇકોર્ટનું આકરું વલણ, જરૂર પડ્યે અમુક હાઇરાઈઝ બિલ્ડિંગ તોડી પાડો, BU અને ફાયર NOC વિનાની ઇમારતો સીલ કરો
ફાયર સેફ્ટી મામલે સોમવારે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. જેમાં ચીફ જસ્ટિસ અરવિંદકુમાર અને જસ્ટિસ આશુતોષ શાસ્ત્રીએ માત્ર ફાયર સેફ્ટીની અમલવારી અને BU (બિલ્ડિંગ યુઝ પરમિશન) વિનાના બાંધકામોને લઈ સત્તાધીશોની કામગીરી સામે પણ અસંતોષ વ્યક્ત કર્યો હતો. તેમજ નિર્દેશ કર્યો કે, કાયદાનું પાલન ન કરતી હોય તેવી કેટલીક હાઇરાઈઝ બિલ્ડિંગને તોડી પાડવામાં આવે, જેથી એક દાખલો બેસાડી શકાય.
વાંચો સમાચાર વિગતવાર

3) બનાસકાંઠાના શિહોરીમાં પુત્રના પ્રેમની સજા માતા અને માસૂમને મળી, ભરચક વિસ્તારમાં ધોળા દિવસે દાદી-પૌત્રની હત્યા
બનાસકાંઠાના શિહોરી ગામમાં સોમવારે ધોળા દિવસે દાદી અને પૌત્રની હત્યા કરાઈ હતી. રહેણાક મકાનમાં દાદી-પૌત્રની નિર્મમ હત્યા કરી અજાણ્યા શખસ ફરાર થઈ ગયા હતા. આ ઘટનાની જાણ પોલીસને કરાતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચી અજાણ્યા હત્યારાઓ પગેરું શોધવાના પ્રયાસો હાથ ધર્યા છે. જોકે મૃતકના જેઠની ફરિયાદ મુજબ આ હત્યામાં મૃતકના પુત્રના પ્રેમસંબંધનું વેર રાખી બેચરાજીના શખસે હત્યા કરી હોવાની આશંકા વ્યક્ત કરી છે.
વાંચો સમાચાર વિગતવાર

4) પાટણના બાસ્પા પાસે હિટ એન્ડ રન, અજાણ્યા વાહને ટક્કર મારતાં બાઇક 100 ફૂટ દૂર ફંગોળાતાં મહિલા સહિત 3નાં મોત
પાટણ જિલ્લામાં હિટ એન્ડ રનનો એક બનાવ બન્યો હતો. જેમાં સમી તાલુકાના બાસ્પા ગામ નજીક રવિવારે મોડી રાત્રે કોઈ અજાણ્યા વાહનચાલકે બાઈકસવારોને અડફેટમાં લેતા બાઈક સવાર મહિલા સહિત ત્રણ લોકોના ગંભીર ઈજાઓના કારણે ઘટનાસ્થળે કરુણ મોત નિપજ્યા હતા.
વાંચો સમાચાર વિગતવાર

5) ‘ગેંગસ્ટર’ની ફિલ્મના પ્રમોશન માટે સલમાન ખાન ગાંધી આશ્રમમાં આવ્યો, સૂતરની આંટી ગળામાંથી કાઢી હાથમાં લપેટી
બોલિવૂડ અભિનેતા સલમાન ખાન પોતાની નવી ફિલ્મ ‘અંતિમ’ના પ્રમોશન માટે સલમાન ખાન અમદાવાદ પહોંચ્યા હતા. સલમાને સાબરમતી ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી. 10 મિનિટની આ મુલાકાતમાં તેમણે રેંટિયો ચલાવ્યો હતો. ગાંધી આશ્રમ પાસે ચાહકોના ટોળે ટોળા ઉમટ્યાં હતાં. તેમણે સૂતરની આંટી ગળામાં પહેરવાની જગ્યાએ હાથમાં લપેટી હતી.
વાંચો સમાચાર વિગતવાર

6) ખેડૂત આંદોલન અંગે 2 દિવસમાં નિર્ણય:પંજાબના 32 સંગઠન પરત ફરવા તૈયાર, કહ્યું- હવે કોઈ બહાનું રહ્યું નથી; બુધવારે મહત્ત્વની બેઠક યોજાશે
કેન્દ્ર સરકારના 3 કૃષિ સુધારા કાયદા વિરુદ્ધ એક વર્ષથી ચાલી રહેલું ખેડૂતોનું આંદોલન 2 દિવસમાં સમાપ્ત થઈ શકે છે. સોમવારે સિંઘુ બોર્ડર પર પંજાબના 32 ખેડૂત સંગઠનોની બેઠક યોજાઈ હતી. આમાં સ્વદેશ પરત ફરવા માટે સંમતિ આપવામાં આવી છે. જોકે, આખરી નિર્ણય 1 ડિસેમ્બરે લેવામાં આવશે. નિર્ણય લેવા માટે રચાયેલી સંયુક્ત કિસાન મોરચા (SKM)ની 42-સભ્ય સમિતિની ઈમરજન્સી બેઠક હવે 1 ડિસેમ્બરે યોજાશે.
વાંચો સમાચાર વિગતવાર

7) ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચેની પ્રથમ ટેસ્ટ ડ્રો, ઈન્ડિયન બોલર્સ 52 બોલમાં NZની એક વિકેટ ન ખેરવી શક્યા
ઈન્ડિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે કાનપુરમાં રમાયેલી પહેલી ટેસ્ટ મેચ ડ્રો રહી છે. ઈન્ડિયાએ બીજી ઈનિંગમાં કીવી ટીમને જીતવા માટે 284 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેના જવાબમાં કીવી ટીમે છેલ્લા દિવસના અંતે 9 વિકેટના નુકસાને 165 રન કર્યા હતા. ઈન્ડિયન બોલર્સ 52 બોલ ફેંક્યા પણ ન્યૂઝીલેન્ડની છેલ્લી વિકેટ ખેરવી શક્યા ન હતા. આ રોમાંચક મેચના પાંચેય દિવસ બંને ટીમો વચ્ચે રસાકસી ભર્યો જંગ જોવા મળ્યો હતો.
વાંચો સમાચાર વિગતવાર

8) સુરતમાં એકસાથે 75 મુમુક્ષુએ દીક્ષા ગ્રહણ કરી, 14 કરોડપતિ, 8 આખા પરિવાર સહિત ઉચ્ચ અભ્યાસ કરનાર સંયમના માર્ગે
સુરતના વેસુમાં બનાવવામાં આવેલી આધ્યાત્મ નગરીમાં એક સાથે મહિલા, પુરુષો અને બાળકો મળીને કુલ 75 મુમુક્ષુઓએ દીક્ષા ગ્રહણ કરી હતી. આ દીક્ષા મહોત્સવમાં 14 કરોડપતિ, 8 આખા પરિવાર સહિત ઉચ્ચ અભ્યાસ કરનાર સંયમના માર્ગે નીકળ્યા છે. છેલ્લા પાંચ દિવસથી ચાલતા દીક્ષા મહોત્સવની લાખો લોકોએ મુલાકાત લીધી છે. રાજ્યના મુખ્યમંત્રી પણ સુરત આવીને તમામને શુભેચ્છા પાઠવી હતી.
વાંચો સમાચાર વિગતવાર

મહત્ત્વપૂર્ણ સમાચારો માત્ર હેડલાઈનમાં
1) કૃષિના ત્રણેય કાયદાને પરત લેવાના બિલને સંસદનાં બંને ગૃહની મહોર લગાવી, રાષ્ટ્રપતિની મંજૂરી મળતાં ત્રણેય કાયદા રદ થશે
2) USના ચીફ મેડિકલ ઓફિસરે કહ્યું- નવા વેરિયન્ટની જરૂરી માહિતી મેળવવામાં સમય લાગશે, પણ હવે બૂસ્ટર ડોઝ જરૂરી
3) મથુરામાં 3 દિવસમાં 4 વિદેશી પોઝિટિવ; યૂરોપથી 60 લોકો ગ્રુપમાં ફરવા આવેલા, તેઓ જ્યાં રોકાયા તે બિલ્ડિંગ કન્ટેનમેન્ટ ઝોન જાહેર
4) સુરતમાં રૂમમાંથી પતિ ફાંસો ખાધેલી અને પત્ની સૂતેલી હાલતમાં મૃત મળી, પત્નીની હત્યા બાદ પતિના આપઘાતની આશંકા
5) રાજકોટની હોસ્પિટલમાં નાકના મસાના ઓપરેશન બાદ યુવાનનું મોત થતાં સંબંધીએ તબીબને લાફો ઝીંક્યો, ડોક્ટરની બેદરકારીનો આક્ષેપ
6) ઓમિક્રોન સામે લડવા રાજકોટ તૈયાર, સિવિલ હોસ્પિટલ 840 બેડ, 7 ઓક્સિજન પ્લાન્ટ, 400 જેટલાં વેન્ટિલેટર સાથે સજ્જ
7) પાટણ એસપી કચેરી સંકુલમાં પિતાએ ચાર સંતાનો સાથે ઝેરી દવા પી સામૂહિક આપઘાતનો પ્રયાસ કર્યો
8) વડોદરામાં મહિલા સુરક્ષા સમિતિના ચેરપર્સને રેલવે DySPને મળ્યાં, કહ્યું: 'બળાત્કારીને જાહેરમાં ગોળી મારવાની સજાનો કાયદો લાવવો જોઇએ'
9) અમદાવાદમાં વૃદ્ધાને ઢસડીને લઇ જવાના કેસમાં ચાંદખેડાના 6 પોલીસકર્મીઓને DCPએ સસ્પેન્ડ કર્યા, PI કે.વી પટેલ સામે ખાતાકીય તપાસ

આજનો ઈતિહાસ
ઈંગ્લેન્ડ અને સ્કોટલેન્ડ વચ્ચે વર્ષ 1872માં આજના દિવસે પ્રથમ આંતરરાષ્ટ્રીય ફૂટબોલ મેચ રમાઈ હતી, બન્ને ટીમ પૈકી કોઈ એક પણ ગોલ કરી શકી ન હતી

આજનો સુવિચાર
સમય, સત્તા, સંપત્તિ અને શરીર સાથ આપે કે ન આપે પરંતુ સ્વભાવ, સમજદારી અને સાચો સંબંધ હંમેશા સાથ આપે છે...

તમારો દિવસ શુભ રહે, કાલે ફરી મળીશું...

અન્ય સમાચારો પણ છે...