મોર્નિંગ ન્યૂઝ પોડકાસ્ટ:ભૂપેન્દ્ર પટેલ ગુજરાતના 17મા મુખ્યમંત્રી બન્યા, સૌરાષ્ટ્રમાં મેઘો ઓળઘોળ, સમગ્ર રાજ્યમાં આજે ભારે વરસાદની આગાહી

એક મહિનો પહેલા

નમસ્કાર,

આજે મંગળવાર, તારીખ 14 સપ્ટેમ્બર, ભાદરવા સુદ આઠમ, હિંદી દિવસ

આ મહત્ત્વપૂર્ણ ઘટનાઓ પર રહેશે નજર
1) આજે અલીગઢમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્વતંત્રતા સેનાની રાજા મહેન્દ્રપ્રતાપના નામે નવી યુનિવર્સિટીનું ભૂમિ પૂજન કરશે
2) આજે સાંજે મુખ્યમંત્રી નિવાસે ભાજપ પાર્લમેન્ટરી બોર્ડની બેઠકમાં ભૂપેન્દ્ર પટેલ મંત્રીમંડળનાં સભ્યોનાં નામોની ચર્ચા થશે
3) ગુજરાતમાં ભાદરવો ભરપૂર, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં આજે ભારે વરસાદની આગાહી
4) ભારે વરસાદને કારણે રાજકોટ અને જૂનાગઢ જિલ્લામાં તમામ સ્કૂલો બંધ રાખવા જિલ્લા શિક્ષણાધિકારીનો આદેશ

હવે જોઈએ ગઈકાલના ખાસ સમાચાર
1) શપથવિધિ બાદ નવા CM ભૂપેન્દ્ર પટેલે પહેલી જ મિટિંગ પૂર ઈમરજન્સીની કરવી પડી, સૌરાષ્ટ્રના વરસાદ-રાહત કાર્યની સમીક્ષા કરી
ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકેના શપથ લીધા બાદ ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી કાર્યાલય પહોંચ્યા હતાં. અહીં તેમણે સૌથી પહેલી મિટિંગ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદના કારણે ઉદભવેલી ઈમરજન્સીની સ્થિતિની કરવી પડી હતી. તાકીદે બોલાવેલી આ બેઠકમાં જ તેમણે જામનગરમાં જરૂરી પગલાં અંગે જિલ્લા કલેક્ટરને સૂચનાઓ આપી હતી. મુખ્યમંત્રી તરીકે 2.20 મિનિટે સમયસર શપથ ગ્રહણ કર્યા હતા. શપથ લીધા બાદ તરત ભૂપેન્દ્ર પટેલ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને મળવા પહોંચ્યા હતા. શપથવિધિ દરમિયાન વિજય રૂપાણી, નીતિન પટેલ સહિતના પૂર્વ મંત્રીઓ હાજર રહ્યા હતા. એ ઉપરાંત ભૂપેન્દ્ર પટેલનો પરિવાર પણ ઉપસ્થિત રહ્યો હતો.
વાંચો સમાચાર વિગતવાર

2) ધંધૂકા-બગોદરા રોડ પર ઊભેલી ટ્રક પાછળ પૂરપાટ આવી રહેલી ઇકો કાર ઘૂસી, ઘાટલોડિયાની ત્રણ સહિત 4 મહિલાનાં મોત
અમદાવાદ જિલ્લાના ધંધૂકા-બગોદરા રોડ પર આવેલા હરિપુરા પાટિયા પાસે સોમવારે વહેલી સવારે ઇકો કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં કારમાં બેઠેલી ચાર મહિલાનાં ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યાં હતાં, જ્યારે બે વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ઇકો કાર પૂરઝડપે જતી હતી અને એ આગળ ઊભેલી ટ્રક પાછળ ઘૂસી જતાં અકસ્માત સર્જાયો હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે.
વાંચો સમાચાર વિગતવાર

3) રાજકોટમાં પેલિકન ફેક્ટરીના માલિકની કાર અંગે કલેક્ટરે કહ્યું- લાપતા બે વ્યક્તિને શોધવા પોરબંદર નેવીની ટીમ રાજકોટ આવવા રવાના
રાજકોટ જિલ્લામાં અવિરત વરસાદથી પૂર આવતા ખીરસરા પાસેના છાપરા ગામ નજીક પેલિકન ફેક્ટરીના માલિકની i 20 કાર પાણીના વહેણમાં તણાઈ ગઈ હોવાનો વીડિયો સામે આવ્યો છે. કલેક્ટર અરુણ મહેશ બાબુએ જણાવ્યું હતું કે, પોરબંદરથી નેવીની ટીમની મદદ માંગવામાં આવી છે. અને આ માટે નેવીની ટીમ રાજકોટ આવવા રવાના થયેલી છે. ઉલ્લેખનીય છે કે કારમાં કુલ 3 લોકો સવાર હતા જેમાંથી 2 લોકોની હજુ સુધી શોધખોળ ચાલુ છે. હાલ પ્રાંત અધિકારી, SDRF અને NDRFની ટીમ દ્વારા સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે. ડ્રોનની મદદથી પણ સર્ચ કરવામાં આવ્યું હતું છતાં કાર અંગેની વિગત મળી નથી.
વાંચો સમાચાર વિગતવાર

4) કાલાવડમાં 14 ઇંચ, જામનગરમાં બે કલાકમાં 4 ઇંચ ખાબક્યો, જામનગર-રાજકોટ હાઈવે બંધ, ગામના ગામ બેટમાં ફેરવાયા
જામનગર જિલ્લો કે જે હાલાર પંથકથી ઓળખાય છે, ત્યાં મેઘરાજાના રૌદ્ર રૂપના કારણે ભયાનક સ્થિતિનું નિર્માણ થયું છે. જામનગર જિલ્લામાંના ગામડાઓમાં તો ઘરના ઘર ડૂબી ગયા છે. લોકો જીવ બચાવવા ઝઝૂમી રહ્યા છે, તેવી હાલત થઇ છે. તંત્ર પણ લાચાર છે, માણસો પણ કુદરતના કોપ સામે લાચાર બની ગયા છે. હાલાર અત્યારે લાચાર છે. જામનગર-રાજકોટ હાઈવે બંધ કરવામાં આવ્યો છે. ભારે વરસાદના પગલે જિલ્લામાં ગામના ગામ બેટમાં ફેરવાયા છે. કાલાવડમાં 14 ઇંચ વરસાદ નોંધાયો છે. છેલ્લા બે કલાકમાં જામનગરમાં 4 ઇંચ વરસાદ ખાબક્યો છે.
વાંચો સમાચાર વિગતવાર

5) જયપુરમાં ગડકરીનો કટાક્ષ- MLA મંત્રી ન બન્યા તેથી દુઃખી, મંત્રી મુખ્યમંત્રી ન બની શકવાથી દુઃખી; CM એટલા માટે દુઃખી કેમકે ખબર નથી ખુરશી ક્યાં સુધી રહેશે
રાજસ્થાન વિધાનસભામાં એક સેમિનારને સંબોધન કરતા કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ પોતાની પાર્ટી ભાજપ સહિત તમામ નેતાઓ પર કટાક્ષ કર્યો છે. તેઓએ કહ્યું કે સમસ્યા બધાંને હોય છે. દરેક લોકો દુઃખી છે. MLA એટલા માટે દુઃખી છે કેમકે તે મંત્રી ન બની શક્યા. મંત્રી બની ગયા તો તેઓ એટલા માટે દુઃખી છે કે સારો પોર્ટફોલિયો ન મળ્યો અને જે મંત્રીઓને સારું ખાતું મળ્યું છે તો તેઓ એટલા માટે દુઃખી છે કેમકે મુખ્યમંત્રી ન બની શક્યા. મુખ્યમંત્રી પણ દુઃખી છે તે એટલા માટે દુઃખી છે કેમકે તેમને ખબર નથી કે તેઓ આ પદ પર ક્યાં સુધી રહેશે.
વાંચો સમાચાર વિગતવાર

6) અલીગઢમાં ભાજપ કાર્યકર્તાઓએ AMUમાંથી ઝીણાની તસવીર હટાવવા પ્રદર્શન, ગાંધીપાર્ક બસસ્ટેન્ડના ટોઇલેટમાં લગાવાયો ફોટો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 14 સપ્ટેમ્બરે અલીગઢ આવી રહ્યા છે. આ પહેલાં અલીગઢ મુસ્લિમ વિશ્વવિદ્યાલય(AMU)માં લાગેલી પાકિસ્તાનના જનક મોહમ્મદ અલી ઝીણાની તસવીર પર વિવાદ વધી રહ્યો છે. ભાજપના કાર્યકર્તાઓએ રવિવારે સાંજે AMUમાંથી ઝીણાની તસવીર હટાવવાને લઈ ડીએસ કોલેજમાં દેખાવો કર્યા. એ પછી તેમણે ઝીણાની તસવીર પબ્લિક ટોઇલેટમાં લગાવી દીધી. તેમણે વધુમાં કહ્યું હતું કે ભારતના ટુકડા કરનાર ઝીણાની તસવીરને AMUમાંથી હટાવવામાં આવે. એ પછી આ મામલો ગરમાવા લાગ્યો અને એનો વિરોધ શરૂ થઈ ગયો છે.
વાંચો સમાચાર વિગતવાર

7) BCCIએ T-20 વર્લ્ડ કપ પછી વિરાટને દૂર કરવાની વાત નકારી કાઢી, કહ્યું- દરેક ફોર્મેટમાં કોહલી જ કેપ્ટન રહેશે
T-20 વર્લ્ડ કપ પછી વિરાટ કોહલી જ લિમિટેડ ઓવરનો કેપ્ટન રહેશે. BCCIએ વિરાટ કેપ્ટનશિપ છોડશે એવા તમામ સમાચારો અને માહિતીઓની ખંડણી કરી છે. BCCIના કોષાધ્યક્ષ અરુણ ધૂમલે ભાસ્કર સાથેની વાતચીત દરમિયાન વિરાટ કોહલી વર્લ્ડ કપ પછી કેપ્ટનશિપ છોડી શકે છે એ વાતને નકારી કાઢી હતી. ઉલ્લેખનીય છે કે ટાઇમ્સ ઓફ ઈન્ડિયાના એક અહેવાલમાં દાવો કરાયો હતો કે કેપ્ટન વિરાટ કોહલી બેટિંગ પર ફોકસ કરવા માટે લિમિટેડ ઓવરની કેપ્ટનશિપ રોહિત શર્માને સોંપી દેશે. આ સમાચાર BCCIના સૂત્રોના આધારે પ્રકાશિત કરાઈ હતી અને વર્લ્ડ કપ પછી કોહલી કેપ્ટનશિપ છોડી પોતાની બેટિંગ પર ફોકસ કરી શકે છે એ વાતનો પણ ઉલ્લેખ કરાયો હતો.
વાંચો સમાચાર વિગતવાર

મહત્વપૂર્ણ સમાચારો માત્ર હેડલાઈનમાં
1) કોવેક્સિનને આ સપ્તાહે જ મળી શકે છે WHOની મંજૂરી; વિશ્વભરમાં એક્સપોર્ટ થઈ શકશે
2) તાલિબાનના નંબર 2 અને અફઘાનિસ્તાનના ડેપ્યૂટી PM બરાદરે ઓડિયો જાહેર કરી મોતના સમાચારોનું ખંડન કર્યું, કહ્યું- સ્વસ્થ છું
3) વરિષ્ઠ કોંગ્રેસ નેતા ઓસ્કર ફર્નાડિસનું અવસાન, ઘણા દિવસથી હોસ્પિટલમાં દાખલ હતા
4) ભારતને આ મહિને જ સ્વિસ બેંકોના ભારતીય ખાતેદારોની માહિતીનો ત્રીજો સેટ મળશે, પહેલી વખત ફ્લેટ-એપાર્ટમેન્ટની ડિટેલ હશે
5) મુખ્યમંત્રીનો હોદ્દો છોડવો મારા માટે સહજ હતો, કશું શાશ્વત નથી ને ભાજપના વિજય માટે વિજય કામ કરતો રહેશે: રૂપાણી
6) જામનગરમાં કોઈએ ખભા પર તો કોઈએ સામા પ્રવાહમાં જઈ લોકોને બચાવ્યા, એરફોર્સ, SDRF અને ફાયરબ્રિગેડની ટીમ બચાવ કામગીરીમાં લાગી
7) તાલિબાનીનો દાવો- પંજશીરથી ફરાર વિદ્રોહી નેતા સાલેહના ઘરે 18 સોનાની ઈંટ અને 48 કરોડ રૂપિયા મળ્યા

આજનો ઈતિહાસ

આજે હિંદી દિવસ છે. આજના દિવસે જ 1949માં હિંદીને ભારતની રાજભાષાનો દરજ્જો આપવામાં આવ્યો હતો.

અને આજનો સુવિચાર
ખુશ રહેવા માટે ભૂલ ને ભૂલતા શીખો, પછી એ આપણી હોય કે બીજા કોઈ ની!

તમારો દિવસ શુભ રહે, કાલે ફરી મળીશું...

અન્ય સમાચારો પણ છે...