તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોર્નિંગ ન્યૂઝ પોડકાસ્ટ:આજે ટોક્યો પેરોલિમ્પિકમાં ગુજરાતી ભાવિના પટેલની ગોલ્ડ મેડલ મેચ, ઇંગ્લેન્ડે એક ઈનિંગ અને 76 રનથી ઈન્ડિયાને હરાવ્યું

22 દિવસ પહેલા

નમસ્કાર,

આજે રવિવાર, તારીખ 29 ઓગસ્ટ, શ્રાવણ વદ સાતમ એટલે કે શીતળા સાતમ

આ મહત્વપૂર્ણ ઘટનાઓ પર રહેશે નજર
1) ટોક્યો પેરાલિમ્પિકમાં આજે ગુજરાતી ટેબલ ટેનિસ પ્લેયર ભાવિના પટેલ ગોલ્ડ મેડલ જીતવા મેદાને ઉતરશે
2) અંકલેશ્વરના ભારત બાયોટેક પ્લાન્ટની ગુજરાતમાં બનેલી COVAXINની સૌપ્રથમ બેચ મનસુખ માંડવિયા રિલીઝ કરશે
3) કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે AMCના પદાધિકારીઓ અને ચૂંટાયેલી પાંખ સાથે બેઠક યોજશે, વિકાસના કામોનું રિવ્યુ મેળવશે
4) રાજકોટના પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ હોલ ખાતે સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરની હાજરીમાં વિવિધ રમતના ખેલાડીઓનું સન્માન કરાશે
5) સાતમ-આઠમના તહેરવારને લઈને રાજ્યમાં આજથી બે દિવસ વેક્સિનેશન બંધ રહેશે

હવે જોઈએ ગઈકાલના ખાસ સમાચાર
1) મહેસાણાની ભાવિના પટેલ ગોલ્ડ મેડલ માટે રમશે, તેના પિતા કટલરીની દુકાન ચલાવે છે, પરિવારને આર્થિક મદદ કરવા અમદાવાદ સિવિલમાં જોબ પણ કરી

મહેસાણાના સુંઢિયા ગામની દિવ્યાંગ દીકરીએ અનેક મુશ્કેલીઓ વેઠીને આજે આંતરરાષ્ટ્રીય કક્ષાએ પોતાનું નામ રોશન કર્યું છે. ટોક્યોમાં ચાલતી પેરાલિમ્પિકમાં ટેબલ ટેનિસ ટૂર્નામેન્ટમાં ભાવિના પટેલે ફાઇનલમાં પ્રવેશ કર્યો છે અને હવે તે ગોલ્ડ મેડલ જીતવાથી માત્ર એક પગલું જ દૂર છે. ભાવિના પટેલના પિતા ખેડૂત છે અને તેઓ કટલરીની દુકાન ચલાવી પરિવારનું ગુજરાન કરી રહ્યા છે. પરિવારની સ્થિતિ સારી ન હોવા છતાં અન્ય પાસેથી નાણાંની મદદ લઈ દીકરીને અભ્યાસ અર્થે અમદાવાદ મોકલી હતી. ભાવિના પણ પિતાના આર્થિક ભારણને ઓછું કરવા અમદાવાદ સિવિલમાં નોકરી કરવા લાગી હતી.
વાંચો સમાચાર વિગતવાર

2) અમદાવાદમાં ઓનલાઇન ભણતી સગીરાએ પોતાના ગુપ્ત ભાગના ફોટોઝ સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યા, માતા-પિતાને જાણ થતાં બન્નેને હાર્ટ-એટેક આવ્યો
ઓનલાઈન અભ્યાસના બહાને અમદાવાદની એક સગીરા રૂમમાં એકલી રહીને પોતાના ગુપ્ત ભાગના ફોટોઝ ઈન્સ્ટાગ્રામ પર અપલોડ કરતી હતી. તે પોતાની માસીની દીકરીને પણ આવું કરવા જણાવતી હતી. તેનાં માતા-પિતાને આ બાબતની જાણ થતાં જ બંનેને હાર્ટ-એટેક આવ્યો હતો. તેમની સમજાવટ બાદ પણ સગીરાએ આ હરકતો ચાલુ રાખતાં માતાએ દીકરીને સમજાવવા મહિલા હેલ્પલાઇન અભયમ્ 181ની મદદ લીધી હતી.
વાંચો સમાચાર વિગતવાર

3) મારા શબ્દો લખીને રાખજો...:જ્યાં સુધી દેશમાં હિન્દુઓની બહુમતી છે ત્યાં સુધી જ બંધારણ અને કાયદો છે, જો હિન્દુઓની સંખ્યા ઘટી તો કશું બાકી નહીં રહે: નીતિન પટેલ
ગાંધીનગરમાં ગુજરાતના પહેલા ભારત માતાના મંદિરનું નિર્માણ કરાયું છે. ત્યાં નાયબ મુખ્યમંત્રી આપેલું નિવેદન સોશિયલ મીડિયામાં વાઈરલ થયું છે. તેઓ કહે છે કે, દેશમાં બંધારણ, ધર્મનિરપેક્ષતા અને કાયદાની વાત છે ત્યાં સુધી જ ચાલશે, જ્યાં સુધી હિંદુ બહુસંખ્યક છે. જો હિંદુઓની સંખ્યા ઘટી તો એ દિવસે ના કોઈ કોર્ટ-કચેરી હશે, ના કોઈ કાયદો હશે. ભારત માતાની મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવના ધર્મસભાનું આયોજન કરાયું હતું. તેમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ તેમજ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા, VHP અને RSSના ટોચના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.
વાંચો સમાચાર વિગતવાર

4) 30 સપ્ટેમ્બર સુધી અમદાવાદ શહેર અને જિલ્લામાં રસીકરણનો પહેલા ડોઝનો સો ટકા લક્ષ્યાંક પ્રાપ્ત કરો: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ
અમદાવાદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કેન્દ્રીય ગૃહ મંત્રી અને ગાંધીનગર લોકસભા સાંસદ અમિત શાહના અધ્યક્ષ સ્થાને મળેલી દિશા મોનિટરિંગ સમિતિની બેઠકમાં જિલ્લાના પ્રજાલક્ષી પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી. ત્યારે અમદાવાદ શહેર-જિલ્લામાં 30મી સપ્ટેમ્બર સુધીમાં પ્રથમ ડોઝના રસીકરણનો લક્ષ્યાંક 100% સિદ્ધ કરવા તાકીદ કરી હતી. દિશા સમિતિની બેઠકમાં જિલ્લાના વરિષ્ઠ અધિકારી અને પદાધિકારીઓની ઉપસ્થિતિમાં વિકાસકાર્યોની વિગતે સમીક્ષા હાથ ધરવામાં આવી હતી.
વાંચો સમાચાર વિગતવાર

5) અમદાવાદમાં પતિને સુંદર-સુશીલ પત્નીનો પ્રેમ નહીં લક્ઝુરિયસ કાર જોઈતી હતી, ત્રાસથી લગ્નના 3 મહિનામાં જ આપઘાત
અમદાવાદ જેવા મોટા શહેરમાં પણ આજે પણ દહેજ અને પહેરવેશ માટે પરિણીતાને પરેશાન કરતી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. પટનાના નાના ગામમાંથી 3 મહિના પહેલાં અમદાવાદ લગ્ન કરીને આવેલી પ્રીતિને સાસરિયાં સતત દહેજ માટે માગણી કરતા એટલું જ નહીં તેના પહેરવેશ માટે મેણા મારતા હતા. સતત માનસિક ત્રાસમાં રહેતી પ્રીતિએ આત્મહત્યા કરી લીધી હતી. આ અંગે અમરાઈવાડી પોલીસે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
વાંચો સમાચાર વિગતવાર

6) સરકારે દુષ્કાળની તૈયારી શરૂ કરી, સાંસદો અને ધારાસભ્યો પણ પોતાના વિસ્તાર માટે સચિવાલયમાં આવીને પાણી માંગી રહ્યાં છે
ગુજરાતમાં આ વર્ષે ચોમાસુ પણ નિષ્ફળ જઈ રહ્યું હોવાથી નદી, તળાવો અને ડેમોમાં પાણી ખૂટી રહ્યા છે, જેના કારણે ખેતી માટેનું પાણી બંધ કરી માત્ર પીવાનું પાણી આપવા સરકારે નિર્ણય કરતા ખેડૂતોની સ્થિતિ કફોડી બની ગઇ છે. રાજ્યના વિવિધ જિલ્લામાંથી પાણીના પોકાર ઊભા થયા છે. રાજ્યમાં ચોમાસાના વરસાદમાં 45 ટકાની ઘટ હોવાથી ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ અને અમદાવાદમાં પરિસ્થિતિ ગંભીર બની રહી છે. જેના કારણે સચિવાલયમાં પણ ધારાસભ્યો અને સાંસદો પોતાના વિસ્તારમાં પાણી આપો, પાણી આપોની રજૂઆતો કરવા દોડી રહ્યાં છે.
વાંચો સમાચાર વિગતવાર

7) અમદાવાદના વેપારી સાથે પ્રેમિકાએ બોલવાનું બંધ કર્યું તો તાંત્રિક વિધિનો સહારો લીધો, તાંત્રિકે 43 લાખ પડાવી લીધા
અમદાવાદમાં ઇલેક્ટ્રિકની દુકાન ધરાવતા વેપારીએ પોતાની પ્રેમિકા બોલતી ન હતી, એટલે તેણે તાંત્રિક વિધિનો સહારો લીધો. આ વિધિથી પ્રેમિકા તો ન મળી પણ તાંત્રિકે વેપારીને 43.65 લાખનો ચૂનો લગાવી ગયો છે. તાંત્રિકે રોકડ અને નેટબેંકિંગથી વેપારી પાસેથી રૂપિયા પડાવી લીધા બાદ પણ પ્રેમિકા ન મળતા તેણે ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
વાંચો સમાચાર વિગતવાર

8) ઇંગ્લેન્ડે એક ઈનિંગ અને 76 રનથી ઈન્ડિયાને હરાવ્યું; 5 ટેસ્ટની સિરીઝ 1-1થી બરાબર, રોબિન્સને કુલ 5 વિકેટ લીધી
ઈન્ડિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે 5 ટેસ્ટ મેચની સિરીઝની ત્રીજી મેચ ઇંગ્લિશ ટીમે ઈનિંગ અને 76 રનથી જીતી લીધી છે. લીડ્સના હેડિંગ્લે ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી આ મેચના ચોથા દિવસે ઈન્ડિયન ટીમ 278 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.ઈન્ડિયન ટીમે ચોથા દિવસે 2 વિકેટના નુકસાને 215 રનના સ્કોરથી આગળ રમવાનું શરૂ કર્યું હતું. તેવામાં 63 રન કરતા-કરતા ઈન્ડિયન ટીમે 8 મહત્ત્વપૂર્ણ વિકેટની સાથે મેચ પણ ગુમાવી દીધી હતી. ચોથા દિવસે ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, રિષભ પંત, મોહમ્મદ શમી, ઈશાંત શર્મા, રવીન્દ્ર જાડેજા અને મોહમ્મદ સિરાજ પહેલા સેશનમાં જ પેવેલિયન ભેગા થઈ ગયા હતા.
વાંચો સમાચાર વિગતવાર

9) અમેરિકાએ કાબુલ ધડાકાના માસ્ટરમાઇન્ડને ઠાર કર્યો; પાકિસ્તાન બોર્ડરની નજીક આવેલા નંગરહાર પ્રાંતમાં ડ્રોનથી હુમલો કર્યો
અમેરિકાએ અફઘાનિસ્તાનમાં ISIS-ખુરાસાન(ISIS-K) ગ્રુપનાં ઠેકાણાં પર ડ્રોનથી હુમલા કર્યા છે. આ હુમલા અફઘાનિસ્તાનના નંગરહાર પ્રાંતમાં કરવામાં આવ્યા છે, જે પાકિસ્તાનની સરહદની નજીક આવેલો છે અને જેને ISISનો ગઢ માનવામાં આવે છે. આ અમેરિકી હુમલામાં કાબુલ ધડાકાનો માસ્ટરમાઈન્ડ માર્યો ગયો છે. અમેરિકી રક્ષા વિભાગના હેડક્વાર્ટર પેન્ટાગન તરફથી આ જાણકારી આપવામાં આવી છે.
વાંચો સમાચાર વિગતવાર

મહત્વપૂર્ણ સમાચારો માત્ર હેડલાઈનમાં
1) મધ્ય પ્રદેશમાં આર્થિક તંગીથી તંગ આવી પરિવારે જીંદગી ટૂંકાવી,એન્જિનિયર પિતાએ પહેલાં ટાઇલ્સ કટરથી બાળકોનાં ગળાં કાપ્યાં, પછી પોતે અને પત્નીએ ઝેર પીધું

2) બાઈક સાથે ટક્કર લાગતા 7 લોકોએ આદિવાસી યુવકને ઢોરમાર માર માર્યો; વાહન પાછળ બાંધીને ઢસડતા જીવ ગુમાવ્યો 3) કાબુલ એરપોર્ટના એન્ટ્રી ગેટ પર ફરી ફાયરિંગ, અમેરિકાએ ગઈકાલે જ આતંકી હુમલાનું એલર્ટ આપ્યું હતું 4) નવસારીના ખેરગામ અગાઉ બે પત્ની હોવા છતાં પાડોશી શખ્સે લગ્ન માટે દબાણ કરતાં 21 વર્ષીય યુવતીએ જીવન ટૂંકાવ્યું 5) સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં ગુજરાતનાં મોટા ભાગનાં શહેરોમાં મધ્યમથી હળવો વરસાદ થવાની સ્કાયમેટની આગાહી

આજનો ઈતિહાસ
વર્ષ 1965માં આજના દિવસે પ્રથમ વખત એસ્ટ્રોનોટ અને એક્વાનોટ રેડિયો ટેલિફોન રેડિયો ટેલિફોન સાથે જોડાયા હતા

અને આજનો સુવિચાર
ત્રાજવું બનીને કોઈના લેખાજોખાં કરવા નહીં, ત્રાજવું વજન માપી શકે, ગુણવત્તા નહીં

તમારો દિવસ શુભ રહે, કાલે ફરી મળીશું..

અન્ય સમાચારો પણ છે...